સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/મામલો શાંતરસનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મામલો શાંતરસનો

આ જાતનું આત્મદર્શન સંસ્કૃત કાવ્યશાસ્ત્રની શાંતની વ્યાખ્યામાં સમાય કે કેમ તે પ્રશ્ન છે, કેમ કે તત્ત્વજ્ઞાન કે આત્મજ્ઞાનને કાવ્યશાસ્ત્ર શાંતરસનો સ્થાયિભાવ માને છે પણ એ આત્મજ્ઞાન તે નિર્વિકાર આત્મસ્થિતિ, જેને કાવ્યશાસ્ત્ર મોક્ષપુરુષાર્થ સાથે જોડે છે. [1] એટલે કે શાંત સાથે ધાર્મિક – આધ્યાત્મિક મૂલ્ય સંકળાયેલું છે. જો કે શાંતના સ્વરૂપ અને સ્થાન પરત્વે કાવ્યશાસ્ત્રમાં સંપૂર્ણ એકમતી હોય એવું દેખાતું નથી. નાટકમાં શાંતરસનું આલેખન શક્ય હોવા વિશે તો ખૂબ સંશય પ્રવર્તતો હોવાનું દેખાય છે – ભરતના નાટ્યશાસ્ત્રમાં શાંતરસનો નવમા રસ તરીકે સમાવેશ એ પાછળના સમયનો પ્રક્ષેપ હોવાનું સમજાય છે – અને કાવ્યમાં પણ એનું નિ:સંશય સ્થાન સ્વીકારાયું જણાતું નથી. આનું કારણ એ છે કે નિર્વિકાર આત્મસ્થિતિ નાટયક્ષમ કે કાવ્યગત વર્ણનક્ષમ કેવી રીતે બની શકે એવો પ્રશ્ન થયા કર્યો છે, એમાં તો ચેષ્ટાનો ને એથી અનુભાવનો અભાવ હોય છે. આનો ઉકેલ એવો આપવામાં આવ્યો છે કે આત્માની મોક્ષની પર્યન્તાવસ્થા નાટ્યક્ષમ કે વર્ણનક્ષમ નથી, પરંતુ મોક્ષના ઉપાયરૂપ અવાંતર સ્થિતિનું આલેખન થઈ શકે (ધ્વન્યાલોક, ૩.૨૬, લોચન ટીકા) – ઈશ્વરાનુગ્રહ ને ક્ષયોન્મુખ રત્યાદિ ભાવોનું આલેખન થઈ શકે (નાટ્યશાસ્ત્ર, ૬, શાંતરસપ્રકરણ, અભિનવભારતી ટીકા), અથવા જેમાં સંચારી રૂપે અન્ય ભાવોનું – રસોનું અસ્તિત્વ હોય એવી આત્માની યુક્તિવિયુક્ત દશાનું આલેખન થઈ શકે (વિશ્વનાથ, સાહિત્યદર્પણ, ૩.૪૫ પછી) અથવા (બૌદ્ધ દર્શન અનુસાર) મુદિતા, મૈત્રી, કરુણા ને ઉપેક્ષાની ભાવસ્થિતિનું આલેખન થઈ શકે (ધનંજય, દશરૂપક, ૪.૪૫ અને તે પર ધનિકની ટીકા) વગેરે. આ જ નાટ્યગત કે કાવ્યગત શાંતરસનું સ્વરૂપ. સંસ્કૃત સાહિત્યમાંથી શાંતરસનાં દૃષ્ટાંતો ખાસ જડતાં નથી – કાવ્યશાસ્ત્રીઓને પણ દૃષ્ટાંતો આપવામાં અગવડ પડે છે. એ પણ શાંતરસ પરત્વેની મૂંઝવણભરી સ્થિતિનો નિર્દેશ કરે છે. આમ છતાં અભિનવગુપ્ત જેવા તત્ત્વજ્ઞાન કે આત્મજ્ઞાનને સર્વ સ્થાયીઓમાં સ્થાયિતમ કહે છે – રત્યાદિ ભાવો તો એના સંચારી સમા છે કેમ કે એ ભિત્તિસ્થાનીય છે, એ મૂળ પ્રકૃતિરૂપ છે અને રત્યાદિ ભાવો તો એના વિકારો છે, એમાંથી જન્મે છે અને એમાં લય પામે છે. [2]શાંતરસને એ સર્વ પ્રધાન રસોમાં પ્રધાનતમ રસ લેખે છે કેમ કે એનું ફળ મોક્ષ છે. દેખીતી રીતે જ આ તારતમ્ય એક આધ્યાત્મિક સાધકનું છે, કાવ્યભોગીનું નહીં. [3] આનંદવર્ધન શાંતરસને અભિનવગુપ્ત જેવું સ્થાન આપે છે કે કેમ તે સ્પષ્ટ નથી. પણ મહાભારતમાં એમણે શાંતરસને અંગી – મુખ્ય રસ તરીકે સ્થાપ્યો છે એમાં એમનું અધ્યાત્મવાદી વલણ પ્રગટ થાય છે એમ કહેવું હોય તો કહી શકાય. મહાભારત આપણને એક કરુણ કથા – ટ્રેજેડી તરીકે પ્રતીત થાય છે – આનંદશંકર ધ્રુવે એનું કરુણકથા તરીકેનું સ્વરૂપ વિગતે ને સરસ સ્ફુટ કર્યું છે (કાવ્યતત્ત્વવિચાર, પૃ. ૧૫૫-૫૮) – પણ આનંદવર્ધનનું કહેવું એમ છે કે આ કરુણકથા સંસારનું અસારત્વ દર્શાવે છે, સંસારના અસારત્વનું ભાન વૈરાગ્યભાવ પ્રેરે છે ને એમ (મોક્ષપુરુષાર્થ તથા) તૃષ્ણાક્ષયસુખથી ભરેલો શાંતરસ સૂચિત થાય છે. કાવ્ય શાંતરસમાં પરિણમે છે, એટલું જ નહીં કવિનો એ મુખ્ય વિવક્ષાવિષય છે એટલે કે સમગ્ર કાવ્યપ્રપંચ આ શાંતરસને અર્થે છે એમ એમનું કહેવું છે. (ધ્વન્યાલોક, ૪.૫ વૃત્તિ) આમાં એકબે મુશ્કેલી છે – એક તો, આ જાતના શાંતરસના સૂચનમાં ઘણી પરોક્ષતા છે. કાવ્યમાં વૈરાગ્યનાં કે શમભાવનાં કોઈ ચિત્રણો નથી. ભાવકની પોતાની ચિત્તપ્રક્રિયા એને શાંતરસ તરફ લઈ જાય છે. બીજું, આ કરુણ કથામાંથી મોક્ષપુરુષાર્થસૂચક વૈરાગ્યનો ભાવ જન્મવો અનિવાર્ય નથી, મનુષ્યજીવનની અપરિહાર્ય કરુણતા ને સંસારની વિષમતાના ભાન આગળ, અને એને આનુષંગિક નિર્વેદના – શોકના ભાવ આગળ અટકી જવું સ્વાભાવિક છે. આધ્યાત્મિક સાધકને માટે મહાભારતની કાવ્યસામગ્રી મોક્ષપુરુષાર્થનું સાધન બને તો તે જુદી વાત છે, કાવ્યભોગી તો એમાંથી શાંતરસનો ભાગ્યે જ આસ્વાદ કરશે. શાંતરસનો આસ્વાદ કદાચ થાય તોયે એ આનુષંગિક હોવાનો, મુખ્ય તો કરુણ રસનો આસ્વાદ રહેવાનો આનંદશંકર ધ્રુવે મહાભારતનું કરુણકથા તરીકે જે વિશ્લેષણ કર્યું છે એ આપણા મનમાં વસી જાય છે, પણ તે પછી આનંદવર્ધનને અનુસરીને એમણે શાંતરસ મુખ્ય હોવાની વાત જોડી છે તે તો એક લટકણિયા જેવી લાગે છે. આ સંદર્ભમાં એક લોકમાન્યતા નોંધવા જેવી છે. આપણે ત્યાં એવી એક માન્યતા છે કે મહાભારત આખું ન વંચાય, એથી ઘરમાં કલહ થાય. એટલે કે લોકમાન્યતા તો મહાભારત વૈરાગ્યપ્રેરક નહીં પણ કલહપ્રેરક હોવાની છે! આનંદવર્ધનને ન્યાય કરવા એક હકીકત ખાસ નોંધવી જોઈએ. એ કહે છે કે આત્મતત્ત્વથી નિરપેક્ષ રીતે વિચારીએ ત્યારે શરીરનું પ્રાધાન્ય અને ચારુત્વ પ્રતીત થાય છે તેમ પારમાર્થિક અંતસ્તત્ત્વ – અંતિમ સારતત્ત્વની અપેક્ષા ન કરીએ તો મહાભારતના અન્ય જે અંગભૂત રસો છે – વીરકરુણાદિ – તેને પોતાની પ્રધાનતાપૂર્વક ચારુત્વયુક્ત લેખી શકાય. [4] એટલે કે આનંદવર્ધન જાણે કે કાવ્યાસ્વાદની પારમાર્થિક અને વ્યાવહારિક બે ભૂમિકા જુદી પાડે છે અને વ્યાવહારિક ભૂમિકાનો પણ સ્વીકાર કરે છે. આ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે આનંદવર્ધનને મતે મહાભારત માત્ર કાવ્ય નથી પણ શાસ્ત્રકાવ્ય છે – ઉપદેશકાવ્ય – જીવનબોધક કાવ્ય છે, રામાયણ કાવ્ય છે. મહાભારતને શાસ્ત્રકાવ્ય તરીકે જોવામાં એનો રસાસ્વાદ ઉપરાંત બીજો હેતુ હોવાનું સૂચવાય છે અને એને અનુષંગે જ મોક્ષપુરુષાર્થ તથા શાંતરસ મુખ્ય હોવાની વાત આવી છે. કાવ્ય જીવનબોધક ન હોઈ શકે એવું નથી, પણ એની જીવનબોધકતા અને એનો રસાસ્વાદ એ બે જુદી ચીજ છે. શાંતરસ અંગે કાવ્યશાસ્ત્ર જ જ્યાં મૂંઝવણમાં છે ત્યાં એની શાંતરસની વિભાવના આપણને કેટલી કામમાં આવી શકે એ પ્રશ્ન છે, પરંતુ એને કામમાં લેવાના કેટલાક પ્રયત્નો થયા છે. શેક્સપિઅરનું ‘કિંગ લિયર’ એક ટ્રેજેડી – વિષમ કરુણના નાટક તરીકે વિખ્યાત છે. પરંતુ એ નાટકનું એવું વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે એમાં કરુણાદિ સર્વ રસો શાંતમાં પરિણમે છે. એટલા માટે કે એમાં રાજા લિયર છેવટે પોતાની જાતને સાચી રીતે ઓળખે છે – આત્મજ્ઞાન પામે છે અને સુખદુઃખના દ્વંદ્વથી પર એવો શમ અને સ્વસ્થતાનો ભાવ સ્ફુરી રહે છે. (રાગિણી રામચન્દ્ર, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૨૩૭-૨૪૦) કાળબળે જેના પરંપરાગત સંસ્કારો અને આચારનીતિનું વિઘટન થઈ રહ્યું છે એવી એક આફ્રિકન જાતિને વિષય કરીને લખાયેલી એક નવલકથાનું એવું રસવિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે કે એમાં કરુણનું વ્યાપકપણે આલેખન છે અને વીર, રૌદ્ર, અદ્ભુત, શૃંગાર વગેરે રસો પણ આલેખાયા છે પરંતુ આ બધા રસો અનેક સ્થાને શાંતરસમાં સમાય છે – શાંત એ અંતિમ રસરૂપ છે. આ શાંતરસ એટલે, એ વિવેચકની દૃષ્ટિએ, શાંત આહ્લાદ, તનાવમુક્તિ, વિશ્રાંતિ, તૃપ્તિ (ચિનુઆ એકેબેની નવલકથા ‘થિંગ્ઝ ફૉલ અપાર્ટ’ વિશે મધુસૂદન પતિ, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૨૦૬-૦૯) કીટ્સે ‘ઓડ ઓન અ ગ્રીસિઅન અર્ન’માં કાલબદ્ધ અને કાલાતીતને જોડવાનો પ્રયાસ કર્યો છે અને સૌંદર્ય તથા સત્યની એકરૂપતાનો સંદેશ રજૂ કર્યો છે તેમાં શાંતરસનો અનુભવ થાય છે એવું પ્રતિપાદન પણ થયું છે. અલબત્ત, આ શાંતરસ એટલે મનનો સમતાભાવ (રામરંજન મુખરજી, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૧૨૪) એ સ્પષ્ટ છે કે આ બધાં સ્થાને શાંતરસની વ્યાખ્યા જુદી રીતે થઈ છે. એ લાગણીઓના ઉપશમનની કે લાગણીઓથી ઊંચે ઊઠવાની કોઈક સ્થિતિ અવશ્ય છે, કંઈક નિર્લેપતાનો ને આત્મસ્થતાનો ભાવ છે, કદાચ જીવન અને જગત પ્રત્યેનો દાર્શનિક મનોભાવ (ફિલૉસફિક મુડ) છે, પણ મોક્ષના ઉપાયરૂપ વૈરાગ્યનો કે તૃષ્ણાક્ષયસુખનો ભાવ હરગિજ નથી. એમ કહેવાય કે શાંતરસને વળગેલા ધાર્મિક-આધ્યાત્મિક અધ્યાસો અહીં દૂર કરવામાં આવ્યા છે. શાંતરસની વિભાવનાને આજે આપણે ઉપયોગમાં લઈ શકીએ તો આવા જ કોઈ અર્થમાં લઈ શકીએ. ને સંભવ છે કે શાંતરસની આવી કોઈ વિભાવના કાવ્ય કેટલીક વાર કંઈક ગૂઢ, અવ્યાખ્યેય મનોભાવમાં પરિણમે છે કે એવો મનોભાવ પ્રેરે છે ત્યારે આપણને કામ આવી શકે. લાગે છે કે શાંતરસનું શાસ્ત્ર નવેસરથી ઘડવાની આવશ્યકતા છે. આપણે ત્યાં રામનારાયણ પાઠક તત્ત્વજ્ઞાન એટલે આત્મા સર્વ સ્થાયીઓમાં સ્થાયી છે એ અભિનવગુપ્તના વિચારને ઝીલવા સુધી ગયા છે. એ માને છે કે દરેક મહાન કૃતિનું અંતિમ રહસ્ય શાંતરસનું જ હોય છે. ‘શાકુન્તલ’ જેવી કૃતિ આખીના ભાવને શૃંગારાદિ રસોમાં વ્યવસ્થિત કરવામાં મુશ્કેલી છે એમ દર્શાવી તેઓ એમ કહે છે કે ભાવક ‘શાકુન્તલ’માંથી રવીન્દ્રનાથકથિત ‘તપથી શુદ્ધ થયેલો પ્રેમ જ જીવનનું ખરું મંગલ છે’ એ સત્યના સંસ્કારો અને એને ઉચિત ભાવ અનુભવે છે. રામનારાયણ એને સ્થિતપ્રજ્ઞતા તરીકે પણ ઓળખાવે છે જે આત્માનું એટલે કે ચૈતન્યનું સ્વરૂપ છે અને સ્થિતપ્રજ્ઞતા એ એમની દૃષ્ટિએ ભાવશૂન્યતા નથી, સર્વ ભાવોની એકતંત્રક વ્યવસ્થા છે, સંવાદ (હાર્મની) છે. (રા.વિ.પાઠક ગ્રંથાવલિ-૪, પૃ.૧૮-૧૯, ૭૬) રામનારાયણ અભિનવગુપ્તનો આધાર લે છે પણ અભિનવગુપ્ત જેને સ્થાયિતમ લેખે છે એ તો છે જ્ઞાન, આનંદ વગેરે વિશુદ્ધ ધર્મોવાળો અને પરિકલ્પિત વિષયભોગથી રહિત આત્મા; એના શાંતરસના વિભાવો છે વૈરાગ્ય, સંસારભીરુતા આદિ, અનુભાવો છે મોક્ષશાસ્ત્રચિંતા આદિ, વ્યભિચારીઓ છે નિર્વેદ, મતિ, સ્મૃતિ, ધૃતિ આદિ. (નાટ્યશાસ્ત્ર, ૬, શાંતરસપ્રકરણ, અભિનવભારતી ટીકા) રામનારાયણને શાંતરસના આ ધાર્મિક-આધ્યાત્મિક અધ્યાસો અભિપ્રેત હોય એમ જણાતું નથી. એમણે આ ધાર્મિક- આધ્યાત્મિક અધ્યાસોને ખંખેરી નાખીને શાંતરસની આધુનિક વ્યાખ્યા કરી છે એમ કહેવાય. તે ઉપરાંત ‘શાકુન્તલ’ અને સર્વ મહાન કૃતિઓ અંતે શાંતરસનો જ આસ્વાદ આપે છે એ એમનું મંતવ્ય પણ ચર્ચાસ્પદ જ લેખાય.


  1. ૨૩. ઇહ તત્ત્વજ્ઞાનમેવ તાવન્મોક્ષસાધનમિતિ તસ્યૈવ મોક્ષે સ્થાયિતા યુક્તા। તત્ત્વજ્ઞાનં ચ નામાત્મજ્ઞાનમેવ ।… તેન આત્મૈવ જ્ઞાનાનન્દવિશુદ્ધિધર્મયોગી પરિકલ્પિતવિષયોપભોગ- રહિતોઽત્ર સ્થાયી । (નાટયશાસ્ત્ર, ૬, શાંતરસપ્રકરણ, અભિનવભારતી ટીકા)
  2. ૨૪. તત્ત્વજ્ઞાનં તુ સકલ ભાવાન્તરભિત્તિસ્થાનીયં સર્વસ્થાયિભ્યઃ સ્થાયિતમં સર્વા રત્યાદિકા: ચિત્તવૃત્તી વ્યભિચારીભાવયન્ નિસર્ગત : સિદ્ધસ્થાયિભાવમ્ | (નાટ્યશાસ્ત્ર, ૬, શાંતરસપ્રકરણ, અભિનવભારતી ટીકા)
    યત્ર ન દુ:ખ ન સુખં ન દ્વેષો નાપિ મત્સર: ।
    સમ: સર્વેષુ ભૂતેષુ સ શાંત: પ્રથિતો રસ: ।।
    ભાવા વિકારા રત્યાદ્યા: શાંતસ્તુ પ્રકૃતિર્મત: ।
    વિકાર પ્રકૃતેર્જાત: પુનસ્તત્રૈવ લીયત ॥
    સ્વં સ્વં નિમિત્તમાસાદ્ય શાંતાદ્ ભાવ: પ્રવર્તતે ।
    પુનર્નિમિત્તાપાયે ચ શાંત એવોપલી યતે ॥
    (ભરત, નાટ્યશાસ્ત્ર, ૬, શાંતરસપ્રકરણ)
  3. ૨૫. આના અનુસંધાનમાં જુઓ : “...the statement that in the act of appreciating a work of art we have immediate intuitive awareness of altimate or pure being, takes us outside the confines of aesthetics proper. As ‘emotive’ descriptions of the artistic experience such affirmations are significant and must be treated with respect “ (એચ. ઑસ્બૉર્ન, ઉદ્ધૃત, મૅસન અને પટવર્ધન, શાંતરસ એન્ડ અભિનવગુપ્તઝ ફિલૉસફી ઑફ ઇસ્થેટિક્સ, પ્રવેશક, પૃ.XV)
    “There is a sense in which Abhinava confuses art and life when he insists on the primacy of Santarasa... By seeing beyond literature to the universal experience that lies belind it, Abhinava is undermining the autonomy, the uniqueness of literary experience. He is in danger of turning literature into an icon, a representational object, and aid to devotion rather than an experience unique and precious for its own sake.” (ભેંસન અને પટવર્ધન, ઉપર્યુક્ત ગ્રંથ, પ્રવેશક, પૂ.XVI)
  4. ૨૬. પારમાર્થિકાન્તસ્તત્ત્વાનપેક્ષયા શરીરસ્યેવાફ્ળભૂતસ્ય રસસ્ય પુરુષાર્થસ્ય ચ સ્વપ્રાધાન્યેન ચારુત્વમપ્યવિરુદ્ધમ્ ॥ (ધ્વન્યાલોક, ૪.૫ વૃત્તિ)