ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અરદેશર ફરામજી ખબરદાર
>
અરદેશર ફરામજી ખબરદાર
કિશોરવયે જ કાવ્યલેખન આરંભ્યું હોય એવા કવિઓના દાખલા તો મળવાના, પણ આટલી નાની વયે પ્રશંસા રળનારા તો કોઈક જ હોવાના. આવા માણસો સદ્ભાગી ગણાય. અલબત્ત, કાચી વયે પ્રાપ્ત થયેલું આ સદ્ભાગ્ય ભવિષ્યમાં ઉત્તમ કાવ્યરચના માટે જ પ્રેરક નીવડે એવું હંમેશાં ન પણ બને. એ કેવળ ઉત્સાહપૂર્વક બને અને કવિતા પર સારી-માઠી બંને અસરો કરે એવો સંભવ પણ રહે છે. ખબરદાર નાની વયથી કવિ તરીકે પ્રખ્યાતિ પામેલા. દસ વર્ષની ઉંમરે તો તે પદ્યમાં કશુંક લખવાનો કુતૂહલજન્ય પ્રયાસ કરે છે, તેર-ચૌદની વયે રીતસર કાવ્યલેખન આદરે છે ને સોળ વર્ષની ઉંમરે તો, દાદી તારાપોરવાલાના ‘માસિક મજેહ’ સામયિકે યોજેલી ‘સો દૃષ્ટાન્તિક દોહરા’ સ્પર્ધામાં પ્રૌઢ હરીફોની વચ્ચે પ્રથમ પુરસ્કાર મેળવે છે. આ પુરસ્કારની એના યોજકોએ કરેલી જાહેરાત જ એવી વિલક્ષણ હતી કે ખબરદારને એકાએક મોટી પ્રસિદ્ધિ મળી જાય. ‘માસિક મજેહ’ લખે છેઃ "આ ભાઈના દૃષ્ટાન્તિક દોહરા અમારી મુંબાઈની ઑફિસમાં જાહેર પ્રજાને જોવા માટે આજથી આવતી તા. ૧૮મી માર્ચ ૧૮૯૮ (લગભગ બે મહિના) સુધી ખુલ્લા મૂક્યા છે, માટે કવિતાના શોકીનોએ એક ઉધરતા, માત્ર સોળ વર્ષના એક પારસી ‘કવિ-બુચા’નાં કાવ્ય પ્રત્યક્ષ જોવાની તક ચૂકવી નહીં, એવી અમારી વિનંતી છે. ઉત્તમ કવિરત્નોને ખૂણે ખૂણેથી ખોળી કાઢી જાહેર પ્રજાની જાણમાં લાવવાનો અમારો છેલ્લા બાર માસનો નાનો પ્રયત્ન હજી તો બાળવયમાં છે, તેટલાં અચાનક જડી આવેલા આ પારસી બાળકવિની પ્રજાહજૂર પિછાંન ધરતાં અમને ખાસ ખુશાલ એટલા માટે થાય છે કે અમે જાહેર રીતે માંગેલા જે દૃષ્ટાંતિક દોહરાઓ અમને જુદા જુદા કવિઓ અને લેખકો તરફથી આજ સુધી મળ્યા છે, એમાં પહેલી પંક્તિ અમે આ નવા તથા નાનકડા પારસી કવિ મિ. અરદેસરને આપી છે!" અને સ્પર્ધા માટે મોકલેલી આ રચના વ્યવસાય વચ્ચેથી સમય કાઢીને ખબરદારે ખૂબ ટૂંકી મુદતમાં તૈયાર કરેલી. એમણે યોજકોને લખેલું, ‘અમારા જાગીરી ગામ વગેરેના જમે ભરણાનો આ સમય હોવાથી દોહરા જોડવા મને બહુ ટૂંક વખત મળ્યો હતો. કવિતાનો મને અતિશય શોખ હોવાને લીધે મેં આ તક જતી મૂકી નહોતી.’૧ આ આખીય ઘટના ખબરદારની સમસ્ત સર્જનપ્રવૃત્તિની એક બહુ જ નોંધપાત્ર લાક્ષણિકતાનો પરિચય કરાવી જાય છે – પ્રતિકૂળ સંજોગોમાં પણ ઉત્સાહ અને લગનથી સાહિત્યલેખન કરવું, ટૂંકા સમયગાળામાં ખૂબ ઝડપથી લખવું. આરંભથી જ આની એમને ફાવટ હતી ને લોકપ્રિયતા એમની કવિતાનો લક્ષણવિશેષ હતી, સદ્ભાગ્ય પણ.
દક્ષિણ ગુજરાતના દમણમાં ૬ઠ્ઠી નવેમ્બર ૧૮૮૧–સં. ૧૯૩૮ની કાર્તિકી પૂર્ણિમા – ને રવિવારે એમનો જન્મ. પાંચેકની વયે જ પિતા ગુમાવેલા એથી માતા શીરીનબાઈ અને પિતામહ કાવસજી સોરાબજીના સંસ્કારપોષણે એમનો ઉછેર થતો ગયો. પૌત્ર ભવિષ્યમાં બહુ પ્રતિષ્ઠાવાન થશે એવું કોઈ જ્યોતિષીએ કહેલું એટલે તો દાદાએ સવિશેષ કાળજીથી એમને કેળવવા માંડ્યા. પોતે સંગીત અને કવિતાના શોખીન, પુસ્તકોનો પણ એમની પાસે ઠીકઠીક સંગ્રહ. એટલે બાળપણથી જ ફિરદોસીના શાહનામનો ગુજરાતી અનુવાદ અને રામાયણ-મહાભારત અરદેશરને એમણે પૂરેપૂરાં વંચાવેલાં. ખબરદારે સુવર્ણમહોત્સવ વખતે પોતાના ઘડતરની વાત કરતાં કહેલું, ’તે વેળાએ તો શાહનામાના તથા રામાયણના ઘણાયે વીરતાભર્યા પ્રસંગો જાતે ભજવી બતાવવાના પ્રયોગો પણ મેં કર્યા હતા!’૨ દમણની ખાનગી શાળામાં તે દાખલ થયા એ પૂર્વે દાદાએ એમને ઘરે જ પ્રાથમિક શિક્ષણ માટે ઠીકઠીક તૈયાર કર્યા હતા. પ્રાથમિક શિક્ષણ દમણમાં મેળવી ૧૮૯૧થી તે મુંબઈ જાય છે ને ત્યાંની ન્યૂ હાઈસ્કૂલ (આજની ભરડા હાઈસ્કૂલ)માં દાખલ થાય છે. અહીં મામા રૂસ્તમજી પેમાસ્તર એમના સંસ્કારબીજને સંવર્ધે છે. તે અંગ્રેજીમાં કાવ્યરચના કરતા. એ રચનાઓ પરથી ગુજરાતીમાં એવી પદ્યરચના કરવા ને સાથે અંગ્રેજીમાં પણ પદ્યરચના કરવા અરદેશર ઉત્સુક થાય છે. ગ્રહણશીલતા ને ઉત્સાહ આરંભથી જ એમના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ હતી. કૌટુંબિક સંસ્કારોએ આમ ખબરદારની કારકિર્દી સાહિત્યક્ષેત્રે વાળી. દાદા પાસેથી જ એમને એમના આજે જાણીતા નામની ભેટ મળી એ પણ એક વિલક્ષણ યોગ હતો. વ્યવહારદક્ષ અને સદા જાગરૂક વ્યક્તિત્વને લીધે કાવસજી પોસ્ટવાળાને મિત્રો તરફથી ‘ખબરદાર’નું અભિધાન મળેલું. એ એટલું જાણીતું થયેલું કે અરદેશરને ન્યૂ હાઈસ્કૂલમાં દાખલ કરાવતી વખતે એમના મામાએ ‘અરદેશર ફરામજી ખબરદાર’ નામ લખાવી દીધું! મુંબઈમાં ખબરદારનો અભ્યાસ સારો ચાલતો હતો. વિદ્યાર્થી-કારકિર્દી તેજસ્વી હતી, શિક્ષકોમાં તે પ્રિય હતા ને કવિતા કરતા એથી મિત્રોમાં ‘આલુ કવિ’ અને ‘અદલ’ તરીકે પંકાયેલા હતા. પરંતુ, સંયોગવશ, તે મેટ્રિક્યુલેશન સુધી ન પહોંચી શક્યા. ઈ. ૧૮૯૬માં મુંબઈમાં મરકી (પ્લેગ)નો ઉપદ્રવ થયો એથી તેમને દમણ બોલાવી લેવાયા. પછી તો તે પાછા મુંબઈ જઈ શક્યા જ નહીં. અંગ્રેજી છઠ્ઠા ધોરણ આગળ જ અભ્યાસ અટક્યો. ઘરની જવાબદારી આવી પડી – પોતાનાં જામીન-જાગીરનો વહીવટ સંભાળી લેવો પડ્યો. પરંતુ એમનો સાચો સાહિત્યવ્યાસંગ તો દમણમાં જ થાય છે. સાહિત્યિક કારકિર્દી પણ આ અરસામાં જ બંધાય છે. ‘માસિક મજેહ’ની સ્પર્ધામાં એ દમણવસવાટ પછી તરત ભાગ લે છે ને પુરસ્કૃતિ અને ખ્યાતિ પામે છે. વાચન અને કાવ્યલેખન એકધારાં, એકસાથે ચાલે છે. વાંચે એના સંસ્કારો તરત કાવ્યમાં ઝિલાતા. દલપતરામ–નર્મદ–હરિલાલની કવિતા તથા સામાયિકોમાંનાં લખાણો વાંચી સમકાલીન સાહિત્યનો પરિચય તે મેળવતા જતા હતા ને મધ્યકાલીન કવિતા તેમજ અંગ્રેજી કવિતાના વાચનથી પણ અભિજ્ઞતા કેળવતા જતા હતા. આ બધું વાચન પ્રત્યક્ષ-પરોક્ષ રીતે એમની કાવ્યરચનાને પ્રભાવક નીવડતું ગયું, દલપતરામનું સવિશેષપણે. એમણે નોંધ્યું છે કે. ‘કવિતારચનાની શૈલી તો દલપતરામની જ સ્પષ્ટ રીતે આકર્ષક નીવડી. એ શૈલીનું અનુકરણ મેં લક્ષપૂર્વક કર્યું.’૩ આ જ સમયથી, ખબરદારનું સૌથી વધુ ધ્યાન તો શિષ્ટ ગુજરાતી લખવા તરફ રહ્યું છે. કવિ મલબારી આ માટે પ્રેરક નીવડેલા. ખબરદારે પારસી સંમેલન સામે બોલતાં એકવાર માર્મિક રીતે કહેલું, ‘વડીલ મિત્ર બહેરામજી મલબારીને પગલે શુદ્ધ ગુજરાતીમાં વટલાઈ ગયો.’ એક સંકલ્પપૂર્વક પારસી ગુજરાતીની અશુદ્ધિઓ પોતાના લેખનમાંથી તે ક્રમશઃ ઓછી કરતા ગયા. આને એમની ગુજરાતભક્તિનો પણ પ્રથમ પ્રશસ્ય આવિષ્કાર ગણી શકાય. નાની વયે આવી પડેલી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓની વચ્ચે રહીને પણ એમણે એકધારા ઉત્સાહથી ને સંકલ્પપૂર્વક સાહિત્યપુરુષાર્થ ચલાવ્યો. એમાં, અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો અને મુંબઈનો સીધો સંપર્ક જતો રહ્યો એ પ્રતિકૂળ પરિસ્થિતિ સામેનો પડકાર એમણે ઝીલ્યો હોવાનો સંભવ પણ જોઈ શકાય. ૧૭ વર્ષની વયે, ઈ. ૧૮૯૮માં, પીરોજાબાઈ સાથે એમનું લગ્ન થાય છે. ઈ. ૧૯૦૧માં પુત્રી તેમીનાનો જન્મ. એ જ વર્ષે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થાય છે. ઈ. ૧૯૯૨માં તેમીનાનું અવસાન થતાં એનો આઘાત ઊંડા ચિંતનમાં પરિણમે છે ને ખબરદારે પોતાની શ્રેષ્ઠ કૃતિ તરીકે ગણાવેલા દીર્ઘ કાવ્ય ‘દર્શનિકા’ (૧૯૩૧)નું સર્જન એમને હાથે થાય છે. વીસમી સદીના આરંભે જ, પોતાના આયુષ્યની વીસી વટાવતાં પૂર્વે, ખબરદાર ‘કાવ્યરસિકા’ સાથે ગુજરાતી કાવ્યક્ષેત્રે પ્રવેશે છે. એ પછી આયુષ્યના અંત લગી, ૫૦થી પણ વધુ વર્ષો સુધી એમની કાવ્યલેખન-પ્રવૃત્તિ સાતત્યપૂર્વક ચાલે છે. છેલ્લો કાવ્યસંગ્રહ ‘કીર્તનિકા’ એમના અવસાનના વર્ષે, ૧૯૫૩માં પ્રકાશિત થાય છે. એમનો દમણનિવાસ બહુ લાંબું ચાલતો નથી. ૧૯૦૮માં ગુજરાતમાં દુકાળ પડે છે ને ખબરદારના જમીનજાગીરના વ્યવસાય પર એની બૂરી અસરો થાય છે. વ્યવસાય બદલવો પડે એવી સ્થિતિ થાય છે. સંબંધીઓની સહાયે, ૧૯૦૯માં મદ્રાસ જઈ સાઇકલનો વ્યવસાય તે શરૂ કરે છે. આ દરમ્યાનમાં એમના બીજા બે સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા હોય છે – ‘વિલાસિકા’ (૧૯૦૫) અને ‘પ્રકાશિકા’ (૧૯૦૮). મદ્રાસમાં વ્યવસાય વિસ્તરે છે. મોટરસાઈકલ અને મોટરકારની એજન્સીમાં અને વેપારમાં એમની સમૃદ્ધિ વધે છે. ઔરંગાબાદ અને બૅંગ્લોરમાં પણ તે શાખાઓ ખોલે છે. પણ વળી પાછી પરિસ્થિતિ પલટાય છે. એકાએક જ મોટી ખોટ આવી પડે છે. આ દરમ્યાનમાં જ તે Lymphangitisના ભોગ બને છે. પગના સોજાની તકલીફ તો પંદરની વયથી જ હતી હવે હાથે-પગે ને આખા શરીરે સાંધાનો દુખાવો ઊપડે છે ને લખવાની પણ મુશ્કેલી પડે છે. હૃદય પણ નબળું પડી જાય છે. પથારીવશ રહેવું પડે છે. આ માંદગી પણ એના વ્યવસાય પર અસર કરનાર નીવડે છે. ૧૯૩૮માં મુંબઈ આવી જવાનો નિર્ણય લે છે ત્યાં સુધી વ્યવસાય અને સ્વાસ્થ્ય કથળતાં રહે છે. પરંતુ આ દરમ્યાન પણ એમનું કાવ્યસર્જન તો ચાલતું જ રહે છે. ગુજરાત અને ગુજરાતીઓ સાથે સંપર્ક ટકાવી રાખવા તે સતત પ્રયત્નશીલ રહ્યા છે. એમની ગુજરાતભક્તિ પણ આ ગાળામાં દૃઢતર થતી રહી છે. ખબરદારની સાહિત્યિક કારકિર્દીનો સૌથી વધુ મહત્ત્વનો ગાળો પણ આ મદ્રાસનિવાસ જ રહ્યો છે. દેશપ્રેમ અને પ્રભુભક્તિની નોંધપાત્ર કવિતા, ‘કલિકા’ અને ‘દર્શનિકા’ જેવાં વિસ્તૃત કાવ્યો તથા પ્રતિકાવ્યો, અંગ્રેજી ઊર્મિકાવ્યોનો એક સંગ્રહ ‘The Silken Tassel’– આ ગાળાનું સાહિત્યસર્જન છે. વિપુલ સર્જનના આ તબક્કામાં જ ગુજરાતે એમનું બહુમાન પણ કર્યું છે. ભાવનગરના સાહિત્યપરિષદ સંમેલન (૧૯૨૪)માં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે એમની વરણી થાય છે, ૧૯૨૭માં મુંબઈમાં એમનો વસંતોત્સવ ઉજવાય છે ને એમની ૫૦ની વયે, ૧૯૩૧માં સમગ્ર ગુજરાત ખૂબ પ્રેમાદરપૂર્વક એમનો સુવર્ણમહોત્સવ ઊજવે છે. મુંબઈ આવતાં ગુજરાતી સાહિત્યવર્તુળો સાથેના એમના સંપર્કો વધુ ઘનિષ્ઠ બને છે. એની અનુકૂળ અને વિપરિત બંને અસરો એમના સાહિત્યજીવન પર પડે છે. ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા માટે એમને નિમંત્રણ મળે છે ને ૧૯૪૧માં પરિષદના મુંબઈ સંમેલનના પ્રમુખ તરીકે એમની વરણી થાય છે. પરિષદ અને અન્ય સંસ્થાઓ સાથેના એમના સંબંધોમાં ક્યારેક કચવાટ અને અસંતોષ પણ એમણે અનુભવેલાં. એણે એમનામાં કડવાશ અને હતાશ પણ જન્માવેલાં. એક પત્રમાં એ લખે છે, ‘મદ્રાસથી અહીં ગુજરાતમાં આવીને હું તો તદ્દન સ્વપ્નભંગ થયો છું... હું તો દૂર હતો એ જ ઠીક હતું’.૪ આ જાહેર સંસ્થાઓ સાથેના સંઘર્ષોમાં એમના કેટલાક આગ્રહો ઘણી નિર્ભીકતાથી, ક્યારેક આત્યંતિક તીવ્રતાથી પણ, વ્યક્ત થયા છે એ નોંધવું જોઈએ. મુંબઈનિવાસ દરમ્યાન પણ એમનું સર્જનકાર્ય તો ઉત્સાહપૂર્વક ચાલે છે – દસેક કાવ્યસંગ્રહો આ બાર વર્ષ દરમ્યાન એમની પાસેથી મળે છે. પણ એમાં એકંદરે તો એમની ઓસરતી પ્રતિભા જ દેખાય છે. આ વર્ષો દરમ્યાન એમણે સૌથી વધુ પરિશ્રમ અષો જરથુસ્ટ્રની ગાથાઓના સંશોધન અનુવાદકાર્ય માટે કર્યો. ખબરદારના જીવનનાં કેટલાંક વર્ષો ખૂબ કરુણ પરિસ્થિતિમાં ગુજરેલાં. બિમારી વધતી ગયેલી – અસહ્ય બનતી ગયેલી. આર્થિક સ્થિતિ પણ વણસતી જતી હતી. સાહિત્ય પ્રત્યેની સાચી લગને એમને ટકાવી રાખ્યા હતા. પરંતુ છેલ્લાં એક-બે વર્ષોમાં તો તે મનથી પણ લગભગ ભાંગી પડેલા. એમની પૂરતી કદર ન થયાનો, મિત્રોની પણ હૂંફ ન મળ્યાનો એક અસંતોષ જાગેલો. એકલા પડી ગયાની હતાશાએ ક્યારેક કડવાશ પણ જન્માવેલી – એ લગભગ સિનિક જેવા બની ગયેલા. આવી પરિસ્થિતિમાં આમ થવું કંઈક અંશે સ્વાભાવિક પણ હતું. ૧૯૫૧ને અંતે મુંબઈ છોડીને ફરીથી તે મદ્રાસ ગયા. નિરાશા તથા ક્યારેક પ્રગટતાં ઉત્સાહ અને આત્મવિશ્વાસની વચ્ચે એમણે ઠીક ઠીક ઝોલાં ખાધેલાં. આ વર્ષોમાં પત્ની પીરોજાબાઈ પણ બિમારીમાં પટકાય છે. ૧૯૫૨ના ઉત્તરાર્ધમાં એમનું અવસાન થતાં ખબરદાર વધુ ભાંગી પડે છે. પોતાની મનોવેદનાને અને બિમારીને ભૂલીને, શૂન્યમનસ્ક બનેલી પુત્રીઓને સંભાળવી પડે છે. વૃદ્ધાવસ્થામાં આવી એકલતા ને મુશ્કેલીઓએ એમના જીવનને ઘણું વેદનામય કરી મૂકેલું. ફરીથી મુંબઈ જવાનું તે નક્કી કરે છે – ત્યાં ઘરની વ્યવસ્થા પણ કરી રાખેલી. પણ નીકળવાનું વિચારેલું દિવસે, ૩૦ જુલાઈ ૧૯૫૩ને ગુરુવારે, ૭૨ વર્ષની વયે મદ્રાસમાં જ એમનું અવસાન થાય છે.
સાહિત્ય ઉપરાંત પણ બીજા ઘણા વિષયોમાં એમને રસ હતો. ફિલસૂફી, ધર્મશાસ્ર, માનવવંશશાસ્ર, વૈદક અને વિજ્ઞાન તથા જ્યોતીષનો અભ્યાસ કર્યાનું એમણે એક પ્રશ્નોત્તરીમાં નોંધ્યું છે. જ્યોતીષની જાણકારીને તો એમણે નિર્વાહસાધન તરીકે પણ ઉપયોગમાં લીધેલી. ખબરદાર ખૂબ વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા હતા. એમના સમયમાં એક ગુજરાતભક્ત કવિ તરીકે વ્યાપક લોકચાહના તે પામ્યા હતા તો સાહિત્યવર્તુળોમાં, એક સર્જક તરીકે, વિવાદાસ્પદ પણ રહેલા. અલબત, વ્યક્તિ તરીકે તો તે સૌનો સમાદર પામેલા. વ્યક્તિ તરીકેની ઉત્તમતા ને સુજનતામાં એમનો વિશ્વાસ વધુ હતો. બળવંતરાયને એક પત્રમાં એમણે લખેલું, ‘ભલે હું minor poet રહું તેમાં કાંઈ વાંધો નથી, અને poet પણ નહીં હોઉં તો પણ શું ગયું? સજ્જન અને પ્રભુજન રહું તેટલું જઘણું છે.’૫ બાળપણથી જ રામાયણ-મહાભારતનો વ્યાસંગ રહેલો એથી એમના જીવન પર બહુધા હિંદુ સંસ્કારોજ પ્રભાવક બનેલા. એ રીતે પણ એ પૂરા ગુજરાતી હતા. ગુજરાતભક્તિ એમનામાં આદર્શપ્રેરિત એટલી જ લાગણીજન્ય પણ હતી. એની સચ્ચાઈએ ગાંધીજીને પણ આકર્ષેલા. રાષ્ટ્રભક્તિની સરળ, પ્રાસાદિક, લોકપ્રિય કવિતાના સર્જક એટલે ગાંધીજી માટે તો પોતાના ખ્યાલો મુજબના આદર્શ કવિ. એ રીતે પણ એ ગાંધીજીની ચાહના પામેલા. ઊંચો, કદાવર, પ્રભાવશાળી દેહ. બિમારી તો, મુંબઈના અભ્યાસકાળના દિવસોમાં કોઈ ઝેરી ઉંદર કરડવાના અકસ્માતનું પરિણામ હતી. બાકી શરીરની પણ એમણે પૂરી કાળજી રાખેલી. લખે છે : ‘નિયમિત ભોજન – સ્વચ્છ ને સાદું – સિવાય વચમાં હું કશું ખાતો નથી. પચાસ વર્ષની ઉંમર સુધી હું રોજ કસરતકરતો અને સાધારણ માણસ કરતાં મારા અંગમાં કુદરતી બળ વધારે રહેતું.’૬ ચિત્રકળા ને સંગીત ઉપરાંત ક્રિકેટમાં પણ રસ. એમનો મધુર કંઠ અને કુશળ વક્તૃત્વશક્તિ પણ પ્રશંસા અને બહોળો લોકાદર પામેલાં. આમ, પૂરું ચેતનવંત જીવન તે જીવેલા. સાહિત્યના અનેક વિવાદોમાંથી ખબરદાર પસાર થયેલા, ખરડાયેલા પણ. ક્યારેક પક્ષિલ અને કટુ પણ બનેલા. પરંતુ એમનો આતિથ્યભાવ ખૂબ પ્રશંસા પામ્યો છે. એ વખતે મદ્રાસ ગયેલા ઘણા સાહિત્યકારોએ એમનું પ્રેમપૂર્ણ આતિથ્ય માણેલું. માણસભૂખ્યા પણ ખરા. ખાસ આગ્રહ કરીને મિત્રોને, સાહિત્યકારોને મદ્રાસ તેડે. ગુજરાત સાથે તંતુ જોડેલો રાખવાની એમની પ્રબળ ઇચ્છા બલકે અભીપ્સા. કવિ તરીકે જ નહીં, વ્યક્તિ તરીકે પણ એ સાચા ગુજરાતભક્ત હતા – ખબરદારના વ્યક્તિત્વની સૌથી ઉત્તમ અને સ્પૃહણીય ઓળખ પણ એ જ રહેશે.
</poem>