ગુજરાતી બાળવાર્તા સંપદા/સ્મિતનું મૂલ્ય

From Ekatra Wiki
Revision as of 04:13, 12 August 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રતિલાલ સાં. નાયક

સ્મિતનું મૂલ્ય

હસમુખ એક નાનો છોકરો હતો. એનું ઘર ગરીબ હતું. એને ઘણું ઘણું લેવાનું મન થતું, પણ એમાંનું ઘણું એ નહોતો મેળવી શકતો. છતાં એ સુખી હતો. આનંદમાં રહેવાનું એ શીખી ગયો હતો. આ શીખ એની પ્રેમાળ બા પાસેથી મળી હતી. એક વાર એણે એની બાને કહ્યું, ‘બા ! આપણી ગરીબીનું મને દુઃખ નથી, પણ એક વસ્તુ ઘણી વાર ખૂંચે છે : મારાથી કોઈને કશું આપી શકાતું નથી. મારા મિત્ર જયંતને એની વર્ષગાંઠના દહાડે ભેટ પણ હું આપી શક્યો નથી. મનહર અમારો વર્ગ છોડી બીજા શહેરમાં ગયો ત્યારે સૌએ એને કંઈ ને કંઈ ભેટ આપી હતી. એક કેવળ હું જ એમ નહોતો કરી શક્યો. પેલી આંધળી છોકરી ભીખ માગતી રોજ આપણા બારણે આવે છે અને ત્યારે એ કેવું મીઠું ગાય છે ? પણ મારાથી તેને કશું આપી શકાતું નથી.’ બા પહેલાં તો બધું સાંભળી રહી. પછી બોલી : ‘બેટા ! ભેટસોગાદ કે ધન તું લોકોને નથી આપી શકતો એમાં શું થઈ ગયું ? એ સિવાય એવી ઘણી ચીજો છે જે તું ખુશીથી સૌને આપી શકે તેમ છે; ખરું કે નહીં ?’ ‘કંઈ ચીજો ?’ હસમુખે પૂછ્યું. ‘દાખલા તરીકે તું એક ઊજળું સ્મિત આપી શકે. માણસોને એમની કોઈ વસ્તુ ઊંચકી આપવામાં અથવા તેમનું ટાંપું કરવામાં પણ તું આપ્યાનો આનંદ લઈ શકે. સામે મળતાં ઓળખીતાને જય જય આપી શકે. જોને પેલા ગટુકાકા. આપણી પાડોશમાં જ રહે છે ને આપણે એમને રોજ જોઈએ છીએ. કોઈ કદી પણ એમની સામે એક અમથું સ્મિત પણ નથી આપી છૂટતું. મને લાગે છે કે તેઓ એકલા પડી ગયા જેવા બની ગયા છે; કેમ કે જગતમાં કોઈ એમના તરફ મિત્રભાવ દેખાડતું નથી.’ બાના કહેવા ઉપર હસમુખે ખૂબ વિચાર કર્યો. તેને લાગ્યું કે બા સાચી છે. માણસ પાસે બીજા લોકો માટે ચીજ વસ્તુ આપવા પૈસા ન હોય, પણ સ્મિત અને ભલાઈ છે જે એ ગમે ત્યારે આપી શકે છે. હસમુખે બાની શીખ એ દિવસથી જ અમલમાં મૂકવાનું નક્કી કર્યું. એની પાડોશમાં જ રહેતાં હીરા ડોશી માંદાં પડ્યાં હતાં. એમને બજારમાંથી તાવની ગોળીઓ મંગાવવી હતી. ટાંપું કરી આપે એવું કોઈ ન હતું. હસમુખ એની મેળે જ એ ટાંપું કરી આવ્યો. મહોલ્લાના નાકે આવતાં જ એને વિચાર આવ્યો : ગટુકાકા અત્યારે ક્યાં હશે ? શું કરતા હશે ? આ વિચાર આવતાં જ એને એ પણ થયું કે એમનો ચહેરો એવો બિહામણો ને કરડો છે ? એમનાં ભવાં એવાં ચઢેલાં છે કે રોજની પેઠે આજે પણ સામે જોતાં બીક લાગ્યા વગર નહીં જ રહે. છતાં આજે તેણે સ્મિતથી તેમને આવકાર આપવો એમ નક્કી કર્યું. તેથી જ જાણે બન્યું હોય તેમ ગટુકાકા સામા જ મળ્યા. તે કાંઈક ખરીદવા નીકળ્યા હતા. હજુય બાળકોને બિવરાવતી તેમની વધેલી હજામત તેમનાં મોં-માથા પર દેખાતી હતી. જેવા ગટુકાકા નજીક આવ્યા કે તરત જ હસમુખે મોઢા ઉપર સ્મિત ધારણ કરી દીધું. નાના બે હાથ ભેગા કર્યા અને કહ્યું, ‘ગટુકાકા ! જય જય !’ હસમુખનો ચહેરો જ એવો હતો કે એ સ્મિત કરતો તો એ આખો ખીલી ઊઠતો; અને આજનું સ્મિત તો હૃદયની સચ્ચાઈથી મઢાયેલું હતું. ગટુકાકા તો આજના એના અચાનક સ્મિતથી ને જય જયના આવકારથી ઊંડા અચંબામાં પડી ગયા. એમના પ્રત્યે કોઈ પણ બાળકે કદી આવું સ્મિત બતાવ્યું ન હતું. ઊલટું કદીક એમને જોઈ મોં મચકોડ્યું હતું. સ્મિત સામે સ્મિત આપવાનો વળતો જવાબ ગટુકાકા ન આપી શક્યા. જાણે હજુ વિશ્વાસ ન પડતો હોય તેમ આંખો ઝીણી કરી એ હસમુખ તરફ તાકી જ રહ્યા. હસમુખ તો આજે સ્મિત આપી શક્યાના હર્ષમાં ઉત્સાહથી વધુ ઝડપથી આગળ ચાલ્યો. એને જરાક તો થયું જ કે ગટુકાકા સામા હસ્યા હોત તો સારું થાત. થોડી વારે એને વિચાર આવ્યો, ‘આ સ્મિત વેડફાયું તો નહીં હોય ?’ જોકે ખરેખર એમ થયું જ ન હતું. સ્મિત કદી નકામું નથી જતું. જરા પણ નહીં. અહીં પણ તે નકામું તો નહોતું જ ગયું. ગટુકાકા હસમુખના સ્મિતના જ વિચારે ચઢી ગયા હતા. એ સ્મિતે એમના હૂંફ ગુમાવેલા એકલવાયા હૃદયને નવું જોમ આપ્યું. ઘેર જઈને પહેલું જ કામ એમણે દર્પણ શોધી કાઢવાનું કર્યું. દર્પણમાં એમણે પોતાનો ચહેરો જોયો. તેમને દર્પણમાં શું દેખાયું ? એક મેલો, કરડો ને વધેલી હજામતથી કદરૂપો ચહેરો ? બાપ રે બાપ ! હું આટલો બધો ભયંકર એને બિહામણો દેખાઉં છું ? મારામાં કંઈક તો સુંદર હોવું જ જોઈએ, નહીંતર પેલો નાનો છોકરો આવા ડરામણા ચહેરાવાળા સામે પણ એવું સુંદર સ્મિત દાખવત જ નહીં. હું દરરોજ એમ જ માન્યા કરતો કે હું બેડોળ, ક્રોધી અને ખરાબ સ્વભાવનો એવો બૂઢો છું કે મને જોતાં જ છોકરાં ભાગી જાય. બીજું કોઈ તો જોડે પણ ન ઢૂંકવા દે. પણ મને આજે લાગે છે કે મારી સમજ ખોટી હશે. હસમુખ આજે મારી સામે ધીમું હસ્યો ને જય જય બોલ્યો. આ બતાવે છે કે હું સમજું છું એ ખોટું હોવું જોઈએ. એટલો બધો ખરાબ તો હું નહીં જ હોઉં. અરે, કદાચ હું ચોખ્ખાં ને સુઘડ કપડાં પહેરું, ને આ દાઢી ને હજામત બરાબર રાખું તો કદાચ છું એના કરતાં સારો માણસ દેખાઈ શકું. આમ તે વિચારો ઉપર વિચાર કરવા લાગી પડ્યા હતા. પછી તો એમણે દાઢી કરાવી, આંખનાં ભવાંના વાળ વ્યવસ્થિત કરાવ્યા, માથાના વધેલા વાળ ઓછા કરાવ્યા. પછી ગરમ પાણીથી શરીરને સાફ કર્યું અને ફરી પાછું દર્પણમાં મોં જોયું : ‘હાશ, હવે હું સ્વચ્છ ને સુંદર બન્યો. હાં, પણ હજુ મારાં આ કપડાં મેલાં છે એને વધારામાં એની સિલાઈનો ઢંગ પણ બરાબર નથી. લાવ ને બીજાં નવાં જ બનાવરાવું ?’ ગટુકાકા ચાલી નીકળ્યા. બજારમાં આવ્યા હેમુ દરજીને ત્યાં. છેલ્લા દોઢ મહિનાથી હેમુ દરજી કામ મેળવ્યા વિના બેકાર બન્યો હતો. મૂળથી જ એનો સ્વભાવ આકરો હતો. જેનું તેનું બેપરવાઈથી જ કામ કરતો. આથી ધીમે ધીમે એની ઘરાકી ઓછી થઈ ગઈ હતી. હેમુને પણ હવે આ બધામાં પોતાના સ્વભાવમાં દોષ છે એ સમજાઈ ગયું હતું. એટલે એણે ગટુકાકાને સ્મિતથી આવકાર આપ્યો અને માનથી ખુરશી ઉપર બેસાડ્યા. ગટુકાકા એના આવા માયાળુ વર્તનથી ઊલટા વધુ ખુશ થયા, અને એને એકને બદલે બે જોડી કપડાં સીવવાની વરદી આપી દીધી. હેમુની ખુશાલીનું તો પૂછવું જ શું ? હવે પોતે પોતાના ભાણિયા જનકને તે વર્ષગાંઠની ભેટ જરૂર મોકલી શકશે. ચાલો, ખૂબ સરસ થયું. હેમુએ સ્મિત કર્યું, ‘જનકને હું શું ખરીદી દઉં ? બાબાગાડી ? ના, એવી એક છે. કોઈ પુસ્તક ? ના, હજુ હમણાં જ થોડીક ચોપડીઓ અને ઇનામમાં મળી છે. અરે, આયે ખરું ! શું મોકલવું એ જ સૂઝતું નથી ! ત્યારે એમ જ કરું કે એને રોકડા રૂપિયા જ મોકલાવું. સો રૂપિયા બહુ થઈ ગયા. જનક ડાહ્યો છોકરો છે અને મને તેના માટે પ્યાર છે.’ અને સાંજના જઈને હેમુએ જનકને જ્યારે સો રૂપિયા ભેટ મોકલ્યા ત્યારે જનકના આનંદનો પાર ન રહ્યો. એક નાનકડા સ્મિતે કેટલું બધું કર્યું હતું ! એનાથી ગટુકાકા સુઘડ બન્યા હતા ને નવાં બે જોડી કપડાંની વરદી આપી વધારે સુખી બન્યા હતા. હેમુ દરજીની બેકારી પણ એથી દૂર થઈ હતી ને એના ભાણિયાને ભેટ પણ એથી જ મળી શકી હતી. જનકને તો આશાય નહોતી કે એના હાથમાં ઓચિંતા સો રૂપિયા આવી પડશે. વાત એમ હતી કે મામા હમણાં કામ વગર બેઠા છે એ એને ખબર હતી. એટલે એને માટે તો આ રકમ અણધારી જ હતી. જનક તો કાલે વર્ષગાંઠ છે એ વાત પણ ભૂલવાની અણી ઉપર હતી, કેમ કે એ વળી કલાક માટે ખૂબ દુઃખીને દિલગીર બની ગયો હતો. એ કશુંક તે એનું પાળેલું ગલૂડિયું ટપુ હતું. ટપુ માટે એને અપાર હેત હતું. એનો વિચાર ટપુના ગળે એક પટ્ટો ને સાંકળ ભરાવવાનો હતો, અને તે માટે તેની પાડોશમાં એક શીખ દુકાનદાર હતો. તેની પાસેથી એક પટ્ટો ને સાંકળ ખરીદવાનો તેનો વિચાર હતો, પણ પાસે પૈસા નહોતા. આથી તે દિલગીર બની ગયો હતો. હવે મામાએ મોકલેલા સો રૂપિયા આવ્યા એટલે રાજી થઈને જનક બીજે દહાડે સવારમાં જ પટ્ટો ને સાંકળ ખરીદી આવ્યો. ટપુને ગળે એ પટ્ટો શોભી ઊઠ્યો. ત્યાં કોઈ વાત લાવ્યું કે નદીમાં મોટું પૂર આવ્યું છે ને સૌ જોવા જઈ રહ્યા છે. જનક પછી તો રોક્યો કેમ રોકાય ? એણે ટપુને પણ સાથે જ લઈ લેવાનો વિચાર કર્યો. પટ્ટા ઉપર સાંકળ ભરાવી ટપુને સાથમાં લઈ નદી ભણી જતાં જનકની છાતી આનંદથી ઊછળી રહી હતી. જનક નદીએ આવ્યો તો સેંકડો માણસો ત્યાં પૂર જોવા ઊમટ્યા હતા. પળે પળે વધતું પાણી ને અંદર દૂરથી તણાઈ આવતી વસ્તુઓ કેવાકેવાય ભાવ જગાવી જતી હતી. ત્યાં તો નદીમાં કોઈના પડ્યાનો એક અવાજ આવ્યો. જનક જેવડો જ કોઈ છોકરો પૂર જોતાં જોતાં કિનારા પરથી પગ ખસી જતાં નદીના પૂરમાં પડ્યો હતો. પણ કોની મગદૂર કે આવા તોફાની પાણીમાં એને બચાવવા અંદર ઝંપલાવે ? ભલભલા તરવૈયા પણ જોઈ રહ્યા પણ એ પહેલાં તો જનકના ટપુએ જબરી હિલચાલ કરી હતી. માથું આમતેમ હલાવીને જનકનો હાથ છોડાવીને એણે પાણીમાં ઝંપલાવી દીધું હતું. આ બધું ચારપાંચ સેકંડમાં જ બની ગયું હતું. ટપુને એનો માલિક એટલો બધો પ્રિય હતો કે એવડા નાના બધા જ છોકરાઓ માટે એ લાગણી ધરાવતો થઈ ગયો હતો. અને તેથી જ એ પાણીમાં કૂદી પડ્યો હતો. તરતો તરતો પેલા ડૂબતા છોકરાની પાસે પહોંચ્યો. ઝપ લઈને એના પહેરણનો ભાગ મોંમાં પકડી લીધો. હવે પેલો છોકરો બચી શકે તેમ હતો. લોકોને કૂતરાની આ બચાવ કામગીરી જોવી ગમી. થોડી વારમાં તો ટપુ એને આ રીતે ખેંચીને કાંઠે આવી ગયો. કાંઠા ઉપર એક સ્ત્રી પારાવાર રુદન કરી રહી હતી. અરે, આ તો હસમુખની બા ! શું હસમુખ નદીમાં પડી ગયો હતો ? જનકે એને ઓળખી કાઢ્યો. બન્ને જણ એક જ નિશાળમાં એક જ વર્ગમાં સાથે અભ્યાસ કરતા હતા. હસમુખને બચેલો જોઈ એની બાના આનંદનો પાર ન રહ્યો. જનકે કહ્યું, ‘હજુ હસમુખ ભાનમાં નથી આવ્યો. અહીં નજીકમાં જ મારા મામાની દુકાન છે. ચાલો ત્યાં જઈએ. ત્યાંથી જોઈતી બધી મદદ મેળવી શકાશે.’ જનકે હસમુખને એના હેમુમામાની દુકાને લેવરાવ્યો. હેમુએ એને ગરમી આપવા વ્યવસ્થા કરી. પણ હજુ એના પેટમાં ગયેલું પાણી બહાર કાઢવાની જરૂર હતી. હેમુને તે કાઢતાં આવડતું ન હતું. આથી કોઈ એવા જાણકારને બોલાવી લાવવાના હેતુથી એ ઊભો થયો. ત્યાં તો સામેથી ગટુકાકા જ આવ્યા. આજે તેમનાં કપડાં લઈ જવાનો વાયદો હતો. જોકે કપડાં તૈયાર જ હતાં. ગટુકાકાએ પૂછ્યું, ‘હેમુ ! આ શાની ધમાલ છે ?’ હેમુએ એમને જોતાં જ હાશ અનુભવતાં જવાબ આપ્યો, ‘ગટુકાકા ! મારા ભાણિયાનો એક દોસ્ત નદીમાં ડૂબી ગયેલો, પણ તેને બચાવી લેવાયો છે. તેને હું અહીં લાવ્યો છું. તેના પેટમાં ગયેલું પાણી બહાર કાઢવું છે, પણ મને તે ફાવતું નથી. કોઈ જાણકારને બોલાવવા જ ઊભો થયો હતો !’ ‘હેમુ ! કોઈનેય બોલાવવાની જરૂર નથી. મને પોતાને એ આવડે છે.’ અને ગટુકાકા અંદર આવ્યા. જ્યાં સુવાડેલા છોકરાને જોયો ત્યાં તો એ બોલી ઊઠ્યા, ‘અરે ! આ તો હસમુખ !’ અને તેઓ તરત જ સારવામાં લાગી ગયા. પેટમાંથી કસરતી રીતે પાણી કાઢ્યું. જરૂર પડ્યે કૃત્રિમ શ્વાસોચ્છ્‌વાસ આપવા એવું તેવું તેઓ જાણતા હતા. એમની આવડત કામે લાગી ને હસમુખ હોંશમાં આવી ગયો. ગટુકાકા બોલ્યા, ‘કેમ મારા નાના દોસ્ત ! યાદ છે ? તારા ઊજળા સ્મિતે મારા ઉપર કેવું જાદુ ફેરવ્યું ? એનાથી મારામાં એટલો બધો આનંદ અને નવા ફેરફાર થયા કે હું આ હેમુને ત્યાં આવી નવાં કપડાંની વરદી આપી ગયો, કેમ ખરું ને હેમુભાઈ ?’ હેમુ બોલ્યો, ‘હા, હા, અને તમારા તરફથી વરદી મળી એથી જ હું મારા ભાણિયા જનકને એની વર્ષગાંઠની ભેટ ખરીદવા આ રૂપિયાની રકમ મોકલી શક્યો, કેમ ખરું ને જનક ?’ જનક બોલ્યો, ‘ઓહ મામા ! હું તો હજુ એ રકમ કેવી રીતે વાપરી બેઠો છું એ કહેવું જ ભૂલી ગયો છું. એ રકમમાંથી તો આ ટપુ માટે મેં પટ્ટો ને સાંકળ ખરીદી લીધેલાં. અને ટપુને નદીએ પૂર જોવા આવેલો. ટપુ પણ પટ્ટાથી નવા ઉત્સાહમાં આવેલો. હસમુખને બચાવવામાં ટપુની જ હિંમત જવાબદાર છે.’ થોડી વાર સૌ વિચારમાં પડી ગયાં. હસમુખ પણ કાંઈ વિચાર પૂરો કરી બોલતો હોય તેમ પછી બોલ્યો, ‘ત્યારે તો મને મારા સ્મિતે જ બચાવ્યો છે. જો મેં ગટુકાકા તરફ મારા સ્મિતનો આવકાર ન આપ્યો હોત તો તેઓ ખુશખુશાલ બનત પણ નહીં ને જનકના હેમુમામાને કપડાં સીવવાની વરદી મળત જ નહીં. અને તો તો જનકને ભેટની રકમ પણ મળત નહીં. અને જો એમ થાત તો ટપુનાં પટ્ટો અને સાંકળ આવત જ નહીં. અને એમ થતાં ટપુના નદીએ ન આવવાથી હું પાણીમાં ડૂબી જ ગયો હોત ! આ બધું મારા સ્મિતને લઈને જ બન્યું. હા, આ સ્મિત માટે મારી બાએ જ કહ્યું હતું : લોકોને આપવા જેવું તારી પાસે કશું પણ ન હોય તોપણ એક આનંદભર્યું સ્મિત પણ પૂરતું છે. એક ઊજળું સ્મિત કેટકેટલું કરી શક્યું !’ ગટુકાકા બોલી ઊઠ્યા, ‘કોને ખબર હતી કે એક નાનકડું સ્મિત આટલું બધું ઉપયોગી થશે ?’ ગટુકાકા સામે જોઈ હસમુખની બા બોલી, ‘મારી આ એક નાનીશી સ્મિતની શિખામણ મારા જ આનંદને વધારશે એ કેવી મજાની ઘટના બની ?’ હસમુખ બોલ્યો, ‘ગટુકાકા ! જ્યારે મારા સ્મિતનો કંઈ પણ સામો જવાબ ન વાળતાં તમે ચાલ્યા ગયા ત્યારે હું તો માની જ બેઠેલો કે મારું સ્મિત નકામું ગયું; પણ હવે લાગે છે કે એમ નહોતું બન્યું. બા કહે છે કે સ્મિત અને પ્રેમાળ શબ્દો કદી પણ નકામા જતાં નથી તે વાત સાચી જ છે.’ પછી તો આ સ્મિતમાંથી જ હસમુખ, જનક ને ટપુની મૈત્રી વધારે ગાઢ બની. ગટુકાકા જ્યાં ત્યાં હેમુ દરજીની સિલાઈનાં વખાણની જાહેરાત કરતા રહ્યા. એથી એટલું બધું કામ મળવા લાગ્યું કે હેમુને નાની દુકાન બદલી મોટી દુકાન લેવી પડી. ગટુકાકા તો હવે એટલા બધા બદલાઈ ગયા હતા કે સૌ એમને માનથી બોલાવતા ને કંઈ સલાહની જરૂર પડે તો એમની જ સલાહને સૌ સ્વીકારતા. અને આ બધું જ એક સ્મિતમાંથી બન્યું હતું.