ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/જીવનચરિત્ર

ચરિત્ર

આ દાયકાનો ચરિત્રવિભાગ સંખ્યાની દૃષ્ટિએ વિપુલ છે. નાનકડી પુસ્તિકાઓથી માંડી બૃહત્કાય ચરિત્રગ્રંથો આ દાયકામાં પ્રસિદ્ધ થયા છે. પૂર્વ-પશ્ચિમની ખમતીધર વ્યક્તિઓ કે કોઈ કોઈ ઘરદીવડાનાં ચરિત્રો પણ આ દાયકાએ આપણને સંપડાવી આપ્યાં છે એ આશાસ્પદ ચિહ્ન છે. ઉપરાંત, કેટલાક સારા ચરિત્રગ્રંથોના અનુવાદો પણ પ્રગટ થયા છે એ બિનાનું મહત્ત્વ પણ ઓછું આંકી શકાય એમ નથી. આપણે ત્યાં સામાન્ય રીતે જોવા મળે છે તેમ કોઈ રાજકારણની વ્યક્તિ કે કોઈ સંતપુરુષ, કોઈ સમાજસેવક કે કોઈ ઐતિહાસિક વ્યક્તિ એમ ચરિત્રનાયકોની પરંપરા અમુક જ ક્ષેત્રની, પહેલી નજરે તો દેખાય છે. અને એમાં અત્યંત પ્રતિભાવંત સંસ્કારસેવકોનાં કવચિત્ દર્શન થવાં પણ દુર્લભ લાગે છે. તેમ છતાં, આ દાયકાએ એવા વિરલ અપવાદોને પણ નોંધ્યા છે એ આનંદપ્રદ ઘટના છે. એટલું જ નહિ, કેટલાક ચરિત્રકારોએ તો ચરિત્રનાયકના જીવન વિષે શ્રદ્વેય માહિતીને શાસ્ત્રીય રીતે રજૂ કરી, એને વિષે પ્રવર્તતા અસ્પષ્ટ ખ્યાલોને દૂર કરી, નમૂનેદાર જીવનચરિત્રો પણ આપ્યાં છે. આ દાયકામાં પણ નિર્ગંથ ભગવાન મહાવીર અને શ્રીમન્નુસિંહાચાર્ય, શ્રીમત્ શંકરાચાર્ય અને વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ, નરસિંહ મહેતા અને હેમચંદ્રાચાર્ય, શ્રી સાંઈબાબા અને શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી મા આનંદમથી અને ભક્ત પીપાજી, સોરઠના સિદ્ધો અને કચ્છના સંતો-એમ અનેક ધર્મસંસ્થાપકો, સંતો, ભક્તોનાં ચરિત્રો ઉપલબ્ધ થયાં છે. શ્રી જ્યભિખ્ખુ લિખિત ‘નિર્ગંથ ભગવાન મહાવીર' માહિતીપ્રચુર ચરિત્ર છે, તે શ્રી અશ્વિન બ્રહ્મચારીનું ‘શ્રીમન્નુસિંહાચાર્ય' એમની જીવનસૌરભને આલેખે છે. મહાવીર પર તો શ્રી ધીરજલાલ શાહે અને શ્રી ન્યાયવિજયજીએ પણ ચરિત્રકૃતિઓ આપી છે. અને પં. સુખલાલજી સંઘવીએ પણ ‘ચાર તીર્થંકર’ નામે પુસ્તક પ્રકટ કર્યું છે. ભદ્રંકરવિજયજીનું ‘વિજયમેઘસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર', શ્રી શુકદેવજીનું ‘નવનાથ ચરિત્ર' અને રોશનલાલનું ‘તપસ્વી માણિક્યચંદ્રનું ચરિત્ર' આ સંદર્ભમાં સ્મરણે ચડે એવાં છે, તો બીજી બાજુ શ્રી કે. કા. શાસ્ત્રીએ તવારીખી હકીકતો પર આધારિત ‘શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી'નું લખેલું જીવનચરિત્ર અને એમનો જીવનસંદેશ, શ્રી વાસુદેવ જોશીનાં ‘મહાત્મા દાદુ દયાળ' અને ‘મહાત્મા સરયૂદાસ', કુ. જલિની લાખિયારચિત બંગાળના ‘ધર્મપુરુષ મહાત્મા દેવેન્દ્રનાથ', સસ્તું સાહિત્ય તરફથી સ્વામીજીના વિસ્તૃત જીવનચરિત્ર પરથી રસિક સંક્ષેપરૂપે આવતું ‘સ્વામી વિવેકાનંદ' અને શ્રી અમૃતલાલ બ્રહ્મભટ્ટનું રામાનંદી સાધુ-મહંત સ્વામી નૌકારામનું ચરિત્ર તેમ જ વિષ્ણુદેવ પંડિતનું ‘ચૈતન્ય મહાપ્રભુ' એમ અનેક પ્રયત્નો, આપણી આ પ્રકારની ચરિત્રપરંપરામાં દેખા દે છે. શ્રી સાંઈબાબા, શ્રી શંકરાચાર્ય અને પ્રેમાવતાર ઈશુ (લે. દેસાઈભાઈ પટેલ) વગેરે ચરિત્રનાયકો પણ આ પરંપરામાં પોતાનુ સ્થાન લે છે. આ સર્વમાં મુખ્યત્વે ચરિત્રનાયકના જીવનની માહિતી આપી, ચરિત્રનાયકના ગુણોથી વાચકને સભર બનાવી, પ્રેરક થઈ પડવાનો આશય હોય છે. પરંતુ શુદ્ધ ચરિત્રગ્રંથો તરીકે બહુ ઓછી કૃતિઓ સંતર્પક નીવડે છે. સંપ્રદાયની મર્યાદા કે લેખકનો અહોભાવ એમાં ઘણીવાર મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. અને એમાં આવતા ચમત્કારોને કારણે કોઈ જુદી જ, અત્યારે બુદ્ધિગ્રાહ્ય ન બને એવી, હવા જન્માવે છે. તેમ છતાં મહાવીર જેવા સંસ્કૃતિના જ્યોતિર્ધરનું (હજીય એમના સાંગોપાંગ ચરિત્રની અપેક્ષા વણસંતોષાયેલી રહે છે તે છતાં) ચરિત્ર આ પ્રકારનાં ચરિત્રોમાં વિશેષ ધ્યાન ખેંચી રહે છે. ચરિત્રનાયકનાં વિધાવધ પાસાંને આલેખીને નમૂનેદાર ચરિત્રો બનવા મથતી કેટલીક કૃતિઓ આ દાયકામાં પ્રકાશિત થઈ છે. એમાં ચરિત્રનાયક તરીકે સાહિત્યકારો છે, રાજકારણની ખ્યાતનામ વ્યક્તિઓ છે તેમ જ સમાજ અને સંસ્કારના સેવકો પણ છે. એમાં માહિતીનું જેટલું પ્રાચુર્ય છે તેટલું કલાત્મકતાનું પલ્લું નમતું દેખાતું નથી. ઉપરાંત ચરિત્રલેખકો તત્કાલીન રાજકીય કે સામાજિક પ્રવાહોનું નિરૂપણ કરવામાં એટલા લીન બની જાય છે કે ચરિત્રનાયકનું વ્યક્તિત્વ બરાબર ઊપસ્યું કે કેમ એ તપાસવા જેટલું તાટસ્થ્ય વીસરી બેસે છે. તેમ છતાં આ વિભાગને સત્ત્વવંતો બનાવનાર કેટલાંક ચરિત્રોમાં શ્રી પાંડુરંગ દેશપાંડેનું ‘લોકમાન્ય ટિળક', શ્રી નરહરિ પરીખનું ‘શ્રેયાર્થની સાધના', શ્રી ધીરુભાઈ ઠાકરનું ‘મણિલાલ નભુભાઈ: જીવનરંગ’, શ્રી ‘દર્શક’નું 'ત્રિવેણીતીર્થ', શ્રી નરહરિ પરીખનું ‘સરદાર વલ્લભભાઈ ભા-૨', શ્રી અંબેલાલ જોશીરચિત ‘પ્રાતઃસ્મરણીય મહાત્મા ગાંધી (પૂર્વાધ અને ઉત્તરાર્ધ), અને ‘રાષ્ટ્રપ્રિય જવાહરલાલ નહેરુ (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ), શ્રી પ્રબોધ ચોકસી અને શ્રી નારાયણ દેસાઈરચિત ‘સામ્યયોગી વિનેાબા', શ્રી મગનભાઈ દેસાઈ અને શ્રી પાંડુરંગ દેશપાંડેનું ‘સાધુચરિત ત્રિવેદીસાહેબ, અને ‘ત્રિભુવનદાસ ગજજરની જીવનકથા' જેવી કૃતિઓ આગળ તરી આવે છે. લોકમાન્ય ટિળકનું ચરિત્ર આપણે ત્યાં પ્રથમ વાર જ, આ દાયકામાં અનેક આધાર પરથી પરિશ્રમપૂર્વક લખાયું છે. પરંતુ ચરિત્રલેખકની કલમ તે યુગપ્રવાહોનું નિરૂપણ જેટલી આસાનીથી કરે છે એટલી આસાનીથી ચરિત્રનાયકના ચિત્રને ઉઠાવ આપતી નથી. શ્રી કિશોરલાલ મશરૂવાળાના અનેક જીવનપ્રસંગો આલેખીને ચરિત્રલેખકે ચરિત્રનાયકનાં લખાણો દ્વારા એમના વિચારો પણ સફળતાથી સંકલિત કરી. આ૫ણને આપ્યા સુલભ કરી છે અને આપણા એ સ્થિતપ્રજ્ઞ બુદ્ધિયોગીની સમત્વદર્શી મૂર્તિને સુરેખ રીતે ઉપસાવી આપી છે. ગાંધીયુગના એક તેજસ્વી વિચારક તત્ત્વજ્ઞની–શ્રેયાર્થીની આ શ્રદ્ધેય ચરિત્રગ્રંથ આપણા વિચાર અને આચારજીવનને પ્રેરક બની રહે એવો છે. આપણી સાક્ષરપેઢીના જ્ઞાનવીર શ્રી મણિલાલ નભુભાઈનું જીવનચરિત્ર શ્રી અંબુભાઈ પુરાણીએ પણ આ દાયકામાં આ૫ણને આપ્યું છે, પરંતુ શ્રી પુરાણીએ લખેલા ચરિત્રગ્રંથને મણિલાલની આત્મકથાનો પૂરેપૂરો લાભ મળી શક્યો નથી, જ્યારે ડૉ. ધીરુભાઈના બૃહન્નિબંધના એક ભાગરૂપ પણ સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રકટ થયેલ આ જીવનચરિત્રને એ ઉપરાંત પણ બીજી કેટલીક ઝીણવટભરી પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થઈ હોવાથી એની શાસ્ત્રીયતાના ટકા વધે છે. લેખકે સમભાવ અને તાટસ્થ્યથી મણિલાલના વ્યક્તિત્વને આકર્ષક રીતે ઉપસાવ્યું છે અને એમ કરતાં મણિલાલની મહત્તાને અને મર્યાદાઓને તપાસવાનો સન્નિષ્ટ પ્રયાસ કર્યો છે. શ્રી ‘દર્શકે’ સૉક્રેટીસ, રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધીજી એ ત્રણે વ્યક્તિઓના જીવનનાં વિવિધ પાસાંને માર્મિક આલેખ આપીને જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણે ભાવોને રસપૂર્ણ પરિચય કરાવ્યો છે; અને એ દ્વારા ત્રણે ભાવોનો પ્રતીક જેવા આ ત્રણે મહાનુભાવોના જીવનમાંથી પ્રેરક પાથેય પૂરું પાડી ત્રિવેણીસંગમનું પુણ્ય વાચકને રળી આપે એવી સત્ત્વવંતી કૃતિ આપી છે. સરદાર વલ્લભભાઈ ભા. ૨, ખાસ તો ૧૯૨૯ સુધીના સરદારના જીવનને આલેખતી આ કથા, ગુજરાતની ઘડતરકથા હોઈ, એનું દસ્તાવેજી મૂલ્ય વિશેષ છે. શ્રી અંબેલાલ જોશીકૃત મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુનાં જીવનચરિત્રો આટલા વિસ્તૃત પટ પર પહેલી જ વાર પ્રાપ્ત થાય છે. લેખકે અપાર શ્રમ લઈને એકત્રિત કરેલી સામગ્રી અહીં સેંકડો પૃષ્ઠોમાં પાથરી છે. આ બે વિરલ વિભૂતિઓ ઉપરાંત આ લેખકે રાજકારણની અન્ય વ્યક્તિઓ-પટ્ટાભિ સીતારામૈયા અને મોરારજી દેસાઈનાં પણ વિસ્તૃત જીવનચરિત્રો આપ્યાં છે. લેખકનાં શ્રમ અને ધૈર્ય દાદ માગી લે એવાં છે. અતિ વિશાળ પટ પર રચાયેલાં આ ચરિત્રો રસભર હોવા છતાં કેટલીકવાર વ્યસ્ત પણ લાગે છે. લેખકના ઉચ્ચાશયને કારણે અતિ આદર અને અહોભાવમૂલક આ કૃતિઓમાં અત્યુક્તિઓનું પ્રમાણ પણ ઠીક ઠીક હોવા છતાં આપણા ચરિત્રસાહિત્યમાં એ વિશેષ ધ્યાન ખેંચી રહે છે. ભૂદાનયજ્ઞના પ્રણેતા શ્રી વિનેબાજીનું ચરિત્ર સામ્યયોગી વિનેબાને અચ્છો પરિચય આપે છે અને એમના જીવનપ્રસંગોને વર્ણવે છે. મહાન વ્યક્તિના જીવન અને એના દર્શન માટે આપણે ત્યાં આ પુસ્તક કિંમતી ઉમેરારૂપ છે. ઉદારચરિત, સાધુવ્રત સેવાભાવી વ્યક્તિના ચરિત્રનો સુંદર નમૂનો ‘સાધુચરિત ત્રિવેદીસાહેબ' પૂરો પાડે છે, તે આપણા ઉચ્ચકોટિના વૈજ્ઞાનિક શ્રી ગજ્જરની જીવનકથા, આ પ્રકારના મહાનુભાવોના જીવનને પ્રમાણભૂત રીતે રજૂ કરીને, આપણા પ્રજાજીવનને સાચાં જીવનમૂલ્યો પ્રબોધી રહે છે. શ્રી અરવિંદના જીવનની પ્રધાન ઘટનાઓ દ્વારા એ મહાયોગીના જીવનચરિતને સંક્ષેપમાં નિરૂપતી શ્રી સુન્દરમ્ કૃત ‘મહાયોગી અરવિંદ', આદિવાસીઓ અંગેના કાર્યનો ઉપયોગી ઇતિહાસ આલેખી સ્વ. અમૃતલાલ ઠક્કરનું વ્યક્તિત્વ ઉપસાવતી શ્રી કાંતિલાલ શાહરચિત ‘ઠક્કરબાપા’, અમેરિકાના પ્રમુખ એબ્રહૅમ લિંકનની ઉત્સાહ અને આશા પ્રેરતી શ્રી રમણલાલ શાહે લખેલી જીવનકથા ‘ગુલામોનો મુક્તિદાતા' પણ આપણા આ વિભાગની આવકારપાત્ર કૃતિઓ છે. ગાંધીજીને કેન્દ્રમાં રાખીને આ દાયકામાં પણ ઘણા લેખકોએ ચરિત્રાત્મક કૃતિઓ આપી છે. શ્રી મનુબહેન ગાંધીનું ‘બાપુ-મારી મા',થી જુગતરામ દવેનું ‘ગાંધીજી', શ્રી ત્રિભુવનદાસ પાનવાલાનું ‘ગાંધીજીની ઉત્તર જીવનકથા' અને ‘સંસ્મરણો’નો પરિચય આપતાં નોંધીશું તે અનેક કૃતિઓ એ મહાપુરુષના સહસ્ત્રદલપદ્મસમા વ્યક્તિત્વના વિવિધ અંશોને પ્રકટ કરવા પ્રયત્ન કરે છે. એ સાથે જ ‘મહાદેવભાઈનું પૂર્વચરિત', શ્રી બબલભાઈ મહેતાકૃત (શ્રી દેસાઈભાઈ પટેલકૃત ‘મહારાજ થયા પહેલાં' અને ‘રવિશંકર મહારાજ' એ બંને કૃતિઓને ૧૫૦ જેટલાં પૃષ્ઠોમાં) ‘રવિશંકર મહારાજ' નામે પ્રકટ કરેલો સંક્ષેપ, શ્રી મણિભાઈ દેસાઈની ‘હિન્દના જવાહર', શ્રી ભોગીલાલ ગાંધીની ‘નહેરું' -આ સર્વ કૃતિઓ વર્તમાન યુગની વિભૂતિઓના જીવનનો પરિચય કરાવે છે. શ્રી બિપિન ઝવેરીનું ‘મહારાજ અને મહાત્માજી’ એ બંનેને સમજવામાં ઉપકારક થાય એવું છે. આ સિવાય શોમાં રોલાં અને યુગપુરુષ સ્તાલિન (ભોગીલાલ ગાંધી), બેતાજ બાદશાહ (ફિરોજશાહ મહેતાનું ચરિત્ર-ચૂનીલાલ બારોટ), સ્વ. સર લલ્લુભાઈ શામળદાસ (શ્રી ધનસુખલાલ મહેતા), કર્મયોગી વૈકુંઠભાઈ (શ્રી ઠાકોરલાલ ઠાકોર), નવ સંતો (શ્રી યશોધર મહેતા), કચ્છના સંતો (શ્રી દુલેરાય કારાણી), સરદારશ્રીની પ્રતિભા-૧ (શ્રી મુકુલભાઈ કલાર્થી), દુર્ગાશંકર રૂગનાથજી દવે. (શ્રી કાશીરામ ઓઝા), શિક્ષકવિભૂતિ કરુણાશંકર (શ્રી દેસાઈભાઈ પટેલ), શહીદવીર વિનેાદ કિનારીવાલા (શ્રી બિપિન આંગણકર), સદ્. છોટુભાઈ કોરા. (પ્ર. રામપ્રસાદ બક્ષી), ગ્રંથકાર ભીમાશંકર (સં. ગોકુળભાઈ ભટ્ટ), સાબરકાંઠાના કર્મવીર મથુરદાસ લા. ગાંધી (પુરુષાર્થની પ્રતિમા: ભોગીલાલ અને રમણલાલ ગાંધી), ઉદ્યોગપતિ જમશેદજી ટાટા અને બીજાં અનેક ચરિત્રો પ્રકટ થયાં છે. તેમ જ કેટલીક ઐતિહાસિક વ્યક્તિઓનાં ચરિત્રોમાં ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ (જયભિખ્ખુ) પણ ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. આ વિભાગમાં એક તરફ રાધાકૃષ્ણન્ તો બીજી તરફ શેઠ હરિદાસ (‘જીવનપ્રયાગ' : વિષ્ણુદેવ પંડિત) પ્રો. હેરલ્ડ લૅસ્કી (પુરુષોત્તમ માવળંકર), ‘સૌરાષ્ટ્રના મંત્રીશ્વર' (વિજયરાય વૈદ્ય) ગગા ઓઝા અને પુરુષોત્તમલાલ મહારાજ (પુરુષોત્તમ પ્રતિભા: પ્રેમલાલ મેવચા), હબસી શિક્ષિકા (મુક્તિદ્વાર: માધવસિંહ સેલિંકી), બેન્જામિન ફ્રેન્કલિન (શાંતિ ના. શાહ) અને આલ્બર્ટ સ્વિટ્ઝર (ચંદુલાલ પરીખ) એમ ચારિત્રનાયકોનું વૈવિધ્ય ઊડીને આંખે વળગે એવું છે. કેટલીક નાનકડી ચરિત્રાત્મક પુસ્તિકાઓ પણ આ દાયકે પ્રકટ થઈ છે. એમાં શ્રી ધનવંત ઓઝા, શ્રી રસુલભાઈ વ્હોરા અને અન્યોએ હેમચંદ્રાચાર્ય, નર્મદ, મહાદેવભાઈ મશરૂવાળા, ભિક્ષુ અખંડાનંદ, ઠક્કરબાપા, ટિળક, સંત વિનોબા અને પ્રેમાનંદ, ન્હાનાલાલ જેવા કવિઓના જીવનને કિશોરોને પ્રેરક થઈ પડે એવો પરિચય કરાવ્યો છે. ચંદુભાઈ ભટ્ટનું ‘સોક્રેટીસ અને પ્લેટો', શ્રી શેઠના અને ડૉ. ન. મૂ. શાહનાં ‘મહાન વૈજ્ઞાનિક-૧, ૨' જેવી કૃતિઓનું આ દૃષ્ટિએ ઘણું મૂલ્ય છે. ‘ગુજરાતી સાહિત્યના સર્જકો' એ ગુજરાતના, નરસિંહથી રાજેન્દ્ર સુધીના ચાળીસ સાહિત્યસેવીઓનું ચરિત્રાત્મક તેમ જ આલોચનાત્મક સચિત્ર પુસ્તક છે, અને એમાં રુચિભેદ રહેતો હોવા છતાં આ પ્રકારનો પ્રથમ પ્રશસ્ય પ્રયત્ન હોઈ આવકારપાત્ર છે. આ ગ્રંથ ચરિત્ર અને વિવેચન એમ બંને વિભાગમાં પોતાનો દાવો નોંધાવી શકે એમ છે, પરંતુ એનો ઝોક વિશેષ પરિચયાત્મક હોવાથી એને અહીં સ્થાન આપવું ઉચિત ધાર્યું છે. આ સિવાય 'ઉત્તર ગુજરાતના ઘરદીવડા’ (શ્રી પટેલ અને શ્રી દાણી), હેનરી ફૉર્ડ (ન. મૂ. શાહ) જેવી અનેક પરિચયાત્મક ચરિત્રકૃતિઓ આ દાયકામાં પ્રસિદ્ધ થઈ છે. ગુજરાતી ભાષામાં, આ દાયકામાં પ્રકટ થયેલાં ચરિત્રો આ રીતે ચરિત્રનાયકોની વૈવિધ્યભરી ભાત ઉપસાવે છે. એમાં સાંપ્રદાયિક વલણ છે, તો ભક્તિધર્મનો ઉચ્ચાશય પણ છે; વિવિધ ક્ષેત્રો-પછી એ રાજકારણ હોય, સાહિત્ય હોય, વિજ્ઞાન હોય કે સંસ્કાર હોય-માંથી થયેલી ચરિત્રનાયકોની પસંદગી આપણા કિશોરોથી આરંભી સર્વને બોધક અને પ્રેરક થઈ પડે એવી છે. ક્યાંક વ્યક્તિના વિકાસની કડીબદ્ધ માહિતી કે ક્યાંક એમાંથી પમરતી માનવતાની સુવાસ, ક્યાંક વ્યક્તિનાં સ્ખલનો અને એની વચ્ચે મોરતું એનું આંતર સત્ત્વ, ક્યાંક રોગ અને વ્યાધિઓનાં અસહ્ય દેહકષ્ટો અને એની વચ્ચે વિલસતી અપ્રતિમ વૈચારિક સંપત્તિ, ક્યાંક જીવનમાંથી સ્ત્રવતી નરી ભદ્રતા તે ક્યાંક ભગીરથ પુરુષાર્થ-માનવજીવનનું આ બહુમુખી ચિત્ર આ દાયકાનું ચરિત્રસાહિત્ય ઉપસાવે છે. આ સર્વ કૃતિઓમાંથી કેટલીક આપણા પ્રજાજીવનને અવશ્ય પ્રેરણારૂપ બનશે. હા, પશ્ચિમની જેમ રસાત્મક કલાકૃતિઓના વર્ગમાં પોતાનું સ્થાન લઈ શકે એવી ચરિત્રકૃતિઓ આ દાયકામાં આપણને મળી નથી. તેમ છતાં જે પ્રયત્નો થયા છે એમાંના કેટલાકની શાસ્ત્રીયતા હવે પછી અનુકરણીય બની રહે એવી છે. હજીય તળ ગુજરાતના કેટલાય મહાનુભાવોનાં જીવન ચરિત્રકારને પડકારતાં પ્રતીક્ષા કરી રહ્યાં છે. ગયે દાયકે ૧૦માં ગ્રંથના સંપાદકોએ વ્યક્ત કરેલી અભિલાષા હજી આ દાયકે સંતોષાઈ નથી; તેમ છતાં જે કેટલીક સુંદર ચરિત્રકૃતિઓ આ દાયકે પ્રાપ્ત થઈ છે એ ઉજજવળ ભાવિની આશા તો આપે જ છે.