સંવાદસંપદા/સતીશચંદ્ર વ્યાસ

From Ekatra Wiki
Revision as of 03:08, 31 July 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સતીશચંદ્ર વ્યાસ સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

Satishchandra Vyas.jpg




યુ ટ્યુબ પર સતીશચંદ્ર વ્યાસ સાથે વાર્તાલાપ





વાર્તાલાપની શ્રાવ્ય કડી


જામનગર જિલ્લાના પીઠડ ગામમાં ૧૯૬૨માં જન્મેલા પ્રતિષ્ઠિત કવિ અને સંશોધક-લેખક ડૉ. સતીશચંદ્ર વ્યાસને તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના ‘બાઉલનાં ગીતો’ પુસ્તક માટે સંશોધન વિભાગમાં પ્રથમ પારિતોષિકથી સન્માનિત કર્યા. કૉલેજમાં વિજ્ઞાનનો અભ્યાસ કરીને તેઓ એક સેના અધિકારી બન્યા, જમીન મહેસૂલ ખાતાની નોકરી કરી અને સાહિત્ય પ્રત્યેની જન્મજાત અભિરુચિએ એમને જીવનના એક તબક્કે સર્જન તરફ વાળ્યા. એમણે અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી.ની પદવી ‘રવીન્દ્રનાથ ટાગોર પર બાઉલ સહિત બંગાળનાં લોકગીત-સંગીતની અસર’ શોધનિબંધ દ્વારા મેળવી. બંગાળ ઉપરાંત ભારતના અનેક પ્રદેશોમાં જાતે પરિભ્રમણ કરીને એમણે કરેલા અધ્યયન અને પરિશીલનના ફળસ્વરૂપ એમણે અનેક પુસ્તકો પ્રગટ કર્યાં છે, જેમાં અધ્યાત્મદર્શન ઉપરાંત એમના મૌલિક કાવ્યસંગ્રહોનો સમાવેશ પણ થાય છે. તેઓ ‘શબ્દ’ ઉપનામ ધારણ કરીને કાવ્યસર્જન કરતા આવ્યા છે. ભારતભરમાં તેઓ બાઉલોને લઈ બાઉલગાન અને નૃત્યના કાર્યક્રમો કરીને આ વિશિષ્ટ અધ્યાત્મ પરંપરાનો ભાવકોને પરિચય કરાવે છે. પ્રશ્ન : સતીશભાઈ, તાજેતરમાં જ આપને ગુજરાત સહિત્ય અકાદમીનો એવૉર્ડ પ્રાપ્ત થયો. આ એવૉર્ડ મળતાં આપનો પ્રતિભાવ જાણવાની ઇચ્છા છે. સૌ પ્રથમ તો આપનો આભાર કે આપે આ વસ્તુની નોંધ લીધી અને સહૃદયતાપૂર્વક મને અભિનંદન આપ્યા. આ એવૉર્ડ મારા બાઉલનાં ગીતો, જે મેં બંગાળના મારા ભ્રમણ દરમ્યાન જુદા જુદા બાઉલોને મળીને એકત્ર કરેલાં, એમાંથી સવાસો જેટલાં ગીતોનો એક લઘુ સંચય બનાવેલો, અને એમાં સમગાની અનુવાદો કરીને પરિશિષ્ટ મૂક્યાં છે, એને માટે મળ્યો છે. એ કામ તરફ અકાદમીનું ધ્યાન ગયું અને આ એવૉર્ડ આપ્યો છે. બાઉલ સાથે વર્ષો સુધી રહેવાના પરિણામે જ્યારે કોઈ માન કે અકરામ મળે છે ત્યારે ખૂબ ઉત્સાહિત કે આનંદિત થઈ જઈએ એવું તો બનતું નથી. પણ બધા મિત્રોનું કહેવું હતું કે અકાદમીએ આ કર્યું એ સરાહનીય છે અને મને પણ એમ થયું કે આવા એક વિસરાયેલા વારસાને યાદ કરીને પોંખવામાં આવે છે એ સારું જ છે. ૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથે એક વ્યાખ્યાન આપેલું. એમાં એમણે બાઉલોનો સંદર્ભ આપેલો અને એમણે કેટલાંક ગીતો રજૂ પણ કરેલાં, ત્યાર પછી ગુજરાતમાં કોઈ બાઉલોને લઈને નહોતા આવ્યા અને સોએક વર્ષ પછી મને આ તક મળી એટલે આ એવૉર્ડનો આનંદ તો મને જરૂર હોય જ. પ્રશ્ન : આપની કારકિર્દી ખાસ્સી વૈવિધ્યપૂર્ણ રહી છે. વિજ્ઞાનનો અભ્યાસ અને પછી લશ્કરી ખાતાની નોકરી, જમીન મહેસૂલ ખાતામાં કામ, અને આ બધું કામ કરતાં કરતાં આપે સાહિત્યસર્જન પણ કરવા માંડ્યું. તો આ બધા પડાવો વિશે અને આપની સર્જનયાત્રાની શરૂઆત કઈ રીતે થઈ એની વાત કરો. પિતાજીના વ્યવસાયને લીધે જુદાં જુદાં સ્થળે મારું ભણતર બાર ધોરણ સુધી થયું. અને પછી લશ્કરમાં જોડાઈને દેશસેવાની તક પણ મળી. પણ જ્યારે હું રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો અંગ્રેજીમાં વાંચતો ત્યારે મને એમ થતું કે મૂળ ભાષા બાંગ્લામાં વાંચ્યા વિના આ ગીતોનો સાચો અર્થ આપણે પામી નહીં શકીએ. એટલે એ રીતે સૌ પ્રથમ રસ રવીન્દ્રનાથમાં જાગ્યો અને એ અભ્યાસને લીધે બંગાળી આવડતું થયું. મારા બંગાળના ભ્રમણને કારણે બંગાળી બોલી શકાય તેમ જ લખી-વાંચી શકાય એવી મહારત પણ પ્રાપ્ત થઈ. પછી બાઉલની વાત તો મને રવીન્દ્રનાથે પહેલી વખત કરી. કારણ કે, એ એમનાં વ્યાખ્યાનોમાં બાઉલની વાતો કરતા, બાઉલોના લાઘવ, એમની ભાષાના પ્રયોગો વિશે એ વાત કરતા. ત્યારે એમ થયું કે આના વિશે તો આપણે કંઈ જાણતા જ નથી. ગુજરાતીમાં ફંફોળ્યું પણ બાઉલ વિશે ગુજરાતી ભાષામાં બે પુસ્તિકાઓ મળી, એ જોઈ ગયો તો એમાં ત્રણ પ્રવચનો ક્ષિતિમોહન સેનજીનાં બંને પુસ્તકોમાં મળ્યાં. એટલે પછી સાચા બાઉલને શોધવાની એક તડપ જાગી. અને પછી મારાં ભ્રમણ દરમ્યાન એક મજૂર જેના કાકા શાંતિદાસ એક બાઉલ છે એમને મળવાનું થયું. અને પછી તો એમના આધારે બંગાળના અને બાંગલાદેશના બધા જ બાઉલોને, એમના છપ્પન જેટલા અખાડાઓને, એમના આખા વર્ગને મળવાનું થયું. એમનાં ગીતો અને એમની પરિભાષાઓ, એમના મેળાઓ અને મેળાવડાઓ એ બધામાં જવાનું થયું. પ્રશ્ન : જી, મારી પૃચ્છા એ બાબતની પણ હતી કે વિજ્ઞાનનો અભ્યાસ અને પછીની નોકરીઓ કરતાં કરતાં સાહિત્ય તરફ કેવી રીતે વળવાનું થયું. એમાં કદાચ આપના બાળપણના સંસ્કારો કારણભૂત હશે? આપના બાળપણ અને ઉછેર વિશે પહેલાં જાણવું છે. મારા ઘરમાં પિતાજી આર્યસમાજમાં માને, મારા મોટા ભાઈ સાહિત્યના જાણકાર અને બાલમિત્ર જેવાં સામયિકોમાં એમનાં ગીતો નાની ઉંમરે છપાતાં. એટલે ઘરમાં આવાં બધાં મૅગેઝીન આવતાં અને એમાં વાર્તાઓ વગેરે અમે વાંચતા. આમ, પ્રારંભથી ઘરમાં માહોલ સાહિત્યનો હતો જ. વ્યાવસાયિક કારણોસર હું વિજ્ઞાનનો વિદ્યાર્થી બન્યો પણ મૂળતઃ તો અંદરથી સાહિત્યની ખેવના રહેલી હતી. ઘરના બધા જ ડૉક્ટરી અને એવા બધા વ્યવસાયો સાથે જોડાયેલા એટલે બધા જ વિજ્ઞાનના વિદ્યાર્થી અને એમણે મને વિજ્ઞાનમાં જવા પ્રેરિત કર્યો. પણ આ બધું કરવા છતાં પણ મારી નજર તો સાહિત્ય તરફ હતી. અને આશરે સત્તર વર્ષની ઉંમરથી મેં ગીતો લખવાનું શરૂ કરેલું. એ રીતે ઓગણીસ વર્ષની ઉંમરથી આકાશવાણી પર અને એવા બધા કાર્યક્રમોમાં પણ ભાગ લેવાનું શરૂ થયું. રમેશ પારેખ જેવા કવિઓને મળવાનું અને એમની સાથે કાવ્યોની આપ-લે કરવાનું પણ મળ્યું. ચોવીસ-પચીસ વર્ષે અમે થોડા મિત્રોએ સાથે મળીને સાહિત્યનાં મંડળોની રચના કરી, મુખપત્ર બનાવ્યાં અને વર્ષો સુધી ‘શબ્દશિલ્પ’ નામનું એક મુખપત્ર ચલાવ્યું પણ ખરું. માનું પણ સાહિત્ય સાથે એટલું જ જોડાણ હતું, લોકગીતો જે માના કંઠે સાંભળ્યાં છે એ આજે પણ મનમાં સ્થિર થયેલાં છે. પ્રશ્ન : આપે અનેક કાવ્યસંગ્રહો આપ્યા. આપના તખલ્લુસ ‘શબ્દ’ વિશે કંઈ કહો, એનું મૂળ ક્યાં રહેલું છે? ‘શબ્દ’ તખલ્લુસ મૂળભૂત રીતે ગુરુ નાનકદેવ પાસેથી, પંજાબમાંથી મને મળેલું. કારણ કે ‘ગુરુદા શબદ’ એ લોકો શબદ બોલે છે. મારો લગાવ શીખ રેજિમેન્ટ સાથે હતો અને એ બધા મારા નજીકના મિત્રો, તેમ જ ગુરુદ્વારા અને ગુરુ ગોવિંદસિંહ સાથે લગાવના હિસાબે મને એ તખલ્લુસ મળ્યું. એ લોકો વાણીને ‘શબદ’ નામથી ઓળખે છે. એને તત્સમ તરીકે મેં ‘શબ્દ’ને મારા તખલ્લુસ તરીકે પસંદ કરેલું, પણ ખરેખર એ ‘શબદ’ છે. પ્રશ્ન : આપે ભારતના અનેક પ્રદેશોનાં પરિભ્રમણ કર્યાં છે અને કરો છો. બંગાળ ઉપરાંત રાજસ્થાન, પંજાબ, વગેરે અનેક રાજ્યોમાં આપ પ્રવાસો કરો છો. આ પ્રવાસોના અનુભવો હશે. આ પ્રવાસોની પ્રેરણા ક્યાંથી થઈ? પરિભ્રમણના બે હેતુઓ એકસાથે હતા. એક તો વ્યવસાય માટે પણ જવું પડતું, અને બીજું શુદ્ધ સંશોધનના હેતુસર. બંગાળનાં મારાં પરિભ્રમણો પ્રારંભે વ્યવસાય માટે હતાં. પણ મારે તો આંશિક કામ હોય, મારી ટીમ ત્યાં કામ કરતી હોય એટલે એમને કામ બતાવીને મારે તો એક સપ્તાહ સુધી કંઈ ખાસ કરવાનું ન હોય. તો એ ગાળામાં હું શું કરું? એ ગાળામાં બાઉલના આશ્રમોની મુલાકાત લેવાનું, બાઉલના મેળાવડાઓમાં જવાનું થયું. પણ જ્યારે એની લગની લાગી ત્યારે વ્યવસાયના ક્ષેત્ર સિવાય પણ બંગાળમાં અવારનવાર જવાનું બનવા લાગ્યું. બીજું કે રાજસ્થાન, હિમાચલ, બંગાળ, પંજાબ એ બધા વિસ્તારોમાં ફરવાનું કારણ તો મારા સંશોધનનું, મૌકીમસિંહ સાહેબ નામના એક મહાપુરુષના જીવનચરિત્રની રૂપરેખા જાણવા માટે મારે ફરવું પડેલું અને એ દરમ્યાન આપણી ભારતીયતા એક જ સંસ્કૃતિથી જોડાયેલી છે એવી ભાવના મને પ્રત્યેક જગ્યાએ થઈ છે. પ્રશ્ન : લોકસંસ્કૃતિનો અભ્યાસ કરતાં ગ્રામજીવનની ઝલક પણ મળે, ગ્રામ્ય લોકોના સંસર્ગમાં આવવાનું થાય. સૌ પ્રથમ બંગાળની વાત કરું, પ્રારંભે ગુરુદેવ ટાગોર કલકત્તામાં રહેતા. જે ભાષામાં એમનું લખાણ હતું એ સાધુ ભાષા કહેવાતી—સાધુ બંગાળી, જેને આપણે પરિશુદ્ધ શહેરી બંગાળી કહીએ. એમનાં લખાણમાં પણ ગ્રામ્ય પરિવેશનો બહુ ઉલ્લેખ આવતો નહીં, ૧૮૯૦ની સાલમાં એમના પિતાજી દેવેન્દ્રનાથજીએ એમને ગ્રામ્ય પરવેશમાં મોકલ્યા ત્યારે પહેલી વખત એમણે ગ્રામ્ય બંગાળ જોયું. ત્યાંના માછીમારો, ત્યાંના બાઉલો, ખેડૂતોને જોઈને અને એમની ભાષા સાંભળીને ટાગોર ચલ બંગાળી લખવા માંડ્યા અને એમાં એમણે ઘણું સર્જન કર્યું. હું માનું છું કે ભારતની સાચી સંસ્કૃતિ તો ગ્રામ્ય પ્રદેશોમાં જ રહે છે. જ્યાં સુધી આપણે ગ્રામ્ય પરિવેશની નજીક નહીં જઈએ, એમની બોલી અને એમના પ્રશ્નોને નહીં જાણીએ ત્યાં સુધી ભારતની નસ આપણા હાથમાં નહીં આવે. મારે પણ બંગાળની સોએક નદીઓમાં જવાનું થયું છે, ઇચ્છામતિથી માંડીને પદ્માના બધા જ ફાંટાઓમાં બાઉલના સંશોધન માટે, એમને મળવા માટે જવાનું થયું છે. પણ એમની એક સૂક્ષ્મ તરજ હોય છે, એમની એક સૂક્ષ્મ સમજ હોય છે, જે આપણને શહેરમાં જોવા નથી મળતી. હું આપને એક જ ઉદાહરણ આપવા ચાહીશ. મારા મુરબ્બી સુધીર ચક્રવર્તીસાહેબને યાદ કરીને આ ઉદાહરણ આપું છું. એમણે મને પૂછ્યું હતું કે આ ભટિયાલી ગીતો ગવાય છે એમાં બે ઢાળ હોય છે; એક તો ખૂબ પ્રલંબ લયના અને બીજા ટૂંકા લયના. આવું કેમ છે? ત્યારે મેં કહ્યું કે સાહેબ, મને ખબર નથી. તો એમણે મને કહ્યું કે તું હવે સંશોધન કરજે અને જોજે. ત્યારે મેં એક મછવારાને પૂછ્યું કે આવું કેમ કે તમે બંને ઢાળમાં ગાઓ છો. ‘ઓ માઝી રે’ એ ઢાળ છે એ ભટિયાલીનો છે. તો એણે મને કહ્યું કે સાહેબ ભરતી સામે આવે ત્યારે જે ઢાળ ગાવામાં આવે એ ટૂંકો હોય, કારણ કે, એમાં શ્રમ પડે અને ઓટમાં જઈએ ત્યારે અમારો ગાયનનો ઢાળ પ્રલંબ હોય છે, કારણ કે, એમાં કોઈ શ્રમ નથી હોતો. તો આવી સૂક્ષ્મ બાબતો ગ્રામ્ય પરિવેશમાંથી જાણવા મળે. એકને એક શબ્દનાં અનેક રૂપાંતરો એમાં જોવા મળે. એને પૂછીએ કે નદીનું નામ પદ્મા કેમ છે, તો એ કહે કે એક તો આ શુભ્ર એટલે કે સફેદ–સ્વચ્છ છે, અને બીજું એ ખૂલી જાય ત્યારે એટલી બધી ખૂલી જાય છે કે ગામોનાં ગામોને એની અંદર લઈ લે છે. પદ્માનો વિસ્તાર એટલો બધો છે અને એમાં જ્યારે પૂર આવે ત્યારે એ એટલી બધી ખૂલી જાય અને એ સંકોચાઈ જાય ત્યારે એને જાણે કે ભોજન ન મળ્યું હોય એટલી પાતળી એ થઈ જતી હોય છે. આવા તો અનેક અનુભવો મને બંગાળમાં ત્યાંના બાઉલો સાથે, આમજનતા સાથે, ખેડૂતો સાથે, ગાડાખેડુ સાથે, પશુપાલકો સાથે થયા છે અને મારાં પુસ્તકોમાં આના વિશે મેં લંબાણપૂર્વક વાત પણ કરેલી છે. પ્રશ્ન : આપણે ગ્રામ્ય સંસ્કૃતિની વાત કરીએ છીએ તો કર્ણોપકર્ણ સાહિત્યની પ્રાદેશિકતા વિશે, એની ખાસિયતો વિશે પણ કંઈક કહેશો? કર્ણોપકર્ણ સાહિત્ય એ ભારતની જ નહીં, આખા વિશ્વની ખાસિયત છે. એને માટે શ્રુતિ શબ્દ પણ વપરાય છે. વૈદિક પરંપરામાં શ્રુતિ એટલે કાન દ્વારા પિતાએ પુત્રને, ગુરુએ શિષ્યને કહેલી વાત. અને આમ પણ આપણા વેદોનું લિખિત સ્વરૂપ સાત-આઠ હજાર વર્ષ જૂનું હોવા છતાં મળ્યું છે બહુ પાછળથી, એ પહેલાં તો ગુરુ-શિષ્ય પરંપરાથી એ કહેવામાં આવતું. ભારતનું બધું જ લોકસાહિત્ય કર્ણોપકર્ણ જ ચાલ્યું છે. અને અમારા બાઉલ તો એમ કહે કે તમે શહેરના માણસો, જ્ઞાનીજનો બીજાને જ્ઞાન આપો ત્યારે ચોકસાઈપૂર્વક લખીને આપો કે આ જ રીતે લખાવું જોઈએ, હૃસ્વ-દીર્ઘની ભૂલ પણ ન થવી જોઈએ. કારણ કે, તમે એમ માનો છો કે જ્ઞાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને જો એની અંદર કંઈ બોટાઈ જાય અર્થાત્ દૂષિત થાય તો કોઈ મોટો અનર્થ થાય. પણ અમે એમ માનીએ છીએ કે કાનથી કાન આપવાનું અને જેટલા વધુ લોકો પાસે એ જ્ઞાન જાય અને એનો રસ એમનામાં ઊતરે એમ એ જ્ઞાન સમૃદ્ધ બને. બંગાળમાં પચીસેક જેટલા લોકગીતોના પ્રકાર, એ બધાનું વૈવિધ્ય, સમય અને સંજોગ પ્રમાણે એમાં આવતા બદલાવ, એનાં કબિગાનો, એના બિહુ, એના ભટિયાલી—એ બધાંમાં સમાજજીવનના પ્રશ્નો, એની જુદી જુદી પરિકલ્પનાઓને વાચા આપતા કેટલાક મુદ્દાઓ વગેરે જોઈએ ત્યારે આપણને એમ થાય કે લોકસાહિત્યનો અભ્યાસ કરવા માટે ગુરુદેવે જે મથામણ કરી એ સાચી છે અને એ જ્યોતમાંથી ઝવેરચંદ નામનો જે એક દીપક પ્રગટ્યો અને ગુજરાતમાં આવીને એણે પણ આ જે કામ કર્યું એ બહુ મોટું છે. આપણો સાચો વારસો ગ્રામ્ય પરિવેશમાં વસતા લોકોના હૃદયમાં અને બોલીમાં રહેલો છે. આપણે એમ કહીએ કે ભાષાને શિષ્ટજનો, શહેરીજનો, અને મહાશાળાઓ જિવાડશે, તો એ બાબતમાં મને બહુ શ્રદ્ધા નથી. હું એમ માનું છું કે એને જિવાડવાનું કામ, એને નવપલ્લવિત કરવાનું કામ, એને સંગોપવાનું કામ તો ગ્રામ્ય લોકો જ કરી રહ્યા છે. પ્રશ્ન : સતીશભાઈ, આપે મેઘાણીને યાદ કર્યા. તો લોકસંસ્કૃતિનું જે કામ મેઘાણીએ ગુજરાતમાં કર્યું એ કામ તમે ગુજરાતની બહાર કર્યું, અને કરી રહ્યા છો. એ કામ કરવા પાછળનો કોઈ ખાસ હેતુ ખરો? પહેલો હેતુ તો નિજાનંદ. આપણા અંતરાત્માના આનંદ માટે અને આપણા મનના પોષણ માટે આપણે કરીએ છીએ. બીજું ઊંડે ઊંડે એમ પણ થાય કે આ મારી ફરજ પણ છે. મને રવીન્દ્રનાથજી અને બાઉલ જો કોઈ વાત કરે કે રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારનો એક મેઘવાળ આખા દિવસના શ્રમ પછી રાત્રિમાં એના ઘેર બેસાડી પોતાની સાળને એક બાજુએ મૂકી, પોતાના તંબૂરને હાથમાં પકડી અને કોઈ સ્વાર્થ વગર કબીરનાં પદો સંભળાવતો હોય તો મારે એ નોંધી લેવાં જોઈએ. એ પાંસઠ વર્ષના માણસના કંઠમાંથી નીકળતી આ વાણી જો આજે નહીં નોંધાય તો એ વિલુપ્ત થવાના આરા પર છે. આવો એક વિચાર ખરો અને એ વિચારને આધીન રહીને આ પરિશ્રમ કરવાની અને આનંદ લૂંટવાની ક્રિયાઓ, બંને એકીસાથે કરેલી છે. પ્રશ્ન : આપે બાઉલ પરંપરા વિશે આટલું બધું સંશોધન કર્યું છે, આટલા બધા અનુભવો લીધા છે. એમની જીવનરીતિ કેવી છે? એમની સાથેના અનેક અનુભવો તો હશે જ, એ કેવા છે? અને સાથે જ બીજો પ્રશ્ન – બાઉલ પરંપરામાં અનેક સંપ્રદાયો છે. તો બાઉલતત્ત્વમાં ભેદને કોઈ અવકાશ ખરો? બાઉલ પરંપરા આશરે એક હજાર વર્ષ જૂની છે. ચરિયપદ પણ બાઉલ ગાય, જે હરિપ્રસાદ શાસ્ત્રીએ લખેલાં. બાઉલ શબ્દનો ઉલ્લેખ ચૈતન્ય ચરિતામૃતમાં આજથી સાડા ચારસો-પાંચસો વર્ષ પહેલાં થયેલો છે. બાઉલની પરંપરા માટે આજની શહેરી પરિભાષામાં અને ટેક્‌નિકલ રીતે કહેવું હોય તો ‘બાઉલ ઇઝ અ સેફ્ટી વાલ્વ’. કોઈ એક પરંપરાની અંદર જ્યારે કોઈને બહુ પીડિત કરવામાં આવે, કોઈ વ્યક્તિની સાથેના મતભેદોને અત્યંત મુખરિત કરીને એ વ્યક્તિને જ્યારે નિષ્કાષિત કરવામાં આવે ત્યારે એ વ્યક્તિ ક્યાં જાય? એણે સમાજમાં તો રહેવું જ પડે, એટલે એ સમાજથી નિષ્કાષિત થાય. એમ કહેવાય છે કે પહેલવહેલો બાઉલ બુદ્ધના હીનયાન અને મહાયાનમાંથી છૂટો પડી… બુદ્ધની મૂર્તિપૂજા કરવી કે ન કરવી એમાં ત્રીજો અભિપ્રાય ધરાવનાર લોકોને જ્યારે કહી દેવામાં આવ્યું કે તમે છૂટા પડો ત્યારે એ લોકો નેર અને નેરી તરીકે બાઉલમાં જોડાયા, સહજિયા વૈષ્ણવ એમાં જોડાયા. આ રીતે તેર પ્રકારના બાઉલો છે, એમાં આઉલ, બાઉલ, પુરશીદિયા, મારફતિયા, મેજ ભંડારી, વગેરે અલગ અલગ સંપ્રદાયોના બાઉલો અનેક જગ્યાએ ફેલાયેલા છે. વૈષ્ણવમાંથી એટલે કે હિંદુ ધર્મમાંથી પણ બાઉલ બને છે, બૌદ્ધ ધર્મમાંથી પણ બાઉલ બને છે. ખ્રિસ્તી ધર્મમાંથી બનેલા બાઉલ પણ છે. પ્રખ્યાત અભિનેતા બોબ ડીલન એ અમેરિકન બાઉલ છે. એ અર્ધબાઉલ બની ગયા છે. મુસ્લિમોમાં જેને સૂફી અને ઓલિયા કહીએ છીએ એ વર્ગમાંથી પણ ખૂબ બાઉલો છે—લાલન ફકીરના ગુરુજી સિરાજ સાંઈ એ મુસ્લિમ હતા. આખા બંગાળમાં અને બાંગલાદેશમાં થઈને પચાસ હજાર બાઉલો છે અને એમના તેર જેટલા જુદા જુદા પંથો છે. પણ ખૂબી એ વાતની એ છે કે જુદી જુદી વિચારધારાના હોવા છતાં એક જ પ્લૅટફૉર્મ પર એ એકત્ર થઈ શકે છે. કોઈ બાઉલોનો મેળાવડો હોય અને કોઈ એક મારફતિયા બાઉલે ગાયું કે ‘નબી મોરે પારસમોની, નબી મોરે સોનારકની’ એટલે કે, મારા નબી પારસમણિ છે, મારા નબી સોનાની કણી છે—એવું એણે ગાયું અને આપણને એમ થાય કે આ મુસ્લિમનાં ગીતો ગાય છે, પણ એના પછી તરત આવનારો જો વૈષ્ણવ બાઉલ હોય તો એ એનાં ગીતો ગાય. એટલે એક જ પ્લૅટફૉર્મ પર એ બધા આરામથી ભેગા થઈ શકે. એ લોકો મૂર્તિ પૂજતા નથી, પણ આપણે એમને કોઈ મંદિરમાં લઈ જઈએ તો એ આવે. આવીને બેસે અને આપણે એમને કહીએ કે આ કાલીમાતાની મૂર્તિ છે તો કંઈક ગા; તો એ કાલીમાતાનું ભજન પણ ગાય. એને કોઈ છોછ નથી. સહજતા, સરળતા છે એનામાં. તો એ શાને માને છે? એ માને છે ‘મનેર માનુષ’, એટલે કે અંતરાત્મામાં રહેલો છે એ જ પદાર્થને માનવાનો. પણ કોઈની સાથે વિરોધ કે ધર્મના નામે ટંટો ન કરવો એ બાઉલોની પ્રાથમિકતા છે. બંગાળ સિવાયના જેને બૃહદ્ બંગાળ કહીએ છીએ એ આસામના કેટલાક જિલ્લાઓના અને થોડાક મણિપુરના પ્રદેશોમાં તેમ જ ઓડિશામાં પણ બાઉલો ફેલાયેલા છે. લોકો સમાજમાં એમને માનની નજરે જુએ છે અને એમની ભોજન માટેની માધુકરીની પ્રવૃત્તિ હોય છે એની આપૂર્તિ પણ કરે છે. આજે પણ બાઉલ એની મસ્તીમાં જ ફરે છે. પ્રશ્ન : આપે કહ્યું તેમ બાઉલો મનેર માનુષની સાધના કરે છે, તો પછી એમનાં ગીતોમાં જુદા જુદા ભગવાનોનો ઉલ્લેખ હોય છે એને આપણે કઈ રીતે મૂલવી શકીએ? બાઉલને એના વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એણે એમ કહ્યું કે મનેર માનુષ અમૂર્ત છે, અંતરાત્મા અમૂર્ત છે, પણ પ્રારંભ તો મૂર્તથી થાય છે. એના સંસ્કારોને લઈને એ માણસ બાઉલ બનેલો હોય છે. કોઈ બ્રાહ્મણ, કોઈ મોચી, કોઈ ગોપ એમ જુદી જુદી પરંપરાઓમાંથી બાઉલ બન્યા છે, એ પોતપોતાના સંસ્કારોને લઈને આવે છે, તો એને આ લોકો નિષિદ્ધ નથી કરતા. પણ એ ધીમે ધીમે બાઉલ પરંપરામાં ભળતા જાય છે. અવગાહન વખતે એના ચિત્તમાં એને દેવોનાં કોઈ સ્વરૂપો દેખાયાં હોય તો એ એને ભજે છે. પણ બાઉલનાં ગીતોમાં ક્યાંક તો એવો કોઈ સંદર્ભ હોય છે જે આપણાં પરંપરાગત માતાજીનાં ગીતો હોય એના કરતાં જરા જુદી રીતે સંદર્ભિત કરેલો હોય છે. દાખલા તરીકે, અમારા અનાથબંધુ ગોંસાઈએ કાલીમાતાનું વર્ણન કર્યું છે એમાં એ લખે છે કે સવારના કુંવરી, મધ્યાહ્ને યુવતી, રાત્રે વૃદ્ધા, અને પરોઢિયે નેતિ નેતિ. હવે કાલીનું આ વર્ણન અનાથબંધુ સિવાય ક્યાંય જોવા ન મળે. પ્રશ્ન : આગમની ગીતો એટલે શું? આપણે ત્યાં નવ દિવસ સુધી માતાજીની નવરાત્રિ ગવાય છે. બંગાળ તો માતૃપૂજક પ્રદેશ છે, બંગાળમાં પણ એ કહેવાય છે નવરાત્રિ પણ માતાજીનું પૂજન પાંચ દિવસ જ થાય છે—છઠથી વિજયાદશમી સુધી. તો આગલા દિવસોએ કેમ નથી થતું? તો એની પાછળ એક રસપ્રદ કહાની છે. એ આગલા પાંચ દિવસ માતૃભક્તિનાં ગીતો નથી ગવાતાં પણ માતાજીને આવકાર આપવા માટે અને આજીજી કરવા માટે જે ગીતો ગવાય છે એને આગમની ગાન કહેવાય છે. એમાં મહાલયા એકમથી બધાં મંડળો ગાવા માટે એકત્ર થઈ જાય અને માતાજીને આહ્વાન કરે. આવું કેમ? આવું એટલા માટે કે શિવજીનાં લગ્ન અન્નપૂર્ણા પાર્વતી સાથે થયાં એ એમનાં માતા-પિતાને બહુ પસંદ નહોતું. એ લગ્નમાં શિવજી પણ માતાજી સાથે થોડા સખત છે એવું લોકોને લાગ્યા કરે છે, કારણ કે, બંગાળનો અનુપ્રાણિત અર્થ તો માતાજી તરફ ઢોળાયેલો છે, એટલે એ માને છે કે શિવજી માતાજીને આવવા નથી દેતા. એટલે પાંચ દિવસ એમને આગમન માટે મનાવવામાં આવે છે. એમાં કેટલા બધા ભાવ આવી જાય છે, શિવજીની ભર્ત્સના થાય, દીકરીને ઘરે બોલવવા માટે કેટલાંય વાનાં કરવાં પડે, માતા પોતાની વ્યથા કહે, ન આવવાનાં જુદાં જુદાં કારણો કહેવામાં આવે, કેટલાક મુદ્દાઓ આપણે જેને ચાટૂક્તિ કહીએ એવા હોય, દાખલા તરીકે, એમની બહેનપણી છે એ એમ કહે કે ગણપતિને લઈ આવો એટલે પાછળ દીકરી ચાલી આવશે. આવાં રસપ્રચુર ગીતો આગમની ગાન તરીકે ગવાય છે. આ છસો વર્ષ જૂની પરંપરા છે અને સો જેટલા કવિઓએ એ લખેલાં છે. એ બહુ મોટું ધન છે, કારણ કે, એમાં એટલું બધું વૈવિધ્ય હોય છે અને સાહિત્યિક રીતે પણ વાંચવાં અને સાંભળવાં ગમે એવાં છે. આપણી કમનસીબી છે કે ગુજરાતીમાં આગમની ગાનો આવી શક્યાં નથી. મેં એક પ્રયત્ન કરેલો છે. પણ આ ગીતો બંગાળીમાં જ આવ્યાં એનું કારણ શું છે? કોઈ પણ સાહિત્યપ્રકાર કોઈ એક પ્રદેશમાંથી આવે એનાં કારણ હોય છે. બાળવયમાં જ દીકરીને પરણાવી દેવાની એવું બંગાળમાં ખૂબ બનતું. પછી પતિ અત્યંત વૃદ્ધ હોય, જોવો પણ ન ગમે એવો હોય તોપણ પુત્રીને પરણાવી દેવાની; માતા-પિતાનું આ જે માનસ હતું એના પરિપાકરૂપે અને એની સામેના વિરોધ રૂપે કવિઓએ આ ગીતો લખેલાં. આપણે એ ગીતોમાં અન્નપૂર્ણાનું નામ લઈએ છીએ પણ આપણી પોતાની બાળ વિવાહિત દીકરીઓ પર જે વીતતી હોય છે એ ઘટનાનું કવિ એમાં વર્ણન કરે છે. પ્રશ્ન : બાઉલગીતો અને સાથે આગમની ગીતોનાં સંગીતતત્ત્વ વિશે જાણવાનું કુતૂહલ છે. એના સંગીતતત્ત્વનું વિશ્લેષણ કરીએ તો એના લય, ઢાળ, એમાં વપરાતાં વાદ્યો, બાઉલોનાં નૃત્ય એટલે કે એ ગીતોના તાલ વગેરેની વાત કરીએ? કોઈ એક વ્યક્તિ ઇચ્છે કે એણે બાઉલ બનવું છે તો એ સીધો જ એમ બની શકતો નથી. એણે ચાર પ્રકારના ગુરુઓ—સંગીતગુરુ, કલાગુરુ, સાધનાગુરુ, અને દીક્ષાગુરુ—ધારણ કરવા પડે. ઘણી વખત એવું પણ બને કે એક જ વ્યક્તિ આ ચારે ગુરુપણું ધરાવતી હોય. પણ સંગીતની સાધના એણે કઠોર રીતે કરવી પડે. બાઉલ ગીત દ્વારા, સંગીત દ્વારા, નૃત્ય દ્વારા જ પોતાની વાત રજૂ કરે છે. એનાં લગભગ બધાં જ ગીતો શાસ્ત્રીય રાગોમાં હોય છે, ભલે એ કહેવાય છે લોકગીતો. અને એ રાગો એટલા બધા સુમધુર રીતે પ્રયોજાયેલા હોય કે ગુરુદેવ ટાગોર જેવી વ્યક્તિ પણ એનાથી સંમોહિત થઈ જાય. ૧૭૮ જેટલાં ગીતોમાં ગુરુદેવે કબૂલેલું છે કે એમના પર બાઉલગીતો અને એના ઢાળની અસર છે. બાઉલ પોતે એકલો જ ગીતો રજૂ કરતો હોય છે. એનો હેતુ કોઈ કાર્યક્રમ રજૂ કરવાનો નથી હોતો. એ કહે છે કે જ્યારે અંદરથી મજબૂરી થઈ જાય ત્યારે અમે આ ગીતો ગાઈએ છીએ, અને ત્યારે કોઈ તબલચી સાથે મળવો કે બીજું કોઈ વાદ્ય વગાડનાર મળવો અશક્ય છે એટલે એ પોતાના એક હાથમાં ડગ્ગા રાખે અને બીજા હાથમાં ગોપીયંત્ર નામનું એક વાદ્ય હોય છે. ગોપીયંત્ર એક એવું વાદ્ય છે જે બાઉલ સિવાય કોઈ વગાડતું નથી. એમાં એક જ તાર હોય છે જે એ મધ્યમાં હોય છે અને નીચે તુંબડું હોય છે, એટલે એમાંથી એકદમ ઘેરો અવાજ પ્રગટતો હોય છે, જે સાંભળનારને આધ્યાત્મિકતાની ટોચ ઉપર લઈ જાય છે. આ વાદ્ય એ જાતે જ બનાવે પણ છે. બીજું ખમક નામનું વાદ્ય એ વગાડે છે, જે બગલમાં રાખીને વગાડવાનું છે. ડગ્ગા નામનું તાલવાદ્ય એ કમર પર બાંધીને વગાડે છે. મારાં ઘણાં પુસ્તકોનાં મુખપૃષ્ઠ ઉપર મેં આવાં ચિત્રો મૂક્યાં છે. બીજું એક વાજિંત્ર આનંદલહરી પણ છે, જે પણ તાલવાદ્ય છે અને કમર પર રાખીને વગાડાય છે, પણ જ્યારે ૨-૩ બાઉલો સાથે હોય ત્યારે એ લોકો એનો ઉપયોગ કરે છે. બે જાતની વાંસળીઓ પણ એ લોકો ઘણી વખત વગાડતા હોય છે—મોટી અને નાની વાંસળી. તો આ એમનાં સંગીતનાં વાદ્યો અને સૂર તો સારી રીતે સાધેલો જ હોય. બાઉલ નૃત્ય કરે એને સપ્તસાધનાર સાધક કહેવાય છે. બંગાળીમાં ‘ર’ એટલે ‘નું’. એટલે સાત વસ્તુ એકીસાથે કરનાર વ્યક્તિ, જે વિશ્વમાં કોઈ કરતું નથી. કઈ સાત વસ્તુ? પહેલું તો ગીત પોતાનું લખેલું હોય; બીજું, ગીતની બંદિશ પોતે બનાવેલી હોય; બીજું, ગીતની કૉરિયૉગ્રાફી એટલે કે નૃત્ય કરતી વખતે આગળ-પાછળ જવું કે ચક્રાકાર ફરવું એ પોતે નક્કી કરેલું હોય; સંગીત નિયોજન પોતે કરેલું હોય; તંતુવાદ્ય પોતે વગાડે; તાલવાદ્ય પોતે વગાડે. આમ, સાત વસ્તુઓ એકસાથે કરનારો સાધક જ્યારે ગાતો હોય ત્યારે ભાવક મંત્રમુગ્ધ થઈને એને જોયા કરતો હોય છે. પણ મેં મોટા ભાગના બાઉલોને પૂછેલું છે કે આ તો તમારી ગજબ સાધના છે ત્યારે એમણે એમ કહ્યું, ‘સોતીશ, આ તો ગરોળીની પૂંછડી છે’. તો મેં પૂછ્યું કે એટલે શું, કારણ કે, બાઉલની ભાષા ઘણી વાર સમજાય નહીં એવી હોય છે. એટલે એમણે કહ્યું કે ગરોળીની પાછળ કોઈ હિંસક પ્રાણી પડે, ત્યારે ગરોળીને એમાંથી છટકી જવું હોય તો એની પૂંછડીને એ ખેરવી નાંખે અને પોતે નીકળી જાય, પૂંછડી હાલતી હોય એ પેલા પશુઓ જોયા કરે ત્યાં પોતે અલોપ થઈ જાય. એટલે એમનું કહેવું એમ હતું કે લોકો એમની ગુહ્ય સાધનાની પાછળ ન પડે એટલા માટે અમે ગરોળીની જેમ પૂંછડી ખેરવીને નીકળી જઈએ છીએ. આટલી એમની સરળતા અને સહજતા. એ જાણે છે કે એના દ્વારા ચિત્તનું શુદ્ધીકરણ થાય છે, શરીર પણ વિશુદ્ધ થાય છે, અને આનંદ પ્રાપ્ત થાય છે. મેં તો ઘણા બાઉલને જોયા છે જે લહેરાતા ખેતર વચ્ચે એકલો ગાતો ગાતો જતો હોય, કોઈ સાંભળવાવાળું ન હોય. માત્ર પંખીઓ અને આજુબાજુનાં વૃક્ષો સિવાય કોઈ સાંભળનાર ન હોય. બાઉલ પોતાની મસ્તીમાં રહેવા માટે પંકાયેલા છે; અને એ સદ્‌નસીબ છે કે આજે પણ ગુરુ-શિષ્યપરંપરાના સુદીર્ઘ તંતુ આ રીતે જોડાયેલા છે અને આ લોકો હજુ એ રીતે શીખી રહ્યા છે. પ્રશ્ન : આપ બંગાળી ભાષા શીખ્યા અને આ બધું ગુજરાતીમાં લઈ આવ્યા—એના અનુભવો વિશે જાણવું છે. અનુવાદની પ્રક્રિયા કેવી છે? બંગાળી ભાષાનું એક લાવણ્ય છે અને સાથે સાથે બાઉલ ગીતોના સૂક્ષ્મ સંદેશ છે. આ બંને બાબતોને ગુજરાતીમાં ઉતારવી એ એક પડકાર લાગ્યો હશે. હું તો એટલી બધી તીવ્ર બુદ્ધિવાળો માણસ નથી, પણ મને સદ્‌ગુરુઓ એટલા સારા મળ્યા. બધાના સહયોગથી હું જે થોડુંઘણું કરી શક્યો છું એમાં મને એમ લાગ્યું છે કે બંગાળી ભાષાની જે મીઠાશ છે, એના જે છંદો છે એને ગુજરાતીમાં લાવવા એ એક કપરું કામ છે. મને ઘણા લોકો એમ પૂછે કે ગુરુદેવનાં કેટલાંક ગીતોના અને બાઉલનાં ગીતોના સમગાની અનુવાદો તમે કેમ કરી શક્યા. ત્યારે હું એમને એમ કહું કે એમાં મને મારી બુદ્ધિ કામ નથી આવી પણ મારું ગામડિયાપણું કામ આવ્યું છે. એમની ભાષા ગામઠી જ છે. ‘કિછુ દિન મોને મોને ઘરેર પ્રીતિ શ્યામેર રાખતે રેના’ આવું જ્યારે એ બોલે ત્યારે ગ્રામ્ય વાતાવરણમાં રહેલો એ નિબાનીદાસ એને શહેરનો માણસ સમજી શકવાનો નથી. એ એમ પણ કહે છે કે આંખમાં આંસુ આવે તો તું રસોડામાં ચાલ્યો જજે અને ભીનાં ઈંધણાં ચૂલામાં નાંખી દેજે. આવું શું કામ, એ શહેરના માણસોને સમજાવાનું નથી. પણ ગામડાંના માણસોને ખબર છે કે ભીનાં ઈંધણાં ચૂલામાં નાખીએ એટલે ધુમાડો થાય અને ધુમાડો થાય એટલે કોઈને એવું કારણ આપી શકીએ કે આ ધુમાડાને કારણે આંખમાં આંસુ આવ્યાં. મને કૃષ્ણ યાદ આવ્યા છે એટલે હું રડું છું એવું નથી. મેં ગ્રામ્ય પરિવેશને ખૂબ નજીકથી અનુભવ્યો છે એટલે એની જુદી જુદી સંજ્ઞાઓ, એનાં પ્રતીકોનો મને થોડો ખ્યાલ છે. હવે બંગાળી ભાષાનો ‘અડાયા’ શબ્દ કેટલાક ગુજરાતીઓને સમજાયો નથી. એનો અર્થ છે—એમ ને એમ રહી ગયેલું, અસ્પૃશ્ય રહેલું, જામી ગયેલું છાણ – જેને યજ્ઞમાં વાપરવામાં આવે; જ્યારે છાણું હોય એને થાપવામાં આવે. આ ભેદ ઘણાને ખબર નથી. ગુરુદેવે બંગાળીમાં લખેલું ‘મધ્યરાત્રીએ પોયણી જેવો ચહેરો’ એનું ગુજરાતીમાં કોઈએ ‘કમળ જેવો ચહેરો’ કર્યું છે. એટલે બંગાળીમાંથી જ્યારે ગુજરાતીમાં આવીએ ત્યારે આવા પડકારો આવતા હોય છે. મેં જોયું છે કે, બંગાળીમાંથી ગુજરાતીમાં આવેલી કૃતિઓ હિન્દીની અને અંગ્રેજીની કાખઘોડીએ આવી છે. પ્રશ્ન : આપના અભ્યાસની વાતો કરતાં કરતાં એ વિચાર આવે છે કે કોઈ સાધનાનો અભ્યાસ હોવો અને એની અનુભૂતિ હોવી એમાં આપને કોઈ ફરક લાગે છે ખરો? બંને સ્થિતિ બિલકુલ ફરકવાળી જ છે. કોઈ જિજ્ઞાસાથી પ્રેરાય અને સહેલાણીની જેમ કોઈ સાધના તરફ જાય તો એ વ્યક્તિને એની અનુભૂતિ થવાની નથી. એ ખાલી જોઈને નીકળી જશે, પણ એ પ્રક્રિયાથી જ્યારે એ આગળ વધે છે અને સાધનાતત્ત્વમાં રહેલા મૂળ હાર્દને પામવા માટે ‘અથાતો બ્રહ્મ જિજ્ઞાસા’ એમ એ જશે તો એને જરૂર એની અનુભૂતિ થશે. અનુભૂતિ થયા પછી એ તત્ત્વના, એ સાધનાધારાના મૂળ સુધી જવાની એને ઇચ્છા થશે. દાખલા તરીકે, બાઉલ તો એક હજાર વર્ષથી હતા પણ ચૈતન્ય ગયા, કે ગુરુદેવ ગયા, ક્ષિતિમોહન સેન ગયા. અભ્યાસુ તો ઘણા હતા, ઘણાએ બાઉલને જોયા હશે. પરંતુ આ બધાએ એની સાધનાધારાની અનુભૂતિ કરી. પ્રમાણ એ જ છે, જો સાધનાધારાની અનુભૂતિ ન થાય તો અભ્યાસુ એક સહેલાણીની જેમ એની મુલાકાત લઈને પાછો આવે. બાઉલની સાધનાધારા બહારની રીતે બહુ સરળ દેખાય પરંતુ અંદર એની ગુહ્ય ધારા ખૂબ વિકટ છે. એનાં પ્રાયોગિક માળખાંઓ પણ એટલાં જ ગુહ્ય છે. હું આપને એક જ ઉદાહરણ આપવા માંગીશ કે બીજી સાધનાધારાઓમાં, બીજા પંથોમાં સ્ત્રીઓ માટે ઘણાં નિષેધો–નિયંત્રણો ગોઠવવામાં આવ્યાં છે. કોઈ સંન્યાસીએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, કેટલાક સંપ્રદાયો તો સ્ત્રીઓનું મુખ જોવાની મનાઈ કરનારા પણ છે. બાઉલનું ઊલટું છે. એ એમ કહે છે કે જ્યાં સુધી અમે એક સ્ત્રી બાઉલ સાથે થોડાં વર્ષો સહવાસ ન કરીએ ત્યાં સુધી અમારી સાધનાધારા પૂર્ણ થતી નથી. આમાં કોઈ જાતીય સંબંધોની વાત નથી. પણ એ એમ કહે છે કે તમને એમાં અભિન્ન દર્શન થાય છે કે નહીં, તમે સ્ત્રીના માળખાને અતિક્રમીને એના મનેર માનુષ સુધી જઈ શકો છો કે નહીં, એ જોવાનું છે. જ્યારે અમે એમની સાથે ચર્ચા કરી ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે તમને તરતાં આવડતું હોય તો નદીમાં જાઓ, નદીમાં કૂદકો લગાવો, અને કાંઠા પર પહોંચો તો જ તમને તરતાં આવડે છે એમ અમે સમજી શકીએ. તમારા ધર્મમાં એવું માનવામાં આવે છે કે સ્ત્રીથી દૂર રહેવું અને સ્ત્રી તરફના મોહ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે એ માન્યતા ખોટી છે. આવી તો ઘણી બધી વાતો છે જે બાઉલ પરંપરામાં સામાન્ય સમાજ કરતાં જુદી પડે છે. એટલે અનુભૂતિ વગર એની નજીક જઈ શકાતું નથી. પ્રશ્ન : આ વાર્તાલાપનું સમાપન કરતાં આપની અંગત ઉપલબ્ધિ વિશે કંઈ વાત કરો. આ સઘન અને દીર્ઘ અભ્યાસમાંથી, પ્રવાસોમાંથી, બાઉલો સાથે વિતાવેલા સમયમાંથી આપ શું પામ્યા? આ આખાય પ્રવાસના નિચોડરૂપે આપ પાંચ વાક્યમાં શું કહી શકો? પાંચ વાક્ય તો બહુ વધારે પડશે, બહેન. હું એક જ શબ્દ બોલીશ—આનંદ. એવો આનંદ કે જે પ્રત્યેક ક્ષણે પ્રાપ્ત થયો છે; એવો આનંદ જે આપણે ક્યારેય વીસરી ન શકીએ. મારા અંગત જીવનમાં આવેલા દૈહિક પ્રશ્નો, મને પંદર વર્ષ પહેલાં નૉન હોજકીન્સ લિમ્ફોમા નામનું એક કૅન્સર થયેલું. બચવાની ખૂબ ઓછી આશાઓ વચ્ચે પણ મને જેણે જીવન આપ્યું એ કળા છે. એ સ્થિતિમાં મને જીવવા માટેનું બળ આપ્યું એ આ છે. ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે—સત્, ચિત્, આનંદ. એમાં આનંદ જ સર્વોપરી છે; અને બાઉલ સાથે મને એ આનંદ પ્રાપ્ત થયો છે. એને માટે બાઉલ, ગુરુદેવ, અને બંગાળી જનજાતિનો હું ખૂબ આભારી છું.