ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ભક્તિની કવિતા અને ‘ધ્વનિત’ના પ્રયોગ

From Ekatra Wiki
Revision as of 09:18, 15 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ભક્તિની કવિતા અને ‘ધ્વનિત’ના પ્રયોગ

‘કલ્યાણિકા’ની પ્રસ્તાવનામાં ખબરદારે પોતાની ભક્તિકવિતા વિષે લખ્યું છેઃ ‘એ માત્ર કલ્પનાનું પરિણામ નથી, પણ મારા આધ્યાત્મિક અનુભવોનો સાચો નીચોડ છે.’ આ કેફિયતમાં એમને થયેલી પ્રભુદર્શનની ઝાંખીનો પણ એમણે સંકેત કર્યો છે. જીવનમાં માંદગી આદિની કપરી વેદનાની સ્થિતિમાં એમણે જે કવિતા લખીને સમાધાન અને રાહત મેળવેલાં છે એમાં ભક્તિની કવિતાનું પ્રમાણ વધારે છે. ભક્તિનું સંવેદન આમ એમના હૃદયનું સ્થાયી સંવેદન છેને એ ઉત્તરોત્તર વધુ તીવ્ર બનતું રહ્યું છે. જીવનના અંત સુધી એમનું ચિત્ત ભક્તિમય રહેલું એનો સંકેત એમનાં કાવ્યો ઉપરાંત કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓ અને એમના પત્રો પરથી પણ સતત મળતો રહ્યો છે. ખબરદારની ભક્તિકવિતા ઊર્મિસ્તરે તેમજ વિચારચિંતનને સ્તરે પણ પ્રવર્તતી રહી છે. ઉપરાંત, એમણે સ્વીકારેલા વિષયો, અપનાવેલા રાગ-ઢાળો અને એમની કાવ્યબાની પરથી એ પણ પ્રતીત થાય છે કે એમણે આપણી ભક્તિકવિતાની આખી પરંપરાને, એ સર્વ સંદર્ભે, બરાબર આત્મસાત્‌ કરી છે. સંવેદન અને નિરૂપણગત મૌલિક ઉન્મેષો પણ એમાં પ્રગટ્યા છે. ‘ભજનિકા’(૧૯૨૮), ‘કલ્યાણિકા’(૧૯૪૦), ‘નંદનિકા’(૧૯૪૪) અને એમનો છેલ્લો કાવ્યસંગ્રહ ‘કીર્તનિકા’(૧૯૫૩) – એ ચાર સંગ્રહોમાં એમનાં આ વિષયનાં ચારસો ઉપરાંત કાવ્યો ગ્રંથસ્થ થયાં છે, એટલે કે એમણે સૌથી વધુ સંખ્યામાં લખેલી કવિતા ભક્તિ વિષયની છે. આટલી વિપુલતાથી થયેલા ભક્તિ-ઉદ્‌ગારોમાંથી કાવ્યરૂપ પામેલાની સંખ્યા અલબત્ત ઓછી છે. મોટાભાગની રચનાઓમાં તો ભક્તિની લાગણી કે ચિંતન એ જ કક્ષાએ અટકી રહ્યાં છે ને કાવ્યના વણાટમાં પ્રચલિત લય-ઢાળો ને ભાવ-ભાષા ઉપર ઊપસતાં રહ્યાં છે. ભક્તિનું સંવેદન બહુધા આવા રૂઢ માર્ગે વહેતુ રહ્યું છે. એ રૂઢતાને તોડીને, કવિના હૃદયમાં વહેતો ભક્તિસ્રોત ઊછળીને ભાવકને ભીંજવી જતો હોય ને પોતાની મુદ્રા આંકી જતો હોય એવું ઓછાં કાવ્યોમાં બન્યું છે. અલબત્ત, આવી ગણીગાંઠી રચનાઓ પણ ભક્તિ કવિતાના અર્વાચીન સર્જકોમાં ખબરદારનું સ્થાન અને એમનો વિશેષ અવશ્ય અંકિત કરી આપે છે. ઈશ્વરની ઝંખના ને એની આરત ભક્તહૃદયનું કેન્દ્રીય સંવેદન હોય છે. ઈશ્વરના રૂપ-મહિમાનું, એની લીલાનું પ્રસન્ન ગાન, એની સાથેના પ્રેમાલાપોના – વિયોગવેદનાના અને મિલનાનંદના – ઉદ્‌ગારો, સૃષ્ટિ અને નિયંતા, જીવ અને પરમાત્માના આંતર-સંબંધોનું ને ઈશ્વરના રહસ્યનું ચિંતન – એ બધું પેલા મૂળ સંવેદનમાંથી, પ્રભુપ્રાપ્તિની આકાંક્ષામાંથી વિસ્તરતું હોય છે. ભક્તિની કવિતા આમ ઊર્મિ, વિચાર અને તત્ત્વચિંતનનાં બિંદુઓ પર પ્રસરતી જતી હોય છે. ખબરદારની કવિતા આ બધા પ્રદેશોમાં ઘૂમી વળે છે પણ એમની ઉત્તમ કવિતામાં રહેલો કેન્દ્રસ્થ ભાવ સૃષ્ટિનાં અનેક મૂર્ત રૂપોની પાછળ છુપાયેલા રહેતા ઈશ્વર પ્રત્યેની ફરિયાદોનો ને ઉપાલંભોનો છે. આ વિરાટ-સુંદર સૃષ્ટિ ઈશ્વરદર્શનની વચ્ચે એક મોટા અવરોધરૂપ બની જાય છેને ઈશ્વરની ઝાંખી કરવાની કવિની પ્રબળ ઈચ્છા ફળતી નથી એનાં મૂઝવણ અને વ્યથા ‘દિલની વાતો’ (ભજનિકા); ‘પ્રભુની સ્નેહઠગાઈ,’ ‘અશ્રુવિજ્ય,’(ભજનિકા); ‘અવિરત શોધ, ‘ઝબૂકા’,(નંદનિકા) – જેવાં કાવ્યોમાં વિવિધ રૂપે વ્યક્ત થઈ છે. સત્યને ઢોંકતા હિરણ્યમય પાત્રની જેમ સૃષ્ટિનાં રૂપો ઉપર ઊપસી રહે છે ને ભક્તની પ્રતીક્ષા લંબાતી જાય છે. ‘દિલની વાતો’માં આ ભાવ બહુ લાક્ષણિક અભિવ્યક્ત પામ્યો છેઃ

દિવસે તેજપટે બંધાતું મૂખ આકાશનું,
જાણે ઊઘડશે રાતે એના ઉરલેખ;
રજનીમાં ધૂંધવાઈ રહે ઊંડા અંધાર ત્યાં,
વિધિ તો ત્યાં પણ મારે લાખો રૂપામેખ.

‘પ્રભુની સ્નેહઠગાઈ’ આ સંવેદનને વધુ ઉત્કટતાથી ને સૂક્ષ્મતાથી નિરૂપે છે. રાત્રિ-દિવસની સૃષ્ટિલીલામાંથી ઈશ્વરને ગ્રહવા જ ભક્ત તો નજર ઠેરવે છેઃ ‘હું તો તેજ–તિમિર વચ્ચે મુજ આંખો ઠેરવું, તારી છાય જરા પકડું તું લોપાય’. પણ આ સ્થિતિ તો એને ઉદ્વિગ્ન બનાવે છે. કહે છે, આ બધાં વિરાટ-સુંદર રૂપો તો તારી પ્રતિમૂર્તિઓ જેવાં છે – રમકડાં જેવાં છે. એને જોઈને જ જીવનભર રાચવું? વિહ્‌વલતાની ઊર્મિ, એક સાદી લાગતી પંક્તિમાં, આખા કાવ્યસંદર્ભે જોતાં, ખૂબ અસરકારક અભિવ્યક્તિ પામી છેઃ ‘અમારે રોવુંને તારે જોવું સંતાઈ?’ આ પ્રતીક્ષાને બૃહદ ફલક પર આલેખતી એક રચના છે – ‘અવિરત શોધ.’ છેક આદિમ કાળથી – વૃક્ષાદિ રૂપે સૃષ્ટિમાં જીવસંચાર થયો ત્યારથી–ભક્તહૃદય ઈશ્વરને ખોળતું રહ્યું છે. વૃક્ષ, પશુ-પક્ષી, માનવ – એવી ઉત્ક્રાંતિઓમાંથી પસાર થતાં અવિરતપણે ચાલી રહેલી, છુપાયેલા ઈશ્વરની શોધ પેલા વિયોગઅગ્નિને પ્રબલતર બનાવતી રહી છે. છેવટે પ્રેમને માર્ગે જ એનો ઉકેલ કવિએ શોધ્યો છેઃ ‘મારાં ગીતની ગાંઠ આ જાય બંધાતી ક્રમે,’ / મારા નાથ! હવે સરવું નથી સ્હેલું તને!’ ‘પ્રેમના તંતમાં સંત ઝાલે’ એ નરસિંહવાણીની નિકટ સરતું આ અર્વાચીન સંવેદનરૂપ પણ આસ્વાદ્ય છે. પ્રેમની આર્દ્રતાથી ઈશ્વરના શુદ્ધ, નિરાવૃત્ત રૂપને પામવાની ઝંખનાનું આ સંવેદન સૌથી વધુ કલાત્મક રૂપે ‘અશ્રુવિજય’ કાવ્યમાં ઊઘડ્યું છે. કવિની આ પ્રકારની રચનાઓમાં આ કૃતિ સર્વોત્કૃષ્ટ છે. ‘રે પ્રભુ, ક્યાં લગ એમ છુપાશો?’ એ ધ્રુવપંક્તિ કાવ્યતાં આરંભે પ્રતીક્ષાવેદનાજન્ય મૂંઝવણને વ્યક્ત કરે છે ને અંતે જતાં તો એ જ શબ્દો એક શ્રદ્ધાન્વિત પડકાર બની જાય છે. પોતે જ રચેલી સૃષ્ટિનાં પ્ડોની પાછળ ઈશ્વર આવૃત્ત રહ્યો છે એથી સૃષ્ટિરૂપોની એ ભવ્ય સુંદરતા પણ ભક્તને માટે આ ક્ષણે તો અપ્રસ્તુત બની રહે છે :

જ્યાં જોઉં ત્યાં તમ અદ્‌ભુત કૃતિના
ઢગલામાં ઢંકાશો;
એક દિંગત સદા રહે સામેઃ
નહીં મુજ આંખ સમાશો?

આ તીવ્રતમ આરતમાં, ઝંખનામાં ભક્તનાં આંસુ ઊભરશે એ જ પેલાં પડને ઓગાળીને ઈશ્વરને સાક્ષાત્‌ કરાવશે એવું, કાવ્યાન્તે થતું ચમત્કૃતિપૂર્ણ નિરૂપણ ભાવાલેખનની દૃષ્ટિએ કાવ્યને ઉત્તમ ઠેરવે છેઃ

આંસુ ઊભરશે, સૃષ્ટિ સરકશે,
પછી ક્યાં નાથ! ભરાશો?
એક સુભગ પળ અદલ અકળ બળ
સ્નેહકરે સપડાશો!

આ બધાં કાવ્યો જોતાં એક લાક્ષણિક બાબત એ સ્પષ્ટ થાય છે કે ખબરદારની ભક્તિસંવેદનામાં પ્રેમલક્ષણાના ભાવજગતનું ને અદ્વૈત વિચારધારાનું એક મિશ્ર રૂપ ઊપસે છે. પામવો છે. વિવિધ રૂપો ધારતાં આ વિરાટ સૃષ્ટિતત્ત્વોના સંધિક્ષણે તો ક્યારેક ઈશ્વરનો હાથ ભક્તની નજરે પડે છે પણ તેને ઝાલવા જતાં જ તે અદૃશ્ય થાય છે. આવા આકૃત–નિરાકૃત ઈશ્વરરૂપની વચ્ચે ઝોલાં ખાતા ભક્તનું આલેખન ખૂબ અસ્વાદ્ય બન્યું છે. વળી ક્યારેક, આ સૃષ્ટિરૂપોમાં જ ઈશ્વરની ભવ્યસુંદર આકૃતિની કેટલીક રેખાઓ ઊપસે છે. ‘તારી કેડી’ (નંદનિકા) નામના કાવ્યમાં. ઊષામાં ઈશ્વરના મુખની લાલી, સંધ્યામાં એના પાદપદ્મ, તારકમાં એનાં લોચનની જ્યોતિ ને ચંદ્રની શુભ્રતામાં એનાં શણગાર કવિ નિહાળે છે. પણ આખરે તો અંધકારમાં પ્રગટી આવતા કોઈક કિરણની કેડીએ એક રહસ્યમય ઊંડાણમાં ઊતરી ઈશ્વરની સમુખ થવાનો ઉપક્રમ જ એમને ઈષ્ટ લાગે છે. નિરાકરનું પણ એક મધુર અને સંવેદ્ય રૂપ અહીં ઊપસે છે. વિશ્વચૈતન્યના મૂળ શાશ્વત તત્ત્વને અવગત કરવાને બદલે મોહક અને માયાભરપૂર સાંસારિકતાના આકર્ષણથી ક્ષુદ્રતામાં સરતા આત્માનું આલેખન કરતી ને એ દિશામાંથી એને પાછો વળવાનો ઉપદેશ પ્રબોધતી રૂપકાત્મક કવિતા પણ ખબરદારમાં છે. આવાં કાવ્યોમાં ‘કલ્યાણિકા’માંનાં ‘તલાવડી દૂધે ભરી’ તથા ‘કમળ તલાવડીનો હંસલો’ નોંધપાત્ર છે. (આ કાવ્યોની વાત રાસકવિતાની ચર્ચામાં કરેલી છે.) આ સિવાયની, આ પ્રકારની કવિતામાં બોધકતા આગળ તરી આવે છે ને એવી રૂઢ ભક્તિરચનાઓ કાવ્યરૂપ પામતી નથી. આખી રચનાસંતર્પક ન હોય પણ આરંભની કેટલીક પ્રેરણાદત્ત પંક્તિઓમાં ચમક અને તાજગી હોય, ક્યાંક કોઈ કલ્પન પ્રભાવકારી બની રહેતું હોય કે કેટલીક પંક્તિઓ અભિવ્યક્તિની રમણીયતા પ્રગટાવતી હોય ને એથી આખું કાવ્ય સાવ રૂઢતા કે સામાન્યતામાં સરી પડતું ન હોય એવી થોડીક કૃતિઓ પણ તારવી શકાય : ‘સંતાકૂકડી,’ ‘સૂરસંદેશ’ અને ‘સાહેબાની નાવડી’ (ભજનિકા); ‘અમૃતતૃષા’ અને ‘જીવનઘટના ઘા’ (કલ્યાણિકા); ‘છેલ્લું જ ગીત, ‘વાંસળી,’ ‘સર્જન’ અને શ્રદ્ધા‘ (નંદનિકા) તથા ‘આંસુની માળા,’ ‘તૂટેલાં ઝાંઝરિયાં’ અને ‘સાહેબો કે દાસ?’ (કીર્તનિકા). ભક્તિકવિતાના સર્જક તરીકે પણ ખબરદાર લોકપ્રિય રહ્યા છે. આનું એક મહત્ત્વનું કારણ તો, એમણે ભક્તિ વિષયની પ્રાચીન-અર્વાચીન પ્રસિદ્ધ કાવ્યકૃતિઓની વિશેષતાઓ ગ્રહીને – પરિચિત વર્તુળમાં જ રહીને - પોતાની રચનાઓને સરળ ને મધુર બનાવવાનો એક ખંતભર્યો પ્રયાસ છે, એ લાગે છે. નવી દિશાનું સાહસ તાકવાને બદલે પરિચિતને જ સિદ્ધ કરવાનું વલણ, તત્કાલીન પરંપરાએ બાંધેલી આબોહવામાં રહીને એ પરંપરાની લાક્ષણિકતાઓને પ્રગટાવવાને લીધે, કવિને લોકપ્રિય બનાવતું હોય છે. ખબરદારનાં ભક્તિગીતો (તે પોતે જ લખે છે એમ) એ સમયે ગવાતાં રહ્યાં હોય કે ભજનસંચયોમાં પસંદગી પામ્યાં હોય એમાં પેલી સર્વસાધારણતાનો હિસ્સો ઘણો મોટો હોવો જોઈએ. બાકી, સમયને અંતરેથી જોતાં – અને શુદ્ધ રસકીય દૃષ્ટિએ તપાસતાં –શરૂઆતમાં દર્શાવ્યાં એ સિવાયનાં કાવ્યોમાં ઝાઝું કાવ્યત્વ જડતું નથી. કવિ વારંવાર અનુકરણોમાં અટવાતા રહ્યાં છે. પ્રખ્યાત ગીતો-ભજનોના રાગ-ઢાળમાં, તથા ઈશ્વરની ઝંખના, એની લીલા, ઈશ્વરનો સંદેશો અને સંતની પ્રબોધક વાણી – ઈત્યાદિમાં, એમણે એમના સમય સુધીની ભક્તિકવિતામાં જે કહેવાઈ ગયું છે એનું રટણ કર્યું છે. એમની જે કેટલીક નવીન કલ્પનાઓ, વિશિષ્ટ ભાવોદ્‌ગારો, ઉપમારૂપકાદિ અલંકારો પણ અતિ ઉપયોગથી અસર વિનાનાં બની ગયાં છે. ‘પ્રભુપ્રેમમાં પાગલ’ (કલ્યાણિકા) નામના એક કાવ્યમાં ‘જનની જીવો રે ગોપીચંદની’ એ ઢાળ સ્વીકાર્યો છે. એ લયમાં વહેતા મૂળ કાવ્યની ‘ફાટી તૂટી કંથાગોદડી’ જેવા પંક્તિખંડો પણ એમાં પ્રવેશી ગયા છે! મીરાંના જાણીતા પદના ઢાળમાં લખાતું એક ભજન ‘છૂટી રે ગયા હો દેવ છૂટી રે ગયા / મારું મંદિર તૂટ્યું ને દેવ છૂટી રે ગયા’ જેવી પંક્તિઓથી એનું નિકૃષ્ટ અનુકરણ પ્રગટાવે છે. સંખ્યાબંધ કાવ્યોમાં આવી પરોપજીવિતાનું રૂપ જોવા મળે છે. આ ઉપરાંત, ક્યારેક આંતરિક સંવેદનના ધક્કા વિના કેવળ ટેવવશ રચાઈ–ચીતરાઈ ગયેલાં કેટલાંક કાવ્યો, વિજયરાય વૈદ્ય કહે છે એમ, ‘કાવ્યરચાવનારી મનોદશા પૂરતા પ્રમાણમાં વણજામી રહેવાથી’૧૬ પણ આખી ભક્તિ પરંપરાનાં કેટલાંક વ્યાપક લક્ષણોના શુકપાઠ જેવી લાગે છે. સ્વાનુભના ઉદ્રેક વિનાની આવી કવિતામાં પ્રાસાદિકતાનું પણ કોઈ મૂલ્ય રહેતું નથી – એ સાવ ફિસ્સી અને પરિણામ વિનાની, તકલાદી લાગે છે. ખબરદાર ભાવાર્દ્ર હૃદયની ભક્તિપરાયણ વ્યક્તિ હતા. ‘કીર્તનિકા’ની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છેઃ ‘જીવનને ગમે તે રસમાં બહેલાવો, પણ પ્રભુરસની વાત કાંઈ ઑર છે.’ પરંતુ કાવ્યમાં તો એ વ્યક્તિકેન્દ્રી રસ ભાવકમાં રસકીય બોધ ન જન્માવે તો એ ‘ઑર રસ’ની અન્ય કોઈ પ્રતીતિ નથી. એવી પ્રતીતિ ખબરદારની કવિતામાં થોડાંક સ્થાનોમાં જ થાય છે એમ કહેવું જોઈએ.

*

‘નંદનિકા’ની સર્વ ભક્તિરચનાઓ સ્વરૂપ દૃષ્ટિએ સૉનેટ પ્રકારની છે. સૉનેટના મૂળ યુરોપીય પ્રકારને ગુજરાતીમાં યથાતથ ઉતારવાનો પ્રયાસ તો કેવળ એમણે જ કર્યો છે એવો દાવો એમણે પ્રસ્તાવનામાં વ્યક્ત કર્યો છે ને સૉનેટના રચનાવિધાન અંગેની એમની વિચારણા રજૂ કરી છે. આ વિચારણા ખૂબ વિગતે એમણે, ૧૯૩૯માં અપેલાં ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ નાં વ્યાખ્યાનોમાં કરેલી. એમાં એમનાં મુખ્ય પ્રતિપાદન આ રહેલાંઃ (૧) ગુજરાતીમાં ઠાકોર આદિએ કરેલા સૉનેટ-પ્રયોગો, એના મૂળ સ્વરૂપવિભાવથી દૂર રહી કેવળ મનસ્વી રીતે કરેલા નિષ્ફળ પ્રયોગો હતા. (૨) બ્લેન્કવર્સને પ્રતિકૂળ પૃથ્વી જેવા ગણમેળ વૃત્તોનો ઉપયોગ, પ્રાસરચનાની ઉપેક્ષા, ‘સંસ્કૃત શબ્દોના ભરણા’થી આવતું કૃતક અર્થઘનત્વ અને એ જ કારણે ગુજરાતીના સ્વાભાવિક ઉચ્ચારની થતી વિકૃતિ –એવાં લક્ષણોથી એ રચનાઓ સૉનેટ નામને પાત્ર રહેતી નથી. (૩) આ કારણે, પચાસ-પચાસ વર્ષ સુધી આવી અનેક રચનાઓ કરી હોવા છતાં સાચું સૉનેટ ગુજરાતીમાં આવ્યું કે વિકસ્યું નથી. અંગ્રેજી સાહિત્યનો બહોળો પરિચય હોવાને કારણે આવી અરાજકતા પર સૌ પ્રથમ પોતાનું ધ્યાન ગયું હોવાનો ને એ મુજબ સાચી સૉનેટરચના માટે પોતે મથામણ કરી હોવાનો તેમ જ પ્રયોગોને અંતે શુદ્ધ સૉનેટ કૃતિઓ ગુજરાતીમાં પહેલવહેલી પોતે જ અવતારી હોવાનો દાવો પણ એમણે કર્યો છે. એમના સૉનેટપ્રયોગોમાં બે બાબતોેને એમણે મહત્ત્વની દર્શાવી છેઃ એક તો છંદ. પૃથ્વી આદિ અનાવૃત્તિસંધિ છંદો સૉનેટ જેવી પ્રવાહી રચના માટે ચાલી શકે નહીં એમ બતાવી, યુરોપીય સૉનેટમાં વપરાતા પાંચ સંધિવાળા આયંબિક પેન્ટામિટર જેવા છંદ માટે ગુજરાતીમાં એમણે ‘લલગા’ બીજના ત્રિવર્ણી સંધિનાં પાંચ આવર્તનોવાળા ભ્રમરાવળી પર પસંદગી ઉતારી. આ છંદને, એની લગાત્મક ચુસ્તીને દૂર કરી, એમણે લયમેળ બનાવ્યો જેથી આવૃત્તસંધિ છંદ હોવાને લીધે એ પ્રવાહી રહે અને એ ઉપરાંત, લયમેળ હોવાથી ગુજરાતી ભાષાના કોઈપણ શબ્દને, એના ઉચ્ચારની સ્વાભાવિકતા જાળવીને, એમાં આમેજ કરવાની કવિને ‘અમીરી છૂટ’ મળે. ‘મહાછંદ’ નામે ઓળખાવેલા આ છંદને એમણે ‘નંદનિકા’નાં સૉનેટ પૂર્વ અખંડ પદ્યમાં લખાયેલા એમના ‘મનુરાજ’ નાટકમાં પણ પ્રયોજ્યો છે. સૉનેટરચનાની પૂર્ણતા માટે એમણે બીજો આગ્રહ પ્રાસયોજનાનો રાખ્યો છે. ઉપર્યુક્ત વ્યાખ્યાનોમાં એમણે લખ્યું છે કે, ‘અંગ્રેજીમાં સૉનેટ જાતે લિરિક હોઈ ગયે છે, તેને પ્રાસહીન રાખ્યાથી કે પ્રાસભાસ વાળી રચના કર્યાથી,... તે લિરિક તરીકેનું બધું સૌંદર્ય ને માધુર્ય ખોઈ દે છે.’૧૭ આ મુજબ એમણે પેટ્રાર્કન પ્રકારની પ્રાસયોજના બહુ ચુસ્તપણે અપનાવી. (નંદનિકા’નાં લગભગ તમામ સૉનેટમાં abba abba, cde cde પ્રકારની પ્રાસરચના છે. પેટ્રાર્કનને જ અનુસરી એમણે કેટલાંકમાં ષટ્રકની પ્રાસયોજનાને કંઈક વૈવિધ્યવાળી પણ રાખી છે.) આ મુજબ એમણે ઈ. ૧૯૦૩માં રચેલી ‘નર્મદનું મંદિર’(વિલાસિકા) નામની કૃતિને ગુજરાતીની પ્રથમ સાચી સૉનેટ રચના લેખી છે. અને ‘નંદનિકાનાં કાવ્યોને, ‘ગુજરાતી સૉનેટને દુનિયાની કવિતામાંનાં સૉનેટોની હરોલમાં તેની સાંગોપાંગ પ્રતિભામાં અને રચનાકળામાં ઊભાં રાખી શકે’ તેવાં ગણાવ્યાં છે! પરંતુ ખબરદારની આવી મહત્ત્વાકાંક્ષા એક મુગ્ધ અભિનિવેશથી ઝાઝી મહત્ત્વની નથી. પહેલું તો, અખંડ પદ્ય માટેના છંદ વિશેનો એમનો ખ્યાલ બહુ ભ્રામક છે. એમના આવૃત સંધિ ‘મહાછંદ’ની, દૃઢ રહેતી (ને પ્રયત્નતત્ત્વના એમના પ્રયોગથી દૃઢતર બનતી), તાલયોજના પ્રવાહિતાને અવરોધક બને છે ને ગણમેળ છંદને લયમેળ કરવાથી આવતી ગેયતા છંદની ધનતાને તોડી એને શિથિલ કરે છે. આવી લચકાતી-લહેરાતી ગેય દેશી જેવી રચના સૉનેટના દૃઢબંધ ગંભીર સ્વરૂપને પ્રતિકૂળ નીવડી છે. એમણે જેની બહુ લાંબી જિકર કરી છે તે પ્રાસયોજના સૉનેટનો અપરિહાર્ય ઘટક તો ન હોઈ શકે. પ્રાસયોજનાના આગ્રહમાં, સૉનેટના ‘લિરિક સ્વરૂપ માટે આવશ્યક લાગેલી ગેયતા એમને ઉદ્દીષ્ટ છે. પરંતુ આધુનિક યુરોપીય સૉનેટ પણ એની પ્રાથમિક અવસ્થાની ગેયતાને નહીં પણ પાઠ્યતાને જ સ્વીકારતું સ્વરૂપ છે. ખબરદારની આ પ્રાસયોજના અને દેશી ઢાળો જેવો ગેય બનાવેલો છંદ એમની રચનાને ગીતસદશ બનાવે છે. આથી ભક્તિની આર્દ્રતાના સંવેદનને વ્યક્ત કરવા માટે એ યોગ્ય માધ્યમ બને છે – ‘નંદનિકા’ની કેટલીક રચનાઓ આથી માધુર્યપૂર્ણ પદોની કક્ષાની બની છે – પણ સૉનેટ–સ્વરૂપની દૃષ્ટિએ તો એ શિથિલ જ લાગે છે. અષ્ટક પછી ભાવનો નોંધપાત્ર વળાંક લેતો ને અંતે જતાં એક અસરકારક ચોટ નિપજાવતો, સંવેદનનો સ્નાયુબદ્ધ દૃઢ આકાર સૉનેટમાં ઊપસી રહેવો જોઈએ એ ખબરદારની રચનાઓમાં જોવા મળતું નથી. એટલે ગુજરાતીની અન્ય તમામ સૉનેટ રચનાઓને શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિએ રદ કરતો ને દુનિયાની ઉત્તમ સૉનેટ રચનાઓમાં એક પોતાની જ રચનાઓને ખડી કરતો એમનો દાવો કેવળ અભિનિવેશથી વિશેષ નથિ. ખરેખર તો, રમણલાલ જોશીએ કહ્યું છે એમ, ખબરદારનાં સૉનેટો, ‘વિશ્વસાહિત્યની વાત તો ઘેર ગઈ પણ, આપણા સાહિત્યમાં પણ ઉત્તમ સૉનેટોની હરોળમાં બેસી શકે કે કેમ એ પ્રશ્ન છે.’૧૮ ગુજરાતીમાં રૂઢ થઈ શક્યો હોત તો, ખબરદારે સૉનેટ માટે યોજેલો ‘ધ્વનિત’ પર્યાય ઘણો યોગ્ય હતો અને પોતાના કેટલાક વિલક્ષણ ખ્યાલો છોડી શકાયા હોત તો આવૃત્તસંધિ છંદની સૉનેટ માટેની કોઈ ઉપકરાકતા પણ તપાસી શકાઈ હોત – કદાચ એક નવી દિશા પણ આ માટે ઊઘડી હોત. ખબરદારનું એટલું ઐતિહાસિક પ્રદાન પણ આમ સંભાવનાસંદિગ્ધ રહે છે. પછી તો, એક ઊહાપોહ લેખે એનું મૂલ્ય, ગણીએ તો, રહી જાય છે.