ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/અલારખભાઈ ઉસમાનભાઈ પોપટિયા ‘સાલિક' પોપટિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અલારખભાઈ ઉસમાનભાઈ પોપટિયા (‘સાલિક' પિપટિયા)

[ ૨૧-૮-૧૯૨૭થી ૨૪-૪-૧૯૬૨ ]

શ્રી ‘સાલિક' પોપટિયાના તખલ્લુસથી જાણીતા ગઝલકવિ શ્રી અલારખભાઈનો જન્મ તા. ૨૧-૮-૧૯૨૭ના રોજ વતન ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ ઉસમાનભાઈ અને માતાનું નામ નૂરબહેન. જ્ઞાતિએ મેમણ-મુસલમાન. એમનું લગ્ન શ્રી બીબલબહેન સાથે થયું હતું. એમણે ઇન્ટરમીડિયેટ આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ૧૯૪૬ થી, ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા પછી, થયો હતો. વર્ડ્ઝ્વર્થનાં પ્રકૃતિકાવ્યોથી તેઓ મુગ્ધ થયેલા. શેલી, કીટ્સ, અમીર ખુસરો, ઉમર ખય્યામ અને હાફિઝ શિરાઝી એમના પ્રિય કવિઓ હતા. કાવ્યલેખનની પ્રવૃત્તિમાં દિવંગત બી કપિલરાય ઠક્કર ‘મજમું’ની એમને પ્રેરણા મળેલી અને અંગ્રેજી સાથે ફારસીનો અભ્યાસ પણ તેમની પાસે કરેલો. ઈ. ૧૯૪૯માં તેઓ ભારતમાંથી પાકિસ્તાન-કરાંચી ગયા. ત્યાં ‘નૂરે હવા ટોબેકો કંપની' સ્થાપી, અને બાકીનાં વર્ષો ત્યાં જ ગાળ્યાં. ઈ. ૧૯૬૨ના એપ્રિલ માસની ૨૪મી તારીખે કેન્સરના રોગથી તેમનું મૃત્યુ કરાંચીમાં જ થયું.

શ્રી પોપટિયાએ આપણને ત્રણ ગઝલસંગ્રહો આપ્યા છે. એમની કૃતિઓમાં કવિહૃદયની ઊર્મિઓ નિરાડંબર રીતે વ્યક્ત થઈ છે. શ્રી નગીનદાસ પારેખે કહ્યું છે તેમ, ‘એમની કૃતિઓમાં એક પ્રકારના આભિજાત્યનો અને ઉદારતાનો અનુભવ થાય છે.’ એમની ગઝલોમાં વિરહ છે, પ્રેમનું ખેંચાણ છે, પ્રિયતમાના મિલન માટેની તાલાવેલી અને રહસ્યવાદ તેમ જ અન્ય ગઝલના રંગો પણ છે. કવિએ કહ્યું છે :

મળ્યું છે હાસ્ય ઉપવનમાં સુમનને.
મળ્યા હસતા સિતારાઓ ગગનને;
ઘણા ખુશ છે, ખુદા ! તારા જગતમાં
રુદન શાને મળ્યું મારા જીવનને?

-આ પ્રકારના ભાવ એમનાં કાવ્યોમાં ઊપસી આવતા દેખાય છે. કવિની સાહજિક લાગણી ભવ્ય હૈયામાંથી સ્ત્રવતી જણાય છે. ભારે આઘાત સહેલા છતાં કવિના હૃદયમાં કડવાશ પ્રગટતી નથી એ નોંધપાત્ર છે. એમની રુબાઈઓમાંનો મુક્તકગુણ અને ફારસી-અરબી શબ્દોનો વિશેષ ઉપયોગ ધ્યાન ખેંચી રહે છે. સમગ્ર રીતે, એક પ્રકારની સંસ્કારમંડિત મૃદુલતા એમની કૃતિઓમાં સોહી રહે છે. શ્રી પોપટિયાએ પાકિસ્તાનમાં, ગુજરાતી ભાષાનો સત્તાવાર સ્વીકાર થતાં, ગુજરાતી પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરેલાં; ‘સાહિત્યસિંધુ'ના ત્રણ ભાગ એમની એ સેવાની સાહેદી પૂરે છે.


કૃતિઓ
૧. સંગમ: તાહરી રુબાઈઓ (શ્રી કિસ્મત કુરેશી સાથે), મૌલિક (પરથી ૧૦૧ રુબાઈઓ); પ્ર. સાલ ૧૯૪૯.
પ્રકાશક : અહમદહુસેન પોપટિયા.
૨. નયનધારા : મૌલિક અને અનુવાદ, ગઝલો, નઝમો અને મુક્તકો: પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક: પાકિરતાન-ગુજરાતી પબ્લિકેશન્સ વતી ઝિયાઉદ્દીન.
૩. ખંડિત શમણાં : મૌલિક, ગઝલો, નઝમો, અને મુક્તકો; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : પાકિસ્તાન-ગુજરાતી પબ્લિશિંગ હાઉસ, કરાંચી.
૪. સાહિત્યસિંધુ (ભા. ૧, ૨, ૩) : સંપાદન-પાઠયપુસ્તકો; પ્ર.સાલ ૧૯૫૭-૫૮.
પ્રકાશક : પાકિસ્તાન-ગુજરાતી પબ્લિશિંગ હાઉસ, કરાંચી.

અભ્યાસ-સામગ્રી :
(૧) ‘સંગમ' માટે ગુ. સા. સભાની કાર્યવાહી ૧૯૪૯-૫૦.
(૨) ‘ખંડિત શમણાં' માટે ગુ. સા. સભાની કાર્યવાહી ૧૯૬૧ અને એ સંગ્રહનો શ્રી નગીનદાસ પારેખનો આમુખ.