બાંધણી/જાગતું પડ

From Ekatra Wiki
Revision as of 16:08, 10 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. જાગતું પડ

હવે? કઈ બાજુ જાઉં તો રસ્તો મળે? મેં આજુબાજુ નજર દોડાવી તો લગભગ બધાં ખેતર એકસરખાં જ લાગતાં હતાં. કયું ખેતર વીંધીને અહીં આવી હતી? મેં યાદ કરવા માંડયું. મુખ્ય રસ્તો છોડી હું ઢાળ ઊતરીને એક તાજા ખેડેલા ખેતર ભણી વળી હતી. શેઢા પર પગ મૂકતાં મેં જોયું. ખેતરના એક છેડેથી બીજા છેડે ચાલ્યા જતા ચાસની માટી આછા- ઘેરા શેડ્સમાં એક ભાત રચતી હતી. કોઈ રંગોળી રોળાઈ જવાના ખચકાટ સાથે મેં ચાલવા માંડેલું. વચ્ચે વચ્ચે કોઈ મરેલા સુક્કા કરચલા જેવા પાછલા પાકનાં ડાંઠાં ચત્તાં પડેલાં હતાં. મગફળી, બાજરી, લસણ, ડુંગળીના પાક લઈ લીધા પછી ખેડૂતો પાસે આ ઉનાળાના ભૂખરા, કાચની કરચો જેવા ખૂંચતા દિવસોમાં વરસાદની રાહમાં હરીફરીને એક કામ રહેતું. આ ખેતર ખેડવાનું. આ આછા અંધારામાં કોઈ ખેતરને જુદું તારવીને રસ્તો શોધવો અઘરો હતો. ક્યાં વળું ડાબે કે જમણે? આગળ જાઉં કે પાછળ? લાગે છે કે ભૂલી પડી છું. બે દિવસથી ગોપનાથમાં છું. મંદિરનો શાંત અને ભવ્ય વિસ્તાર, નજર સામે ચોવીસે કલાક દરિયો અને નોકરીની વેઠમાંથી છૂટ્યાની હાશ, મન છલોછલ! આજે આખો બપોર ભરતી જોયા કરી. એક પછી એક ધસી આવતાં મોજાં... સવારમાં સાવ છીછરો ને નિમાણો લાગતો દરિયો ધૂંઆપૂંઆ થતો માથોડું માથોડું ચઢી આવતો હતો. એના ફૂંફાડા અને ગતિ એક પળે ખેંચતાં હતાં તો બીજી પળે દૂર હડસેલતાં હતાં. દરિયાનાં પાણી જોઈ લાગે કે જરૂર આ કોઈ ધૂળધોયો છે. એની દિવસભરની મહેનત સાંજના અજવાળામાં ચમકે. ડૂબતા સૂરજનાં કિરણોમાં મોજાં પર સોનેરી કોર ગૂંથાય અને ફીણ ફીણ થઈ વીખરાય રૂપાની રણઝણતી ઘૂઘરીઓ. લાગે છે, આજે આ પ્રકૃતિપ્રેમ ભારે પડી જવાનો. જોને દિવસભરના આટલા સભર અનુભવ પછી ક્યાં જરૂર હતી આ ખેતરોમાં નીકળી પડવાની? પણ હવે કરવું શું? દિવસ આથમી ગયો છે. મોટા ભાગના ખેડૂતો ઘર તરફ વળી ગયા હશે. કોઈ દેખાય કે સામું મળે તો પૂછું? પણ રસ્તો પૂછતાં એને ખબર પડી જાય કે આ સ્ત્રી એકલી ને વળી અજાણી છે તો? પેલા વાડીવાળાને પૂછી લીધું હોત તો? હુંય ખરી છું. એ દૂર રજકો વાઢતો હતો ત્યાં સુધી કૂવાના થાળા પાસે બેઠી. પાઈપમાં થઈ પડતા પાણીના ધોધમાંથી ઊડતી ઝણની ઠંડક માણતી રહી. જેવો એને આવતો જોયો કે મને અનેક શંકાકુશંકા સાથે પ્રશ્નોની વણજાર આવતી દેખાઈ. ‘ક્યાં રેવાં?’ નાતે કેવાં? ‘એકલાં જ છો?’ વગેરે. એ કૂવે પહોંચે એ પહેલાં મેં ચાલવા માંડ્યું. હજી પૂરું અંધારું નથી થયું એટલે મારી આ પેન્સિલટૉર્ચનું અજવાળું પણ વીખરાઈ જાય છે. આ વગડો, અને ઉનાળાની ગરમી પછીની આ ઠંડક, આમાં જો કોઈ જીવજંતુની અડફેડે ચઢી જવાય તો? કાલે દીવાદાંડીના કમ્પાઉન્ડમાં જોયેલો સાપ યાદ આવી ગયો. લાંબો કાળો સાપ અને એની ચમકતી, સરકતી ગતિ! હું એને શોધવા તો નથી નીકળીને? તો પછી આ ડર... આ ઢેખાળા વચ્ચે ચાલતાં જો પગ મચકોડાઈ જાય તો? એક પણ વિચાર સારો નથી આવતો. ના, એવું નથી. જોને આ ચંપલની તૂટૂં તૂટું આડી પટ્ટી પણ મારા સંશયી મનની પેદાશ છે જ? ...આ કંઈક કેડી જેવું લાગે છે. ક્યાંક તો પહોંચાશે, પણ ક્યાં? કોઈના ઘર, કોઈના અડ્ડા પર? સાંભળ્યું છે ગામડામાં દેશી દારૂની ભઠ્ઠીઓ આમ ખેતરમાં જ હોય. જે થાય તે. હા, વળી થઈ થઈને શું થવાનું? લાગે છે કે મારી છાતીમાં પેલા કૂવાનો પમ્પ ફિટ થઈ ગયો છે. એના ભખ્ ભખ્ અવાજ સાથે મારી નજરે હિંદી ફિલ્મોમાં આવતાં બળાત્કારનાં દશ્યો તરવરવા લાગે છે! થાય છે કે હસી કાઢું આ ભયને! ત્યાં ઝીણી ઘૂઘરી રણકે છે. હું દૂરના વૃક્ષને ઓળખવા મથું છું. પ્રેતાત્માઓ તો મધ્યરાત્રિ પછી જ નીકળે. મને જો હનુમાનચાલીસા આવડતી હોત તો... હું ધારું છું. પણ ચાલી શકતી નથી. મારા પગ વારેવારે બંધાય છે અને છૂટે છે. લાવ સાડીની પાટલી ખોસી દઉં, પણ મારા ખુલ્લા પગ... ટનનન... હું આંચકા સાથે ખોડાઈ ગઈ. મેં જોયું તો થોડે દૂર કંઈક દેરી જેવું છે. હું આવી ત્યારે રસ્તામાં આવું કંઈ આવતું હતું? શું આ પણ કોઈ...? ના એવું તો નથી, લાવ જોઉં. ખટ કરતી દેરીની જાળી ખૂલી અને મંદિરમાંથી ગોઠણભેર એક માણસ બહાર નીકળ્યો. મેં આજુબાજુ નજર દોડાવી, પણ વ્યર્થ. હવે તો ઝુકાવ્યે જ છૂટકો. મેં જોયું. એના લેંઘાની પૂંઠે થીગડાં દીધેલાં હતાં. ઉપર ખાખી જેવા રંગનું ખમીસ. એણે હાથ જોડ્યા અને મારી સામું ફરી બૂટમાં પગ નાખ્યો. એનું મારા તરફ ધ્યાન જાય ને એ કંઈ પૂછે એ પહેલાં મેં પૂછ્યું, ‘એ ભાઈ, આટલામાં ક્યાંય મોચી હશે?’ પગ વાંકોચૂકો કર્યો અને બૂટમાં પંજો ફિટ કરતાં મારી સામે ધ્યાનથી જોયું. મેં કેડે ખોસેલી સાડીની પાટલી સરખી કરી. આ એકતાલીસમે વર્ષે મારે આમ સભાન થવું ન જોઈએ. નહિતર આ માણસ... એના બોથાલા જેવા અસ્તવ્યસ્ત વાળ, જાડી મૂછ, ખમીસનાં તૂટેલાં બટનમાંથી દેખાતું ફાટલું ગંજી અને એમાંથી ડોકાતા છાતીના વાળ. એણે નીચે પડેલું ફાળિયું ખભે નાખ્યું. ફાળિયાના છેડે પોટલી જેવું બાંધેલું હતું. બીજા હાથમાં લીધી ડાંગ, ‘જે સતીમા’ કહેતો મને કહે, ‘હાલો.’ જે અધિકારથી એ બોલ્યો, ક્યાં પૂંછવાની મારી હિંમત ન ચાલી. હવે આના સિવાય કોઈ આરોય નથી, પણ એવું કઈ રીતે માની લેવાય? તમને ખબર પણ ન હોય ને તમને કોઈ દોરીને લઈ જાય! હું કંઈ એનું પાળેલું ઢોર છું? પણ અત્યારે તો... મેં મારા વિચારોને ખાળવા એની સાથે વાતચીત શરૂ કરી ‘શું નામ તમારું?’ ‘બાબભઈ!’ આ માણસ પણ ખરો છે. એણે ન તો વળતો પ્રશ્ન કર્યો અને ન તો પાછું વળીને જોયું. આણે તો એ જ રસ્તો લીધો જે રસ્તે હું દેરી સુધી આવી હતી. દેખાય છે કેવો? નામ તો ઉજળિયાત જેવું છે, પણ દરહણ! આ એક ગણેશિયાની જ ખોટ છે! બધા પૈસા પર્સમાં લઈને આવવાની શી જરૂર હતી? અને આ ચેન, બંગડી, બુટ્ટી... નક્કી આજ પચ્ચીસથી ત્રીસ હજારની ઊઠશે, પણ એ તો ઠીક, જો બીજું કંઈ... ના, ના એવો તો નથી લાગતો. કંઈ કહેવાય નહિ. માણસની મતિ ક્યારે ફરે? આ રસ્તો ક્યારે પૂરો થશે? અંધારું વધવા માંડ્યું છે. ‘જરાક જાળવીને ઠેકજો. અહીં બાવળથી કાંટ્ય છે.’ ‘હાશ, એ કંઈક બોલ્યો’ તો ખરો. ‘રહેવાનું ક્યાં?’ ‘રેલિયા. અને તમે?’ એક પળ રહી કહ્યું, ‘નંદરબાર.’ આને સાચું ન કહેવાય! ‘ન્યાં કણે ઘણી વાર ખટારામાં હાલતો. ન્યાં ગામના છેડે હસતા પીરની દરગા છે. ભારે હાચ એનું. મને તો પીરનો પરગટ પરચો મળેલો.’ ‘એમ? શું થયું હતું?’ એ આગળ બીજું કંઈ પૂછે એ પહેલાં હું બોલી ‘જાણે થ્યું એવું કે હું ખટારો લઈને જતો’તો મુંબઈ. રાતનો વખત. સુરત વળોટ્યા પછી રોડ વચાળે તંઈણ જણ હાથ લાંબો કરીને ઊભા. બે બાયું ને એક જણ. જોયું તો રોડની સાઈડે ફ્યાટ પડેલી. બગડી’તી. ઓલા જણ કે, ‘આ બેનુંને મુંબઈ સુધી લઈ જાવ. મારાથી શેઠની ગાડી રેઢી નંઈ મુકાય. બાયું બેય હારાની ઘરની લાગે. હવે મારે થ્યું ધરમસંકટ. ઘડીક તો વિચારમાં પડી ગ્યો. હા પાડું તો જોખમ ને ના પાડું તો માણહાઈ લાજે. આપડે કંઈ ભગવાન નથી. માણહ છી. કાંક આંડુઅવળું કરી બેહી તો? ને ના પાડું તો આ મનખા અવતારનો કાંઈ અરથ? પછી થ્યું. એયને ગોપનાથબાપા જે કરે ઈ. દોઢ-બે કલાકે પગ છૂટો કરવા હાઈ વે પર ગાડી ઊભી રાખી. મારા પહેલાં તો બેય જણિયું નીચે ઊતરી ગઈ. મને ઈમ કે એમનેય જાવું હશે. હું નીચે ઊતરીને ટાંકીએ મોઢું ધોવા ગ્યો તો ઘડીક તો ડઘઈ જ ગ્યો. એક જણની વાહોંવાહ ઈ બેય બાયું ભાયડાના પેશાબખાનામાં ગઈ. મેં કીધું નક્કી કાંક છે. આ બાયું પાંહે જોખમ છે. મારે તો સાપે છછુંદર ગળ્યા જેવું થયું. આગળ રોડપોલીસનું ચેકિંગ આવે તો મારી તો પથારી જ ફરી જાય ને? ને અંતરિયાળ મૂકીને જાવુંય કેમ? મેં મનોમન હસતા પીરને સંભાર્યાં. આ પાપ ટળે એવું કંઈક કરો. પીરનું નામ લઈ ગાડી ઈસ્ટાર્ટ કરી. દસેક કિલોમીટર જેટલું હાલી તો ઓલી ફયાટ આવી પૂગી. ગઈ બેય જોગમાયાને લઈને.’ આય જબરો ખૈલાડી લાગે છે. અત્યારે આ વાત કરીને મારી પાસે સાચો થવા જાય છે, પણ એમ વિશ્વાસ મૂકે એ બીજા! શી ખબર એ જોગમાયાઓ ગઈ કે તને ભગાડ્યો? આટલાં વર્ષે કંઈ એમ જ કાઢ્યાં હશે! હવે બાબ્ભઈ વાતના મૂડમાં આવતા હતા. સારું હતું. એનો અવાજ મારા ભયમાં ઓથ બનીને સાથે ચાલતો હતો. મેં એને પાનો ચઢાવતાં કહ્યું, ‘આ ગોપનાથ બહુ સરસ જગ્યા છે. મંદિરમાં બેઠાં હોઈએ તો લાગે કે આના ય હસતા પીર જેવા પરચા હશે. ‘અરે સો ટકા વાત સાચી. અઈં બહુ સાંતિ. કોઈ વાતના ઉચાટ નઈ. અને માડી, આ તો જાગતું પડ. તમારામાં જો રામ જાગતો હોય તો જરૂર જવાબ જડે!’ આ માણસ એવો તો નહિ હોય. જોને એણે મને માડી કહ્યું. પણ અહીં તો આવા સંબોધન સામાન્ય હોય છે. છાપામાં નહોતું વાંચ્યું કે સિત્તેર વર્ષની વૃદ્ધા પર... મારા પેટમાં ગોટા વળવા માંડ્યા. મેં મારા ખભા ફરતી સાડી લપેટી લીધી. ગામ ક્યારે આવશે? શું કરું? ‘આ મંદિરના એવા કોઈ ચમત્કાર ખરા?’ ‘અરે બોન, મેં નો કીધું. આ તો જાગતું પડ. અહીં એક બાપુ હતા. અમરનાથ બાપુ. બઉ મોટા સિદ્ધ. રોજ સવારે દરિયે જઈને પોતાનું પેટ ચીરીને આંતરડા ધોવે ને પાછા પેટમાં મૂકે. પછી જ મંદિરમાં પગ મૂકે એવો તો ચોખ્ખો ને પવિતર આત્મા. આજેય રાતવરત ધોળા નાગરૂપે દેખા દે છે. લોક તો કે છે કે ઘણી વાર ધોળાં લૂગડાં ભેખડુંમાંય ફરે છે. ઈમને તો જીવતા સમાધિ લીધી. પંડે સરગાસન લીધું.’ આપણે ત્યાં સર્પ રૂપે કે જુદા રૂપે દેખનારને અવગતિયા કહેવામાં આવે છે ને આ જોને. પણ આની સાથે તર્ક ન કરાય. જો વીફરે તો? ત્યાં લાગલો જ એનો પ્રશ્ન આવ્યો, ‘બેન તમે કેવાં?’ હોઠે તો આવ્યું કોળી પણ પછી થ્થું ના, નંદરબારમાં પકડાતાં બચી છું. જો આમાં એને ખબર પડશે તો... ‘બ્રાહ્મણ’ ‘અરે ભલા માણાં. કે’તાં કેમ નથી. આપણે એક નાતનાં. તમે તો મારી બોન કે’વાવ.’ ના રે, મારે નથી થવું તારી બેન. ખબર છે આજકાલના ભાઈઓની! મેં વાતને બીજે વાળતાં પૂછ્યું, ‘આ ફાળિયામાં શું છે?’ દીવા દેખાય છે. આટલામાં જ ગામ હશે. ‘સીધુંસામાન. અહીં પલાટમાં કથા હતી. અહીં પાંચ ગામની જજમાનવરતી છે. એ આ લો, આ આઈવું અમારું ગામ. રેલિયા. ને આ રઈ ઈ નિશાળ.’ એણે ડાંગ ચીંધતાં નિશાળ દેખાડી. એક ઓસરીએ ચાર ઓરડા. ઝાંપે વીજળીના થાંભલા પર ટમટમતો ધૂંધળો બલ્બ. આ નિશાળના છોકરાઓ નિશાનબાજીની પ્રેક્ટિસ નથી કરતા લાગતા. ‘કેટલાં ધોરણ છે?’ ‘એ સમજો ને જાણે સાત ચોપડી સુધી. પણ અહીં છોકરાંવ કરતાં માસ્તરું ઝાઝાં. બેઠાં બેઠાં ચઢાવે રાખે ઉપર અને ભણતરને નામે મીંડું.’ ચોકમાં એક પાનાના ગલ્લા પર કંઈક વસતિ હતી. ‘એલા મુકલા, મકનો મોચી ક્યાં?* ‘ઈ તો વિયો ગ્યો.’ મારી સામે ધારીને જોતાં એણે ઉમેર્યું, ‘તે તમારા હાટન બેહી રેતો હશે. ‘બાબ્ભઈ, તમે મને ગોપનાથનો રોડ દેખાડી દો ને. ચાલશે ચંપલ વિના.’ ‘અરે બોન, હાલતું હશે એવું? ગામ લગણ આવીને તમે ઘરે નો આવો એવું?’ ‘ના, પણ બહુ મોડું થશે.’ મેં અવાજમાં પૂરો રોફ લાવતાં કહ્યું. ‘હોય કંઈ! જાવા જ નો દઉં ને! આ જો પણે દેખાય ઈં મારું ઘર.’ કહી એણે તો માંડયું ચાલવા. મને સ્તબ્ધ ઊભેલી જોઈ ગલ્લો ખિખિયાટા કાઢવા લાગ્યો. લાલ-લીલા બલ્બના પ્રકાશમાં એમના ચહેરા ખરડાયેલા લાગતા હતા! હવે ચાલ્યા વગર છૂટકો નહોતો. મેં બાબુભાઈ પાછળ પગ દબાવતાં ચાલવા માંડ્યું. હજી તો પોણા નવ જેવું થતું હતું. પણ ગામ બિડાઈ ગયું હતું. શેરીમાં ડિમલાઈટનો છૂટોછવાયો અજવાસ હતો. અર્ધા થાંભલા બંધ. બંધ ડેલીઓની પેલી પાર ફળિયામાં થતો કોક કોક સંચાર સંભળાતો હતો. ક્યાંક કોઈ બંધાણીની ઉધરસ તો ક્યાંક વાસણ માંજવાનો અવાજ. મને કંઈક રાહત લાગી. બાબુભાઈના ઘેર જઈને કમસે કમ ઠંડુ પાણી તો પીવા મળશે. મેં પૂછ્યું. ‘ઘરે કોણ કોણ છે? ‘હું એકલો.’ ગરગડી પરથી સરકતી ગાગરની જેમ સરર કરતી હું ઊંડા કૂવામાં ઝીંકાઈ. મેં બહુ ફાંફાં માર્યાં. એક તરણુંય દેખાતું નથી. ‘બે વરહ પેલાં ઘરેથી પાછાં થ્યાં. એક છોડી છે નવ વરહની તે મોકલી દીધી બોન પાંહે. અહીં કોણ કરે એની જળોજથા? એયને આપણે મસ્તરામ. એકલા જેવો મજો નંઈ!’ મને થયું ક્યાંકથી પેલી છોકરી દોડતી આવીને ‘બાપા’ કહેતી વળગી પડે એને. પણ આજ તો દી જ ફર્યો છે. એકલી રહેવાનો તો મેં પણ નિર્ણય કર્યો છે. પણ આ હનમાનને શું? બૂમ પાડું તોય કઈ રીતે! અંદરથી બહાર ઘસી આવવા મથતાં આંતરડાંમાં અવાજ અટવાઈ ગયો છે. ના, આ માણસ સાવ એવો તો નહિ હોય. જોને એણે આખે રસ્તે મારી સામે જોયું પણ નથી. શું આ એની ચાલબાજી હશે મને ફસાવવાની? પાછી વળી જાઉં, પેલા ગલ્લાવાળા છોકરાને બોલાવીને કહું? પણ શું કહું? આ માણસ નથી એવું બોલતો કે નથી કંઈ કરતો! એને કહી દઉં કે હું જાઉં! વળી થયું કે એને કેવું લાગશે? હવે તો બાબુભાઈના શબ્દોમાં ગોપનાથબાપા જે કરે ઈ. ‘તમારાં મા-બાપ, ભાઈ-ભાંડુ...’ ‘મા-બાપ તો નાનપણમાં જ મરી ગ્યાં. કાકાનો જજમાનવરતીનો ખલતો ઉપાડતાં ઉપાડતાં બે અક્ષર શીખ્યો. કાકી સ્વભાવે શંખણી, પણ એની દીકરી બઉ સાચવે મને. અટાણે રૂપલીને એને ન્યાં જ મૂકી છે. જરાક મોટો થ્યો, પનરેક વરહનો તે ભાગીને વયો ગ્યો અમદાવાદ. ટલ્લાં ખાતાં ખાતાં ખટારો હાંકતાં શીખ્યો. કલીનરીય કરી જોઈ ને ગાડીય હાંકી, પણ એમાં કાહટી બઉ. મારગ વચાળે જ જીવવાનું ઓટલા ને રોટલા વિના બધું નકામું.’ મને હવે ક્યાંય પહોંચવાની ઉતાવળ નહોતી. બાબુભાઈ શેરી પર શેરી ને ખાંચા પર ખાંચા વળ્યે જતા હતા અને હું એમના પ્લાસ્ટિકના ધૂળિયા જોડાના ખબકારે પાછળ પાછળ. ‘પણ તમે ખટારામાંથી આ ગોરપદામાં ક્યાંથી આવી ગયા?’ ‘અરે બોન, એનીય એક કહાણી છે. આ તમે ઊતર્યાં છો ઈ ગોપનાથ વિહારધામ માટે પાણા વેવાની સેવા અમારા શેઠે લીધેલી. અમારા ઈસ્માઈલ શેઠ બાપાને બઉ માને. શ્રાવણ મહિનો ને હું સવારમાં ગ્યો દરિયે નાવા. બામણનો અવતાર ને બાપાના દરબારમાં અપવિતર ખોળિયું લઈને થોડું જવાય. ભાગ્યજોગે હું નાતો’તો ન્યાં એક ઘરડા ડોહા આવ્યા. મારા ખભે જનોઈ જોઈને કે’ કે છોકરા બામણ છો? કાકાએ ઘરમેળે ગાયત્રી ભણીને આ ત્રાગડો નાખી દીધો’તો ઈ બોલ્યો. મને ડોહો લઈ ગ્યો રુદ્રિમાં. મને તો પાછું કંઈ આવડે નંઈ. કે’ કે હોઠ ફફડાવીને નમો શિવાય નમો શિવાય બોલવાનું ને હું કહું એટલું કરવાનું. તે તારની ઘડીને આજનો દી. ડોહો પોતાની એકની એક દીકરી, ભામણિયું ને આ પાંચ ગામનો ગરાહ આપીને ગ્યાં. એયને મજો છે.’ કેવો છે નુગરો? ઘરવાળી ગઈ. છોકરી મોકલી દીધી ને એકલપેટો કરે છે તાગડધિન્ના. એકલા જેવો મજો નંઈ... છેવટે બાબુભાઈ એક ડેલી પાસે રોકાયા. જેર પર ચઢીને સાંકળ ખોલી. ખુલ્લાં બારણાં હવાને કારણે જોરથી અથડાયાં. ‘હાલ્યાં આવો બોન.’ કહેતાં બાબુભાઈએ આંગણામાં પગ દીધો. મેં ચંપલ સામે જોયું. હજી સુધી તૂટ્યું નહોતું. મેં અંદર જવા પગ ઉપાડયો તે શેરીના થાંભલાની ડિમલાઈટ પણ ગઈ. એક ક્ષણ બધું ધબોધબ! મેં આંખ મીંચી દીધી. ‘હાલ્યાં આવો બોન!’ ધીરે ધીરે આંખ ઉઘાડતાં મેં જોયું. ફળિયામાં ચાંદની પથરાયેલી હતી. દૂરથી બાબુભાઈનો આકાર સ્પષ્ટ દેખાતો હતો. મેં વધસ્તંભ પર માથું મૂકતી હોઉ એમ ફળિયામાં પગ મૂક્યો. સામે એક ઓસરીએ બે ઓરડા, બંને ખાલી સ્ટોપર મારીને બંધ, ડાબે છેડે રસોડું હશે. ફળિયામાં જમણે ખાલી ગમાણ ને સૂનો ખીલો. ‘તમે, બાબુભાઈ તાળાં નથી મારતા?’ ‘અરે બોન. ઈની જરૂર જ નંઈ. અંઈ બઉ સાંતિ! ચોરી નંઈ, જુગાર નંઈ. અને આ ઘરમાંથી લઈ જનારો લઈ લઈને સૂં લઈ જાય?’ કહેતાં એ રસોડા તરફ ગયા. મેં ફળિયામાં પડેલો ખાટલો ઢાળ્યો. ત્યાં ‘હડે હડે’ બાબુભાઈનો અવાજ સંભળાયો. રસોડામાંથી કૂતરું નીકળ્યું. એણે ઓસરીમાંથી આવી શરીર ખેંચી આળસ મરડી. મોં ઉઘાડી કંઈક ઉં ઉં એવો અવાજ કર્યો અને જઈને ઓસરીના છેડે ઢાળેલા ખાટલામાં લંબાવી દીધું. ‘લે બોન, તમે ન્યાં ફળિયામાં બેઠાં?... અહીં ઓસરીમાં-’ બાબુભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ લેતાં મેં કહ્યું ‘ના રે, અહીં સારું છે. બાબુભાઈએ મારા હાથમાંથી ગ્લાસ લઈ પાસે પડેલી ધૂળ ખાતી સાઈકલ પર વધેલું પાણી નાખ્યું. ‘તમે સાઈકલ કેમ નથી વાપરતા?’ આ ક્યાં આઘું છે? ને જરાક હાલીએ તો બરાબરનો થાક લાગે તે વેલાહાર ઊંઘ આવી જાય. નહિતર પાછો જીવ ઉધામા કર્યા કરે.’ કહેતાં એમણે ઓરડો ઉઘાડ્યો. બેટરીના આછા અજવાળામાં જોયું. સાવ બારણા પાસે સ્ટીલનાં થાળીવાટકો પડ્યાંતાં. બાજરીનો ઢગલો અર્ધો દેખાતો હતો. હાથમાં ને બગલમાં ત્રણચાર નાળિયેર દબાવીને બાબુભાઈ આવ્યા. નાળિયેર સુક્કાં હતાં અને છેડે નાડાછડી બાંધેલી હતી. નાળિયેર વધેરતા જાય ને બોલતા જાય. ‘લીલાં નાળિયેર નથી ઘરમાં. પેલેથી ખબર હોત તો વાડીમાંથી લેતો આવત. ગરાગમાંથી લાટ વસ્તુ મળે. વાડીએ જઈને ઊભા રો, એટલી વાર. જોઈ એટલું બકાલું, જોઈ એટલું અનાજ માગો ઈ મળે. કોઈ વાતે કમી નંઈ. બહુ સાંતિ.’ એક નાળિયેરમાંથી માંડ ચાર પાંચ ટીપાં નીકળ્યાં ને એકમાંથી દૂધ જેવું પાણી. એમને મથતા જોઈ મેં કહ્યું. ‘મને પાણી નથી ભાવતું. ટોપરું ને ગોળ — મારું વાક્ય પૂરું થાય એ પહેલાં તો ‘બોલતાં કેમ નથી’ કહી એ ઊભા થયા. એક થાળીમાં તાજી મગફળી ને ગોળનું દડબું લઈ આવ્યા. ગોળ પર ચોટેલા ચોખા ને લોટ હાથથી સાફ કરતાં કહે, ‘આ જજમાન સીધામાં આપે ને એટલે! વળી મારે કોણ અવેરે? ઈ હતી તારે બધું વેવસ્થિક અનાજ, બકાલું, વાસણ-કૂસણ, લૂગડાં-લત્તાં બધું ઠેકાણે પાડે. છોડી માટે સાચવતી જાય. પણ હવે તો કોણ ખાનાર ને કોણ વાપરનાર? એમ કરો આ મગફળી થેલીમાં લેતાં જજો. શેકીને ખાવાની મજા આવશે.’ ‘પણ અહીં ક્યાં... બાબુભાઈ કંઈ સાંભળતા નહોતા. એ તો બસ આપવાના જ મૂડમાં હતા. લાગે કે હું ખાઉં છું અને એનો સ્વાદ એ લે છે. માણસ આ હદે એકલો હોઈ શકે? ‘તમે બીજાં લગ્ન કેમ નથી કરી લેતા?’ ‘બોન, તારા જેવા ઘણું કે, ‘એક વાર જગ્યામાં અમદાવાદના જાત્રાળુ આઈવા’તા તે સરનામું લઈ ગ્યા. કે’કે ઘરઘઈણું કરાવી દેશું, પણ પછી કાંઈ વાવડ નથી. ને મૂળ વાત તો ઈ કે આવા ઉજડમાં થઈને મરવા આવે કોણ?’ ‘ના રે, તમારે શું તૂટો છે. તમારા જોગું કોક મળી જાય!’ ‘બોન, મારા નસીબમાં જ નઈ. બાકી હતી તો સાક્ષાત્ લખમી. એના પરતાપે ઓટલો ને રોટલો બેય મળ્યા. પણ ઉપરાઉપરી કહવાડમાં બચાડી ધોવાઈ જઈ. છેલી છોડી તો પેટમાં જ મરી ગઈ ને માનેય લેતી ગઈ. મારે હૈયે હમાણી પણ ભાગમાં નો હમાણી.’ કહી બાબુભાઈએ બીજો ઓરડો ખોલ્યો. મને થયું મારો બીજો ખભો પણ નમવા લાગ્યો છે. થાકીને ફસડાઈ પડું એ પહેલાં — ‘ચાલો ત્યારે’ કહેતાં હું ઊભી થઈ ગઈ. ‘ઊભી રે, બોન, એમ નો જવાય.’ પાસે આવીને કહે, ‘બેટરી કર તો. લે આ ચંપલ પેરી જો. તને થઈ રે’શે.’ કોઈ બાર વર્ષની બાળકીનું માપ હતું. મને થયું હું એમની કોટે વળગીને રડી પડીશ. આંસુ ખાળતાં હું બોલી - ‘હાલો’ (ઈન્ડિયા ટુડે)

****