ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/છોટાલાલ નરભેરામ ભટ્ટ

Revision as of 02:23, 9 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


છોટાલાલ નરભેરામ ભટ્ટ

એમનો જન્મ મહેમદાવાદમાં ઇ. સ. ૧૮૫૦માં થયો હતો; જે કે તેમનું વતન અલીંદ્રામાં (તાલુકે માતર) છે. તેમના પિતાના સાધનો સંકુચિત હોવાથી નાનપણમાં કેળવણી પોતાના મોસાળમાં–મહેમદાવાદમાં લીધી હતી. ગુજરાતી અભ્યાસ પૂર્ણ કરી શિક્ષકની નોકરી લીધેલી. તેમણે થોડો ઘણો અંગ્રેજી અભ્યાસ પણ કર્યો છે. સુરતની ટ્રેનિંગ સ્કુલમાં પાસ થઈ, ભરૂચ જીલ્લામાં નોકરી લીધી. તે વખતે કોઈ વિદ્વાનનો સમાગમ થવાથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, વૈદ્યક અને પુરાણોનો અભ્યાસ તેમણે કરી લીધો. બચપણથી જ તેમને કવિતા કરવાનો શોખ હતો અને તેને લીધે તેમને તે સમયમાં કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ સાથે મૈત્રી થઈ હતી. તેમણે એક શાસ્ત્રીની પાસેથી તર્ક સંગ્રહાદિ તથા નાટક, ચંપુ વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આ વખતથી તેમણે સંસ્કૃત કવિતાઓ લખવા માંડેલી. સાથે સાથે પોતાનો શિક્ષકધર્મ પણ યથાર્થ બજાવતા હતા. એક ભીખ માગવા આવતા ફકીર પાસેથી થોડો ઉર્દુનો અભ્યાસ કર્યો. પ્રથમ તેમણે સંવત્ ૧૯૩૪માં ‘સ્વદેશ વત્સલ’માં લેખો લખવાની શરૂઆત કરી. ત્યાર પછી તેમણે પહેલું પુસ્તક “કામકટાક્ષ” લખ્યું. તેમને ભરૂચવાળા અદ્વૈતાનંદ સ્વામીની પાસેથી વેદાન્તના ગ્રન્થો વાંચવાનો સારો લાભ મળેલો. ગાયકવાડી રાજ્યમાં તેમણે કેટલીક મુદત સંસ્કૃત શિક્ષક અને હેડમાસ્તરની નોકરી કરી છે. હાલમાં તેઓ પેન્શનર થયા છે; અને પોતાનું શાન્ત જીવન વેદાન્ત મનન અને લેખનમાં વડોદરામાં ગાળે છે. ‘કેળવણી’ નામના માસિકના તેઓ અધિપતિ હતા; અને અત્યારે પણ વેદાન્તનાં જે જે પુસ્તકો પોતે વાંચે છે, તેમના ઉપર સરલ ટીકા લખતા જાય છે. હાલ તેમને ચાર પુત્રો છે. પ્રાચીન કાવ્યમાળામાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની ટીકા લખવા ઉપરાંત તેમણે લખેલાં ગ્રંથોનો કંઇક ખ્યાલ, એમના એક શિષ્ય દયાશંકર રવિશંકરે લખેલા નીચેના છપ્પા પરથી મળી આવે છે.

છપ્પય.

સ્વતંત્ર ગ્રન્થ અઢાર રચ્યા રસભાવ ભરેલા,
વિવિધ વિષયમય વિશદ કલ્પના યુક્ત કરેલા,
બહુ વર્ષો લગી રહ્યા ત્રૈણ માસિકના સ્વામી,
બે હઝાર લગી લેખ લખ્યા નહીં જેમાં ખામી,
વળી ગહન ત્રીશ ગ્રન્થો તણું ભાષાન્તર ઉત્તમ કર્યું;
વય વીત્યું આ વિદ્વાનનું વિદ્યાવ્યસન વિષે નર્યું.

એમના ગ્રંથોની યાદીઃ

૧ રસશાસ્ત્ર.
૨ વૃત્ત નિરુપણ.
૩ શાન્તિ સુધા.
૪ કામકટાક્ષ.
૫ બ્રહ્મરાક્ષસ.
૬ ચિત્રપુરના ચમત્કાર.
૭ વહેમ ખંડન.
૮ વિદ્યાર્થીઓની સાંસારિક તથા નીતિ વિષમક સ્થિતિ.
૯ શેતરંજની ગમ્મત.
૧૦ વાજીકરણ કલ્પદ્રુમ.
૧૧ સ્નાનવિધિ.
૧૨ બ્રાહ્મણ નિત્યકર્મ.

  • ૧૩ સંસ્કૃત પ્રથમ પુસ્તક.
  • ૧૪ મલયસુંદરી નાટિકા.
  • ૧૫ ब्रह्मसूत्राणां संक्षिप्तावृत्तिः (संस्कृत.)
  • ૧૬ श्रीमद्भगवद्गीतोपदेशो गद्यात्मकः (संस्कृत.)
  • ૧૭ શ્રીમદ્ ભગવદ્ગીતોપદેશનું ગુજરાતી.
  • ૧૮ પારિભાષિક શબ્દકોશ.

ભાષાંતર.


૧૯ માર્કંડેય પુરાણ.
૨૦ ડંક માહાત્મ્ય.
૨૧ મહાભારત–શાન્તિપર્વ.
૨૨ વાલ્મિકી રામાયણુમાંથી– કિષ્કિંધાકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરકાંડ.
૨૩ (રાષ્ટ્ર કથામાળા) ઇરાન.
૨૪ અષ્ટાંગહૃદય–વાગ્ભટ.
૨૫ વૈદ્યજીવન.
૨૬ હિતોપદેશ. (વૈદ્યક)
૨૭ વૈદ્યવલ્લભ અને ચિકિત્સાંજન.
૨૮ હારીત સંહિતા.
૨૯ વ્યવહાર મયૂખ.
૩૦ શિવ કવચ.
૩૧ શિવ ગીતા.
૩૨ સિદ્ધાંત દર્શન.
૩૩ વૈયાસિકી ન્યાયમાળા.

  • ૩૪ આત્મપુરાણ સારાનુક્રમ.
  • ૩૫ સ્વાનુભવાદર્શ.
  • ૩૬ વિચારસાગર.

૩૭ યોગરત્ન.
૩૮ ચમત્કાર ચિંતામણિ.
૩૯ બૃહત્સંહિતા-દશાધ્યાય.
૪૦ શંકર દિગ્વિજય–સાત સર્ગ.
૪૧ પ્રિયદર્શિકા નાટિકા.
૪૨ દ્રષ્ટાન્ત શતક.
૪૩ શાળોપયોગી ભગવદ્ગીતા.
૪૪ પંચતંત્ર–મિત્રભેદ.
૪૫ જ્ઞાનદીપ.

  • ૪૬ સારસ્વત.
  • ૪૭ ચંડ કૌશિક.
  • ૪૮ પંચદશી.

––––––––––––––––––––––––––––––––––––––––––––

  • અપ્રકટ પુસ્તકો છે.