રમણીક સોમેશ્વરની કવિતા/મારું પગેરું ક્યાં મળે છે
Jump to navigation
Jump to search
૮. મારું પગેરું ક્યાં મળે છે
મારું પગેરું ક્યાં મળે છે કોઈ સ્થળ કે કાળમાં,
બીજમાં પણ હોઉં, ને હું હોઉં ટગલી ડાળમાં!
મંદ મસ્તીભર પદોમાં કે પછી કરતાળમાં,
હું વણાતો જાઉં છું ધીમે કબીરી સાળમાં!
ક્યાં હવાને કોઈ પણ આકારમાં બાંધી શકો
હોઉં છું ને તે છતાં હોતો નથી ઘટમાળમાં
કોઈ સમજણ બહારનું કારણ હશે એમાં જરૂર,
ઓરડેથી નીકળી અટકી ગયો પરસાળમાં!
આમ તંતોતંત વહેતો હોઉં છું ચારે તરફ,
ને છતાં હોતો નથી હું કોઈ સ્થળ કે કાળમાં!