રાજેન્દ્ર પટેલની કવિતા/શ્રી પુરાંત જણસે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. શ્રી પુરાંત જણસે

પૃષ્ઠ પર પૃષ્ઠ પલટાવતાં
હાથના સઘળા સ્પર્શને લાગી જાય
સુક્કાં પાંદડાંનો પાસ.

નજરમાં સફેદ અંધારાંનાં વન ધૂણવા માંડે
કાનમાં કાળા અક્ષરનો કલરવ કળાય નહીં
અને સમગ્ર ઉજાસના સમયપટમાંથી
પૃષ્ઠ ભેદીને
કશુંય પ્રવેશે નહીં ભીતર.

ટેરવાં અને પાન વચ્ચેનું અંતર
ચંદ્ર જેટલું દૂર ભાસે.

ભારેખમ આ હાથથી
પૃષ્ઠના પોત પર પડે નહીં
હવે કોઈ હસ્તાક્ષર.

જેમ લખાય તેમ અદૃશ્ય થતો જાય આ કાગળ
જેમ ભૂંસાય તેમ બચતો રહે આ કાગળ
જેમ ખાલી રહે તેમ વધતો રહે આ કાગળ.
છતાં હાથને
હમણાં જ ઊગેલી ડાળ જેવો બનાવવા
મથી રહ્યાં છે
આ કાગળ, કલમ અને અક્ષર

આ જોઈ
જરાક મલકે
શ્રી પુરાંત જણસે
જરા પણ જડતી નથી જણસ
જાણે પૂર્વજોની
ખલાસ થઈ ગઈ છે મજૂસ.

ધૂંધળો થતો કાગળનો કોરો વિસ્તાર
વધુ ને વધુ દૂર થતો જાય,
ચશ્માં પહેરી ખોળીએ, ખોવાયેલી આંખ
ત્યારે શબ્દ રૂપે ફૂટે તૃણાંકુરનાં ગાન.

સવારના પહેલા કિરણમાં ઝળહળે ઘડીક
ખૂલતી આંખની જેમ શ્રી પુરાંત જણસે.

અગરબત્તીની રાખમાંથી
પાછી ફૂટે સુગંધ
અને ફરી ફરી પાછા ફરે પૂર્વસૂરિઓના શબ્દ.

પછી રોજબરોજના અવાજોનાં
રાક્ષસી પગલાં તળે કચડાતું
દિવસના દીવાનું ચાંગળું અજવાળું
સૂર્યાસ્ત સુધીમાં
પ્રથમ પ્રગટતા તારામાં પલટાઈ જાય.

સ્વપ્નમાં ક્યારેક
વાદળોનાં ઘોડાપૂર ઉપર
મેઘધનુષ્યની જેમ
ડોકાઈ આવે તે,
ત્યારે,
પાનાં પર પાર વગરના આકારો વચ્ચે
અસ્તિત્વનો કક્કો-બારાખડી થઈને
ઊભરી આવે છે
આ, શ્રી પુરાંત જણસે.
રાત-દિવસ અમને
ટગર ટગર જોયા કરે છે કોઈક
મામૂલી બચેલી
જણસની જેમ.
આ શ્રી પુરાંત જણસે
ગઈ કાલનો વધેલો-ઘટેલો વાસી પદાર્થ નથી
એ તો છે, વ્યતીત કાળનો ઝળહળતો પડાવ,
ક્ષણોના કાફલાનો ઘડીક વિસામો.

અગણિત મારગના માળામાં
અજ્ઞાતનું ઈંડું સેવતું એક પંખી
બેઠું છે ચુપચાપ,

વૃક્ષના પ્રત્યેક પર્ણના પડાવે પડાવે
ખોળે છે ખોવાયેલી
શ્રી પુરાંત જણસે.

છતાં વણનોતર્યાં કાળાં-ધોળાં વાવાઝોડાંમાં
અટવાતો આ હાથ,
કોઈ મશાલની જેમ સળગતો નથી.
આજ અને કાલની બાદબાકીમાંથી
વધેલું તેજ
અને શ્રી પુરાંત જણસેનું
હરિયાળું હેત
અમને દેખાતું નથી.

વાસ્તવમાં
જમણું કે ડાબું
શ્રી પુરાંત જણસેને વધવું છે બમણું.

આકારોના વંટોળમાં વમળાતા અક્ષરો
બની રહે છે
ઇતિહાસનો બેનમૂન હસ્તાક્ષર.

નાથી નાથીને નાથી શકતો નથી
પાંચ ફણાળો ભોરિંગ.
રહે છે માત્ર, ભડભડ બળતો
પૃષ્ઠ પર, શ્રી પુરાંત જણસેનો ચહેરો.

દરેક પૃષ્ઠને અંતે
કંઈ સમયથી
જડતું નથી કશું.
જાણે એક પછી એક ખૂલતાં રહે પાન
અજાણી બારીના ઊડતા રહે પડદા.

છતાં
ફાટું ફાટું થતા જીર્ણ પાનમાં
દેખાય માત્ર
ઘાયલ પંખીની છાપ.

તે લાગે
રાતોની રાત જાગતી
શ્રી પુરાંત જણસેની જાણે આંખ.

એક એક પૃષ્ઠપર્યંત
ખોળીએ છીએ
શ્રી પુરાંત જણસેનો ભર્યો ભર્યો ચહેરો.

છતાં
જમા કે ઉધાર
શેષ કે અશેષ
કશુંય રહેતું નથી વિશેષ.
દરરોજ સમીસાંજના
એક પૃષ્ઠ બંધ કરીએ છીએ
ને ખૂલતું નથી એકેય નવું પાન.

સવાર પડે
સ્વપ્નની માફક
ખોવાઈ જાય છે સઘળું પાન.
તે ખોવાવામાં ને ખોવાવામાં
જાણે વધતું રહે છે
શ્રી પુરાંત જણસેનું માપ.
અને
ક્યારેક દાદાજીના ફાળિયા જેવી
તો ક્યારેક બાળકના અણઘડ લીટા વચ્ચે વધેલા
અવકાશ જેવી ભાસે છે
આ અમારી
સહેજ અમથી, મબલખ
શ્રી પુરાંત જણસે.