સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ભાવાભાસ ને રસાભાસ -કાવ્યમાં સ્થાન

From Ekatra Wiki
Revision as of 13:43, 5 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ભાવાભાસ ને રસાભાસ : સ્વરૂપ અને કાવ્યમાં સ્થાન

એ નોંધપાત્ર છે કે રસાદિધ્વનિ જે કાવ્યનું સર્વોપરિ લક્ષ્ય ગણાયો છે તેમાં ભાવનો જ નહીં, ભાવાભાસ અને રસાભાસનો પણ સમાવેશ છે – એના મૂળમાં અનૌચિત્ય રહેલું છે એમ મનાયું તે છતાં. અનૌચિત્ય રસભંગના કારણરૂપ પણ મનાયું છે. પણ રસાભાસ કે ભાવાભાસને રસભંગ લેખવામાં આવેલ નથી, તેથી એના મૂળમાં રહેલું અનૌચિત્ય જુદી કોટિમાં આવે છે એમ જ સમજવું જોઈએ. રસાભાસ અને ભાવાભાસ એ સંજ્ઞાઓ સૌ પ્રથમ આનંદવર્ધન યોજે છે, પણ એમણે નથી એની કશી વ્યાખ્યા કરી કે નથી એનું કોઈ ઉદાહરણ આપ્યું. એ કામ અભિનવગુપ્ત કરે છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે પછી રસાભાસ – ભાવાભાસ ને એમાંના અનૌચિત્યની સમજ બદલાતી રહી છે, એનું ક્ષેત્ર વિસ્તરતું રહ્યું છે. અભિનવગુપ્ત રસાભાસ અને ભાવાભાસનાં જે ઉદાહરણો આપે છે તેમાં સીતાને અવલંબીને રાવણની રતિ અને ચિંતા વ્યક્ત થયાં છે. એમની મુખ્ય દલીલ એ છે કે અહીં એકપક્ષી રતિ છે – સીતા રાવણની રતિનો પડઘો પાડે તેમ નથી; તેથી એ ખરા અર્થમાં રતિ નથી, રતિનો આભાસ છે, છીપમાં ચાંદીનો આભાસ થાય તેવો. આભાસનું પણ ક્રિયાકારિત્વ હોય છે – દોરડામાં સર્પની ભ્રાન્તિ થાય તો માણસ નાસવા લાગે છે – તે ન્યાયે અભિનવગુપ્ત કહે છે કે તન્મયીભવનની સ્થિતિમાં એ રતિનો આસ્વાદ થાય છે. વીરાદિ અન્ય રસોમાં રસાભાસ સંભવે છે એમ અભિનવગુપ્ત કહે છે પણ એનાં ઉદાહરણો એમણે આપ્યાં નથી. (નાટય- શાસ્ત્ર, ૬.૩૨ની અભિનવભારતી ટીકા; ધ્વન્યાલોક, ૧.૩ અને ૨.૪ની લોચનટીકા) અભિનવગુપ્ત પછી રસાભાસ – ભાવાભાસની જે વ્યાખ્યાઓ થઈ છે તેમાં આવી આવી સ્થિતિઓનો સમાવેશ થયો છે : બહુનાયકગત, ઉપનાયકગત, પ્રતિનાયકગત, અધમપાત્રગત, તિર્યંચાદિગત રતિ, વૃક્ષાદિ અચેતનોમાં અને તિર્યંચોમાં રતિભાવનું આરોપણ, ગુરુ વગેરેને અવલંબીને હાસ, વીતરાગ વગેરેને અવલંબીને કરુણ, વીરપુરુષને અવલંબીને ભયાનક, ચાંડાલાદિને અવલંબીને શાંત ઇત્યાદિ. સમગ્ર પરંપરામાં આમાંની કોઈકોઈ સ્થિતિના સમાવેશ અંગે મતભેદ પણ જોવા મળે છે. એટલે આ યાદીને આપણે પણ ચુસ્ત રીતે વળગવાની જરૂર નથી. (જુઓ નગીનદાસ પારેખ, અભિનવનો રસવિચાર અને બીજા લેખો, રસાભાસવિષયક ત્રણ લેખો) આમાં આભાસત્વ કે અનૌચિત્યનો નિર્ણય જુદાંજુદાં ધોરણોથી થયો એ દેખાઈ આવે છે. કેટલેક ઠેકાણે સામાજિક નીતિનો ખ્યાલ રહેલો જણાય છે તો કેટલેક ઠેકાણે સંભવિતતાનો અને પાત્રની સંગતિનો ખ્યાલ રહેલો જણાય છે. પણ અગત્યની વાત એ છે કે કોઈ રડ્યોખડ્યો અપવાદ કરતાં આ પ્રકારનાં આલેખનો કાવ્યમાં ત્યાજ્ય છે કે કાવ્યમાં દોષરૂપ છે એવું કોઈ કહેતું નથી. એટલે રસાભાસના સિદ્ધાંતથી કાવ્યનું ક્ષેત્ર સીમિત થઈ જાય છે એવી ફરિયાદ કોઈ વાર થાય છે [1] તેને બિલકુલ અવકાશ નથી. કાવ્યશાસ્ત્રીઓ સંસ્કૃત સાહિત્યમાંથી જ રસાભાસનાં ઉદાહરણો આપે છે અને એને દોષ ગણતા નથી. આજે અનૌચિત્યના આપણા ખ્યાલો બદલાયા છે, જીવનને વધારે ઉદાર દૃષ્ટિથી આપણે જોતા થયા છીએ અને તેથી રસાભાસના વિષયરૂપ પરિસ્થિતિઓ આપણને વધારે કાવ્યોચિત લાગે – જેમ કે એકપક્ષી પ્રેમ વિશિષ્ટ સંવેદનો અને મંથનોને અવકાશ આપતો લાગે – તો એમાં કશું ખોટું થાય છે એમ માનવાની જરૂર નથી. રસાભાસ અંગી તરીકે નહીં પણ અંગ તરીકે આવે, મુખ્ય પાત્રમાં નહીં પણ ગૌણ પાત્રમાં આવે અથવા ગૌણ સાહિત્યપ્રકારોમાં આવે એવા નિયમો કેટલીક વાર આપવામાં આવે છે, (જુઓ નગીનદાસ પારેખ, અભિનવનો રસવિચાર અને બીજા લેખો, પૃ. ૨૧૪, ૨૧૬ પર કે. કૃષ્ણમૂર્તિનું વિવરણ) પણ એયે આજે આપણે ભાગ્યે સ્વીકારી શકીએ. ‘ચક્રવાકમિથુન’ જેવું કાવ્ય આપણી સામે છે, જેમાં પંખીયુગલના રતિભાવ અને શોકભાવને કવિએ સમસંવેદનક્ષમ રીતે આલેખ્યા છે. તેમ છતાં દૃષ્ટાંતે-દૃષ્ટાંતે ભેદ હોવાનો અને એક સૈદ્ધાંતિક સવાલ તો આપણા મનમાં ઊભો થવાનો જ કે રસાભાસની પણ આસ્વાદ્યતા હોય તો એને ‘આભાસ’ એવી ચિઠ્ઠી ચોડવાની શી જરૂર? અનૌચિત્ય જો આસ્વાદ્યતામાં આડે ન આવતું હોય તો એને વચ્ચે લાવવાની શી આવશ્યકતા? [2] પણ વસ્તુતઃ રસાભાસની આસ્વાદ્યતા સ્વીકારવા છતાં એને રસથી જુદી કોટિમાં મૂકવા પાછળ એની આસ્વાદ્યતા જુદી કોટિની હોવાનું, એની કાવ્યરૂપતામાં ફરક હોવાનું કાવ્યશાસ્ત્રીઓને અભિપ્રેત હોય એમ જણાય છે. (રસ અને રસાભાસ વચ્ચે આસ્વાદ્યતાનો કશો ફરક ન જોનાર પણ કોઈ કાવ્યશાસ્ત્રી છે.) રસાભાસમાં કૃત્રિમ દુષ્કર અલંકારો આવી શકે એમ આનંદવર્ધન કહે છે ત્યાં એ રસ અને રસાભાસ વચ્ચે કાવ્યરચનાગત ભેદ કરે છે એમ કહેવાય, જો કે એમણે રસાભાસની વ્યાખ્યા જ કરી નથી એટલે એના સ્વરૂપ પર પ્રકાશ પડતો નથી. અભિનવગુપ્ત, અનૌચિત્યની પ્રતીતિ પાછળથી થાય છે અને ત્યારે રસાભાસ હાસ્યનું કારણ બને છે એમ કહે છે – ‘શૃંગારની અનુકૃતિ તે હાસ્ય’ એ ભરતવાક્યને અનુસરીને. (ધ્વન્યાલોક, ૨.૩ની લોચનટીકા) આ વાત સહેલાઈથી સમજાય એવી નથી. જે નિરૂપણ શૃંગારનો અનુભવ કરાવે તે પાછળથી હાસ્યનો અનુભવ કરાવનાર કેવી રીતે બની જાય? શું રાવણની સીતા માટેની રતિની અભિવ્યક્તિ પછીથી પણ હાસ્યનિષ્પાદક બને છે? કવિનું દૃષ્ટિબિંદુ હાસ્યરસનું હોય તો જ એમ બની શકે ને? ઉતરેડને વહુ માનીને એને માટે પ્રેમભાવ પ્રગટ કરતો ને એને આલિંગવા જતો પુરુષ હાસ્ય જન્માવે છે, પણ ત્યાં શૃંગાર રસની અનુભૂતિ છે એમ કહેવાય? કાવ્યશાસ્ત્રના શૃંગારરસાભાસમાં એનો સમાવેશ થશે? અથવા તો તલવાર લઈને દુધીનું દીંટું કાપવાનો ઉત્સાહ બતાવતા પુરુષના વર્ણનનો વીરરસાભાસમાં સમાવેશ થશે? મને શંકા છે. કવિનું તાત્પર્ય જ ત્યાં હાસ્યરસના નિરૂપણનું છે, જ્યારે રાવણની સીતા પ્રત્યેની રતિના વર્ણનમાં એવું નથી. આના કરતાં રસાભાસને રસનું ઇષત્ ઊન – થોડું ઊણું – સ્વરૂપ લેખવાનું દૃષ્ટિબિંદુ (અભિનવનો રસવિચાર અને બીજા લેખો, પૃ. ૨૧૭ પર કે. કૃષ્ણમૂર્તિ) વધારે બુદ્ધિગમ્ય લાગે છે. રસનિષ્પત્તિ માટે જે જે સંજોગો જોઈએ તે બધા રસાભાસની પરિસ્થિતિમાં હોતા નથી અને તેથી રસના પરિપોષમાં કંઈક અવરોધ રહે છે. અભિનવગુપ્ત જે એવું કહે છે કે રાવણનો કામનાભિલાષરૂપ રતિભાવ વ્યભિચારી છે, સ્થાયી નથી છતાં સ્થાયી રૂપે ભાસે છે, (નાટ્યશાસ્ત્ર, ૬.૩૨ પરની અભિનવભારતી ટીકા) તેમાં આવું કંઈક દૃષ્ટિબિંદુ રહેલું જણાય છે. ભક્તિ, વાત્સલ્ય આદિ રસોનો સ્વીકાર કરવાને બદલે દેવ, મુનિ, નૃપ, પુત્ર પ્રત્યેની રતિને (સ્નેહાદરના ભાવને) રસની નહીં પણ ભાવની કોટિનો ગણવાનો (શૃંગાર રસ તો સ્ત્રીવિષયક જ) કાવ્યશાસ્ત્રમાં અભિનવગુપ્ત આદિનો એક મત છે. દેવાદિવિષયક રતિનો સ્ત્રીવિષયક રતિ જેવો પરિપોષ થઈ શકતો નથી એવી કલ્પના એની પાછળ રહેલી છે. તેને મળતી આ વાત થઈ. એ પણ દેખાય છે કે મળતી છતાં આ જુદી વાત છે. અભિનવગુપ્ત રાવણની સીતાવિષયક રતિને ‘ભાવ’માં નહીં ‘રસાભાસ’માં જ મૂકે છે ભોજ તો સ્પષ્ટ રીતે રસની પણ અવસ્થાઓ સ્વીકારે છે – ૧. પ્રકૃષ્ટ ૨. ભાવ અને ૩. આભાસ. સ્થાયિભાવના આલેખનના જેટલી આસ્વાદક્ષમતા વ્યભિચારિભાવના આલેખનની નથી, તેમ આભાસી ભાવપરિસ્થિતિના આલેખનની પણ નથી, અથવા કહો કે જુદી છે. રસના પરિપોષ માટેના બધા સંયોગો નથી એમ જ નહીં, કંઈક બાધક સંયોગો છે. ભીમનો દુર્યોધન પ્રત્યેનો રોષ અને યુધિષ્ઠિર પ્રત્યેનો રોષ શું એકસરખી ભાવાત્મક અસર લઈને આવશે? એકમાં તીર જાણે લક્ષ્યને વીંધીને આગળ જાય છે, બીજામાં લક્ષ્યને વીંધીને પાછું ફરે છે. જમાલ માટે સૂતેલી અલકકિશોરી એક પ્રબળ વિભાવ છે અને એ રીતે એનું લેખકે આલેખન કર્યું છે, જમાલના કામભાવનું આલેખન પણ સાક્ષાત્કારક છે એટલે આ શૃંગારરસનું ચિત્ર બને છે પણ એ શૃંગાર રસમાં જમાલના હલકા આશયની છાયા નથી પડેલી? રસાભાસની સ્પષ્ટ વ્યાખ્યા કરવી મુશ્કેલ લાગે છે પણ રસની એવી કોઈ એક કોટિ સ્વીકારવા માટે કારણો દેખાય છે. ને રસાભાસની કલ્પનાથી કાવ્યનું ક્ષેત્ર સીમિત થતું નહીં, પણ વિસ્તરતું માનવા જેવું લાગે છે.


  1. ૨૭. “આ એક જ વિષયમાં કલાનો પ્રદેશ કેટલો સંકુચિત થઈ ગયો! આભાસની કલ્પનાથી મનુષ્યસ્વભાવના યથાતથ આલેખનની અવગણના થઈ છે એટલું જ નહીં, અનુભાવ (રિસ્પૉન્સ) ન પામતી રતિ જેવામાં ભાવમંથનનો ઉત્તમ હૃદયસ્પર્શી પ્રસંગ આવે તે પણ કવિ જતો કરતો જણાય છે. ગુરુ આદિ પ્રત્યે રતિ, કોપ કે હાસને રસાભાસ ગણવામાં ઉચ્ચ નીતિના ખ્યાલને કલામાં ખેંચી આણ્યો છે, તો નીચલા થરના પાત્રમાં આલેખાતા શમ કે ઉત્સાહને રસાભાસ ગણવામાં આપણા ધર્મના અસ્પૃશ્યતાના રોગનો ચેપ કલાને લગાડવામાં આવ્યો છે.” (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, પરિશીલન, પૃ. ૩૬)
  2. ૨૮. “કોઈ પણ કારણે અનૌચિત્ય આવતું હોય તો ‘રસભંગ’ થાય. રસામગમ પછી આવીને આભાસ રસાનુભવમાં બાધ કે વિલંબ કરતો નથી તો પછી ‘આભાસ’ની ચર્ચા કાવ્યમીમાંસામાં અપ્રસ્તુત છે.” (નગીનદાસ પારેખ, અભિનવનો રસવિચાર અને બીજા લેખોમાં રસિકલાલ પરીખ, પ્રવેશક, પૃ.૧૨)