હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ખળખળાવીને મને મારું વહન અટવાવી દે
Revision as of 14:54, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
ખળખળાવીને મને મારું વહન અટવાવી દે
લે મને ક્યારેક ખોબામાં કદી છલકાવી દે.
જિન્દગીભર એક એનો ચહેરો સાચવવા મથું
એ તો દર્પણમાંથી મારાં બિમ્બ પણ સરકાવી દે.
હું તો મારા શબ્દ ક્યારે પણ ન ગુંજાવી શકું
એ મને સ્પર્શે ને મારું મૌન પણ રણકાવી દે.
એને વર્ષોમાં વિતાવું તો ય એ વીતે નહીં
હસતાં હસતાં એ મને તો સહેજમાં પલકાવી દે.
એ મને એની હવામાં ગૂંચવી નાખે પ્રથમ
ને પછી એની જ સૌરભમાં મને સમજાવી દે.