હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
Revision as of 06:05, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
નજરના તાર પરે તારા તું ચલાવ મને
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને.
મિલનનો વર્ષોમાં આવે છે જે એ અવસર છું
તું તારા હોઠનાં ફૂલો વડે સજાવ મને.
છું કોઇ સ્વપ્નનાં દૃશ્યો નયનમાં સાચવી રાખ
ગમે છે બહુ તને એ લય છું ગુનગુનાવ મને.
ઊડી જઈશ બહુ અંગત પળેાની સૌરભ છું
તું વાતવાતમાં હોઠો પરે ન લાવ મને.
પલકમાં તારી નિકટ છું અને પલકમાં નથી
જરાક સાચવી આંખોમાં પટપટાવ મને.
છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા