ગુજરાતી અંગત નિબંધો/તેષાં દિક્ષુ
તેષાં દિક્ષુ – ભોળાભાઈ પટેલ
◼
ગુજરાતી અંગત નિબંધો • તેષાં દિક્ષુ – ભોળાભાઈ પટેલ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની
◼
તેષાં દિક્ષુ પ્રથિત વિદિશા... ... આ શબ્દો પવનપાવડી બની જાય છે મારે માટે જાણે. એ પહેરી મન ઊડવા માંડે છે. તે દિશામાં માત્ર વિદિશા નથી, દસે દિશા છે... સાત સમુંદર, તેરો નદી, પહાડ પર્વત, નગર જનપદ, ઝાડ જંગલ... પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું – મારું એ ગામ. મને હંમેશાં એવું થતું રહ્યું છે કે મારા એ ગામના પાદરમાં થઈને એક નદી વહેતી હોત તો કેવું સારું? શૈશવ-કૈશોર્ય નદીને કાંઠે વીત્યું હોત, ઋતુએ ઋતુએ નદીને અવલનવલ રૂપમાં જોઈ હોત. કોઈ ક્યારેક પૂછે છે, તમારા ગામની પાસેથી કઈ નદી જાય છે – તો ઉત્તરમાં માત્ર નિસાસો જ નંખાઈ જાય. હા, ગામની ભાગોળે તળાવ છે, આંબા તળાવ. અને ઉનાળામાં એ ક્યારેક સુકાઈ પણ જાય. નદી નથી તો નથી, પણ એવું થાય કે ભલે, પણ મારું ગામ કોઈ ડુંગરાની તળેટીમાં હોત તો કેવું! ઘરની બહાર નીકળીએ કે ડુંગરો સાદ પાડતો હોય. ડુંગર ઉપર દેરડી હોય. એ દેરડી સુધી કેડી જતી હોય. એક શ્વાસે ચઢી જઈએ. બહુ મોટો પહાડ નહીં. એવો ડુંગર હોય કે લાગે ગામ એની હૂંફમાં સૂઈ રહ્યું છે, સોડમાં સંતાઈ રહ્યું છે, અંગ્રેજીમાં ‘નેસલ’ ક્રિયા છે ને, એમ. પણ સપાટ ખેતરો છે માત્ર મારા એ ગામની ચારે પાસ. બેત્રણ નાનામોટા ટીંબા છે. તેમાં એક ગઢીઓ ટીંબો છે. ત્યાં એક વખડા નીચે સાપના મોટા રાફડા હતા. મેં પણ ત્યાં સાપ જોયેલા. એ સાપ રાફડા નીચે દાટેલા ધનના ચરુની રખવાળી કરતા. નદીય નથી, ડુંગરેય નથી પણ ગામની બહાર નીકળતાં કોઈ ગાઢ જંગલ શરૂ થઈ જતું હોત તો કેવું સારું! અડાબીડ જંગલ. નાનીમોટી કેડીઓ અંદર દૂર દૂર લઈ જતી હોય. તેમાં જંગલી પ્રાણીઓ હોય. ક્યાંય વચ્ચે સરોવર હોય. નાનપણમાં પ્રેમાનંદની કવિતા ભણતાંભણતાં જંગલનું જે વર્ણન વાંચેલું – પેલી "વૈદર્ભી વનમાં વલવલે’ વાળી કવિતામાં – તેનાથી જંગલની કલ્પના કરેલી. હા, એવું જંગલ નથી. એક મોટું ગોચર ગામને ઉગમણે છે, રાયણ અને બાવળ છે. પહેલાં બહુ વખડા હતા હવે નથી. હવે એ ગોચર વચ્ચે થઈને એક પાકી સડક જાય છે. નદીય નથી, ડુંગરેય નથી અને જંગલ પણ. એ અભાવ તો ખરો, પણ મારા એ ગામ વિશે કશુંય કાવ્યાત્મક પણ ના મળે. કશુંય અસાધારણત્વ નહીં. ભાગોળે પાળિયા જેવુંય નહીં, ગામને જાણે લાંબોટૂંકો ઇતિહાસેય નથી. ગામ જૂનું તો લાગે છે. પહેલાં જ્યાં ઘરો હતાં, ત્યાં હવે ખેતરો છે. ગામને ઓતરાદે જે કાળીમા હતાં તે લગભગ દખણાદી શેરીઓ વચ્ચે આવી ગયાં છે. અમારું ઘર ત્યાં આવેલું છે.[...] ધીમેધીમે ગામની સીમમાંથી બહાર નીકળવા મળ્યું. નદીઓ જોવા મળી, નગર જોવા મળ્યાં. ઉત્તર ભારતની યાત્રાએ તો જાણે બધી બંધ દિશાઓનાં દ્વાર એકાએક ખોલી દીધાં. તેષાં દિક્ષુ... નદી જોઈ તો ગંગા, પહાડ જોયો તો હિમાલય, નગર જોયું તો દિલ્હી; ચિતોડ અને ઉદેપુર, નાથદ્વારા અને એકલિંગજી, હરદ્વાર અને હૃષીકેશ, ગોકુળ અને વૃન્દાવન, દહેરાદૂન અને મસૂરી, આગ્રા અને જયપુર. તક મળતી ગઈ, તેમ તેમ નાનાંમોટાં ભ્રમણો થતાં ગયાં. અનેક નદીઓ જોઈ. કાશ્મીરની જેલમ અને છેક દક્ષિણની કાવેરી. ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્રને કિનારે તો સતત બાર દિવસ રહ્યો. તેમાંય ડિબ્રૂગઢનો બ્રહ્મપુત્ર તો રિવરવ્યૂ હોટેલની બારી બહાર જ વહી જાય. ગુવાહાટીમાંય ઓસરીમાં બેઠાંબેઠાં તેનાં દર્શન થાય. અનેક પહાડો જોયા. ઉત્તર અને પૂર્વ હિમાલય, અરવલ્લી અને વિંધ્ય, અનેક અરણ્યો જોયાં. કેટલાંય નગરોમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયા. કેટલાય સમુદ્રતટોનાં મોજાંની મસ્તી જોઈ. રાંબોની ‘ડ્રંકનબોટ’ની જેમ તેમના પર ઊછળ્યો છું. ગાડીના ડબ્બામાં બારી પાસે બેસી કલાકોના કલાકો, પસાર થતાં ગામખેતર નદનદી નગર જોયાં છે. બારી પાસે બેસવાનું બહુ ગમે. લાંબાં અંતરો કાપતી ગાડી દોડી જતી હોય. સવાર પડે, બપોર થાય, સાંજ આથમે, અને ગહન અંધારામાં ગાડી જતી હોય. સ્ટેશન આવે. ક્યારેક ઊભરાતું પ્લૅટફૉર્મ હોય, ક્યારેક નિર્જન. બસ, ટ્રક, વિમાન બધાંયની ગતિ આકર્ષતી રહી છે. અનેક દિવસો બહાર રહીએ પછી ઘર બોલાવતું હોય. પણ ઘેર આવ્યા પછી ભમવા જવાની વૃત્તિ પાછી થયા કરે. મન ચંચલ થઈ ઊઠે. રવિ ઠાકુરની પંક્તિઓ સળવળી ઊઠે, હુંય જાણે ‘બાસાસાડા’ પંખીની જેમ બહાર જવા તડપું છું : હેથા નય, અન્ય કોથા, અન્ય કોથા, અન્ય કોના ખાને (અહીં નહીં, બીજે ક્યાંક બીજે ક્યાંક, બીજે કોઈ ઠેકાણે.)[...] પણ દેશ અને દુનિયામાં બધે ફરીને ઘણી વાર હું મારા પેલા ગામની ભાગોળે પહોંચું છું. જાણે આખા બ્રહ્માંડમાં ફરીને ત્યાં જઈ ઊભો રહું છું. નાના હતા અને નિશાળમાં ભણતા ત્યારે ચોપડી પર નામની સાથે આખું સરનામું લખતા. આખું એટલે? એટલે નામ, પિતાનું નામ, દાદાનું નામ, પછી અટક; પછી શેરી, મહોલ્લો, ગામ; પછી તાલુકો, જિલ્લો, રાજ્ય. પછી લખીએ દેશ-હિંદુસ્તાન, ખંડ-એશિયા પછી પૃથ્વી અને છેલ્લે આવે બ્રહ્માંડ. હવે ઊલટેક્રમે બધું વટાવી ગામની ભાગોળે. ત્યાં પેલું આંબા તળાવ છે. ચોમાસામાં એ ઊભરાઈ જાય છે અને ઉનાળામાં એ સુકાઈ જાય છે. શિયાળામાં પોતાનામાં વીંટળાઈને પડ્યું રહે છે. એ આંબા તળાવની ઝાંઝરીમાં મારું શૈશવ ખોવાઈ ગયું છે. ત્યાં જાતે લાકડું કાપી ભમરડા ઘડ્યા છે અને ફેરવ્યા છે, લકટીઓની રમત રમી છે, ગેડીદડા અને ગિલ્લીદંડા રમ્યા છીએ. બાવળને છાંયડે બેસી બાવળના કાંટા પગેથી કાઢ્યા છે, નાગડા થઈને નાહ્યા છીએ. એ જ તળાવની જરા ઈશાન ભણી ગામનું સ્મશાન છે. આંબા તળાવમાં વર્ષોથી અનેક ચિતાઓની આભા ઝિલાતી આવી છે. એ સ્મશાન પાસેથી જ મારા ખેતરનો રસ્તો. નાનપણમાં અંધારું થયે ખેતરમાંથી ઘેર આવતાં સળગતી ચિતા પાસેથી પસાર થતાં છળી મર્યો છું. ઘણી વાર ડાઘુઓ ચાલ્યા ગયા હોય, સ્મશાનમાં માત્ર તિખારા હોય. ઝાંખરાંના ઓછાયામાં ભૂતની ભ્રમણાથી છાતીના ધબકારા વધી ગયા છે. એ સ્મશાનમાં મારા વડવાઓ ભસ્માવશેષ થઈ ગયા છે. એમની ભસ્મ આંબા તળાવની આજુબાજુમાં જ પથરાઈ આજુબાજુનાં વૃક્ષોમાં ઊગી આવી છે. શું હુંય છેવટે અહીં આવીશ? આ મારું ગામ. ભલે અહીં નદી નથી, પહાડ નથી, જંગલ નથી, સાગર નથી, સરોવર નથી, પણ હવે એ બધુંય મારામાં છે – બધુંય. પણ ત્યાં ઝાઝું રહેવાનું થતું જ નથી. પેલા ગજરામારુની જેમ બાપના ગામમાંથી નિર્વાસન પામ્યો છું. સ્વેચ્છયા. મહાનગરના માર્ગો પર ઉનાળાની કોઈ બપોરે ચાલતાંચાલતાં એ નિર્વાસનનો બોધ તીવ્ર થઈ આવ્યો છે. પણ સંસારનું રોજ-બરોજનું કામ બધાં સાથે જોડી દે છે. પણ પાછો સણકો ઊપડે – હેથા નય, હેથા નય... ત્યારે મન ‘તેષાં દિક્ષુ’ની પવનપાવડી પહેરી લે છે.
[સંપાદિત]
[‘વિદિશા’, ૧૯૮૦]