ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/નર્મદાશંકર દેવશંકર મહેતા

From Ekatra Wiki
Revision as of 04:14, 9 September 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નર્મદાશંકર દેવશંકર મહેતા|}} {{Poem2Open}} એઓ જ્ઞાતિએ સાઠોદરા નાગર ગૃહસ્થ છે. એમનો જન્મ તા. ૨૩મી ઑગષ્ટ ૧૮૭૧ના દિવસે થયો હતો. એમના પિતાનું નામ દેવશંકર નભુભાઇ, જેઓ અમદાવાદ દસ્ક્રોઇના પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નર્મદાશંકર દેવશંકર મહેતા

એઓ જ્ઞાતિએ સાઠોદરા નાગર ગૃહસ્થ છે. એમનો જન્મ તા. ૨૩મી ઑગષ્ટ ૧૮૭૧ના દિવસે થયો હતો. એમના પિતાનું નામ દેવશંકર નભુભાઇ, જેઓ અમદાવાદ દસ્ક્રોઇના પહેલા વર્ગના મામલતદાર હતા. માતાનું નામ બાઇ રૂક્ષ્મિણી, જે ઉલ્લાસરામ અર્જુનલાલના પુત્રી થાય. સ્વ. ઉલ્લાસરામે પણ મામલતદારી ભોગવી, સરકારની નોકરી સરસ રીતે બજાવી, એમનો વિશ્વાસ અને માન સંપાદન કર્યાં હતાં, તે એમને મળેલાં અનેક સરટીફીકેટ અને પત્રો પરથી સમજાય છે. સ્વ. કવિ બાલાશંકર એમના પુત્ર અને શ્રીયુત નર્મદાશંકરના મામા થાય.

સન ૧૮૮૮માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી, તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયલા. સન ૧૮૯૪માં બી., એ.ની પરીક્ષા ભાષા (English and Sanskrit Literature) ઐચ્છિક વિષય લઈને ઉંચે નંબરે વડોદરા કૉલેજમાંથી પાસ થતાં, તેમને ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમવામાં આવ્યા હતા. તે વખતે પ્રિન્સિપાલ આનંદશંકર કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા. તેમણે એમનામાં સંસ્કૃતિ માટે અભિરુચિ અને પ્રેમ જાગૃત કરેલા, તે કારણે તેઓ અદ્યાપિ એમના માટે ગુરૂભાવ સેવે છે. બી. એ.,ની પરીક્ષામાં તેમને સંસ્કૃતમાં ભાઉ દાજી ઇનામ રૂ. ૨૦૦)નું મળેલું, જે ઇનામ મેળવનાર ગણ્યાંગાંઠયાં ગુજરાતીઓ મળી આવશે અને તેજ વર્ષે સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ મુંબાઇ યુનિવર્સિટી તરફથી હરીફાઇ નિબંધ માટે મળ્યું હતું. ત્યાર પછી બીજીવાર તેજ પ્રાઇઝ હરીફાઈમાં સને ૧૮૯૯ની સાલનું “અદ્વૈત બ્રહ્મ સિદ્ધિ” નામના ગ્રંથના ઇંગ્રેજી ભાષાંતર બદલ તેમણે મેળવ્યું હતું.

એમના પ્રિય વિષયો ધર્મ અને તત્ત્વજ્ઞાન છે. તેના અભ્યાસ અને અધ્યયનમાં એમને એમને સંસ્કૃતનું ઉંડું જ્ઞાન અને વિશાળ વાચન બહુ મદદગાર નિવડ્યાં છે.

સન ૧૮૯૬માં તેઓ રેવન્યુ ખાતામાં કલાર્ક તરીકે જોડાયલા; અને એ કારકજામાંથી સતત ઉદ્યોગ, ખંત, ખબરદારી, જાત હુંશિયારી, જે તે વિષય પરનું પ્રભુત્વ અને વિદ્વત્તાને લઈને તેઓ સરકારી નોકરીમાં, ડેપ્યુટી કલેકટરના ઉંચા હોદ્દા સુધી પહોંચ્યા હતા. એમની એ તીવ્ર બુદ્ધિશક્તિ અને બુદ્ધિચાપલ્ય તેમ બહોળા અનુભવની ખ્યાતિથી ખેંચાઈ, મુંબાઇ કોરપોરેશને એમની તેના ડેપ્યુટી કમિશનર તરીકે પસંદગી કરી હતી. ત્યાંનું કામકાજ એટલું સંતોષકારક નિવડ્યું હતું કે તેઓ નિવૃત્ત થયા પછી પણ કોરપોરેશને તેમને રિટ્રેન્ચમેન્ટ(ખર્ચમાં કાપકુપ)ના કામ માટે ફરી નિમ્યા હતા, જે એક ઉત્તમ પ્રમાણપત્ર લેખાય; અને તેની વિશેષ પ્રતીતિ સિટિ ઇમ્પ્રુવમેન્ટ બોર્ડે રૂ. ૨૦૦૦ના માસિક પગારથી એમને મુંબાઇ છોડી જતાં જતાં તેના એકિટંગ ચિફ ઑફીસર તરીકે નિમણુંક કરી હતી, તેથી થાય છે.

આથી જ્યાં જ્યાં અને જેમની હાથ નીચે અને જેમની સાથે એમને નોકરી કરવાના અને કામ કરવાના પ્રસંગો પડેલાં છે ત્યાં ત્યાં એમને હમેશ યશ મળેલો છે અને એમના કાર્યની ને સેવાની પ્રશંસા થયલી છે, જેની ખાત્રી એમને મળેલાં સંખ્યાબંધ ઉપલા અધિકારીઓના પત્રો, ઠરાવો અને સરટીફીકેટ કરી આપશે.

રેવન્યુ ખાતું જ એવું છે કે ત્યાં ભલભલો સરસ્વતી દેવીનો ઉપાસક, તેની આરાધના અને સેવામાં શિથિલ થઈ જાય; એટલી બધી તે નોકરી વ્યવસાયી, શ્રમભરી અને વ્યગ્રતા કરનારી છે. પણ એમના સંબંધમાં ખુશી થવા જેવું એ છે કે ચાલુ નિયત કાર્ય અને અન્ય વ્યવસાયોમાંથી સમય મેળવી, સરસ્વતી દેવીની સતત આરાધના કરવાનું તેઓ વિસર્યા નથી.

દક્ષિણ ફેલો હતા ત્યારે સુજ્ઞ ગોકુળજી ઝાલા નિબંધ ઈનામ મળેલું તે પછી સન ૧૮૯૯માં ચાલુ નોકરી સાથે ફરી હરીફાઈમાં ઉતરી ‘અદ્વૈત બ્રહ્મસિદ્ધિ’ એ કઠિન ગ્રંથનો અનુવાદ કરી, સદરહુ ઇનામ બીજીવાર મેળવેલું.

આ વેદાંત પ્રાઇઝ બેવાર મેળવનાર તેજ ઇનામના સંબંધમાં પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ સાથે સને ૧૯૧૮–૧૯ના અરસામાં મુંબઈ યુનીવર્સીટી તરફથી પરીક્ષક નીમાયા હતા.

ત્યાર પછી એમનો લેખિનિ પ્રવાહ સતત્ વહેતો રહ્યો છે. એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ સો સવાસોથી વધુ થવા જાય છે, જેમાંના ઘણાખરા લેખો ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતાં છે. આ લેખો ઘણાખરા શ્રેયઃ સાધક અધિકારી વર્ગ તરફથી વર્ષમાં બે વાર પ્રકટ થતી “સદુપદેશ શ્રેણી”માં પ્રસિદ્ધ થયા છે.

શ્રીમન નૃસિંહાચાર્યને તેઓ પોતાના પૂજ્યગુરૂ માને છે અને શ્રી શ્રેયઃ સાધક અધિકારી વર્ગ–મંડળની પ્રવૃત્તિમાં ભાવપૂર્વક મુખ્ય ભાગ લે છે, જ્યાં એમનું પ્રતાપી વકતૃત્વ તેમ ગંભીર તાત્ત્વિક વિચારવાળું ધાર્મિક પ્રવચન, હમેશ અસરકારક અને આલ્હાદક અને મનનીય થઈ પડે છે.

સાહિત્ય પ્રતિ ખેંચાણ એમના મામા બાલાશંકરના સહેવાસથી થયલું. સન ૧૮૮૫માં તેમણે ‘સતીનાટક’ લખેલું; સન ૧૮૯૨–૯૩માં તોટકાચાર્ય કૃત ‘શ્રુતિસાર સમુદ્ધરણ’નો અનુવાદ અને તે પછી મહાકાળમાં (વૉ. ૧૨) અપ્પય દિક્ષિતના ‘વૈરાગ્ય શતક’નો તરજુમો છપાવેલો.

એમના સ્વતંત્ર ગ્રંથોમાં ગુ. વ. સોસાઇટી માટે લખી આપેલાં ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’, બે ભાગમાં; ‘અખો’, કમળાશંકર વ્યાખ્યાનમાળા અંગે આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ, ‘સુપ્રજનન શાસ્ત્ર’ સયાજી સાહિત્યમાળા માટે લખેલું અને ‘સંધ્યાકર્મ વિવરણ’, ‘પ્રાતઃકાળ’ના તંત્રી તરફથી પ્રસિદ્ધ થયેલું એ ચારનો સમાવેશ થાય છે; અને તે બધાં ઉંચી કોટિનાં, મૂલ્યવાન અને સ્થાયી ઉપયોગનાં ગ્રંથો છે.

‘સુપ્રજનનશાસ્ત્ર’ એ પુસ્તકનો મૂળ ખરડો ઇંગ્રેજીમાં એક હરીફાઇ નિબંધ માટે લખાયલો; અને ઇંગ્લાંડની યુજીનિકસ સોસાઇટીએ તેને શ્રેષ્ટ ગણી ઇનામ બક્ષ્યું હતું.

આ ઉપરાંત સંસ્કૃત, ગુજરાતી, તથા ઇંગ્રેજી ઘણાં પુસ્તકોની ઇંગ્રેજીમાં તેમણે સમાલોચના The Indian Social Reformer તથા Indian Daily Mail કરેલી છે.

સ્થાનિક સ્વરાજ્ય માટેનું એમનું કાર્ય જાણીતું છે. રેવન્યુ ખાતામાં હતા ત્યારથી તે માટે પ્રયત્ન કરતા રહ્યા છે.

તે પછી અમદાવાદ મ્યુનિસિપાલેટીમાં ચીફ ઑફીસર તરીકે બે વાર અને છેવટ મુંબાઇ કોરપોરેશનમાં, નિવૃત્તિ થતાં આગમચ ડેપ્યુટી કમિશ્નરના ઓદ્ધા પર રહી કામ કરેલું, જે એકમતે પ્રશંસનિય ગણાયું છે.

તત્ત્વજ્ઞાન અને ધર્મના ઉંડા અભ્યાસી અને સમર્થ ચિંતક તરીકે એમની ખ્યાતિ બહોળી છે, અને નવમી સાહિત્ય પરિષદે એમને ધર્મવિભાગના અધ્યક્ષ નીમીને, પરિષદનું ગૌરવ વધાર્યું હતું.

તે સાથે તેઓ પ્રખર વક્તા છે; એટલે એમની વિદ્વત્તા અને જ્ઞાનની છાપ શ્રોતા પર ઉંડી પડી, તેમના પ્રત્યે માનની લાગણી ઉપજાવે છે.

એઓ હાલમાં નિવૃત્ત થયલા છે. ઘણોખરો સમય અભ્યાસ અને લેખનકાર્યમાં અને જે કાર્યોમાં પોતાને શરૂઆતથી શોખ હતો, તે સ્થાનિક સ્વરાજ્ય–મ્યુનિસિપલ કાર્યમાં વ્યતીત કરે છે. તેઓ સરકાર નિયુક્ત મ્યુનિસિપલ સભ્ય છે; અને હમણા સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષપદે બિરાજે છે. સ્થાનિક સ્વરાજ્યની ઈલાકાની સંસ્થાના (Local self Govt. Institute) તેઓ વાઈસ પ્રેસિડેન્ટ છે. અમદાવાદમાં સ્થાનિક સંસ્થાઓના નોકરોને શિક્ષણ આપવાનો કલાસ ઈલાકાની ઉપરની સંસ્થા તરફથી કાઢવામાં આવ્યો છે તેના તેઓ ચાલક છે, અને શિક્ષક પણ છે.

તેમણે સોસાઇટી તરફથી અખાકૃત ગીતા, પંચીકરણ અને ગુરૂશિષ્ય એ કાવ્યોનું સંશોધન કરી, એક વિસ્તૃત ઊપોદ્ઘાત સાથે તે એડિટ કરવાનું તેમજ ઉપનિષદ્ વિષે એક સ્વતંત્ર ગ્રંથ લખી આપવાનું સ્વીકાર્યું છે.

તે સાથે એમના છૂટક લેખો એક સ્વતંત્ર ગ્રંથરૂપે છપાય તો તત્ત્વજ્ઞાનના વાચકને તેમાંથી ખચિત્ ઘણું જાણવાનું અને શિખવાનું મળી આવે.

એમના ગ્રંથોની યાદીઃ

૧. સતી નાટક સન ૧૮૮૫
૨. શ્રુતિસાર સમુદ્ધરણ [તોટકાચાર્ય] સન ૧૮૯૨–૯૩
૩. વૈરાગ્ય શતક
૪. સુપ્રજનનશાસ્ત્ર સન ૧૯૨૨–૨૩
૫. સંધ્યા કર્મ વિવરણ સન ૧૯૨૦–૨૧
૬. હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ પૂર્વાર્ધ સન ૧૯૨૩–૨૪
૭. ઉત્તરાર્ધ સન ૧૯૨૪–૨૫
૮. Evolution of the conception of Pranave