ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ધનશંકર હીરાશંકર ત્રિપાઠી

From Ekatra Wiki
Revision as of 04:00, 9 September 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધનશંકર હીરાશંકર ત્રિપાઠી|}} {{Poem2Open}} એમનો જન્મ ખેડા જીલ્લામાં નડીઆદમાં વિક્રમાર્ક સંવત્ ૧૯૪૫માં ભાદ્રપદ શુદ એકાદશી ને ગુરૂવારે થયો હતો. તેમના પિતાનું નામ હીરાશંકર મહાશંકર ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધનશંકર હીરાશંકર ત્રિપાઠી

એમનો જન્મ ખેડા જીલ્લામાં નડીઆદમાં વિક્રમાર્ક સંવત્ ૧૯૪૫માં ભાદ્રપદ શુદ એકાદશી ને ગુરૂવારે થયો હતો. તેમના પિતાનું નામ હીરાશંકર મહાશંકર ત્રિપાઠી અને માતાનું નામ તુળજાલક્ષ્મી છે. જ્ઞાતિએ એઓ વડનગરા નાગર બ્રાહ્મણ છે. કેળવણી મેટ્રીક સુધી લીધી છે. લેખક તરીકે શરૂઆતમાં મેટ્રીકમાંથીજ તેમણે ‘સુન્દરી સુબોધ’, ‘આર્ય ધર્મ પ્રકાશ’ વગેરે માસિકોમાં કવિતાઓ અને લેખો આપવા શરૂ કર્યા હતા. ‘સુન્દરી સુબોધ’માં તેઓ ‘સદ્દિલાસી’ ઉપનામથી લખતા. ૧૯૧૦ની સાલમાં ‘ગુજરાતી પંચ’માં પ્રુફરીડરની જગ્યા ખાલી પડતાં તેઓ તે જગ્યાએ રહ્યા. ત્યારથી ‘બંધુ સમાજ’ના સભાસદોના પરિચયમાં આવ્યા અને તેમાંના રા. ડાહ્યાભાઈએ ‘ગુજરાતી પંચ’માં નાની નાની નોંધો લખવાના કામમાં તેમને શિક્ષણ આપ્યું. એકાદ વર્ષ બાદ ધનશંકર મુંબાઇના ‘ગુજરાતી પત્ર’માં જોડાયા, જ્યાં ભાષાન્તરો અને બીજું પત્રકારિત્વનું કામ કરવાની તેમને પુષ્કળ તક મળી. સાત વર્ષ તેઓ ત્યાં રહ્યા તે દરમ્યાન સાહિત્ય વ્યવસાય પણ વધી શક્યો. ‘ગુજરાતી’ની ભારત લોકકથાના બે ભાગોમાં તથા ‘ગુજરાતી’ના ચાલુ અંકમાં તેમને વાર્તાઓ લખવાનું કામ પણ સોંપાયું હતું. ૧૯૧૭માં ‘ગુજરાતી પંચ’માં તેઓ ઉપતંત્રી તરીકે જોડાયા. આજ પણ તેઓ તે સ્થાને છે. તેમનો પ્રિય વિષય ઇતિહાસ છે.

એમના ગ્રંથોની યાદીઃ

૧ વાર્ત્તાવૃક્ષ (ટૂંકી વાર્તાઓ) ૧૯૧૪
૨ ચોખેરવાલી (ટાગોરની નવલકથાનો અનુવાદ) ૧૯૧૬
૩ અલકકિશોરી. (સૂચિત) ૧૯૧૬
૪ સ્વદેશ (નિબંધો) ૧૯૧૮
૫ સુમન સંચય (કાવ્યો) ૧૯૧૮
૬ ડૂબતું વહાણ (ટાગોરની નવલકથાનો અનુવાદ) ૧૯૧૯
૭ ટાગોરની ટૂંકી વાર્તાઓ (ભાષાન્તર) ૧૯૨૦
૮ સત્તરમી સદીનું ફ્રાન્સ (ભા. ૧ લો)
(અલેકઝાંડર ડુમાના થ્રી મસ્કેટીઅર્સનું ભાષાન્તર.) ૧૯૨૦
૯ પ્રબોધકુમાર (સૂચિત) ૧૯૨૨
૧૦ સંસાર બંધન (સૂચિત) ૧૯૨૩
૧૧ દિવ્યજ્યોતિ (મૌલિક) ૧૯૨૩
૧૨ દિવાની કે શાણી? (વીલ્કી કૉલિન્સના ધી વુમન ઇન વ્હાઇટનું ભાષાન્તર.)
૧૩ અનુપમ–ઉષા (મૌલિક) ૧૯૨૫
૧૪ લક્ષ્મી અથવા જન્મભૂમિની જય ગર્જના (“) ૧૯૨૭
૧૫ સોરઠના ચિતારા (ઐતિહાસિક નવલકથા) ૧૯૨૮
૧૬ રૂપેરી રાજહંસ (ડિટેકિટવ નવલકથા) ૧૯૨૯