અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વીરની વિદાય

From Ekatra Wiki
Revision as of 10:42, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
વીરની વિદા

ન્હાનાલાલ દ. કવિ

મારા કેસરભીના કન્થ હો!
         સિધાવો જી રણવાટ.

આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ!
         ઘેરા ઘોરે શંખનાદ.
દુંદુભિ બોલે મહારાજનાં હો,
         સામંતના જયવાદ :
મારા કેસરભીના કન્થ હો!

આંગણ રણધ્વજ રોપિયો હો!
         કુંજર ડોલે દ્વાર :
બન્દીજનોની બિરદાવલિ હો
         ગાજે ગઢ મોઝાર :
મારા કેસરભીના કન્થ હો!

પુર પડે, દેશ ડૂલતા, હો!
         ડગમગતી મ્હોલાત :
કીર્તિ કેરી કારમી, રાજ!
         એક અખંડિત ભાત :
મ્હારા કેસરભીના કન્થ હો!

નાથ, ચડો રણઘોડલે રે,
         હું ઘેર રહી ગૂંથીશ :
બખ્તર વજ્રની સાંકળી હો!
         ભર રણમાં પાઠવીશ :
મ્હારા કેસરભીના કન્થ હો!

સંગ લેશો તો સાજ સજું, હો!
         માથે ધરું રણમ્હોડ :
ખડ્ગને માંડવ ખેલવાં,
         મારે રણલીલાના કોડ!
મારા કેસરભીના કન્થ હો!

આવતાં ઝીલીશ બાણને, હો!
         ઢાલે વાળીશ ઘાવ :
ઢાલ ફૂટ્યે, મારા ઉરમાં રાજ!
         ઝીલીશ દુશ્મનદાવ :
મારા કેસરભીના કન્થ હો!

એક વાટ રણવાસની રે,
         બીજી સિંહાસન વાટ :
ત્રીજી વાટ શોણિતની સરિતે
         હો! શૂરના સ્નાનનો ઘાટ :
મારા કેસરભીના કન્થ હો!

જયકલગીએ વળજો, પ્રીતમ,
         ભીંજશું ફાગે ચીર :
નહીં તો વીરને આશ્રમ મળશું
         હો! સુરગંગાને તીર :
મારા કેસરભીના કન્થ હો!

રાજમુગટ! રણરાજવી હો!
         રણઘેલા રણધીર :
અધીરો ઘોડલો થનગને, નાથ!
         વાધો, રણે મહાવીર!
મારા કેસરભીના કન્થ હો!
         સિધાવો જી રણવાટ!

(કેટલાંક કાવ્યો, ભા. ૨, ત્રીજી આ. ૧૯૯૬, પૃ. ૫૮-૬૦)