બાંધણી/તાવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭. તાવણી

તળાવની પાળ ચડતાં નરભેશંકર ગોરની નજર સામા કાંઠે ગઈ. સ્મશાન છાપરી પર મોટું, અદોદળું પક્ષી જોઈ ઘડીક તો ગૌરનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. પછી થયું કે દીએ દીએ ખમતીધર ઝાડ તો જતાં જાય છે, બચાડાં જીવ બેહેય ક્યાં? વળી થયું કે માળું આ મોતિયાનો તે કાંઈ ભરોસો? ક્યારેક ગાઉએકનું ભળાય અને ક્યારેક હાથવગાનાંય ફાંફાં! અટાણે ભળાય છે એ હાચું હશે? ઘેર ફળિયામાં ચોકડી પાસે લોટો મૂકતાં ગોરે બૂમ પાડી ‘જસુ આ નાવાનું પાણી કાઢજો, જરા ખંખોળિયું ખઈ લઉં.’ ગોર ભટાણીને સાસરે ગયેલી દીકરીના નામે બોલાવતા. ઓરડાના ઉંબરે બેઠાં-બેઠાં કંઈક સાંધતાં-સાધતાં મંછામા બોલ્યાં : ઘડીક ખમો, પણ તમને કેમ આટલી બધી વાર થઈ. હુવાણ તો છે ને? આ આપડો નાનુ કોળીનો શેર બંધ છે. ઈ ઓલી આંબલી કપાવે છે એટલે ફરીને આવવું પડ્યું. હજીય ગોરના કાને કુહાડાના ટચકા ને હૈસકારા અથડાતા હતા. હાય રામ, એવી ઘેઘૂર આંબલી કપાવી નાંખી! રૂપાળો કેટલાય જીવનો વિહામો! ઈને શું આડી આવતી’તી? આ બળતણની બળતરા બીજું શું? પણ હવે તમે પાર મૂકો ભટાણી. મારે મોડું થાય છે! દાંતથી દોરો તોડતાં મંછામા બોલ્યાં, : હા તે ઈની જ તિયારી કરું છું, આ તમારા પંચિયાને ઝઈડકો ભરતી’તી દિશાએ જતાં હાચવતા હો તો! મૂઆ આ ગામના બાવળેય તે... આડશના તો ઠેકાણાં નંઈ ને! પીપડામાંથી પાણીનું ડબલું ભરતાં મંછામાને જોઈ ગોર બોલ્યા. ‘આ ચાંગળુંક પાણીએ...’ ‘તે આ કાળે ઉનાળે પીવાના પાણીના વાંધા છે ત્યાં બબ્બે વાર નાવાનું નો પોહાય! હાથ ધોઈ, છાંટ નાંખીને પંચિયું બદલી લો એટલે હરે... હરે....’ ઊંડો શ્વાસ લઈ ગોરે પંચિયું પહોળું કર્યું અને બોલ્યા, ‘હવે ઝડકા ભરે આરો નંઈ આવે. આ તો હાવ ગળી ગયું છે.’ ઓસરીનો જેર ચડતાં મંછામા કહે, : આ દીપચંદવાળું તો હાવ બેઠું નીકળ્યું. વજુભાબાપુના દીકરા વખતે તો.... ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી... વજુભાબાપુના ઓલે તો ટાણાની ચીજ-વસ્તુ વોરવા હું પોતે કાંપમાં ગ્યો’તો અને આ વાણિયાનો દીકરો... કરતો હશે વાનો ય વશવા? કહી ગોરે પાનપેટી ખોલી. ગોરે લંબાવેલો સોપારીનો ચૂરો હથેળીમાં લેતાં મંછામા ફોસલાવતા અવાજે બોલ્યાં, : એક વાત કઉં, તમે તપશો નંઈ, પણ આ વખતે કલભાની સજ્યા નો લેશો. ઈ આપડી જસીની ભાણી જેવડો. ઈનું લઈને કયે ભવ છૂટીએ! ને હાચું કઉં તો આ કળકળતાં કાળજાનું આવે છે તે ક્યાંય જેવારો જ નથી દેખાતો. હિંડોળાને એક વધુ ઠેસ આપતાં ગોર બોલ્યા : શું થાય? આ જજમાનવરતી લઈને બેઠા છીએ એટલે... બાકી આ મોંઘવારી લગનનુંય ક્યાં દીસે આવવા દે છે. આ તો આડક-ડિંડક છે તે વરસે - છ મહિને છોડી બે ચીજવસ્તુ પામે છે નઈતર... નઈતર આ માસ્તરના પેન્સનમાં તો અલેક સીતારામ... કહેતાં મંછામાએ સોય અને દોરો ગોર તરફ લંબાવ્યો. ટેવવશ હાથમાં સોય-દોરો ઝાલતાં તો ઝાલી લીધો પણ ત્યાં તો અચાનક યાદ આવી ગયું હોય એમ ગોર બોલી ઊઠ્યા : લે તુંય ખરી છો. ગામ બજારમાં તો મને દોરવો પડે છે ને ઘડીક રે. હમણાં આવશે હરજીની વિજુ ત્યાં જ ડેલીનો આગળિયો ખખડ્યો. હાલો ભા, તમારે વજુભાબાપુના ઓલે ગરુપુરાણ વાંચવા નથ જાવું? હાડા તંઈણ તો થઈ જ્યા. આ જરા બીજી વાર દિશાએ જવું પડ્યું ઈમાં મોડું થઈ ગ્યું! તે વેજીટેબલનું સીધું નો ખાતા હો તો! બેસ છાનીમાની. આ તારો જીભડો ક્યાંય નઈં પોહાય. લે, આ હો પોરવી દે. તે હેં ભા, દોરો પોરબ્બાનો કે હો? ઈ બધું એકનું એક. આજકાલની પરજા... કહેતા ગોરે ચશ્માં ચડાવી એક હાથમાં લાલ મધરાશિયાની થેલી લીધી. જોજે તારા ભાને ઠેસ નો આવે! ભટાણીના અવાજ પર આગળિયો દેતાં વિજુ બબડી. કંઈ નઈ થાય. આ ડોહા જાણે ઈમના એકલાના જ નો હોય! શેરીમાંથી બજારના રસ્તે વળતાં વિજુએ પૂછ્યું, : તે હેં ભા, આ મરી ગ્યા વાંહે ગરુપુરાણ ને હરવણું ને સજા ને બારમું—તેરમું ને એવું બધું નો કરી તો હું ઈનો જીવ અવગતે જાય? પ્રશ્ન પૂરો કરતાં કરતાંમાં વિજુએ જોયું દૂર સામેથી રઘુભાનો ભાણેજ બુલેટ પર આવતો હતો. ઉનાળાની બપોર... શેરીમાં ચકલુંય ફરકતું ન હતું. બેબાકળી વિજુએ ગોરનો હાથ જોરથી પકડી લીધો પણ ગોર તો હજી એના પ્રશ્નમાં જ હતા. ફંફોસતાં અવાજે બોલ્યા, : એ તો રામ જાણે, પણ આ તારા ભાને... નજીકથી પસાર થતા બુલેટની મારંમાર ગતિ ગોરનું અધૂરું વાક્ય સાથે લેતી ગઈ. પરસેવેભીની હથેળી ચૂંદડીથી લૂછતાં વિજુ દાંત કચકચાવી બોલી ઊઠી, તે હેં ભા. આનો મામો કંસ છૂટી ગ્યો? હા, જામીન ઉપર. આ કળજગમાં તો ધરમીને ઘરે જ ઘાડ પડે છે. અને આવા નીચની હામેય કોણ થાય? વળી ઈને સજા થાય તોય શું? કલભા તો જીવનો ગ્યો પણ આજકાલ જવાનિયા. બઉ જલદી તપી જાય. પણ ભા ઈમાં કલભાભાઈનો હું વાંક? તમારી નજર હામે જે તાશેરો થાય ઈ થાવા દેવાનો?’ તે દિ’ એવું શું થયું તું તે : એલા હા, તે દિ’ તમે ધ્રાંગ્ધ્રે જ્યા’તા. ઈમાં છે ને તે.’ વિજુએ વાતમાં મોણ નાખતાં આગળ ચલાવ્યું : તે દિ સુક્કરવાર હતો. ને ઓલા ભીખા પટલની મંજુ નંઈ? ઓલી જઈ સાલ મારી હારે આઠમામાંથી ઊતરી જઈ ઈ. ઈ મંજુડી બપોર વસાળે માધેસરની કૂઈએ લૂગડાં ધોતી’તી ને લાગ જોઈને રઘુભાના ભાણુએ સાળો કર્યો ને તાકડે કલભાભાઈએ ઈને ઝાઈલો. ભાણુ તો બુલેટ લઈને જ્યો ઊભી પૂંસડીએ! પણ ચોકમાં ઈના મામા રઘુભાએ કલભાભઈને ધારિયેથી ઝટકાવી નાઈખા. કે’ કે’ ઓલી બે બદામની સોડી હાટન તેં મારા ભાણુ પર હાથ ઉપાઈડો! એ ભા, મારા બાપા કેતા’તા કે આખો ચોક રાતો બંબોળ. અરે અરે મરે અટલે હંઉં. મારો પગ ગારો ગારો થઈ જ્યો. આ ગામની બાયું તો પાણી ઢોળવામાં હગા બાપનેય નો ધારે. સહેજ મલકાતાં ગોર કહે, : તે તું ધ્યાન રાખતી હો તો, જા, હામે દીપચંદની દુકાને ધોઈ આવ. ના. ના ઈ તો પાણે કરીને લૂઈ નાખીસ. પણ આ બાયુંના પાપે જ પંચાયતે નળ બંધ કરી દીધા. લો, ભરો રાંડું. બસ બસ હવે. બસ ચ્યમ કરીને કરે, હોય તારે ઢોળવામાં પાસું વાળીને જોવે નંઈ ને હવે... ભટાણીમા જેવા બચાડાં ઘઈઢાં ચેટલા મઉં થાય... આની વાત તો સાચી છે. ગોર વિચારમાં પડી ગયા. આ કળજગમાં બે-ચાર જણનાં પાપે કેટલાંયને વેઠવાનું... નઈતર વજુભા જેવા લાખ રૂપિયાના માણહના ઘરે આવો કોપ! માંડ માંડ ઢબી ઢબીને કાંઠે આવ્યા’તા ત્યાં કરી એકડે એકથી... પણ હવે આ ડોહો શેં નભે? તે હેં ભા, મારા બાપા કે’તા’તા કે વજુભાબાપુના ઓલે ઈમના અવગતે જ્યેલા કાકા પાતુભા નડે સે. ઈમને કૂવામાં ઘકેલીને મારી નાઈખા’તા એટલે ઈ હવે કોઈને હખ નથી લેવા દેતા. ગોર વિરોધ કરવા ગયા પણ શું બોલે? ચાર વર્ષ પહેલાં એ પોતે અને કલભા બંને ગયાજી જઈને મોટું હરવણું કરી આવ્યા છે. એમ કરતાંય જો પાતુભાનો જીવ ગતે જાય. બાકી વજુભાના બાપુ ઉમેદસિંહે તો પોતાની બધી જ મિલકત પોતાના એક માત્ર નાનાભાઈ પાતુભાને લખી આપી હતી. પણ કાળને કરવું તે જે વરસે એનાં લગ્ન લેવાનાં હતાં એ જ વરસે વાડીનો કાચો કૂવો ઘસી પડતાં ભાઈનું કમોત થયું. વંશવેલો રાખવા જતી જિંદગીએ, સાઈઠ વરસે ઉમેદસિંહ બીજી વાર ઘોડે ચડ્યા. પણ વજુભા નિશાળે બેસે એ પહેલાં તો એ જતા રહ્યા ધામમાં. ગોર નિસાસો નાંખતા બબડી ઊઠ્યા, કે’ છે ને કે બાળોતિયાનું બળ્યું ક્યાંય નો ઠરે! એકદમ કાચી વયે વિધવા થયેલી સગી મા ય સાવકી માની જેમ પરાયી થઈ ગઈ. પછી તો દીકરા માટે વેઠેલ દુઃખની પળેપળ વસૂલ કરવા લાગી. વહુ આવ્યાનું અને ડેલીએ દીવો કરનાર આવ્યાનું સુખ માણવું તો બાજુ પર રહ્યું. ઉપરથી તારા કરતાં મારું દુઃખ મોટુંની હુંસાતુંસી કરતી સાસુઓ વચ્ચે વજુભાનાં વહુ શેકાતાં રહ્યાં અને છેવટે ગળે આવી જતાં અફીણના રેલે ચાલી નીકળ્યાં. નમાયા દીકરાને ઉછેર્યો. પરણાવ્યો, વહુએ દૂધ જેવો દીકરો દીધો ને ફરી એક વાર વજુભાનું વહાણ ખરાબે ચડ્યું. લે ભા, તમનેય ભટાણીમાની જેમ એકલાં એકલાં બોલવાનો હેવા પડી ગ્યો? જો, જો પાછા વચારમાં ને વચારમાં ગડથોલું નો ખાતા. ઊભા રો’ ઘડીક, હામેથી કોક કાંણિયા આવતા લાગે સે. નાના ભાગવાળા લાગે સે. અમથાં તો હામા મળ્યે વાઢ્યાં વેર સે અને અતારે જોને ધડૂલો લે... ખોટા પડારા! છાજિયાંના ધડૂસ ધડૂસ. તાલે લાંબા તીણા રાગે ગવાતાં મરશિયાં સાંભળીને ગોરને થયું ક્યાંક એ પડી જશે. ‘એમ કર ને વિજુ. અહીં ઘડીક બેહી લઉં.’ કહેતાં એ બંધ દુકાનના ઓટલે ફસડાઈ પડ્યા. તે દીય વજુભાનાં દીકરો-વહુ કાંણે ગ્યાં’તાં. વળતાં ટ્રેક્ટર ઊંધું પડ્યું ને બેય માણસ ત્યાં જ ખલાસ! સમશાનમાં વજુભાનો વલોપાત હાંભળીને સીમનું એકેએક ઝાડવુંય રોયું હશે. તે દી મને થાતું’તું, કો નો કો હવે વજુભા નો નભે! પણ મા જુગદમ્બાએ એમને જાણે વજ્જરના બનાવી દીધા. કલભાને બદલે પોતે દીકરા-વહુને દેન દીધી ને સરાવ્યું ય પોતે. પુંખડા જેવા કુમળા બાળક પર આ મોતના ઓળા જિંદગીભર કેવા ઝળુંબે એનો એમને ફળફળતો અનુભવ હતો. ગોર જાણે નવું નવું ચાલતાં શીખ્યા હોય એમ દડવડ્યે જતા હતા. વિજુના ઠેબે એક ડબલું આવી ગયું હતું તે એ ઉછાળ્યે જતી હતી. ઢીંચણ સમા છોડ જેવા કલભાને વજુભાએ બમણાં જોરથી ઉછેરવા માંડ્યો. અર્ધા ગામના ધણીને ઘેર શેની ખોટ હોય! એક તો દાદા જેવું પડછંદ કાઠું ને વળી હથેળીના ફોડલા જેવાં જતન. કલભા પંદરનો થતાં થતાંમાં તો પૂરા પાંચ હાથનો જુવાન થઈ ગયો ને વીસમું બેસતાં વજુભાએ પરણાવી દીધો. મનમાં એમ કે જતાં પહેલાં કલભાને ઘેર પારણું જોતો જાઉં. પણ... બે વરસ પહેલાં કલભાની વહુનો સીમંત પ્રસંગ હતો. વજુભાએ સાંજે ગોરને દક્ષિણા લેવા બોલાવેલા. ગોરની નજરે એ સાંજ તરવરી ઊઠી. ડેલીમાં પગ મૂકતાં મેં જોયું. બાપુ જાણે ભરઉનાળો આવી ગયો હોય એમ ફળિયા વચ્ચે લીમડા હેઠે ખાટલો નાખીને સૂતા હતા. સામે જમીન પર દાડિયા જેવા બે માણસો બેઠા હતા. ખાટલાના પાયા પાસે એઠી અડાળિયું ને લોટો રડવડતાં હતાં. કંઈક અકળાતાં બાપુ બેઠા થ્યા ને બંડીનું ખિસ્સું ફંફોસતાં બોલવા લાગ્યા, : એક વાતની હો વાત. મેં ના પાડી ને. મારે લીમડો કપાવવો નથી. હજી તો પાનખર હાલી જાય સે. કાલ હવારે નવાં પાંદડાં ફૂટશે. ઈ તો ઉપરથી લાગે કે હૂકઈ જ્યો સે પણ કોણ જાણે કેટલેય ઊંડે પોગ્યાં હશે ઈનાં મૂળ! દાડિયાને બીડી આપી પોતે ચલમ જગવવા લાગ્યા. પાંહે જતાં ઘડીક થંભી ગ્યો. થ્યું. બાપુ બેચાર સટ લઈ લે પછી હામે જઉં! પાછા મારી હાજરીમાં ચલમ ઠારી નાખશે. અંદર શ્વાસ લેતાં બાપુનાં ગલોફામાં મૂઠી દાણા હમાય એવડા ખાડા પડી જતા. બેય ધોળી નેણ ભેગી થવામાં હતી. આંઈખું વધુ ઝીણી ને ઊંડી ઊતરી ગઈ’તી. પણ તાપ તો એવો જ. મને જોઈને ચલમ મૂકી ઊભા થઈ ગ્યા. કે, ‘કે : એલા, ભટજી હાટન ખુરશી લાવો! પછી દાડિયાને વિદાય કરતા બોલ્યા, : તારી વાત હાચી પણ ઈનાં મૂળ મકાન નબળું પાડી દેશે ઈ બીકે ઝાડ થોડું કાઢી નખાય. ભટજી, આ લીમડો ને હું હારૂલા, હવે તો બેય હાઈરે જ જાશું... પણ દાદા પે’લા તો કલભા... ડબલાથી કંટાળેલી વિજુ અચાનક બોલી ઊઠી, : તે હેં ભા કલભાભઈને લમણામાં શેનો ઘા હતો, જાણે ગાગરમાં ગોબો નો પડી ગ્યો હોય? હાચવજો ભા, ન્યાંકણે ખાડો સે... થ્યું એવું કે કલભા હશે કંઈક બારેક વરહના આપડા ગામમાં ઈ વખતે કાંપમાંથી એક નવી મે’તી આવેલી. બચાડી જુવાન વિધવા ને એને એક દહબાર વરહની છોડી. આ છોડી રોજ નિશાળેથી છૂટીને દિશાએ જાય. ઈમા કલભાને કો’કે ચડાવ્યા ને ઈયે ઈની વાંહે વાંહે. જ્યાં ઓલી બેહવા જાય ત્યાં હામે ઝાડ પર કલભા! તંઈણ-ચાર દી તો હાઈલું. પછી એક દી ઓલી છોડી પિત્તળનો લોટો લઈને ગઈ. આઘેરેક જઈને આને કર્યો ઈસારો. આ ભઈલા તો ગ્યા ને ગ્યા એવા ઓલી છોડીએ ઉપાડીને દીધો લોટો લમણામાં એયને જાય લોઈ ભાઈગું. પછી બોચી ઝાલીને લઈ ગઈ કૂવે ને ઘા પર પાણી રેડયું. ત્યાં તો બાપુ હાજર. દાક્તર પાંહે લઈ જતાં પેલાં ઠમઠોર્યા. કે, કે ‘હોનાની કટારી ભેટમાં હોય, પેટમાં નઈ! વાત કરતાં ગોર એવા તો તલ્લીન થઈ ગયા કે ભૂલી જ ગયા કે કલભાને ગયા આજે નવમો દિવસ છે. તે હેં ભા… હજી તમારે ચેટલા દિ ગરુપુરાણ વાંચવાનું? બસ આજનો દિ. કાલથી હરવણું! તે હેં ભા, આ ગરુપૂરાણમાં બધું બઉં ગંદુ-ગોબરું ને બિકાળવું આવે? મારી બા કે’તી, તી કે આંહુંડાં, શેડા, લોહી ને જાદરું ને મૂતર ને છાણ ને એવું બધુ આવે, ઈ હાચું? ના, ના એવું કંઈ ન આવે. એ તો તું હમજણી થઈશ ને એટલે ખબર પડશે. ગોર મનોમન બોલી ઊઠયા બધી મોકાણ હમજણની જ તો છે... આ સંસારમાં હમજણા જીવની ગતિ તો દીવા જેવી દેખાય છે. આ વજુભાનો જ દાખલો લ્યો! બહુ તાવણી થઈ એમની! આટઆટલું વેઠ્યાં પછીય કંઈ બાકી રહેતું હશે? રામ જાણે... આ તો શાસ્તર છે. વજુભાની ડેલી આવતાં વિજુ લગભગ બૂમ પાડી ઊઠી : હાય હાય, ભા. આ જો ડેલીની વંડીમાં હેએયને મોટી તૈડ પડી જઈ! અને ગોરનો હાથ છોડી દોડી ગઈ નજીક. દીવાલની ધારે ધારે સફેદ અને આછા શ્યામ ગુલાબી રંગના સુવાળા તાંતણા જોઈ એના પર ઘીરેથી આંગળી ફેરવતાં કહે, ભા આ તો શેનાંક મૂળ લાગે છે. ઈ તો વજુભા બાપુના ફળિયામાં લીમડો છે ને એના હશે કહેતાં ગોરે ડેલીમાં પગ મૂક્યો. ગોરને હાથ પકડીને ઉંબર ઓળંગાવતી વિજુ બોલી, પણ ભા, આ તો હુકઈને હલ વળી ગ્યો સે. મોટો તોસ્તાન, હેય ને મોટી મોટી ડાળ્યું. પણ પાંદડું એકેય નથી. નકરો વરવો. મોટો દૈત જેવો. એકેય પાંદડું નથી? ગોરનો અવાજ થડકો ખાઈ ગયો. ના એકેય નઈ. સાલેય ખવઈ જઈ સે! પણ ભા, આ માળું કૌતુક. ઠે.. ઠ ટગલી ડાળે કોક માળો સે. આવી ચોરા જેવી ફટાબાર ડાળીયું મા શેની ઓથ? વિજુ ઊંચુ જોતી બોલતી હતી અને જેટલું ઊંચુ જોતી હતી એટલો એનો લહેકો લંબાતો હતો. ગોર કંઈક અધીરાઈથી બોલ્યા. માળો છે? એય ને જો પણે ર્યો. પણ તમને ભળાશે? ઉપાડો મોઢું કરો ઊંચું. જોજો ભા ટોપી નો પડી જાય! કહેતા વિજુએ આંગળી ચીંધી. ગોર નેજવું કરી ઝીણી આંખે જોવા લાગ્યાં. આંખે કુંડાળાં વળી ગયાં. આવા ઠૂંઠાંને રાખવા કરતાં કપાવી નાંખે તો...: ના. ના, ઓલો માળો... બોલતાં ગોરે સામે જોયું તો કલભાના દોઢેક વર્ષના દીકરાને આંગળીએ વળગાડીને વજુભા ઓસરીનો જેર ઊતરતા હતા.

(ગદ્યપર્વ)

****