ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/છગનલાલ હરિલાલ પંડ્યા
જાતે વડનગરા નાગર બ્રાહ્મણ, વતની નડિયાદના. એમનો જન્મ. ઇ. સ. ૧૮૫૯માં નડિયાદમાં થયો હતો. એમનાં માતુશ્રીનું નામ બેનબા કિરપાદત્ત પંડ્યા હતું. એમણે ગુજરાતી તથા ઇંગ્રેજી શિક્ષણ નડિયાદમાં જ લીધું હતું, અને મેટ્રિક પાસ થયા બાદ ઉંચી કેળવણી મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં લીધી હતી.
એઓએ ઇ. સ. ૧૮૮૦ના વર્ષમાં બી. એ.ની પરીક્ષા સેકન્ડ ક્લાસમાં “ઓનર્સ” સાથે પાસ કરી હતી. તે ઉપરાંત ઇતિહાસના વિષયમાં ઉંચામાં ઉંચા માર્ક મેળવવાથી તેમને જેમ્સ ટેલર પ્રાઇઝ, તથા ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં પ્રથમ સ્થાને આવવાથી ઇંગ્લંડનો કૉબ્ડન કલબ મૅડલ મુંબઈ યુનીવર્સીટી તરફથી મળ્યાં હતાં. આવી રીતે એલ્ફીન્સ્ટન કૉલેજમાંથી તેઓ ઉચ્ચ પદે ઉત્તીર્ણ થયેલા હોવાથી તેમને તે કૉલેજમાં ઑનરરી દક્ષિણા ફેલો નીમવામાં આવ્યા હતા.
કૉલેજમાં એમના સહાધ્યાયીઓમાં પ્રોફેસર નરસિંહરાવ ભોળાનાથ દિવાટીઆ, (હાલ દિવાન બહાદુર) કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈ દ્વિવેદી, તથા સ્વ. રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વિ. વિખ્યાત પુરૂષો હતા.
એમનું પ્રથમ લગ્ન સ્વર્ગસ્થ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનાં નાનાં બેન સૌ. સમર્થલક્ષ્મી જોડે ઇ. સ. ૧૮૭૨માં થયું હતું. એમના જ્યેષ્ઠ પુત્ર પ્રો. કાન્તિલાલ પંડ્યા. (એમ. એ., પી. એચ. ડી., લંડન, વિ.) એક ગુજરાતી સાક્ષર અને વિજ્ઞાન શાસ્ત્રના ઉંડા અભ્યાસી તરીકે સુપ્રસિદ્ધ છે. એમની પુત્રી સૌ. વસંતબાનું લગ્ન વિખ્યાત વક્તા અને વિદ્વાન ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા, બી. એ., એલ. એલ. બી., એડવોકેટ, જોડે થયું હતું, પરંતુ તેઓ નાની વયે ઇ. સ. ૧૯૧૬માં મૃત્યુ પામ્યાં છે.
કૉલેજમાંથી છુટા થયા બાદ તેઓ રાજકોટ, ભાવનગર તથા અમદાવાદ હાઇસ્કૂલમાં ક્રમસર શિક્ષક નીમાયા હતા. તે પ્રસંગે તેમને હાલના માનવંતા સર પ્રભાશંકર પટ્ટણી, સર મનુભાઈ (માજી દીવાન, વડોદરા) તથા હાલના દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી વિગેરેને શિક્ષણ આપવાનું માન મળ્યું હતું.
ઇ. સ. ૧૮૮૫માં તેઓ મુંબઈની મ્યુનીસીપલ ગુજરાતી શાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર નીમાયા હતા. ત્યાંથી ઇ. સ. ૧૮૮૭માં તેમની નોકરી બ્રીટીશ સરકારે સંસ્થાન જુનાગઢને ઉછીની આપી હતી અને તે રાજ્યમાં તેઓ (હાલ સ્વર્ગસ્થ) દેસાઇ હરિદાસ વિહારીદાસ, દિવાન સાહેબની ઓફીસના સુપરિન્ટેન્ડેન્ટ નીમાયા હતા. તે કામ ઉપરાંત રાજ્યનાં અનેક ખાતાનાં કામો તેમને વખતોવખત સોંપાતાં હતાં, છતાં તેમણે પ્રમાણિકપણે અને એકનિષ્ઠાથી એજ ઓફીસમાં ઉત્તરોત્તર ઘણા દિવાન સાહેબોના હાથ નીચે નોકરી કરીને સર્વનો સંતોષ મેળવ્યો હતો. કેટલીક વાર તેમને એક્ટિંગ દિવાન તરીકે કામ કરવાનો પણ અવસર પ્રાપ્ત થયો હતો. બે ત્રણ વર્ષ તેઓ મુંબઈ યુનીવર્સીટીની સ્કૂલ ફાઇનલ તથા મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં “ગુજરાતી”ના વિષયમાં પરીક્ષક પણ નીમાયા હતા.
તે ઉપરાંત તેમણે જુનાગઢના ખુ. નવાબસાહેબ સર રસુલખાનજીની પણ સેવા ખરા દીલથી કરીને તેમનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો. નવાબ સાહેબને ઈંગ્લંડ જવાનું ઠરતાં તેમની ગેરહાજરીમાં દિવાનપદ સ્વીકારવાનું તેમને તેઓશ્રીએ આગ્રહપૂર્વક કહેલું છતાં છગનલાલભાઇએ તેમની સહજ નમ્રતાથી તે પદનો વિવેકપુરઃસર અસ્વીકાર કર્યો હતો.
ઇ. સ. ૧૯૧૦માં તેઓ નામદારનો અકાલ સ્વર્ગવાસ થવાથી જુનાગઢમાં બ્રીટીશ એડમીનીસ્ટ્રેશનની સ્થાપના થઈ ત્યારે પણ છગનલાલને એડમીનીસ્ટ્રેટર મિ. રેન્ડોલે તથા તેમના પછી મિ. રોબર્ટસને ઘણી જોખમદારી ભરેલી નોકરી સોંપીને પોતાનો વિશ્વાસ પ્રતીત કર્યો હતો. તે એટલે સુધી કે ઇ. સ. ૧૯૧૪માં તેઓ બ્રીટીશ સર્વીસમાંથી પંચાવન વર્ષની વયે પેન્શન પર નિવૃત્ત થયા તે છતાં એડમીનીસ્ટ્રેટર સાહેબે તેમની નોકરી જુનાગઢ સ્ટેટમાં ચાલુ રાખી હતી ને તેમને કેળવણી ખાતાના ઉપરી અધિકારી નીમ્યા હતા. આ પ્રમાણે દશ વર્ષ એડમીનીસ્ટ્રેશન ચાલ્યું તે દરમ્યાન તેમણે વિવિધ ખાતાના ઉપરી અમલદાર તરીકે કામ કરીને સર્વની પ્રીતિ સંપાદન કરી હતી, અને ગુજરાતી શિક્ષકોના પગારના ઉંચા ગ્રેડ બાંધીને તેમજ ગુજરાતી શાળાઓ સાથે ઇંગ્રેજી વર્ગ, બાળક તથા બાલિકાઓ માટે જોડીને કેળવણીની પ્રગતિમાં સંગીન વધારો કર્યો હતો.
ઇ. સ. ૧૯૨૦માં હાલના નામદાર નવાબ સાહેબ શ્રી મહાબત ખાનજી રાજ્યાસને આરૂઢ થયા ત્યારે તેઓશ્રીએ તેમની દીર્ઘકાળની સંતોષકારક નોકરીની કદર કરીને તેમને રાજકોટ ખાતે કાઠીઆવાડના એજંટ ટુ ધી ગવર્નર સાહેબની પાસે પોતાના પ્રતિનિધિ તરીકે રૂ ૫૦૦)ના પગારથી નીમ્યા હતા. તે હોદ્દા ઉપર તેઓ ચાર વર્ષ રહ્યા તે દરમ્યાન તેમણે મે. મેકેનોટન સાહેબ–(એજંટ ગવર્નર)ની પ્રીતિ સંપાદન કરી હતી અને તેમને આંખની ઈજા દેખાવા માંડ્યાથી ઇ. સ. ૧૯૨૪માં તેઓએ જુનાગઢ સ્ટેટની નોકરીમાંથી નિવૃત્તિ મેળવી હતી.
તેમનું બીજું લગ્ન મુંબઈના સુપ્રતિષ્ટિત સાક્ષર–સ્વર્ગસ્થ ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિકનાં પૌત્રી સૌ. નિર્મળલક્ષ્મી જોડે ઇ. સ. ૧૮૯૬માં થયું હતું.
સંસ્કૃત મહાકવિ શ્રીમદ્ બાણભટ્ટ વિરચિત કાદમ્બરી નામે કઠિન પણ અતિ રસિક કથાનું ગુજરાતી ભાષાન્તર તેમણે ઇ. સ. ૧૮૮૨માં પ્રથમ પ્રસિદ્ધ કર્યું ત્યારથી તેની એટલી પ્રશંસા થવા લાગી કે ઉત્તરોત્તર તેની વિવિધ આવૃત્તિયો પ્રસિદ્ધ થવા પામી. હજી પણ એ ગ્રંથ મુંબઈની યુનીવર્સીટીએ ટેક્સ્ટ બુક તરીકે પસંદ કરેલો છે અને કૉલેજના વિદ્યાર્થીઓને તે અતિ ઉપયોગી થઈ પડેલો છે તેથી એક ઉત્તમ ગ્રંથ રૂપે તે ગુર્જર પ્રજાને આદરણીય થઈ પડેલો છે, અને તેના ઉપરથી કવિશ્રી ફુલચંદભાઈએ મહાશ્વેતા–કાદમ્બરીનું અતિ મનોહર નાટક રચીને તેની ખ્યાતિમાં વધારે કર્યો છે.
ઇ. સ. ૧૯૨૮માં નડિયાદ મુકામે ગુજરાતી સાહિત્ય પરિષદની નવમી બેઠક ભરાઈ હતી તે પ્રસંગે એમને સ્વાગતમંડળના અધ્યક્ષનું સ્થાન આપવામાં આવ્યું હતું.
નિવૃત્તિ સમયમાં તેઓ સાહિત્યના વાચન તથા લેખનમાં આનંદ લે છે, અને ગુજરાતી વાચકોના મ્હોટા સમુદાયને તેમજ બાળવર્ગને રૂચિકર થઈ પડે એવી, ધર્મ–નીતિનો બોધ આપનારી વિવિધ આખ્યાયિકાઓ વિગેરે અનેક માસિકોમાં વારંવાર પ્રકટ કરીને સાહિત્યની ઉન્નતિ પ્રતિ પોતાનો પ્રેમ હજી પણ દર્શાવે જાય છે તે તેમની ઉત્તરાવસ્થામાં બહુ સંતોષદાયક છે.
એમના ગ્રંથોની યાદીઃ
૧. કાદમ્બરી–સટીક–ગુ. ભા. ઇ. સ. ૧૮૮૨
૨. ક્રાઇસ્ટનું અનુકરણ, પુ. ૧–૨ (અનુવાદ) ઇ. સ. ૧૯૧૫
૩. સચિત્ર ગુજરાતી મૂળાક્ષરનાં પાનાંની પેટીઓ– ઇ. સ. ૧૯૧૬
બાળકોને આનંદ સાથે બોધ આપનારી
૪. એક અપૂર્વ લગ્ન (નવલકથા) ઇંગ્રેજી ઉપરથી સૂચિત ઇ. સ. ૧૯૧૬
૫. મનોરંજક વાર્તાવલિ–ભાગ ૧–૨
(ભિન્ન ભિન્ન લેખોનો સંગ્રહ) ઇ. સ. ૧૯૧૮
૬. કૉબેટનો ઉપદેશ (ભાષાન્તર) નામદાર ગાયકવાડ
સરકારના કેળવણી ખાતાએ પ્રસિદ્ધ કરેલી
ગ્રંથમાળાના મણકા રૂપે ઇ. સ. ૧૯૧૮
૭. વિશુદ્ધ સ્નેહ (નવલકથા) ઇંગ્રેજી ઉપરથી સૂચિત ઇ. સ. ૧૯૧૯
૮. બાલ–કાદમ્બરી (વિદ્યાર્થીઓ માટે) ઇ. સ. ૧૯૧૯
૯. સંક્ષિપ્ત કાદમ્બરી અને વાસવદત્તા ઇ. સ. ૧૯૨૫