હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે

From Ekatra Wiki
Revision as of 06:45, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે
ડૂબવાનું ક્યાં હતું મારું કદી દરિયા વિષે.

બિમ્બ પણ મારું ન ઝિલાયું કોઈની આંખમાં
ચાંદ પણ મારો ઊગ્યો સુકાયલા કૂવા વિષે.

કોઈની આંખો સમાવે સીમ આખી આવરે
મારું હોવું દૂર વગડામાં કશે ખાડા વિષે.

કોઈની આંખે મને ના સાંભળ્યાની ચુપકીદી
હું ય ના કહેવાયેલા શબ્દોના સન્નાટા વિષે.

હું નહીં તો અંધકારે આરસીનું મૌન છું
મારી ગઝલો કોઈની આંખોમાં ઝિલાવા વિષે.

છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા