રાજેન્દ્ર પટેલની કવિતા/કબૂતર (૧, ૨, ૧૫, ૧૬)

From Ekatra Wiki
Revision as of 02:01, 25 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૩. કબૂતર

કબૂતર
ગમે તેટલાં વાવાઝોડાંનેય વખોડતું નથી.
એ સરતાં પીંછાંથી
વાવાઝોડાના ઘા લૂછતું હોય છે.
અને અસ્તવ્યસ્ત વ્યવસ્થાને પણ
એક સોનેરી સપનું સમજી
જીવતું હોય છે.
એને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ
ફણગાવતાં હોય છે.
કારણ કે એ સ્વયં શાંત તરંગ હોય છે.
આવતી દરેક ક્ષણને
સરોવરની જેમ આવકારતું હોય છે.


કબૂતરે ક્યારેય બગાસું ખાધું નથી.
એણે આંખો પટપટાવતાં
પસવારિયાં છે દરેક દૃશ્ય.
ઘડિયાળના બધાય કાંટા ચાંચમાં ભરી
એ ઊડે છે રાતે
અને ઊતરે છે દિવસે.
દરેકના આંગણામાં
વિસ્તારે અગાશી.
કબૂતર આખેઆખું ઝાડ લઈને
ઊડતું હોય છે
ઘરના આ છેડાથી પેલા છેડે.
એટલે એ હંમેશાં ભૂરું લાગે છે
આકાશની જેમ.