સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/પુરુવિક્રમ નાટક


૨૪. પુરુવિક્રમ નાટક
[અનુ. હેમચંદ્ર]

એ મૂળ બંગાળીમાં બાબુ જ્યોતિરીંદ્રનાથ ઠાકુરે બનાવેલું તેનું આ ગુજરાતી ભાષાંતર શ્રી હેમચંદ્રની તરફથી થઈને બહાર પડ્યું છે. આ આપણા ઉદ્યોગી ગ્રંથકારના લખાણ તરફ જે કેટલાક ભાષાલક્ષી જ વાચકો બહુ અનાદરથી જુએે છે. તેમના દિલાસા ખાતર અમે કહીએ છીએ કે આ પુસ્તકોમાં તો માત્ર અર્પણપત્રિકા સિવાય સઘળે જ ભાષા વ્યાકરણશુદ્ધ, રૂઢ અને ઘણે દરજ્જે સરળ પણ છે. એમાં જે પદ્ય ભાગ છે તે ભાઈનો જ બનાવેલો છે કે કેમ તે અમે જાણતા નથી, તે તો એથી પણ વધારે શુદ્ધ અને સરળ છે. આ નાટકના મૂળ કર્તાની કલમ કસાયેલી તથા રસજ્ઞાન ઇંગ્રેજી સાહિત્યના અભ્યાસથી સારા પરિપાકને પામેલું જણાય છે. નાટકની શૈલી તથા વસ્તુસંકલના પણ દેશી કરતાં વિદેશી સાહિત્યશાસ્ત્રને વધારે અનુસરતી છે. એ નાટક કલ્પિત, અને શૃંગાર તથા વીરરસના પ્રસંગો સરખા જ આવી શકે એવી રીતે ગોઠવેલું છે. એનો સમય સિકંદર બાદશાહની સવારીનો તથા સ્થળ પંજાબ રાખેલું છે, પણ પાત્રચેષ્ટા લગભગ હાલના યુરોપિયન સ્ત્રી પુરુષોના જેવી જ દેખાય છે. તોપણ તે સ્વભાવોકિતથી ભરેલી અને રસભરી છે, અને સામાન્યપણે હાલ જે નાટક એ નામથી ચોપડીઓ આપણામાં ઓળખાય છે તેના કરતાં તો આ નાટક બેશક બધી રીતે હજારોગણું ચડિયાતું જ છે. એ નાટકની મૂળ વસ્તુ આ પ્રમાણે કલ્પી છે – તે સમે પંજાબમાં પુરુરાજ તથા તક્ષશીલ બે જુવાન રાજા તથા ઐલવિલા નામની કુમારિકા રાણી જે પોતાના બાપનું રાજ્ય પોતે જ ચલાવતી હતી, તેથી ક્ષત્રીપક્ષમાં આગેવાનો હતા. એમાં પણ ઐલવિલાનો દેશાનુરાગ તો અપૂર્વ જ વર્ણવ્યો છે. તેનો અંતઃપ્રેમ પુરુરાજ ઉપર જ હોવા છતાં તેણીએ એમ જાહેર કર્યું હતું કે સિકંદરની સામા લઢવામાં જે વિશેષ પરાક્રમ દાખવશે તેને હું વરીશ. આ લાલચથી જ તક્ષશીલ દેવપક્ષે ઝૂઝવા તૈયાર થયો હતો. પણ એની બેન અંબાલિકા એક હુમલાની વખતે સિકંદરના હાથમાં આવી જવાથી તે બંને વચ્ચે પરસ્પર પ્રેમ થયો, અને તેથી તેણીએ પાછી આવી પોતાના ભાઈને ભમાવ્યો. આ રીતે ક્ષત્રિયધર્મથી ભ્રષ્ટ થયેલા આ તક્ષશીલે યવનની સાથે યુદ્ધમાં પોતે કાંઈ મદદ ન કરી એટલું જ નહિ, પણ ઐલવિલા, જે પંડે જ રણે ચડી હતી તેને પોતાની છાવણીમાં એક વાર મસલતને સારુ આવી કે દગાથી કેદ કરી રાખવાથી તેણીનું સેન પણ આ દેશરક્ષણમાં નકામું થઈ પડ્યું. આ કારણોથી પુરુરાજ તથા બીજા રાજકુમારો મરણિયા થઈ લડ્યા, પણ તેમનું કાંઈ ચાલી શક્યું નહિ. પુરુરાજે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું, સિકંદરે તે આપ્યું, બંનેએ પરસ્પર સારા હાથ દેખાડ્યા, છેવટે સિકંદર ગબડી પડ્યો અને પુરુરાજ તેની છાતી ઉપર ચડી બેઠો, તે જોઈ એક યવન સિપાઈથી સાંખી ન રહેવાતાં તેણે આજ્ઞાવિરુદ્ધ વચમાં પડી પુરુરાજને ઘાયલ કર્યો, તેના માણસો તેને ઉઠાવી ઝપાટાબંધ પોતાના તંબૂમાં લઈ ગયા, અને સિકંદર શાહે તે સિપાઈને શિક્ષા કરાવી પસ્તાવો કર્યો કે આ કર્મથી મારા નિર્મળ યશને કલંક લાગ્યું છે : એ બધી હકીકત ઐતિહાસિક સંભવથી વિપરીત જ પણ પ્રેમશૌર્યના ધર્મને અનુસરી વાંચનારને અત્યંત આહ્‌લાદક છે ખરી. સિકંદરની ફતેહથી અંબાલિકા તો સુખી થઈ જ. અને તક્ષશીલને આખા પંજાબનું રાજ્ય મળ્યું. પણ આવા દેશદ્રોહીને કોઈ પણ ક્ષત્રાણી વરે નહિ, તો ઐલવિલા કે જેની શિરાઓ લોહીને સ્થળે દેશાનુરાગથી જ ભરેલી હતી અને જેના અંતઃકરણમાં મૂળથી જ દેશભક્ત પુરુરાજની દેદીપ્યમાન મૂર્તિ બિરાજી રહી હતી, તે એને કોઈ પણ રીતે કેમ અંગીકાર કરે? માટે તક્ષશીલનો સઘળો આર્જવ તથા સિકંદરશાહની સમજૂતીઓ પણ એ વાતમાં તો નિષ્ફળ જ ગઈ. એ દરમ્યાન બાદશાહે પુરુરાજને સમજાવી શરણાગત કરી લાવવા જે લશ્કર મોકલ્યું હતું તે એની છાવણીમાં આવી પહોંચ્યું. અહીંયાં તો ગણ્યા ગાંઠ્યા થોડા અંગરક્ષકો જ રહ્યા હતા, પણ તેમણે બહાદુરીથી લઢી પોતે મૂઆ ત્યાં સુધી જખમોથી અશક્ત અવસ્થામાં પડેલા પોતાના રાજાને તેમના હાથમાં જવા દીધો નહિ. જખમીનો પલંગ ઉપાડી તેઓ જાય છે એવામાં વાટે તક્ષશીલ મળ્યો. પુરુરાજ ક્યારે મરે એની જ તે તો રાહ જોઈ બેઠો હતો, અને તેથી જ્યારે એને જીવતો દીઠો ત્યારે તો ચિડવાઈ તેને ઉન્મત્તાઈનાં કેટલાંક વેણ કહેવા લાગ્યો. પુરુરાજ પડ્યો પડ્યો પણ ક્ષત્રીબચ્ચો હતો. એ દુષ્ટનાં અધમ વચનો સાંભળી એને એવો ગુસ્સો ચડ્યો કે પોતાના જખમોની દારુણ વેદના તમામ વિસરી જઈ પલંગ ઉપરથી એક છલંગે તેની ઉપર તે તૂટી પડ્યો, અને એક જ ઘાએ એના બે કટકા કરી નાંખ્યા. સિકંદરના હજૂરમાં એને લઈ ગયા, ત્યારે આ સમાચાર સાંભળી અંબાલિકા તો શોકનિમગ્ન જ થઈ ગઈ. પાદશાહે કહ્યું, કે બોલ પુરુ, હવે તું મૃત્યુદંડ સિવાય બીજી મારી પાસેથી શી આશા રાખે છે? એણે કહ્યું મૃત્યુ એ જ. ‘બોલ તારે કેવી જાતનું મૃત્યુ જોઈએ છીએ.’ ‘એક રાજા તરફથી બીજા રાજાને શોભે તેવું.’ આવા એના નીડરપણાના બોલ સાંભળી સૌએ જાણ્યું કે હવે એના ભૂંડા હાલ થનાર છે. પણ સિકંદર બાદશાહ શૂરવીર તેવો જ મોટા મનનો હતો. એણે સન્માનપૂર્વક એનું રાજ્ય પાછું એને સ્વાધીન કર્યું. જે શમશેરથી જિતાયો નહોતો તે આ પ્રેમાચરણથી એને કેવળ વશ થઈ રહ્યો. હવે ઐલવિલા ને પુરુરાજનાં લગ્ન થવાં એ જ બાકી રહ્યું. તે બંને પ્રથમ એકબીજાને અત્યંત ચાહતાં હતાં, પણ હાલ તે ઘણો જ દુભાયેલો હોય એમ માલમ પડ્યું. તે પણ છળમૂર્તિ અંબાલિકાનું જ કર્મ હતું. પુરુરાજનો અનાદર દેખે તો ઐલવિલા પોતાના ભાઈને વરે એવી આશાએ તેણે ઐલવિલાના અક્ષરની એક જૂઠી પ્રેમપત્રિકા તક્ષશીલ ઉપરની બનાવીને પોતાના એક માણસ હસ્તક જાણે ભૂલથી આપતો હોય એમ પુરૂરાજની ઉપર મોકલાવી હતી. પણ તે હેતુ તો હવે આપોઆપ બરબાદ જવાથી અંબાલિકાને પસ્તાવો થવા લાગ્યો, અને તેમાં જ્યારે સિકંદરશાહ એના કાલાવાલાને કાંઈ પણ ન ગણકારી પોતાની સાથે એને ન લઈ જતાં એકલો જ ગાંગ્ય પ્રદેશો જીતવાને ચાલ્યો ગયો, ત્યારે પૂર્ણ વૈરાગ્ય પામી તેણીએ બધું માની દઈ પેલા પ્રેમી જોડાને નિભ્રાંત કરી સુખમાં નિવાસ કરાવ્યો, અને પોતે સંન્યાસી રૂપે પોતાનાં દેશદ્રોહી કાર્યોનો પસ્તાવો કરતી ચોતરફ તીર્થાટણ કરવા લાગી.

(૧૮૮૭)