ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મગનભાઈ ચતુરભાઈ પટેલ

From Ekatra Wiki
Revision as of 03:52, 10 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મગનભાઈ ચતુરભાઈ પટેલ

જાતે પાટીદાર; નડિયાદના વતની. એમનો જન્મ સન ૧૮૭૬માં નડિયાદમાં થયેલો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં જ લીધેલું અને કૉલેજ કેળવણી વિલસન અને બરોડા કૉલેજમાં મેળવેલી. તેઓએ સન ૧૮૯૮માં બી. એ;ની પરીક્ષામાં પાસ કરી, સન ૧૯૦૦માં એલએલ. બી;ની પરીક્ષા આપી હતી. આના રીઝલ્ટ માટે રાહ જોતા હતા, એવામાં સન ૧૮૯૮–૯૯ના દુકાળમાં રેવન્યુ નોકરોએ કરેલા અત્યાચારો સંબંધમાં તપાસ કરવા કમિશન નિમાયું, તેમાં સ્વર્ગસ્થ સર ગોકળદાસની મદદે તેઓ ગયા, ત્યારથી એમના જાહેર જીવનની શરૂઆત થાય છે. સન ૧૯૦૧માં તેઓ અમદાવાદમાં વકીલાત કરવા આવ્યા અને અહિં પ્રથમ વાર ક્રોગ્રેસ ભરાઈ (૧૯૦૫) ત્યારે એમણે બહારગામ જઈ નાણાં ઉઘરાવવામાં તેમજ બીજા કાર્યોમાં સારી મહેનત ઉઠાવી હતી; અને તે સમયથી અમદાવાદનું જાહેરકામ કોઈ એવું નહિ હોય કે જેમાં મગનભાઈનો હાથ કે હાજરી નહિ હોય.

તેઓ એક સારા વક્તા હતા, તેથી શ્રોતા પર સારો એમનો પ્રભાવ પડતો અને એમના વ્યાખ્યાનની પણ તેમના પર ઉંડી અસર થતી જણાતી. એ અરસામાં દેશમાં સ્વદેશીનું મોજું ફરી વળ્યું, તેમાં આગેવાનીભર્યો ભાગ લીધો; સ્વદેશી સ્ટોર્સ કાઢવામાં સારી મદદ આપી; અને લોકલાગણી જાગૃત કરવા અને કેળવવા કાવ્યો લખવા માંડ્યાં, જેમાંનું ‘એક દિન એવો આવશે’ એ નામનું કાવ્ય બહુ પંકાયું હતું અને ક્ષાત્રપાળ–રાણા પ્રતાપ વિષેનું આખું કાવ્ય પણ પ્રશંસા પામ્યું હતું.

સ્વદેશી હિલચાલમાં તેઓ અગ્રેસરભર્યો ભાગ લેતા હતા તેથી સરકાર પણ એમના પ્રતિ સંશયની નજરે જોતી હતી. તેઓ એક સાચા અને શુદ્ધ દેશભક્ત હતા, એમ એમના પ્રસંગમાં આવનાર કોઈ પણ વિના સંકોચે કહી શકે; પાછળથી રાજકીય વિષયમાં મતભેદ ઉપસ્થિત થતાં, તેઓએ પોતાના અભિપ્રાયને ખુલ્લી રીતે–નિખાલસપણે વ્યક્ત કરવામાં કદી પાછી પાની કરી નહોતી. સન ૧૯૧૫માં હોમરૂલ લીગની ચળવળ પુષ્કળ ફેલાઈ હતી, ત્યારે અમદાવાદ જીલ્લા હોમરૂલ લીગના સેક્રેટરી તરીકે તેમણે જૂદે જૂદે ગામે ભાષણો કરીને લગભગ ૯૦ શાખાઓ સ્થાપી હતી, એ પરથી દેશ અને દેશ સેવા માટેની એમની ધગશ કેટલી ઉંડી હતી તે સહજ સમજાશે. સન ૧૯૨૯માં ખેડા જીલ્લામાં સત્યાગ્રહ શરૂ કરવામાં આવેલો, ત્યારે તેમણે પ્રથમ જ તે સામે પોતાનો વિરોધ દર્શાવેલો; પરંતુ તે સાથે જમીન મહેસુલ સંબંધમાં ઇંગ્રેજીમાં સંખ્યાબંધ લેખો લખી મોકલી, ખેડુતપક્ષનું પોતે સમર્થન કર્યું હતું. તે પછી તેઓ રાજકીય ક્ષેત્રમાંથી અલગ પડી જઇ, સાહિત્ય અને ધર્મના અભ્યાસમાં મચ્યા રહ્યા, જેના પરિણામે તેઓ ગીતા, ઉપનિષદ્ અને બ્રહ્મસૂત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરવાની સાથે તે પર “જ્યોતિ” નામની સ્વતંત્ર ટીકા લખવા શક્તિમાન થયા હતા. તે પૂર્વે એમણે પોતાનો કાવ્યસંગ્રહ ‘કુસુમાંજલિ’ એ નામથી છપાવ્યો હતો; અને સીલીકૃત ઇંગ્રેજી રાજ્ય વિસ્તાર–Expansion of England એ જાણીતા પુસ્તકનું ભાષાંતર ગુ. વ. સોસાઇટી માટે કરેલું છે, તે હવે પછી છપાશે.

કવિ કાલિદાસના સુપ્રસિદ્ધ “શકુન્તલા”નો જોઈએ તેવો સારો અને ભાવવાહી અનુવાદ થયો નથી, એવી માન્યતાથી તેમણે સન ૧૯૧૫માં તેને નવેસર ગુજરાતીમાં ઉતાર્યું હતું.

એમના ગ્રંથોની યાદીઃ

વૈદેહી વિજય ૧૮૯૯
ક્ષાત્રપાળ કાવ્ય [મહારાણા પ્રતાપ] સં ૧૯૦૯
કુસુમાંજલિ (કાવ્યસંગ્રહ) ૧૯૦૯
કાવ્યાર્થ પ્રદિપ [‘સુદર્શન’માં પ્રકટ થયેલું] ૧૯૧૦
શિક્ષકનું કર્તવ્ય (નિબંધ) ૧૯૦૭
સ્વદેશી હિલચાલ ( ” ) ૧૯૦૮
અભિજ્ઞાન શાકુંતલ (ભાષાંતર) ૧૯૧૫
Studies in Land Revenue and Economics. ૧૯૨૫
ભગવદ્ ગીતા–જ્યોતિ ૧૯૨૭
ઉપનિષદ જ્યોતિ ભા. ૧ લો ૧૯૨૯
ભા. ૨ જો ૧૯૨૯
બ્રહ્મમીમાંસા જ્યોતિ [છપાય છે.]
__________________________________________________________________
* અમને નોંધતાં ખેદ થાય છે કે પ્રસ્તુત ગ્રંથ છપાઈને બહાર પડે તે આગમચ તા. ૧૬મી માર્ચ ૧૯૩૦ ને રવિવારે એમનું અવસાન થયું છે.