રમણીક સોમેશ્વરની કવિતા/મા (૧)

From Ekatra Wiki
Revision as of 15:22, 21 August 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૦. મા

એ વસે છે
કોઈ જુદા જ ગ્રહમાં –
ઘરમાં
હોય છે તો આમ
અહીં જ

ઓરડો
ઓસરી
વાસણ-કૂસણ
ખાલી-ભરેલ ડબ્બા
ભંગાર
જૂનો-પુરાણો

બહુબહુ તો
ક્યારેક
જરા
ડેલીની બહાર
ફળિયે કે શેરીમાં
લાકડીને ટેકે
ધૂળ-માટીમાં
સમયના આંકા પાડતી
ગાય-કૂતરાંને ડચકારતી
બટકું રોટલો ધરતી
કબૂતરની ચણમાં
પોતાના વેરાયેલા દાણા
શોધતી
હોય છે
આમ તો એ
અહીં જ
છતાં
નથી હોતી કદીયે
અહીં.
ફૂલાંવાળી બંધ આંખે
જોયા કરતી હોય છે ક્યારેક

અંદર.
અંદરના
ખાલી થતા ઓરડાને
જાણે તાક્યા કરતી હોય
ટગરટગર
અને
મોતિયો વળેલી
એની બીજી આંખ
ઓરડો
ઓસરી
આંગણું
બધેથી છટકીને
શોધ્યા કરતી હોય છે
એના બધિર કાને
અપરિમેય કાળથી
વાગ્યા કરતાં
ઢોલ-નગારાના
વગાડનારને

મંદિરોના
ઘંટારવોને વળોટીને
ક્યારેક
રસ્તે ચાલતાં
કોઈ રઝળતા પાગલને
ગાંઠિયાનું પડીકું
બંધાવી આપતી

કયાં પડીકાં બંધાવતી હશે
પોતાને માટે!
એના
હાથના ઉલાળા
ક્યારેક
કોઈ દીવાનાની રેખાઓ સાથે
મળી જઈને
હસ્યા કરે છે
શાણા લોકોની દોડધામ પર

વિગતકાળની
કઈ દોરડીએ લટકીને

આમ
આવી પહોંચી હશે
અહીં!
એની માટીમાંથી
પાંગરેલો હું
જોયા કરું છું
એને –
મને!