ગુજરાતી અંગત નિબંધો/ટાઢ
ટાઢ -- દિગીશ મહેતા
પેલા મહાન વિચારકો જ્યારે એમ વિધાનો કરે છે કે વર્તમાન યુગમાં માનવ કુદરતથી વિખૂટો પડી ગયો છે, તે એકલતા અનુભવે છે; કેટલાક અગ્રિમ કવિઓ તો વળી માનવે તેની એકલતાનાં પોલાણો કેવી રીતે ભરવાં, એવી વાતો કરે છે ત્યારે એ લોકો શું કહેવા માગે છે, એ સમજાતું નથી. કેમકે ઓછામાં ઓછું આપણા દેશમાં માનવ કુદરતી તત્ત્વોથી વિખૂટો પડવાને બદલે કેટલો બધો ઘેરાયેલો છે. ટાઢ, તડકો, શિયાળો, ઉનાળો એ એને કેટલાં બધાં અડે છે. તે સાથે તેજ અને અંધાર, તેથીય આગળ ચાલીને સમયનું ચક્ર. આ બધાંથી આપણે વ્યાપ્ત છીએ. પશ્ચિમના માનવની વાત જુદી હશે. ત્યાં ઠંડી-ગરમી કે રાત્રિ-દિવસ પર નિયંત્રણ લાવી શકાય છે. ઠંડીને ગરમી કે રાત્રિને દિવસમાં ફેરવી નાખી શકાય છે. અહીં તો ઠંડી એટલે ઠંડી, ટાઢ એટલે ટાઢ. કુદરત સાથે અંતર અહીં નથી. આમાં પણ વસંત કે શરદ જેવી સંધિકાળની ઋતુઓ વિશે તો માણસ અનિશ્ચિત હોઈ શકે. ઘણા એવા માણસો હોય છે જેને ઋતુઓની આવનજાવનની ખબર ન પડે. તેમને માટે ઋતુઓ કે કુદરત પોતે એક અકસ્માત છે જે વિશે તે વચમાંવચમાં જરા જાગૃત થાય છે, કોઈ વાર આ બધું શું છે : વરસાદ પડે છે, તડકો પડે છે, ટાઢ પડે છે – એમ ઘણુંબધું પડતું આવે છે, તેને વિશે તે જાણે ઊંઘમાંથી જાગી, આજુબાજુ થોડું જોઈ લઈને ફરીથી પોતાની તંદ્રામાં ખોવાઈ જાય છે. પણ તેથી આગળ તેને તેનું મહત્ત્વ હોતું નથી. આખી વસંત જેવી વસંત તેના પર ફરી વળે તોય તે જરાય ઇજા વગર, બીજી મિનિટે ઊભો થઈ, પરાગરજ ખંખેરી, તેના રોજબરોજના રૂટીનનું ... એ બિલો, લોનો, ઈજાફા અને કરવેરાનું સંગીત જેમનું તેમ સાચવી રાખે છે, જાણે કાંઈ બન્યું જ નથી. પણ આમ કુદરતની અસરથી મુક્તમાંના મુક્ત માણસને પણ ટાઢ અને તડકો તો અડે છે. દિવાળી પૂરી થઈ ન થઈ ને તેનાં રુંવાડાંમાંથી વચમાંવચમાં એક લહેરખી પસાર થઈ જાય છે. ક્વચિત્ તે ઊભાં થઈ જાય છે, અને એમ, કવિઓ જેેને લોહીનો લય કહે છે તે તેની અંદર એના જૂના સ્વેટર કે ફાટેલી શાલ માટે ખાંખાખોળાં કરતો કરી દે છે. ક્યાં મૂક્યાં હશે? એમ એની અંદરથી જ એને પ્રશ્ન ઊઠે છે, જેમ કોઈ સાચા ફિલસૂફને અંદરથી જ પ્રશ્ન ઊઠે કે ત્યારે સત્ય શું હશે? અહીં એ પ્રશ્ન ઊઠવાનું કારણ બહારની ઠંડીનો, ટાઢનો સ્પર્શ છે, બીજું કાંઈ નથી. ટાઢ જાણે બહારથી આક્રમણ કરી આપણા પર ચઢી આવે છે. ટાઢ કોઈક સરહદ પારથી આવે છે અને એને તમારા પર અંગત અદાવત હોય તેવું ભાન કરાવે છે. તે તમને રંજાડેે છે, સતાવે છે, અહીં, તહીં, ત્યાં, ઉપર, નીચે – એમ છંછેડી, દુભાવી, અડી, આરપાર નીકળી, તમને ભીંસમાં લે છે. તેનાથી ભાગવા તમે જેમ દૂરના દૂર જવા કરો તેમતેમ તમે તમારામાં જાણે ઊંડા ઊતરતા જાઓ છો, તમારા આખાય અર્કને, માથાથી પગ સુધીના, આ બાજુનાં ટેરવાંથી ત્યાં સુધીનાં ટેરવાં સુધીના, આખા ચેતનપ્રવાહને થિજાવી, એકાગ્ર કરી, ઘટ્ટ કરી, એકાદ ટીપામાં નિચોવીનિતારી દઈ તમારી કૂખમાં, પેટમાં, નાભિમાં, ત્યાં ઊંડે તમને જાણે ઘુસાડી દઈ તમારા પર ઝૂમતી ઊભી રહે છે. આના કરતાં તો તડકો સારો જેમાં તમે ઓગળી જઈ વહી જાઓ છો, પછી તમે કોઈ રૂપે રહેતા નથી, તમે નકરા ગરમ સ્પર્શરૂપ બની રહો છો... ટાઢ એ ક્રાઈસ્ટની ઋતુ છે. ભારે, પથરાળ, ચર્ચનાં કાળાં પડખાંના ઓળાઓ વચ્ચે ડોકાતી હૂંફાળી બારીઓમાંથી આછાં અજવાળાં, બહાર પગ નીચે કચડાતી બરફની કરચો, તેનો રગડો, એ સ્લશ પર ફેલાતાં હોય ત્યારે ક્રિસમસ સમયે ક્રાઈસ્ટ ફરીફરીને ફરી જન્મ લે છે, એ થાકતા નથી. મારાતમારા જેવા અજાણ્યા આવી ચડેલા આદમી માટે અકસ્માત જ, સહજ કોઈ પુસ્તક ખુલ્લું રાખી આગળ ધરે ત્યારે ચર્ચમાં સાંપડતી ક્રિસમસની એ સાહજિકતામાં એ જન્મે છે, એ સંબંધમાં, એ વિધિમાં. ક્રિસમસ એ હૂંફનો ઉત્સવ છે. જન્માષ્ટમીની વાત જુદી છે. એ વરસતાં, વહેતાં નીરની, એકરસ થતાં ધરતી-આભની, ઝાપટાં વરસી ગયા પછીની શીતળતાની મોસમ છે. એ કૃષ્ણનો રાગવિસ્તાર છે. શી ખબર કેમ પણ ટાઢની કોઈ વાત કરે ત્યારે ટ્રેનમાં સામેની સીટ પર ધાબળો વીંટી બેઠેલો કોઈ પેસેન્જર યાદ આવે છે. તે થોડી વાર બારીબહાર, થોડી વાર આજુબાજુ, જોઈ લે છે. કોઈ વાર પડખું બદલે છે. એની રહસ્યમયતા આજ સુધી ખૂટતી નથી. ખરી મજા તો ટાઢનો દોર પૂરો થવા સાથે શાલ, સ્વેટર, ગરમ ટોપી, બંડી, જાકીટ, મફલર – એ બધાં જે રીતે સમેટી લેવાય છે તેની છે. એ મફલરની માયાજાળ જાણે પૂરી થઈ જાય છે. એ બધાંય ફરી પાછાં પેલી એટેચીમાં, પેલી હૅન્ડબૅગમાં, પેલા અંદરની રૂમના કબાટમાં, પેલી પેટીમાં મુકાઈ જશે. ફરી પાછી ટાઢ આવશે, ફરી પાછાં એ પેટી, એ કબાટ ખૂલશે; ફરી પાછી એ ડામરની ગોળીઓની સુગંધ સાથે એ સ્વેટરના, એ કોટના સળ ઊકલશે. એ ટાઢની સુગંધ છે...
[‘શેરી’, ૧૯૯૫]