ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રવિશંકર ગણેશજી અંજારિયા

From Ekatra Wiki
Revision as of 01:21, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રવિશંકર ગણેશજી અંજારીઆ

એઓ જ્ઞાતિએ વડનાગરા ગૃહસ્થ છે. મૂળ વતની રાજકોટના અને જન્મ પણ ત્યાંજ સંવત ૧૯૧૯ના વૈશાખ સુદ ૧૪ના રોજ થયો હતો. એમના પિતાનું પુરું નામ ગણેશજી માંડણજી અંજારીઆ અને માતુશ્રીનું નામ નિર્ભયકુંવર, તે ધ્રોળના કુંવરજી અંદરજી ધોળકીઆની પુત્રી હતાં. પિતાજી સને ૧૮૮૮ના અકટોબર માસમાં રાજકોટમાં ગુજરી ગયા તે વખતે તેમની સારવાર માટે રવિશંકર રાજકોટ આવ્યા અને જોકે છેવટની એલ. એમ. એન્ડ એસની પરીક્ષામાં બેઠા પણ એક મીડવીફરીના વિષયમાં થોડા માર્ક માટે નાપાસ થયા. બીજા બધા વિષયોમાં તો પહેલા કલાસ જેટલા માર્ક હતા એટલુંજ નહિ પણ જે પરીક્ષા પસાર કરી હોત તો જ્યુરીસ્પ્રુડન્સનો ગોલ્ડ મેડલ મેળવવા માત્ર એક માર્કની ત્રુટી હતી.

ગુજરાતી સાત ધોરણ પુરાં કર્યા બાદ અંગ્રેજીમાં મેટ્રીકની પરીક્ષા સન ૧૮૮૧માં ઊંચે નંબરે પસાર કરી. મેડીકલ કોલેજમાં જવા જ સંકલ્પ હતો પણ પૈસાની તંગ સ્થિતિને લીધે કોલેજનું ખરચ ઉપડે તેવું ન હોવાથી બે વર્ષ નોકરી કરવી પડી. પ્રથમ રાજકોટ–કાઠિયાવાડ હાઇસ્કુલમાંજ નોકરી કરી. ત્યારબાદ ત્યાંનાજ પાંચમા ધોરણના ટીચર માણેકલાલ સાકરલાલ દેસાઈ કચ્છ–હાઇસ્કુલ–ભૂજનો હેડમારતર નીમાતા તેની સાથે ભૂજ હાઇસ્કુલમાં નોકર રહ્યા. ત્યાં દશ મહિના નોકરી કરી. દરમિયાન મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા પૈસાની ‘લોન’ની વગર વ્યાજૂ સગવડ થતાં ૧૮૮૩ના નવેંબરમાં ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં મુંબઇમાં દાખલ થએલ. ઉપર નંબર હોવાથી પાંચ વર્ષ માટે કોલેજમાંથી ગર્વમેન્ટ એગ્ઝીબીશન માસિક રૂપીઆ દેશનું મળ્યું ને છેવટની પરીક્ષા સુધીમાં ઉત્તરોત્તર બીજી પરીક્ષા પસાર કરી. છેવટની એલ. એમ. એન્ડ એસની પરીક્ષામાં ઉપર મુજબ નાપાસ થયા.

કુટુમ્બનાં ગુજરાનની ફીકર, નાના ભાઈઓની કેળવણીની ફીકર અને પૈસા વગર વ્યાજૂ જેના લીધેલ તેને પાછા આપવાની તાલાવેલીમાં રાજકોટ નોકરી લેવી પડી. ત્યાંથી બે વરસ નાંદોદ નોકરી લેવી પડી. આ બંન્ને નોકરી દાક્તરી લાઇનની નહોતી તેથી વધારે પગાર મળતો છતાં દાક્તરી જ્ઞાન કટાય એ બીકે કોટડા સાંગાણીમાં નાના (પાંસઠ ૬૫ રૂા.) પગારથી ત્યાંના મેડીકલ ઓફીસરની જગ્યા લીધી.

ત્યાં છ વર્ષ નોકરી કરી અને કોટડાના કા. સા. તથા વડીઆ દરબાર સાહેબોને હિંદુસ્તાનની મુસાફરીએ જવાનું થતાં સાથે મેડીકલ ઓફીસર તરીકે રવિશંકરને જવું પડ્યું તેથી એ મોટો લાભ થયો.

૧૮૯૮ના જૂલાઈ માસથી મે. પોલીટીકલ એજન્ટ કર્નલ હંટરના પ્રયાસથી અંગ્રેજી બધી દવા કાઠીઆવાડમાં બનાવી શકાય એવા હેતુથી સ્ટેટોને સમજાવી રાજકોટમાં લક્ષ્મણ કેમીકલ લેબોરેટરી અને ફાર્મસી સ્કુલ કહાડી, તેમાં અંગ્રેજ અમલદાર દાક્તર એચ. બીની ડિરેક્ટર તરીકે અને રવિશંકરની આસિસ્ટન્ટ ડીરેક્ટર તરીકે નીમણુંક થઇ.

લેબોરેટરીમાં એક ફરજ રવિશંકરની એ હતી કે આયુર્વેદિક ગ્રન્થનો તરજૂમો અંગ્રેજીમાં કરવો. એક સારા વિદ્વાન દેશી વૈદ અને સંસ્કૃતના અભ્યાસી પ્રાણશંકર પ્રેમશંકર પટ્ટણીની સંસ્કૃત પુસ્તકનો ગુજરાતીમાં તરજૂમમો કરવાની નીમનોક થઈ હતી. રવિશંકરે તે ગુજરાતી તરજૂમાનું અંગ્રેજી કરવાનું હતું. આથી રવિશંકરને આયુર્વેદના જ્ઞાનનો અલભ્ય લાભ મળ્યો, જે આખી જિંદગી દાક્તરી ધંધામાં ઉપયોગી નીવડ્યો.

રાજ્યોની ખટપટને લીધે કર્નલ હંટર રીટાયર થયા પછી તુરત રાજકોટ કેમીકલ લેબોરેટરી બંધ પડી. ત્યારબાદ ૧૯૦૩થી રવિશંકરને માંગરોળના મરહૂમ શેખસાહેબ હૂસેનમીયાંએ માંગરોળ ચીફ મેડીકલ ઓફીસર તરીકે નીમી એમને માંગરોળ લાવ્યા.

માંગરોળમાં ૧૯૧૭ના એપ્રિલ સુધી નોકરી કરી. ઉમ્મર થવાથી વાનપ્રસ્થાવસ્થા માંગરોળમાંજ ગાળવા નિશ્ચમ કર્યો અને ત્યાંજ બનતી લોકસેવા કરી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.

એમના નિત્યજીવનની હકીકત “વગર દોકડાનો વૈદ્ય” એ પુસ્તકમાં એમણે આપેલી છે; અને તેના વાચનથી જોઈ શકાય છે કે એમનું જીવન કેવું સેવાભાવી અને કર્ત્તવ્યનિષ્ટ છે તેમજ નિયમ અને વ્યવસ્થાના પાલનથી અને નિયમિત વ્યાયામથી શરીર તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્યવાળું થઈ શકે છે. વિશેષમાં નિવૃત્તિકાળમાં એક મનુષ્ય કેવી રીતે સમાજને ઉપયોગી અને ઉપકારક થઈ પડે, એનું પ્રત્યક્ષ પ્રમાણ એમનું જીવન પૂરું પાડે છે. તે જીવન ખરે અનુકરણીય છે. એવી સેવાભાવનાની વૃત્તિથી પ્રેરાઈને અને સાહિત્ય પ્રતિના પ્રેમથી આકર્ષાઈ ગુજરાતી જનતાને વૈદક અને આરોગ્યને લગતું જ્ઞાન આપવાને તેઓ શરૂઆતથી પ્રયત્ન કરતા આવ્યા છે. રોગ મટાડવા કરતાં રોગ થતો અટકે અને કુદરતી નિયમને અનુસરતા મંદવાડ કેમ ન આવે તેવી જાતનોજ તેમનો પ્રયત્ન છે. આજસુધીમાં એમણે સાતેક પુસ્તકો જાતે છપાવી પ્રકટ કર્યો છે અને તે માર્ગદર્શક ઉપયોગી ગ્રંથો છે, એમ તે વાચનાર કોઇપણ કહી શકશે.

એમના ગ્રંથોની યાદી:

૧ વહુને શિખામણ [ત્રણ આવૃત્તિઓ] સન ૧૮૯૧
૨ મરકીની ટુંકી હકીકત સન ૧૯૦૬
૩ દીર્ઘાયુ શી રીતે થવાય (બોર્ડ ઉપર ઘરમાં લટકાવી શકાય તેવું) સન ૧૯૧૪
૪ નાગરના રિવાજો તથા તેમાં થવા જોઈતા ફેરફાર સન ૧૯૦૦
૫ સુખમય જીંદગી સન ૧૯૧૮
૬ વગર દોકડાનો વૈદ્ય સન ૧૯૨૮
૭ વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તી સન ૧૯૩૦