હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના

From Ekatra Wiki
Revision as of 09:33, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના
કૂંપળની રેખરેખામાં અમે પણ લીલુંલીલેરું ઊભરવાના

ચકામાં રગરગે રાતાં ઊડે છે એ ભલે દેખાડી ના શકીએ
છે તમને છૂટ પથ્થર મારવાની તો અમે પથ્થર તો ગણવાના

અમે કેમેય અંધારું અમારું કાળું તો રહેવા જ નહિ દઈએ
અમારા ચાંદ સૂરજ છો તમે ઠારો અમે દીવો તો કરવાના

અમારા ઢાળ પરથી અમને જો ગબડાવી દેશો વારવારંવાર
અમે એ ઢાળ જોજોને તમે કે વારવારંવાર ચડવાના

તમે હસડેલી ના શકશો કદી અમને અમે વહેતો પવન છીએ
અમે થોડા જ દરવાજો છીએ કે ધક્કા ખાઈ ખાઈ ખડવાના

(છંદવિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)