સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૪.૭ કન્યાવિદાય (કાવ્યકૃતિ) : અનિલ જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વિભાગ-૧ : સાહિત્યવિચાર

૪.૭
કન્યાવિદાય : ઉત્કટ લક્ષણાવ્યાપારની કવિતા


કન્યાવિદાય – અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત.

પૈડું સીંચતાં રસ્તો આખો કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે,
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
[‘કદાચ’]

આધુનિક કવિતા સાથે મારો ઘરોબો ઓછો રહ્યો છે તેથી અનિલ જોશીની કવિતામાં ઝાઝો રસ લેવાનું આ પૂર્વે મારાથી બની શક્યું નથી. ‘કન્યાવિદાય’ જેવી થોડીક જાણીતી રચનાઓના સંપર્કમાં મુકાવાનું થયું હોય એ જુદી વાત છે. પરંતુ બે વર્ષ પહેલાં કૉલેજના વિદ્યાર્થીઓને ‘કદાચ’ ભણાવવાનો પ્રસંગ આવ્યો. એ કાવ્યસંગ્રહ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે નિયત થયો હતો. તેનું ઔચિત્ય, અનેક અધ્યાપકોની જેમ, મને પણ વિવાદાસ્પદ લાગ્યું. એ અધ્યાપકોમાં આધુનિક કવિતામાં રસ લેનારા અને આધુનિક કવિતાનું સર્જન કરનારા અધ્યાપકોનો પણ સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓનો આ કવિતાસૃષ્ટિમાં પ્રવેશ કરાવવો એમને મુશ્કેલ લાગ્યો તે ઉપરાંત અનિલની કવિતાનાં ઘણાં સ્થાનો એમની સામે ધારદાર પ્રશ્નાર્થ થઈને ઊભાં રહ્યાં. પરીક્ષામાં વિદ્યાર્થી આ વિષયના પ્રશ્નોમાં ઓછું લખે કે ન લખે તે ચલાવી લેવાની સ્થિતિ પણ આવી. મને લાગ્યું કે આધુનિક કવિતામાં રસ અને સમજ ધરાવતા હોવાનો દાવો કરતા અધ્યાપકોની આ સ્થિતિ હોય તો મારી સ્થિતિ કંઈ બહુ ખરાબ ન કહેવાય. વસ્તુતઃ થોડું જુદું, મને પોતાને આશ્ચર્ય ઉપજાવે એવું પણ બન્યું હતું. અનિલની કવિતામાં કૂટ સ્થાનો તો મને પણ નડ્યાં. પરંતુ વર્ગશિક્ષણનો મારો અનુભવ બીજા અધ્યાપકો પાસેથી જે સાંભળવા મળતું હતું તેને મુકાબલે ઘણો સારો હોવાનું મને લાગ્યું. એ વર્ષના મારા ત્રણે વર્ગો–(ટી. વાય.બી.એ સુધીના)માંથી મને આ વર્ગમાં ભણાવવાની સૌથી વધુ મજા આવી અને મને લાગ્યું કે વિદ્યાર્થીઓને પણ રસ પડ્યો. કૉલેજની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓનું કામ સંતોષકારક લાગ્યું, બાકીના બે વર્ગો કરતાં પણ કદાચ સારું. મૂંઝવણો સાથે પણ અમે માર્ગ કાઢી શક્યા હતા એમ છાપ પડી. કાવ્યસંગ્રહ હાથમાં લેતાં જ મૂંઝવણ તો ઘણી થઈ હતી. સંગ્રહને અંતે જોડેલા (બીજી આવૃત્તિમાં), આધુનિક પ્રવાહોના અભ્યાસી મિત્રોના બે લેખો સૌપ્રથમ વાંચી ગયેલો – આ કાવ્યસૃષ્ટિમાં પ્રવેશવાની ચાવી એમાંથી હાથ લાગે એવી આશાથી. પણ, મારે કહેવું જોઈએ કે, મને સરિયામ નિષ્ફળતા સાંપડી. ઝાઝે ભાગે લપટાં વિધાનોને આશરે અને થોડેક અંશે સ્થૂળ કોટિના વિશ્લેષણની મદદથી ગાડું ગબડતું લાગ્યું. ક્યાંક કથન કવિતા કરતાંયે દુર્બોધ બની જતું લાગ્યું ને ક્યાંક અણસમજ હોવાનો પણ ભાસ થયો. કવિએ સાભાર ઉદ્ધૃત કરેલાં આ વિવેચનોમાં એમના પ્રદાન વિશે પ્રશસ્તિપૂર્ણ ઉદ્‌ગારો જરૂર હતા, પરંતુ એમની કાવ્યસૃષ્ટિની બારીકીઓ વિશે કશો નક્કર પ્રકાશ પડતો ન હતો. મેં મારી કવિતાશિક્ષણનો રાજમાર્ગ જ પકડી લીધો. વિદ્યાર્થીઓને સ્પર્શી શકે તેવી ને ઉત્તમ કવિતાથી શરૂઆત કરવી. સ્વાભાવિક રીતે જ પહેલું કાવ્ય ‘કન્યાવિદાય’ આવે. એ કાળે જ મને અનિલની કવિતાને ઉઘાડવાની ચાવી આપી દીધી. એક મિત્રને આ કાવ્યમાં પરિચિત સંવેદનાઓની અભિવ્યક્તિમાં અમૂર્તતા સિદ્ધ કરવામાં આવેલી હોવાનું જણાયું. મને કાવ્યમાં કેવળ મૂર્તિકરણની પ્રક્રિયા જ દેખાઈ. કન્યાવિદાયનો પ્રસંગ તો આપણી પરંપરાનો એક અત્યંત લાગણીસભર પ્રસંગ. એના વિશેનાં કાવ્યો પણ પ્રાચીનકાળથી મળે છે. કાલિદાસના ‘શાકુન્તલ’નો કન્યાવિદાયનો પ્રસંગ જાણીતો છે, ઘણાનાં હૈયાંમાં વસી ગયેલો છે. ગુજરાતીમાં બોટાદકરે પણ આ પ્રસંગની કરુણતા વેધક રીતે ગાઈ છે અને એમની એ રચના એક સમયે ઘણી લોકપ્રિય બનેલી. એમાં આપણા પરિચિત સંસારનું માર્મિક પણ સીધેસીધું દર્શન હતું. કન્યા ને કન્યાનાં સ્વજનોની લાગણીઓની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ હતી – બહુધા એમના ઉદ્‌ગારો દ્વારા. અનિલના ‘કન્યાવિદાય’માં લાગણીનું સીધું કથન તો નથી જ – ઉદ્‌ગારો તો નથી જ, ઊંહકારો પણ નથી. અરે, આપણને પરિચિત પાત્રો પણ ક્યાં નજરે ચડે છે? એ બધાં કશુંક આવરણ ઓઢીને ઊભાં છે. એક ‘જાન’ શબ્દ માફ, બાકી અહીં ‘વર’ નથી, ‘કન્યા’ નથી, ‘સ્વજનસમુદાય’ નથી, ‘મા’ નથી, ‘બાપ’ નથી. હા, અહીં છે ‘કેસરિયાળો સાફો’, ‘ઘરનું ફળિયું’, ‘રસ્તો, ‘દીવડો’ વગેરે વગેરે. નિરૂપણની આ પરોક્ષતા એ અનિલના ‘કન્યાવિદાય’ની નૂતનતા છે, એની અ-પૂર્વતા છે. લાગણી પણ અહીં અશબ્દ બનીને બેઠી છે. કોઈક ચિત્રકલ્પનમાં પોતાની જાતને ગોપવીને બેઠી છે. આ પરોક્ષ નિરૂપણ કથા કીમિયાથી સિદ્ધ કરવામાં આવ્યું છે? ‘કલ્પન’ નામના જાડામોટા ખાનામાં આ બધાંને નાખી દેવાથી કીમિયાની શોધમાં કશે આગળ જવાતું નથી, આપણે ઠેર ને ઠેર રહીએ છીએ. અંતે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના લક્ષણાવ્યાપારની સ્મૃતિ થતાં અનિલના કલાકસબનો કીમિયો હાથ લાગ્યો હોવાનો અનુભવ થાય છે. ‘કેસરિયાળો સાફો’ તે ‘કેસરિયાળો સાફો પહેરનાર વર’, ‘દીવો’ તે ‘દીવો ધારણ કરનાર માતા.’ આ તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રની જાણીતી ઉપાદાનલક્ષણા. ‘ફળિયું’ તે ‘ફળિયામાં રમતી કન્યા’ આ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની લક્ષણલક્ષણા. અરે, આ ઉપાદાનલક્ષણા અને લક્ષણલક્ષણાનાં ઉદાહરણો છે એમ જાણીએ એટલે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના શિક્ષણમાંયે આપણે ‘કુન્તાઃ પ્રવિશન્તિ’ અને ‘કલિંગઃ સાહસિકઃ’ એ ઉદાહરણોમાંથી છૂટીએ અને લક્ષણાના પ્રયોજનને – કાવ્યગત વ્યંજનાને સમજાવવાનો મનોરમ માર્ગ જડી આવે. ખચિત, ‘કલ્પન’ને સ્થાને ‘લક્ષણા’ના લેબલનો ઉપયોગ કરવામાત્રથી કાવ્યત્વનો ઉઘાડ થતો નથી. લક્ષણાપ્રયોગનો પોતાનો એક ચમત્કાર ઘણી વાર હોય છે, તેમ છતાં લક્ષણાપ્રયોગને ઉકેલીને એના પ્રયોજન સુધી ન પહોંચીએ ત્યાં સુધી કાવ્યનો મર્મ હાથમાં આવતો નથી. લક્ષણાની કેડીએ કાવ્યના મર્મ સુધી પહોંચીએ એમાં આ લક્ષણાવિશ્લેષણની સાર્થકતા છે. તો, ‘કેસરિયાળો સાફો’ ને ‘ઘરનું ફળિયું’ આપણને ક્યાં લઈ જાય છે? ‘કેસરિયાળો સાફો’ તો પરિચિત પરંપરામાંથી આણેલો લાક્ષણિક પ્રયોગ છે. સાફો દમામ અને ગૌરવનો, મસ્તીભરી છટાનો સૂચક, તો કેસરી રંગ મંગલતાનો, આનંદોત્સવનો રંગરાગનો સૂચક. ‘કેસરિયાળો સાફો’ રંગરાગી દમામભર્યા વરરાજાનો આબાદ સંકેત કરે છે. ‘ઘરનું ફળિયું’ એ તળપદો પણ નૂતન લાક્ષણિક પ્રયોગ છે. કન્યાનું ફળિયા સાથેનું તાદાત્મ્ય એમાં સૂચવાય છે. આ કન્યાની ખેલકૂદથી જ ફળિયું જાણે હયાતી ધરાવતું હતું. કન્યાની વિદાય થતાં એ ફળિયું હવે નહીં રહેવાનું. કન્યાવિદાયથી સર્જાતા મોટા અવકાશનું સૂચન આ લક્ષણાપ્રયોગથી અત્યંત સઘનતાથી, તીવ્રતાથી અને કાવ્યમય રીતે થયું છે. ‘કેસરિયાળો સાફો’ અને ‘ઘરનું ફળિયું’ એ લાક્ષણિક પ્રયોગો અહીં છૂટાછૂટા મુકાયા નથી, એ બેને જોડીને ‘સાફો ફળિયું લઈને ચાલે’ એવો એક ત્રીજો જ લાક્ષણિક પ્રયોગ રચાયો છે એ ધ્યાનમાં આવ્યું? દોરદમામ અને નિર્દોષ ખેલકૂદની આ સહોપસ્થિતિમાં – ના, દોરદમામના નિર્દોષ ખેલકૂદ પરના અધિકારસ્થાપનમાં સંગોપાયેલી નારીજીવનની વિષમ ઘટનાના કરુણનો સાક્ષાત્કાર થયો? અનિલ જોશીનાં કાવ્યોમાં લક્ષણાની આવી સંકુલ રચનાઓ વારંવાર આવે છે – લક્ષણા પર લક્ષણા આરોપાય છે અને સંતત લક્ષણાની રચના થાય છે. એમનાં કાવ્યોની કેટલીક દુર્બોધતા આ પ્રકારની લક્ષણારચનાઓને કારણે હોય છે. વ્યંજના ગૂઢ બનતી ચાલે છે ને પરોક્ષતાનો અતિશય અનુભવાય છે. પાદરમાં ઘરચોળાની ભાતને ફફડી ઊઠતી કવિએ કહી છે તે લાક્ષણિક પ્રયોગ તો છે જ, પણ અભિધામાં પણ લઈ શકાય એમ છે. પવનમાં ઘરચોળું અને એની સાથે ભાત ફરફરે જ ને? ‘ફફડી’ શબ્દ અને સમગ્ર કાવ્યનો સંદર્ભ લક્ષણાને અપેક્ષિત કરે છે. ફફડી રહી છે તે તો ઘરચોળાની ભાત નહીં, પણ ઘરચોળાની એ ભાતમાં લપેટાયેલું હૃદય. ઘરચોળાની ભાતમાં લપેટાયેલું માટે નવોઢાનું હૃદય. ઘરચોળું અને એની રંગરંગીન ભાત સ્ત્રીના વધૂત્વના સુખભર્યા નવા જીવનનો સંકેત કરે છે પણ એ સાથે જ સ્ત્રીના મનમાં છે અજાણ્યા પ્રદેશમાં પગ મૂકવા જતાં થતી સંકોચ, લજ્જા, આશંકાની લાગણીઓ. નવવધૂની સંકુલ મનોદશાનું ચિત્ર આ લક્ષણાપ્રયોગમાંથી ઊપસી આવે છે. ‘ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત’ ઉત્કટ લક્ષણાપ્રયોગ તો છે જ. બાળપણાની વાતનું ‘હડસેલાવું’ અને તે પણ ‘ડૂસકા’થી – એને અભિધામાં ન જ લઈ શકાય. કોઈ નક્કર પદાર્થ હડસેલાય અને તે પણ અન્ય કોઈ નક્કર પદાર્થથી. અહીં તો વાત છે બાળપણથી વિચ્છેદ થઈ રહ્યો છે એની. ‘હડસેલાવું’ એ ક્રિયાપદ દ્વારા એ પ્રક્રિયાને મૂર્તતા મળે તે ઉપરાંત એ ક્રિયાપદની આઘાત સાથે દૂર થવું, અણગમતી રીતે દૂર થવું વગેરે અર્થછાયાનો લાભ પણ મળે છે; અને એ પ્રક્રિયા કેટલી દર્દભરી છે એ ડૂસકા દ્વારા એ પ્રક્રિયા થતી વર્ણવવામાંથી સૂચવાય છે. આ પંકિત કવિની પરોક્ષ નિરૂપણરીતિનું એક વિલક્ષણ ઉદાહરણ બની રહે છે. કવિ ‘ડૂસકું’ તો લાવ્યા, જાણે સીધું પ્રસંગવર્ણન કરવા ઉદ્યત થયા હોય એમ આપણને લાગે. પણ એમણે તો વાત વાળી લીધી. ડૂસકાને ગૌણ બનાવી દઈ એના દ્વારા હડસેલાતી બાળપણાની વાતને મુખ્ય બનાવી દીધી. કવિનો રસ બાહ્ય વર્તન-વાગ્વ્યવહારમાં નથી, એટલું જ નહીં, બાહ્ય વર્તન-વાગ્વ્યવહારનો બને એટલો લોપ કરી આંતરજગતનું વ્યંજન કરવામાં છે એ દેખાઈ આવે છે. ફળિયું પછી શેરી-રસ્તો પછી પાદર એ આ પ્રસંગનો સ્વાભાવિક ક્રમ છે. એને ઉવેખીને કવિ આપણને પહેલાં ફળિયામાંથી સીધા પાદરમાં લઈ ગયા અને હવે પાછા રસ્તા-શેરીમાં લાવે છે. અહીં તો ‘ડૂસકા’ જેવો સ્ફુટ શબ્દ પણ કવિએ ટાળ્યો. અહીં તો છે ‘કોલાહલ’, જે ‘ડૂસકા’ જેવો ચોક્કસ પ્રકારની લાગણીથી રંગાયેલો શબ્દ નથી. કોલાહલ તો વિવિધ પ્રકારના હોય છે. અહીં કોલાહલમાં શાનો સમાવેશ થાય છે એ આપણે જ સમજી લેવાનું છે – ડૂસકાંઓ, ‘આવજે’ ‘યાદ કરજે’ના અવાજો, શિખામણના-ભલામણના શબ્દો વગેરે વગેરે. સ્વજનસમુદાયને કોલાહલ કરતો ન બતાવ્યો પણ રસ્તાને કોલાહલમાં ખૂંપતો બતાવ્યો. ચોમાસામાં રસ્તાને કાદવમાં ખૂંપતો આપણે જોયો છે. એટલે ‘ખૂંપવું’ ક્રિયાપદ દ્વારા પ્રાચુર્ય, ભીનાશ, ચીકાશ, ચોંટી જવાપણું વગેરે વ્યંગ્યાર્થોને અવકાશ મળે છે એ સમજતાં મુશ્કેલી નહીં પડે. આ લક્ષણાપ્રયોગ દ્વારા કોલાહલને કવિએ સ્પર્શક્ષમ રૂપ આપ્યું અને કન્યાવિદાયવેળાના ભારેલા વાતાવરણને એક નક્કર ચિત્રમાં બાંધી લીધું. ફળિયામાંથી કન્યાની વિદાય, શેરીમાંથી પણ વિદાય. ફળિયું નિર્જીવ બન્યું. શેરી પણ. પણ શેરીની નિર્જીવતાની વાત કવિ લાક્ષણિક ચિત્રથી કરે છે, એ અનુભવને ચાક્ષુષ બનાવે છે – ‘શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે.’ શિશુવયમાં કન્યા શેરીમાં ખેલીકૂદી છે (થોડી મોટી થતાં એને પોતાની જાતને કદાચ ફળિયામાં સંકોચી લેવી પડી હશે). એની પગલીઓની ભાત ત્યાં પડેલી છે. શેરીનો એ શણગાર છે. પણ આજે શેરીની એ શોભા વિલાઈ રહી છે. અંધકારના – સૂનકારના ઓળામાં એ લપેટાઈ રહી છે. આ પ્રકારનાં નિરૂપણો દ્વારા કન્યાના વ્યક્તિત્વની એક જીવંત મનોરમ છબી આપણા ચિત્તમાં અંકાતી આવે છે. શેરી-પાદર થઈને પાછાં ઘરઆંગણે કન્યાવિદાયની વેદના જ્યાં તીવ્રતમ છે એ સ્થાનની વાત સૌથી છેલ્લે. અહીં પણ ‘દીવડો થરથર કંપે’ એ પંક્તિને, લેવી હોય તો, અભિધામાં લઈ શકાય. પવનમાં દીવડો અને એની જ્યોત હાલતાં-ડોલતાં હોય. પણ ‘થરથર કંપે’ એ શબ્દો આપણી ભાષામાં કેવળ હાલવા-ડોલવાથી વિશેષ અર્થ સૂચવે છે. ભય, આશંકા, નિર્બળતા, વેદના વગેરેની અર્થછાયા એને વળગે છે. એ રીતે, એ શબ્દો ‘દીવડા’ સાથે અસંગત પણ લેખી શકાય. વળી, દીવડો ‘જાન વળાવી પાછો વળતો’ કેમ હોઈ શકે? એ તો જીવંત વ્યક્તિ – મનુષ્યનું જ લક્ષણ. એટલે લક્ષણા લેવી અનિવાર્ય થઈ પડે છે. અહીં રામણદીવાનો અને રામણદીવો લઈ ચાલતી માતાનો સંકેત છે એમ પ્રસંગના સામાજિક સંદર્ભના જાણકારને અછતું રહેતું નથી. ‘માતા’ને સ્થાને ‘દીવો’ મૂકવાનું કાવ્યની પરોક્ષ નિરૂપણની રીતને અનુરૂપ છે, પરંતુ પરોક્ષતાથી વિશેષ અહીં શું સિદ્ધ થાય છે તે સમજવા માટે આપણે પછીની પંક્તિને સાથે લેવી પડે – ‘ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે.’ દીવો અજવાળાને ઝંખે એ અવળવાણીના ઉદ્‌ગારની માર્મિકતા અસાધારણ છે – કદાચ કાવ્યની સર્વ માર્મિકતાઓના શિરમોરરૂપ દીવાનું દીવાપણું લુપ્ત થયું છે, એનું સ્વત્વ હરાઈ ગયું છે. એ ગૃહ‘દેવી’ હતી. પ્રકાશવંતી હતી, તેનાથી ઘર પ્રકાશિત હતું પણ આજે એની ‘દિવ્યતા’ નોંધારી બની ગઈ છે. વિવશ બની ગઈ છે, એને પ્રકાશ આપવાનો નહીં, પ્રકાશ શોધવાનો પ્રસંગ આવ્યો છે. એનું ઘર સૂનકાર બની ગયું છે. એ ખડકી પાસે જ ઊભી રહી ગઈ છે. અંદર ડગલું માંડતાંયે જાણે એનો જીવ ચાલતો નથી. માતાની કરુણ મનોદશાને પડછે કન્યાવિદાયથી સર્જાયેલા ભારે શૂન્યાવકાશનો અહીં નિર્દેશ થયો છે એ લક્ષ બહાર ન જ રહેવું જોઈએ. કાવ્યારંભે કવિએ ફળિયાને ચાલતું કરી ફળિયામાં સર્જાયેલા શૂન્યાવકાશનો નિર્દેશ કર્યો હતો. અહીં ‘ઘર’નો નિર્દેશ કર્યા વિના જ, એક વક્રોક્તિની મદદથી ઘરમાં – અને એ ઘરની અધિષ્ઠાત્રી માતાના હૃદયમાં – સર્જાયેલા શૂન્યાવકાશનો નિર્દેશ કર્યો. સંગોપન-વ્યાપાર અહીં સવિશેષ ઉત્કટ બન્યો છે. જોઈ શકાય છે કે સમગ્ર કાવ્યનું કાઠું લક્ષણાથી જ ઘડાયેલું છે અને એ લક્ષણાપ્રયોગોથી થતા વ્યંગ્યાર્થો પ્રાણ રૂપે સ્ફુરે છે. લક્ષણાપ્રયોગો કાવ્યને અનુપમ મૂર્તતા બક્ષે છે. મૂર્ત પદાર્થોની એક નાનકડી દુનિયા આપણી સમક્ષ તરવરે છે અને વ્યંજનાવ્યાપાર કાવ્યની હૃદ્ય ભાવસમૃદ્ધિથી આપણને આંદોલિત કરે છે. ચિરપરિચિત વિષયનું અનિલે સાધેલું આ નવીનીકરણ એ એની આગવી સિદ્ધિ છે. ઉત્કટ ગાઢ સંકુલ નૂતન લક્ષણારચનાઓ ‘કદાચ’નાં ઘણાંબધાં કાવ્યોનું કાઠું ઘડે છે. ‘કન્યાવિદાય’ જેવો ચિરપરિચિત સામાજિક સંદર્ભ નથી, અંગત ને છટકણી લાગણીઓનું નિરૂપણ છે, ત્યાં લક્ષણાઓને ઉકેલવામાં અગવડ પડે છે. પરંતુ અનિલનું આ વિશિષ્ટ સર્જક-કર્મ છે અને એનું ઉચિત વિશ્લેષણ થયાનું જાણમાં નથી. એવું વિશ્લેષણ એક પડકાર પણ બની રહે આધુનિક કવિતા લક્ષણાપ્રયોગોનો ઘણો આશ્રય લે છે એવી વાત ભાનુપ્રસાદ પંડ્યાના ‘અડોઅડ’ની સમીક્ષા વખતે મેં નોંધેલી; એનું પગેરું કદાચ અનિલમાં હોય. આધુનિક કવિતાના ઇતિહાસની મારી જાણકારી ઝાઝી નથી એટલે ખાતરીપૂર્વક કહી શકતો નથી, પરંતુ આધુનિક કવિતાના ભાષા-કર્મની વાત કરનાર આ લક્ષણાપ્રયોગોની નોંધ નહીં લે ત્યાં સુધી એનું કામ ઊણું-અધૂરું, અછડતું-અધ્ધર રહેશે એવી દહેશત રહે છે. ૧૨ મે ૧૯૯૦ [‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, એપ્રિલ-જૂન ૧૯૯૦] [‘આસ્વાદ અષ્ટાદશી’]

*