ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પોપટલાલ ગોવિંદલાલ શાહ

From Ekatra Wiki
Revision as of 03:04, 10 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પોપટલાલ ગોવિંદલાલ શાહ

એઓ મૂળ અમદાવાદના વતની; જ્ઞાતે વીશા પોરવાડ મેશ્રી વણિક છે. એમનો જન્મ સન ૧૮૮૮માં ૯મી ડિસેમ્બરે વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ ગોવિંદલાલ કશનદાસ અને માતાનું નામ બાઇ રૂકિમણી છે.

એમણે શરૂઆતનું પ્રાથમિક તેમજ માધ્યામિક શિક્ષણ વડોદરા અને અમદાવાદ બંને શહેરોમાં લીધેલું. સન ૧૯૦૨માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, તેઓ વડોદરા કૉલેજમાં દાખલ થયેલા. સન ૧૯૦૭માં વિલસન કોલેજમાંથી બી. એ.ની પરીક્ષા ‘વિજ્ઞાન’ ઐચ્છિક વિષય લઇને પહેલા વર્ગમાં પાસ કરી હતી; તે વખતે તેમને યુનિવર્સિટી તરફથી વિજ્ઞાનમાં પ્રથમ સ્થાન મેળવવા માટે નારાયણ વાસુદેવ સ્કોલરશીપ અને ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં ઉંચા માર્કસ મેળવવા માટે જેમ્સ ટેલર પ્રાઇઝ આપવામાં આવ્યાં હતાં. સન ૧૯૦૮માં રસાયન ભૂ–વિદ્યા સાથે બી. એસસી.ની પરીક્ષા અને સને ૧૯૦૯માં એમ. એ.ની પરીક્ષામાં ઉર્ત્તીર્ણ થયા હતા. બી. એ.માં પહેલા વર્ગમાં આવ્યાથી બે વર્ષ સુધી વિલ્સન કોલેજમાં દક્ષિણા ફેલો નિમાયા હતા; એટલું જ નહિ પણ ત્રીજે વર્ષે કૉલેજ તરફથી (સન ૧૯૧૦માં) તેમને રસાયનવિદ્યા અને ભૂવિદ્યા શિખવવાનું સોંપવામાં આવ્યું હતું. તે પછી લાહોરમાં ફોર્મન ક્રિશ્ચિયન કૉલેજમાં રસાયનશાસ્ત્રના વ્યાખ્યાતા તેઓ નિમાયા હતા અને ત્યાં સન ૧૯૧૪ સુધી નોકરીમાં રહ્યા હતા. એ કામની સાથે એમણે સરકારી ઇંડિયન ઑડિટ અને એકાઉન્ટ ખાતાની હરીફાઈની પરીક્ષા ઉંચા નંબરે પાસ કરવાથી તેમને સરકારી નોકરીમાં લેવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ એ ખાતામાં મુંબાઇના ડેપ્યુટી એકાન્ટન્ટ જનરલનો ઓદ્ધો ભોગવે છે. એ માન મેળવનાર તેઓ પહેલા ગુજરાતી છે.

હિસાબી ખાતામાં પડવા છતાં એમનો વિજ્ઞાન પ્રતિનો પ્રેમ વા અભ્યાસ ઓછો થયો નથી; અને તે વિષયને જનતામાં લોકપ્રિય કરવા સારૂ તેઓ યથાશક્તિ પ્રયત્ન કરતા રહે છે.

સને ૧૯૧૦માં એમને મુંબાઇ યુનિવર્સિટી તરફથી સર જ્યોર્જ લ ગ્રાન્ડ જેકબ પ્રાઇઝ, “ઓગણીસમા શતકનો હિન્દી ઉદ્યોગનો ઇતિહાસ” લખવા માટે, મળ્યું હતું. સન ૧૯૧૨માં એશબર્નર પ્રાઇઝ હિન્દમાં ત્રાંબા, પીતળ અને એલ્યુમીનીઅમના ઉદ્યોગો વિષે નિબંધ લખવા માટે મળ્યું હતું. તે ઉપરાંત હિંદી રસાયનિક ઉદ્યોગો વગેરે વિષયો ઉપર હિંદી ઔદ્યોગીક પરિષદમાં તેમણે નિબંધો લખી મોકલ્યા હતા. તે પરથી એ વિષયમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે અને પારંગત છે, એનો સહજ ખ્યાલ આવશે.

ગુજરાતી માસિકોમાં પ્રસંગોપાત વિજ્ઞાન વિષે એમના લેખો આવતા રહે છે. એવા એમના લેખોનો એક સંગ્રહ, પરિષદ ભંડોળ કમિટી તરફથી “વિજ્ઞાન વિનોદ” એ નામથી જુદા પુસ્તક રૂપે પ્રકટ થયલો છે. વિજ્ઞાનના વિચારો અને વિજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સમજાવનારું તેમનું એક સ્વતંત્ર પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી “વિજ્ઞાન વિચાર” એ નામથી પ્રસિદ્ધ થયું છે, તે ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના અંગે વિજ્ઞાન સમિતિ સ્થાપવામાં અને નિભાવવામાં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો અને વિજ્ઞાનને લોકપ્રિય કરવાના એમના છૂટાછવાયા પ્રયત્નો નોંધવા યોગ્ય છે. હમણાં જ તેમના તરફથી વિજ્ઞાનના જૂદા જૂદા વિષયો પર ઉત્તમ નિબંધ લખી મોકલનારને ચાર ઇનામો દરેક રૂ. ૧૦૦, ૧૦૦ના આપવાની યોજના બહાર આવી હતી, તે બતાવે છે કે વિજ્ઞાનના પ્રચાર માટે તેઓ કેટલી ઉત્સુકતા ધરાવે છે.

એમના ગ્રંથોની યાદીઃ

વિજ્ઞાન વિનોદ સન ૧૯૨૭
વિજ્ઞાન વિચાર સન ૧૯૨૯