હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે

From Ekatra Wiki
Revision as of 15:17, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search



કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે
એ બોલે તો એની સાથે આખ્ખી ક્યારી બોલે

હમણાં આંખો ઝીલે ઝીલે હમણાં રૂંવેરૂંવું
હમણાં સરવર હમણાં એ ઝરમરની બાની બોલે

એનું બોલ્યું સઘળું માની લેવાને મન તત્પર
વૈશાખી બપ્પોરે બિલકુલ એ વરસાદી બોલે

એક વેળા એ બોલે તો બસ બીજું શું સાંભળવું
બસ એવું રગરગમાં ધબકે તો એ અબ્બી બોલે

જોકે એની ભાષા ફોરમ એની બોલી રંગો
મારી સાથે બોલે ત્યારે એ ગુજરાતી બોલે