હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/આવી આવી મુઠ્ઠી શબ્દો આવ્યા મારે ફાળે

From Ekatra Wiki
Revision as of 15:23, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



આવી આવી મુઠ્ઠી શબ્દો આવ્યા મારે ફાળે
એ પાલવને મોં પર દાબી કેમે હસવું ખાળે

એના હાથે આમ જ તેમ જ મારે વીતવાનું છે
ડહોળી નાખે હમણાં પાછો હમણાં પાછો ગાળે

છૂટ્ટો પણ મૂકે તો એની દિશમાં છૂટ્ટો મૂકે
અટકું પણ તો અટકું અમથું પારા જેવું ઢાળે

અમથી ગાંઠો પડતી ખૂલતી મારી રેશમદોરે
એ ના સીધું એ ના વાકું બોલે કોઈ કાળે

ચપટી તડકો ચપટી છાંયો સરવાળો શું કરવો
ઝટ સમજાવી દેશે સઘળું એ આંખોના ચાળે