હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે

From Ekatra Wiki
Revision as of 15:24, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search



ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે
અટકળે માની લે જાણી લે મને તું આશરે

સરતાં વાદળનો હું છાંયો હમણાં છું હમણાં નથી
એક પળ બસ હોઉં હું પાંપણ ઉપર કે ઝાંખરે

ભાંગતા અંધારમાં સૂક્કાં પરણ બળવાની ગંધ
અબઘડી લે શ્વાસમાં હું અબઘડી છું વાયરે

એ જ પળ બસ એ જ પળ જળબુંદ થઈને આવજે
જ્યારે ભીંજાવું લખાયું હોય મારા કાંકરે

લીલછાયા કાંગરાની બીજી બાજુ ખીણ છે
કંઈ જો કહેવું હો કહી દે હમણાં છું હું કાંગરે