યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/સર

From Ekatra Wiki
Revision as of 03:10, 9 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



સર

છેલ્લું દશ્ય ભજવાયું, છેલ્લો સંવાદ બોલાયો એ ક્ષણે જ જાણે કોઈકે ‘સ્ટેચ્યૂ' કહ્યું હોય એમ સ્ટેજ પરનાં બધાં જ પાત્રો, જેમ હતાં એ જ મુદ્રામાં સ્થગિત થઈ ગયાં. પરદો પડ્યો. લાઇટો થઈ. મારી નજર ઇલાબહેનને શોધવા લાગી. ઇન્ટરવલમાં મેં ઇલાબહેનને જોયાં 'તાં, પહેલી જ લાઇનમાં બેઠેલાં. હું ખાસ્સી પાછળ હતી તે એમનો સાઇડ-ફેસ જ જોઈ શકેલી. પહેલાં તો થયું કે ઇલાબહેન જેવું કોઈક છે. પણ જ્યાં એમનો ચહેરો દરવાજા તરફ ફર્યો, ચહેરાનો વધારે ભાગ દેખાયો તો થયું, ના, ના; આ તો ઇલાબહેન જ. ઍરપોર્ટ પર ઊતરતાં ઇલાબહેનનેય યાદ કરેલાં. સરનાં સ્મરણો તો આખીયે મુસાફરી દરમિયાન મનમાં ઊભરાયાં હતાં. પંદર વર્ષ પછી હું અહીં આવી તો શું થયું? ઇલાબહેનને તો જોતાંવેંત જ ઓળખી કાઢું. સરના ઘરે કેટલી બધી વાર મળ્યાં હતાં! કેવું મઝાનું જાજરમાન વ્યક્તિત્વ! કાયમ હસતાં ને હસતાં. કંઈ બોલબોલ કર્યા કરે અથવા તો કોઈ ને કોઈ ગીત ગણગણતાં જ હોય ને એ ગીતના ભાવ પ્રમાણે, લય-તાલ-સૂર-રાગ પ્રમાણે એમના હાથની મુદ્રાઓય બદલાતી જાય. થોડા જ દિવસ માટે હું અહીં આવી હોવાથી સમયની સતત ખેંચ રહે છે. ઇલાબહેનને મળવાનું મન થાય તોય સમય ક્યાં મળવાનો હતો? સારું થયું, ઇલાબહેન પણ આ નાટક જોવા આવ્યાં ને હવે એમનેય મળી લેવાશે. ઇન્ટરવલમાં હું ઊભી થઈને એમને મળવા જઉં ત્યાં જ લાઇટો બંધ થઈ ગયેલી. અંધારું ધબ્. માત્ર ઊંચકાતા જતા મરુન રંગના પરદા પર આછું પીળું અજવાળું વધવા લાગ્યું. કેટલાંક પાત્રો પ્રગટ થયાં તો એમની વેશભૂષા બદલાઈ ગયેલી! થયું; કંઈ નહીં, જેવું નાટક પૂરું થશે કે પહોંચી જઈશ ઇલાબહેન પાસે. એમનો હાથ લઈ લઈશ મારા હાથમાં. મને જોતાં જ એમની ભમ્મરો ઊંચકાશે, વિસ્મયથી આંખો આ...મ પહોળી થશે ને મોટ્ટેથી બોલી ઊઠશે, ‘અરે! તું અહીં ક્યાંથી?’ ને ભેટી જ પડશે ઉમળકાથી, ઉષ્માથી ને પછી વરસાવશે પ્રશ્નોની ઝડીઓ – ક્યારે આવી? હજી સુધી ઘરે કેમ ન આવી? કાગળ-બાગળ કેમ નથી લખતી કોઈ દિવસ? અમેરિકા જઈને અમને ભૂલી ગઈ કે? કાગળ ન લખે તો કંઈ નહિ, દિવાળી કાર્ડ તો લખવું જોઈએ કે નહીં? ક્યાં સુધી રોકાવાની છે? નાટક પૂરું થતાં જ હું ખુરશીમાંથી ઊભી થઈ ને નજર ઇલાબહેનને શોધવા લાગી. પહેલી લાઇન ધીરે ધીરે સરતી જતી હતી દરવાજા તરફ. પ્રેક્ષકોથી હૉલ ચિક્કાર હતો ને બધાયને ઉતાવળ હતી બહાર જવાની. ખીચોખીચ ભીડ ગોકળગાયની ગતિએ ધીરે ધીરે ખસતી જતી હતી. ત્યાં જ મારી નજર પડી ઇલાબહેન ૫૨. સફેદ સાડીમાં સજ્જ. લાંબા ચોટલાના બદલે પૉની છે એ સિવાય કશો જ ફેર નથી પડ્યો. એવાં ને એવાં જ છે. પંદર વર્ષોમાં વજન જરીકે વધ્યુંયે નથી કે ઘટ્યુંયે નથી. અત્યારેય, છેલ્લે જોયેલાં એવાં જ પાતળાં, ઊંચાં, ટટ્ટાર ગરદન, ચહેરો લગીર ઊંચકાયેલો. ગૌરવભરી ચાલ. પાતળી કમર. ઈર્ષ્યા આવે છે એમની. હુંય અહીં હતી ત્યાં સુધી તો એમના જેવી જ પાતળી હતી. ને હવે? મોટા ઢોલકા જેવી થઈ ગઈ છું ઢમઢોલ. એમાંય બીજી સુવાવડ પછી તો પાછળનો ભાગ પણ ખૂબ વધી ગયો છે. સર જો અત્યારે જીવતા હોત તો એમના તો માન્યામાં જ ન આવત કે હું આટલી જાડી હોઈ શકું. સર ઘણી વાર કહેતા – તારો સ્વભાવ બળેતરો છે તે તું આવી દૂબળી-પાતળી જ રહેવાની, અગરબત્તી જેવી! લો, હવે તો ઇલાબહેન છેક દ૨વાજા પાસેય પહોંચી ગયાં ને મારે તો હજી ખાસ્સાં બધાં પગથિયાં ઊતરવાનાં છે ને પછી જમણી બાજુની અડધી લાઇન પસાર કરીશ ત્યારે દરવાજો આવશે. મન તો થાય છે કે આમ દોડી જઉં ઇલાબહેન પાસે. પણ આ ભીડ? આના કરતાં તો કીડીઓની લાઇન ઝડપથી આગળ વધતી હોય. બધી જ ભીડને એક કૂદકે આમ ઠેકી જવાતી હોય કે ઊડી શકાતું હોય તો કેવું સારું? હું બહાર પહોંચું એ પહેલાં તો ઇલાબહેન ક્યાંક ચાલ્યાં ન જાય તો સારું. હુંય પહેલાં જેટલી જ પાતળી હોત તો તો ભીડમાંથીય આમ જરીક જરીક મારગ કરતી, ઘૂસતી, નીકળી શકત ઝટ બહાર. પણ હવે તો મારું શરીર? સર હોત તો મને જોઈને અચંબામાં જ પડી જાત ને ભરાવદાર ભમ્મરો ઊંચકીને, આંખો પહોળી કરીને કહેતા, આમ મદનિયા જેવી ક્યારથી થઈ ગઈ? દરવાજા સુધી પહોંચતાં ખાસ્સી વાર લાગી, પણ દરવાજાની બહાર નીકળ્યા પછી થોડી મોકળાશ હતી. મોકળાશ એટલે? ખીચોખીચ ભીડને બદલે છૂટીછવાઈ ભીડ. પણ ભીડ તો ખરી જ. આટલી ભીડમાં હવે હું ક્યાં શોધું ઇલાબહેનને? કદાચ એ સ્કૂટર લઈને આવ્યાં હશે. સરના ઘરે એ સ્કૂટર લઈને જ આવતાં. લાવ, ઝટ ઝટ જવા દે પાર્કિંગ-સ્ટૅન્ડ તરફ. શક્ય છે કે ત્યાં મળી જાય. હું ઉતાવળી ઉતાવળી ચાલવા લાગી. કારનો દરવાજો ખોલી રહેલાં ઇલાબહેન ૫૨ મારી નજર પડી. હું લગભગ દોડવા લાગી. ઇલાબહેનને બૂમ પાડવા જતી હતી ત્યાં જ કોક બહેન ઇલાબહેન પાસે આવ્યાં ને બંને કશી વાતો કરવા લાગ્યાં. મદનિયા જેવું આ શરીર ઊંચકીને આમ દોડી તે હાંફ ચઢી ગઈ. થોડી ધીમી પડી. વળી ઉતાવળી ચાલે ચાલવા લાગી. પેલાં બહેનનો અવાજ સંભળાય એટલી નજીક પહોંચી. ‘ચાલો ઇલાબહેન, બાય, ગુડનાઈટ...' કહી પેલાં બહેન ચાલવા લાગ્યાં. હું છેક પહોંચી. ઇલાબહેનની પીઠ મારી તરફ હતી તે મેં પાછળથી એમની બેય આંખો દાબી. સરના ઘરે એક વાર હું કશુંક વાંચતી બેઠી 'તી ત્યારે ઇલાબહેને ચૂપકીદીથી પાછળથી આવીને મારી આંખો દાબેલી. પોતાની આંખો પર દબાયેલી મારી હથેળીઓને સ્પર્શતાં ઇલાબહેન બોલ્યાં, ‘કોણ?’ વળી સ્પર્શ દ્વારા મને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. ‘મારો સ્પર્શ તો નહીં ઓળખો. પણ મારો અવાજ ઓળખાયો કે નહીં?' ‘મીનળ...?’ ‘ના.’ ‘તો...' ઇલાબહેન યાદ કરવા લાગ્યાં. ‘મીનાક્ષી?' ‘અં હં...' હું ગાવા લાગી –

‘નામ ગુમ જાયેગા...
ચહેરા યે બદલ જાયેગા...
મેરી આવાજ હી પહેચાન હૈ...'

‘મારો આ અવાજ ઘડવામાંય તમારો ફાળો છે.' ‘ઋચા?’ ‘ના.’ ‘યાદ કરો, યાદ કરો... પંદર વરસ પહેલાંના સમયમાં ડૂબકી લગાવો...’ ‘...’ ઇલાબહેનને થયું હશે લાગે છે કોક નિકટનું, નહીંતર પાછળથી આવીને આમ મારી આંખો ન દાબે અને એય મારા પતિના અવસાન પછીય... મને થયું, વચમાં આટલાં વરસો વીતી ગયાં છે એટલે કદાચ ઇલાબહેનને ખ્યાલ નહીં આવે. તે મેં મારી હથેળીઓ લઈ લીધી ને એમની સામે ઊભી રહી, હોઠના બેય ખૂણેથી સ્મિત રેલાવતી. એમણે આસમાની રંગની પાતળી કિનારવાળી સફેદ સાડી પહેરેલી. ને ગોરા, વિશાળ કપાળમાં મોટ્ટો મરૂન ચાંલ્લો. હું સસ્મિત એમની આંખોમાં તાકી રહી. તેઓ મને હજી ઓળખી શક્યાં નહોતાં. એમની ભમ્મરો એકમેકની નજીક ખેંચાયેલી. ને કપાળમાં બે ઊભી, ઊંડી રેખાઓ દેખાતી. એકાદ ક્ષણ પછી એમના કપાળમાંની બે ઊભી રેખાઓ ચાલી ગઈ, ખેંચાયેલી ભમ્મરોય સહજ થઈ ગઈ, પણ આંખોમાં ઓળખાણ પડ્યાની ચમક ન આવી. ‘હું ખૂબ જાડીપાડી થઈ ગઈ છું ને એટલે મને ન ઓળખી. પણ મારો ચહેરો યાદ નથી આવતો? હા, ટૂંકા ને કર્લી વાળ કરાવ્યા છે એટલે કદાચ ચહેરોય જુદો લાગતો હશે, ખરું?' ‘હવે ઝટ કહી નાખો કે તમે કોણ?' કોરાકટ ચહેરે ઇલાબહેને કહ્યું . મને નવાઈ લાગી. ઇલાબહેન હંમેશાં ઋજુ અવાજે જ વાત કરતાં ને ચહેરોય હંમેશાં હસતો ને ખીલેલો જ રહેતો. એમના અવાજમાં આવી કોરાશ, આવો અણગમો ને આટલી સખતાઈ કયાંથી?! “હું સુમન, સુમન દેસાઈ. હવે તો ઓળખી ને?' ‘ના.' એવા જ રૂક્ષ-શુષ્ક અવાજે ઇલાબહેને કહ્યું. ‘ક્યારેક રવીન્દ્રસંગીત ગણગણતાં તમે મને બોલાવતાં તો ‘સુમન' ને બદલે ‘સુમોન' કહેતાં?’ ‘... ...’ આ સાંભળી એમનો ચહેરો સખત બન્યો. ‘કેમ! આપણે સરના ઘરે કંઈ કેટલીય વાર મળતાં?!' એમની નજર ખીલીની જેમ મારી આંખોમાં ખોડાઈ. ‘કોણ સર?’જમણી ભમ્મર અધ્ધર ઊંચકીને એમણે પૂછ્યું. જિંદગીમાં આટલું વિસ્મય મેં ક્યારેય અનુભવ્યું નહોતું. ઇલાબહેન એવું પૂછે છે કે કોણ સર?! આ શું ઇલાબહેન છે કે પછી એમના ખોળિયામાં પ્રવેશી ગયું છે કોક બીજું જ?! ‘સ... ર... – અનિકેત મહેતા.’ સરનું નામ સાંભળતાં જ એમનો ચહેરો કાળમીંઢ ખડક જેવો થઈ ગયો. ને એ જ ક્ષણે એમણે મારાથી મોં ફેરવી લીધું. કારમાં ગોઠવાયાં. સખત જોરથી, ધડાક્ બારણું બંધ કર્યું. ચાવી ફેરવી ને કાર ભગાડી મૂકી. પાછળ થોડો ધુમાડો ને થોડો ઘર્રરાટ મૂકીને વળાંક લઈને કાર રોડ પરનાં વાહનોની ભીડમાં ભળી ગઈ. આ હું શું જોઉં હું? સપનું તો નથી ને? સરનું અવસાન થયે પણ દસ વરસ વીતી ગયાં ને છતાંય એમનું નામ સાંભળતાંવેંત ઇલાબહેન જેવાં ઇલાબહેન આમ ચહેરો ફેરવી લે! ગુસ્સાથી ફાટફાટ, રાતાંચોળ થઈ જાય! ને ધડાક્ બારણું બંધ કરીને કાર ભગાડી મૂકે?! એ સમયે તો ઇલાબહેન સ૨નાં વખાણ કરતાં થાકતાં નહિ. સર – અનિકેત મહેતા, અધ્યાપક ઉપરાંત મોટા નાટ્યલેખક ને દિગ્દર્શક. સર પાસે હું ‘ઍબ્સર્ડ નાટક' પર પીએચ.ડી. કરતી. ઘણી વાર સરના ઘરે જતી. ક્યારેક સરના ઘરે જ રહી જતી. સરનાં પત્નીય ખૂબ માયાળુ. ઇલાબહેન પણ અવારનવાર સરના ઘરે આવતાં. સર સાથે એમને તો મારા કરતાંય વધારે જૂનો અને ઘનિષ્ઠ સંબંધ. સરનાં નાટકોમાં ગીતો તો ઇલાબહેન જ ગાતાં. કેટલાંક ગીતો કમ્પોઝ પણ કરતાં. ક્યારેક સરના ઘરેથી હું રાત્રે દસ-સાડા દસે નીકળતી ત્યારેય ઇલાબહેન તો એય નિરાંતે બેસી રહેતાં. સ૨ના ઘરે રાત્રે અગાશીમાં કોઈક નાટકનું રિહર્સલ ચાલતું. ત્યારે નાટકમાં કામ કરતી કેટલીક છોકરીઓ સ૨ના ઘરે રોકાતી. સરનાં પત્નીય બધાં પર ખૂબ હેત વરસાવતાં. એમને નાટક-ફાટકમાં જરીકે રસ નહોતો, પણ હતાં માણસભૂખ્યાં. બધાંને પ્રેમથી આવકારે, રાખે, જમાડે, અડધાં અડધાં થઈ જાય. અવારનવાર નાટકના શો માટે અલગ અલગ શહેરોમાં જવાનું થતું. સર કલાકારોના કાફલા સાથે જતા. સાંભળ્યું હતું કે સર આમ નાટકના શો માટે બહાર જાય ત્યારે ‘ડ્રિન્ક્સ’ પણ લેતા. કોક વાર નશામાં તેઓ કરી બેઠા હશે ઇલાબહેન પાસે કશી બેહૂદી માગણી? હું પીએચ.ડી. કરતી ત્યારે સરની ઉંમર હશે પાંત્રીસેક વર્ષ. આટલી નાની ઉંમરે નાટ્યક્ષેત્રે તેમનું નામ થઈ ગયેલું. બે-ત્રણ છાપાંઓમાં નાટક તથા સાહિત્યની કટાર પણ લખતા. ભરત-નાટ્યશાસ્ત્ર પચાવેલું ને ગ્રીક નાટકોનાય ઊંડા અભ્યાસી. પશ્ચિમના આધુનિક નાટકોનાય જાણકાર. સ૨ જ્યારે મેઘદૂત ભણાવતા ત્યારે તો વિદ્યાર્થીઓ ગાંડા જ થઈ જતા. વર્ગમાં આવે ને બોલવાનું શરૂ કરે એવા જ જાણે ટ્રાન્સમાં આવી જાય અને પછી તો એમની મધુર વાણીની અનેક છટાઓ ને ધારાઓના પ્રવાહમાં બધાં જ તણાતાં જાય. થોડો ભારે, ચોખ્ખોચણાક, રણકતો બુલંદ અવાજ. બધાંયને પકડી-જકડી-ખેંચી રાખે એવું કશુંક ચુંબકત્વ એમની તેજસ્વી આંખોમાં. અવારનવાર આંખો વિસ્ફારિત થાય, ઝીણી થાય, ક્યારેક જાણે કશાક અદૃશ્યને તાકી રહે. ક્યારેક ક્યારેક વાત કરતાં કરતાં જાણે એમની આંખોમાં તારલીઓ ચમકી ઊઠે. કશીક વાતનો મર્મ સમજાવતાં, ક્યારેક કોઈ કોઈ વાક્ય અધૂરું છોડી દઈને પછી આંખો પટપટાવે. મને હજીયે યાદ આવે છે – મેઘદૂત કે પ્રેમની કવિતાઓ ભણાવતાં ભણાવતાં સર કેવા તો રસમય, મધુમય બની જતા! ને વર્ગ પતે એ પછીયે અમારાં જેવાં મુગ્ધજનોનું ટોળું થઈ જતું એમની આસપાસ! સર હજીયે જાણે આંખો સામે જ દેખાય છે. પોણા છ ફૂટ ઊંચાઈ. મજબૂત બાંધો, લંબગોળ ચહેરો, અણિયાળું નાક. લગભગ અડધે સુધી ટાલ. લાંબી, ગાઢી દાઢી. હંમેશાં સફેદ દૂધ જેવાં પેન્ટ ને શર્ટ. શિયાળામાં સ્વેટર પણ મોટાભાગે સફેદ. એમનાં કપડાં પર ક્યારેય એક ડાઘ પણ ન હોય. હાથરૂમાલ પણ સફેદ. વર્ગમાં ભણાવે ત્યારે વાણીની સાથોસાથ એમના હાથોની અને શરીરની અનેક મુદ્રાઓ પણ બોલી ઊઠતી. એમની વાણીની શરૂઆત થાય પર્વત પરથી ઊતરતી ચંચળ નદીની જેમ, પણ પછી તો જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ વધુ ને વધુ પટ આવરી લે. અરણ્યની વાત હોય; પહાડોની, સમુદ્રોની, વનવાસીની કે કશાનીય; તમને એક જુદા જ ભાવલોકમાં, એક જુદી જ સૃષ્ટિમાં લઈ જાય. રસતરબોળ થઈ જવાય. એમની વાણી એ વાણી નહિ, પણ જાણે વશીકરણ વિદ્યા. આ જ વશીકરણ વિદ્યાનો સરે ક્યારેક દુરુપયોગ પણ કર્યો હશે? વાણીની સાથે સાથે એકાંતમાં કરતા હશે સ્પર્શનું કામણ? ના, ના, મારી સાથે તો એમણે ક્યારેય એવો સ્પર્શ કર્યો નથી. એકવાર કૉલેજમાંથી અમે પ્રવાસે ગયેલાં, સાહિત્યના વિદ્યાર્થીઓનું અમારું ગ્રુપ અને સ૨. તે વખતનું એક સ્મરણ હજીયે આંખ સામે જ તરવરે છે. નર્મદાકાંઠે પહોંચ્યાં. ના'વા માટે બધા ટુવાલ વગેરે સાથે લઈ ગયેલાં. એક ઘાટનાં પગથિયાં ઊતર્યાં. અમે, છોકરીઓ, આ ઘાટથી ડાબી બાજુએ થોડેક દૂર જવાનું વિચારતી 'તી. છોકરાઓ પણ અમારી હાજરીમાં કપડાં ઉતારતાં કંઈક સંકોચ અનુભવતા 'તા. જ્યારે સર? – પૂર્ણ ખીલેલા ચંદ્રને જોઈને પાગલોનું પાગલપણું વધી જાય એમ, નર્મદાનાં વહેતાં નીરને જોતાં જ સર જાણે સાવ પાગલ! નર્મદા જાણે ક્યાંક નાસી જવાની હોય ને જલદી એને બાથમાં લેવાની હોય એમ સરે ફટાફટ કપડાં ઉતાર્યા. સરને માત્ર જાંગિયામાં જોઈને કેટલીક છોકરીઓ તો સ્તબ્ધ! મદમસ્ત બનીને સર તો કૂદી પડ્યા નદીના ધસમસતા પ્રવાહમાં ને તરતાં તરતાં થોડેક દૂર ગયા ને પછી હાથ ઊંચો કરીને સાદ પાડયો – ‘કેમ બધાં હજી કાંઠે જ ઊભાં છો? ઝંપલાવો જલદી...’ બે-ત્રણ છોકરીઓની કાનની બૂટો પર જ નહીં, આખાયે ચહેરા પર રતાશ દોડી આવેલી! હુંય, અવાચક થઈને, સરનું આ જુદું જ, પ્રાકૃત રૂપ જોઈ રહેલી.. એક વાર હું સરના ઘરે, મારું ડેઝર્ટેશનનું કામ કરતી હતી. ઇલાબહેન પણ સરના ઘરે જ હતાં. નાટકના કોઈ ગીતની સ્વરરચના અંગે ખાસ્સી ચર્ચા કરી પછી કશેક જવાનું યાદ આવતાં તેઓ ઊઠ્યાં. ‘સુમન...’ ઇલાબહેનના ગયા પછી સરે મને ધીમા, દબાતા અવાજે પૂછ્યું, ‘ઇલાબહેન વિશે કશું જાણે છે?' ‘હા, કેમ નહિ? ખૂબ સરસ ગાય છે. સંગીતના ક્લાસ ચલાવે છે. જાતે સ્વરરચના પણ કરે છે.' ‘એ તો બધું ખરું. પણ એમના ચારિત્ર્ ય વિશે?’ ‘ના, મેં તો કયારેય એમને કોઈનીય સાથે “એવી રીતે” જોયાં નથી, કે એમનું ચારિત્ર્ ય શિથિલ હોય એવી કલ્પના સુધ્ધાં હું કરી ન શકું. વર્તનમાંય ક્યારેય કોઈનીય સાથે છૂટ લે કે છૂટ લેવા દે એવાં નથી. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી છે કે કોઈ એમની સાથે છૂટ લેવાનો વિચાર સરખો ન કરે. બાકી છે અત્યંત સુંદર. મિસ ઇન્ડિયાની સ્પર્ધામાં ભાગ લે તો કોઈને અણસાર સુધ્ધાં ન આવે કે તેઓ પરણેલાં હશે ને આટલી ઉંમર હશે.' સરની સાથે રહીને મનેય એ વખતે જાણે ભાષણ કરવાની ટેવ પડી ગયેલી. સરની વાગ્છટાના સંસ્કાર મારામાંયે ઝિલાયેલા. ક્યાં પોઝ લેવો, કયા શબ્દ પર કેટલું વજન દેવું, કયા શબ્દો શીમળાના ફૂલની જેમ હળવેકથી વહેતા કરી દેવા. ‘ઇલાબહેનને એમના પતિ સાથે મતભેદો છે.' ‘તે હોય. આ જમાનામાં એમાં નવું શું છે?' દીવાલોય સાંભળી ન જાય એટલા ધીમા સાદે, ચહેરો, છેક મારી નજીક લાવીને સરે કહ્યું હતું — ‘ઇલાબહેનને એમના દિયર સાથે જાતીય સંબંધ છે.’ આ સાંભળીને હું તો અવાક્! મારા તો માન્યામાં જ નહોતું આવતું. સર પાસેથી આ વાત જાણ્યા પછી, સરના ઘરે જ્યારે જ્યારે ઇલાબહેન આવતાં ત્યારે ત્યારે હું એમને જાણ ન થાય એમ એમની સામે તાકી રહેતી... આવા વ્યક્તિત્વવાળી, પ્રભાવશાળી સ્ત્રીને એમના દિયર સાથે જાતીય સંબંધ હોય? પતિને જાણ થઈ ગયા પછી પણ એવો સંબંધ ચાલુ રહે ખરો? મારા તો મગજમાં જ કશુંય ઊતરતું નહીં. હું ભણતી ત્યારે મારો અવાજ ખાસ્સો જાડો, લગભગ પુરુષ જેવો હતો. મારો અવાજ સાંભળીને ઇલાબહેને કહેલું. ‘મારા ઘરે પંદરેક દિવસ આવ. રોજ અડધોએક કલાક. હું તારો અવાજ બદલી દઈશ.’ શરૂમાં તો મારા માન્યામાં ન આવ્યું, પણ પછી હું કુતૂહલવશ એમને ત્યાં ગઈ. શાસ્ત્રીય સંગીતની જેમ તેઓ મારી પાસે સ્વરોનું દીર્ઘ ઉચ્ચારણ કરાવતાં... ને પાંચ-છ દિવસમાં તો મારો અવાજ સાચે જ બદલાઈ ગયો! ‘સ્પીચ થૅરપી વળી ક્યારે શીખ્યાં, ઇલાબહેન?' મેં પૂછેલું. ‘સંગીત આપણને બધું જ શીખવે. સંગીત આપણને શ્વાસ લેતાંય શીખવે, બોલતાંય શીખવે ને જીવતાંય શીખવે.’ આવાં ઇલાબહેનને એમના દિયર સાથે આડો સંબંધ હોઈ શકે? મારું મન ચિત્કારી ચિત્કારીને કહેતું: ના... ના... ના... પણ અમેરિકામાં આટલું રહ્યા પછી, અત્યારે મારું મન... ‘ના' નથી કહેતું. પણ એ વખતે તો... સરનેય મેં પૂછેલું, ‘ઇલાબહેનની આવી અંગત વાતની તમને ક્યાંથી ખબર?' ‘ઇલાબહેને જ આ પ્રશ્ન મારી સાથે ચર્ચેલો.' મને થયેલું, ઇલાબહેનને સર સાથે ગમે તેટલા આત્મીય સંબંધો હોય છતાં આવી અંગત બાબતની ચર્ચા કઈ રીતે કરી શકે? મને અત્યારે, આ ક્ષણે યાદ આવે છે – હું અમેરિકા ગઈ એ અગાઉના ત્રણ-ચાર મહિના દરમિયાન મેં ક્યારેય ઇલાબહેનને સરના ઘરે જોયાં નહોતાં, સરની તબિયત ખૂબ ખરાબ રહેતી તે છતાંય. સરને હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારેય ઇલાબહેનને હૉસ્પિટલમાંય જોયાં નહોતાં. એ વખતે તો એમ કે કદાચ મારી ગેરહાજરીમાં ઇલાબહેન ખબર પૂછવા આવી ગયાં હશે. વળી આવી બાબત પ્રત્યે મારું ધ્યાન ગયું નહોતું એનું કારણ, સ૨ની માંદગી જ એવી હતી કે... સ૨ની તબિયત બગડતી ગઈ... બધા ટેસ્ટ કરાવ્યા તો — લીવરનું કૅન્સર. ડૉક્ટરોએ ઑપરેશન કરીને જોઈ જોયું, કૅન્સર કેટલું ફેલાયું છે; જો થોડા જ ભાગમાં હોય તો એ કૅન્સરગ્રસ્ત ભાગ કાઢી નાખવો, પણ કૅન્સર આખાયે લીવરમાં ફેલાઈ ગયેલું... પછી તો મારે અમેરિકા જવાનું થયું. હું અમેરિકા પહોંચી એના મહિના પછી જ જાણ્યું – સર... હવે આ જગતમાં નથી. ઇલાબહેન! – કેમેય મારા મગજમાંથી હઠતાં નથી. સરની શક્તિઓથી આટલાં પ્રભાવિત, આટલાં મુગ્ધ, સાવ સરળતાથી સરની પાસે હૃદય ખોલીને, પોતાના અંગત જીવનની કોઈનેય ન કહી શકાય એવીય બધી વાત કરી શકનારાં ઇલાબહેન, આજે, સરના અવસાનનાય દસેક વર્ષ પછી, સ૨નું નામ સાંભળતાં જ આમ મોં ફેરવી લે, આમ ધડાક્ બારણું બંધ કરી કાર ભગાડી મૂકે એ હજીયે માન્યામાં જ નથી આવતું. શું હોઈ શકે એનું કારણ? ઇલાબહેનને એમના દિયર સાથે જાતીય સંબંધ છે એવું જાણ્યા પછી કદાચ થયું હશે સરના ચારિત્ર્ યનું સ્ખલન? ના, ના, એવું તો ન હોય. કેમ મારું મન આમ તુક્કાઓ કરે છે? પણ, તો પછી સર, પોતાના ચારિત્ર્ ય માટે – ઇમેજ માટે વધારે પડતા સભાન કેમ હતા?! ઇલાબહેન બધાં સાથે છૂટથી બોલે-ચાલે-વર્તે, પણ કોઈને જાતીય છૂટ લેવા દે? પણ મને એ ખરેખર ન ઓળખે એવુંય બને ખરું?! કશું જ સમજાતું નહોતું. આખીય રાત મારા મગજમાં એ જ વિચારોનું ઘમસાણ ચાલ્યા કર્યું. આખીયે રાત જરીકે ઊંઘ ન આવી. થયું, કારણ જાણવા નહિ મળે ત્યાં સુધી મારા મનને જંપ નહિ થાય. સર માટેના મારા આદરને, મારી લાગણીઓને ઇલાબહેને એવી તો ઠેસ પહોંચાડી હતી કે મને હજીયે કળ વળતી નહોતી. પરોઢિયે દૂધવાળાએ બારણું ખખડાવ્યું ત્યારે થયું, અરે, વિચારોમાં ને વિચારોમાં જ આમ, સાવ ખુલ્લી આંખે જ સવાર પડી ગયું?! હવે નાહી-ધોઈ-પરવારીને, સવારના પહોરમાં જ હું જઈશ ઇલાબહેનના ઘરે. જળોની જેમ જ ચોંટીશ એમના ગળે. કારણ જાણ્યા વિના છોડીશ નહિ એમને. એવું તે શું બન્યું હશે કે સરના અવસાનનાંય દસ-દસ વર્ષ પછીયે સરનું આવું અપમાન? સરનું નામ સાંભળતાં જ તેઓ આમ મોં ફેરવી લે? સાથોસાથ મારુંય અપમાન કરતાં ચાલ્યાં જાય આમ ધડાક્ બારણું બંધ કરી, કાર ભગાવીને! જાણે કશાકથી છુટકારો મેળવવા નાસતાં હોય એમ! સવારના પહોરમાં જ હું રિક્ષા કરીને ઇલાબહેનના દર્શન એપાર્ટમેન્ટ પાસે પહોંચી, ભાડું ચૂકવ્યું. પરત કરવા માટે રિક્ષાવાળા પાસે છૂટા નહોતા. તે એ પૈસા જતા કરીને, હું ઝટ ઝટ લિફ્ટ પાસે પહોંચી બટન દબાવી રાહ જોતી ઊભી રહી. કેમ લિફ્ટનું કોઈ ઇન્ડિકેશન નથી આવતું? અરે રામ, સવાર સવારમાં મારું મગજેય સાવ બંધ પડ્યું છે. ‘લિફ્ટ બંધ છે' – નું આવડું મોટું પાટિયું દેખાયું નહિ! પગથિયાં ચઢવા માંડ્યાં. બે-ત્રણ માળ વટાવ્યા પછી મને ખાતરી થઈ ગઈ કે હું કેટલી બધી જાડી થઈ ગઈ છું! સખત હાંફ ચઢી તે પગથિયામાં જ થોડી વાર બેઠી. હાંફ ઓછી થઈ કે વળી દાદરા ચઢવા માંડી. હજી તો ચોથો માળ જ ચાલે છે. છેક છઠ્ઠા માળે જવાનું છે... હા.. શ... ચોથો માળ પૂરો થયો. બસ, હવે પાંચમો ને છઠ્ઠો. બસ, બે જ માળ. હવે વાર નહિ લાગે. કૉલેજમાં હતી ત્યારે ગિરનાર ચઢી હતી. સર પણ સાથે હતા. કહેતા, ‘બસ, હવે બહુ દૂર નથી, આ પેલું શિખર દેખાય. ચમકતું, તડકાનો સોનેરી મુગટ પહેરેલું...' રસ્તામાં બે-ત્રણ વાર લીંબુ-પાણી પીધેલું. પાંચમા માળનાં પગથિયાં ચઢતાં ચઢતાં થયું, અહીં પગથિયાંમાંય, લીંબુ-પાણી વેચનારા બેઠા હોય તો! આવા વિચાર સાથે જ હસવું આવ્યું. સારું થયું. સામેથી કોઈ પગથિયાં ઊતરતું નહોતું. નહીંતર મને આમ એકલી એકલી હસતી જોઈને સાવ ગાંડી જ ધારે. વળી થોડી ક્ષણ ઊભી રહી. હાંફ લગીર ઓછી થઈ. વળી પગથિયાં ચઢવા લાગી. હા.. શ... છઠ્ઠો માળ આવ્યો. હાંફ જરી ઓછી થાય પછી ઇલાબહેનના ફ્લૅટનો બેલ વગાડું. પણ એટલી ધીરજ ન રહી. બેલ વગાડ્યો ને બારણું ખૂલે એની રાહ જોવા લાગી. કટ્ અવાજ આવ્યો, પછી કિચૂ... ડ કરતું બારણું ખૂલ્યું. પાતળાં સોટા જેવાં, ફિક્કાં કોક બહેન દેખાયાં. તાજા જ ધોયેલાં વાળમાં ટુવાલ વીંટાળેલો હતો. વાળમાંથી શૅમ્પુની સુવાસ આવતી હતી. જાડા કાચનાં ચશ્માં પાછળથી એમની ઝીણી, ચૂંચી આંખો મને ઉકેલવા મથતી હતી. થયું, ભૂલથી બીજા કોઈ માળના ફ્લૅટનું બારણું તો નથી ખખડાવ્યું ને? ફ્લૅટ નંબરની તકતી તરફ જોયું, પછી પૂછ્યું – ‘ઇલાબહેન...?' ‘હા, હું જ ઇલા... બોલો,' ‘તમે નહિ, પેલાં સંગીતના ક્લાસ ચલાવે છે એ ઇલાબહેન.' ‘એ તો દસ વર્ષથી બીજે રહેવા ગયાં.' ‘એમનું સરનામું આપી શકશો?' ‘અહીંથી ગયા પછી તો એમણે બે-ત્રણ ઘર બદલ્યાં...' ‘તો અત્યારે ક્યાં રહે છે?’ ‘એ તો ખબર નથી.' પાંચ મણનો નિસાસો નાખીને હું પાછી ફરી. સરનું નામ સાંભળતાં જ ઇલાબહેને કેમ આવું વર્તન કર્યું હશે? આનો જવાબ નહિ મળે ત્યાં સુધી હવે મને ચેન નહીં પડે. સર જો હોત તો તો એમને જ પૂછી લેત, પણ... મારું પીએચ.ડી. ઝટ પૂરું થાય એ માટે સરે કેટલી મહેનત કરેલી! સુમન... સુમન... કહેતાં એમની જીભ થાકતી નહિ. કેટલું ચાહતા બધા જ વિદ્યાર્થીઓને, માણસોને, પશુ-પંખીને, વનરાજીને! આંગણમાંનો કોક છોડ સુકાવા લાગે કે તરત માળીનું ધ્યાન દોરે. કેટકેટલા યુવાન કલાકારો એમના નાટકમાં કામ કરવાના કારણે આગળ આવ્યા! એમના નાટકમાં રોલ મળે ત્યાર પછી એ કલાકાર માટે ટી.વી. સિરિયલોનાં દ્વાર ખૂલી જતાં. પણ પોતાની ઇમેજ પ્રત્યે તેઓ વધારે સજાગ, સભાન કેમ હતા? મનેય કહેલું એક વાર એમણે, ‘સુમન, પેલી વૈશાલી સાથે ફરવું નહિ, એની સાથે ફરવાથી તારી ઇમેજ પણ બગડે.. ‘વૈશાલી ક્યાં એવી છોકરી છે?' ‘તને ખબર નથી, સુમન? હૉસ્ટેલ આખીય જાણે છે કે એ લેસ્બિયન છે.’ હું હૉસ્ટેલમાં રહેતી તોય મને આ વાતની ખબર નહોતી. આવી બધી વાતોની સરને ક્યાંથી ખબર પડતી હશે? એક વાર મને મલેરિયા-ફાલ્સિફેરમ થઈ ગયેલો ત્યારે તો સરે મને હૉસ્ટેલમાં પાછી જવા જ નહોતી દીધી. તાવ સખત વધી જાય ત્યારે ભાભી પોતાં મૂકતાં. એક વાર ભાભી શૉપિંગ માટે ગયાં હશે ને સરે મારા કપાળે પોતાં મૂકેલાં. મેં ઘણીય ના પાડી તે છતાંય. એમને લીવરનું કૅન્સર થયા પછી કેટકેટલાં માણસો ક્યાંય ક્યાંયથી એમને મળવા આવતા. એ જોઈ મને થતું, કેટકેટલાં માણસોનો પ્રેમ જીત્યો છે સરે! સર સાજા થાય એ માટે કેટકેટલાં લોકો જાતજાતની બાધાઓ રાખતાં. સરની કામવાળીએય મેલડીમાની બાધા રાખેલી. આવા સર માટે, એમના અવસાનનાં આટલાં વરસો પછીયે, ઇલાબહેનના મનમાં આટલી નફરત? આટલી બધી ઘૃણા? એવું તે શું બન્યું હશે?! હવે તો એનું કારણ જાણીને જ જંપીશ. ગમે ત્યાંથી શોધી કાઢીશ ઇલાબહેનનું સરનામું. સંગીતના ક્લાસ ચલાવનારાઓ પાસેથી કે સુગમ સંગીત ગાનારાઓ પાસેથી જરૂર મળી રહેશે એમનું સરનામું. કેટલાંકને મેં ફોન કરીને પૂછ્યું તો, એમાંના કોઈને સરનામાની ખબર નહોતી. એ લોકો પાસેથી જાણ્યું – પતિના અવસાન પછી એમણે ગાવાનું છોડી દીધું છે ને સંગીતના ક્લાસ પણ બંધ કર્યા છે. નાટક જોવા આવેલાં ત્યારે એમણે સાડી તો સફેદ, આસમાની બોર્ડરવાળી પહેરેલી. પણ ચાંલ્લો તો કર્યો હતો! હવે તો જોકે ઘણાં ચાંલ્લો કરવાનું ચાલુ રાખે છે. એક વિચાર સ્ફુર્યો, આકાશવાણીના સંગીત વિભાગમાં ફોન કરી જોઉં... કદાચ ત્યાંથી સરનામું મળી રહે. પણ ત્યાંથીયે એ જ જવાબ – એમણે તો વરસોથી ગાવાનું બંધ કર્યું છે તે હવે તો એમનું કાર્ડ જડવું મુશ્કેલ. છેવટે જૂની પેઢીના એક ગાયક પાસેથી મળી ગયું એમનું સરનામું. હવે હું એમને છોડીશ નહિ. કારણ ન જાણું તો મારું નામ સુમન નહીં. એમના ઘરે પહોંચી. ડોરબેલ વગાડ્યો. થોડી ક્ષણ પછી બારણું ખૂલ્યું. હા... શ...! ચાલો છેવટે ઇલાબહેન મળ્યાં તો ખરાં. કોરાકટ ચહેરે મારી સામે થોડી ક્ષણ તાકી રહ્યાં પછી તેઓ બોલ્યાં, ‘આવો.' ચાલો, એમણે ‘આવો' તો કહ્યું. ‘બેસો.’ નાની ટ્રેમાં તેઓ પાણી લઈ આવ્યાં. મેં ઘૂંટડોક પાણી પીને ગ્લાસ ટ્રેમાં મૂક્યો. ટ્રે ટિપોઈ પર મૂકી તેઓ મારી સામેની ખુરશીમાં બેઠાં. ગ્લાસમાં બાકી રહેલા પાણીની સપાટી થોડું હલબલીને શાંત થઈ. ‘બોલો', ઇલાબહેને સાવ શુષ્ક અવાજે પૂછ્યું, ‘શું કામ પડ્યું?’ ‘સર’ – હું આગળ કંઈ બોલવા જઉં તે પહેલાં જ – ‘સરનું નામ ન લેશો મારી આગળ. એ સિવાય જે કામ હોય તે બોલો.' ધૉળો પૂણી જેવો એમનો ચહેરો રાતો થઈ ગયો. ‘મારે બીજું કશું જ કામ નથી. માત્ર એટલું જ જાણવું છે કે સર માટે તમને આટલી નફરત કેમ છે?' ઇલાબહેન ઊભાં થઈ ગયાં. ‘સુમન, તમે જઈ શકો છો.' ઊંચા અવાજે એમણે કહ્યું. એમનો આવો મોટો અવાજ મેં કદીયે સાંભળ્યો નહોતો. સ૨ના ઘરે ક્યારેક હું જરા મોટેથી બોલી ઊઠતી તો ઇલાબહેન જ મને ટોકતાં. હુંય ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. મનેય ગુસ્સો ચઢ્યો. ‘કારણ જાણ્યા સિવાય હું અહીંથી જવાની નથી.' કહી આવેશમાં મેં તેમને ખભામાંથી પકડી હચમચાવીને પૂછ્યું, ‘સર માટે આટલી નફરત કેમ? મારે આનો જવાબ જોઈએ, જોઈએ જોઈએ ને જોઈએ.' મારી જાણ બહાર જ, મારો અવાજ પણ સખત મોટો ને મોટો થતો ગયો. હુંય ગુસ્સાથી થરથર કાંપતી હતી અને ઇલાબહેન? રૂની પૂણી જેવો એમને દેહ જાણે ભડકો થઈ ઊઠેલો! કશો જવાબ આપવાને બદલે એમણે મારા ગાલે એક જોરદાર તમાચો ચોડી દીધો ને કહ્યું ‘લે, આ જવાબ.' પછી તરત જ ચહેરો ફેરવી દઈ તેઓ અંદરની રૂમમાં જતાં રહ્યાં. ને ડઘાઈ ગયેલી હું ત્યાં ને ત્યાં જ ખોડાઈ ગઈ.