ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રામલાલ ચુનીલાલ મોદી

From Ekatra Wiki
Revision as of 01:27, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામલાલ ચુનીલાલ મોદી

એઓ પાટણના વતની અને જ્ઞાતિએ દશા વાયડા વણિક કોમના છે. એમનો જન્મ સંવત ૧૯૪૬ના શ્રાવણ સુદ ૭ના દિન થયો હતો. એમના પિતાનું નામ ચુનીલાલ નરભેરામ અને માતાનું નામ બાઈ જડાવ–તે ઈશ્વરદાસ રતનજીની પુત્રી છે. તેમના મામા પોતાની પરમ વૈષ્ણવતા માટે ગુજરાતમાં જાણીતા થયેલા કેશવલાલ ઈશ્વરદાસ હતા. એમના ધાર્મિક વિચારો ઉપર તેમની ઊંડી અસર થઈ છે.

એમણે બધું શિક્ષણ પાટણમાં લીધું છે. તેમણે સન ૧૯૦૮માં પાટણ હાઇસ્કુલમાંથી મેટ્રિક્યુલેશન અને સ્કુલફાઈનલની પરીક્ષાઓ પાસ કરી હતી. તે પછી તેઓ વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા હતા અને હાલમાં પાટણ હાઈસ્કુલમાં શિક્ષક છે. થોડાં વર્ષ તેઓ ઉંઝા અને ચાણસ્માની મીડલ સ્કૂલમાં હેડમાસ્તર પણ હતા.

એમના પ્રિય વિષયો પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસનું સંશોધન છે. અને એ ક્ષેત્રમાં કેટલુંક મહત્વનું તેમ ઉપયોગી કાર્ય કરવા તેઓ શક્તિમાન થયા છે. એમનો પ્રથમ લેખ “ગુજરાતી શબ્દકોષ” એ નામનો સન ૧૯૦૯ના મે અંકમાં “બુદ્ધિપ્રકાશ”માં પ્રકટ થયો હતો. તે પછી એમના પ્રકીર્ણ લેખો, સાહિત્ય અને ઇતિહાસ વિષયક, જૂદા જૂદા માસિકો અને ગુજરાતી અઠવાડિકમાં પ્રકટ થયલા છે; અને તેમાં કંઈને કંઈ વિચારવા યોગ્ય મુદ્દાઓ મળી આવશે.

પાટણના વતની હોઈ તેઓ સ્થાનિક ગ્રંથકારો અને કવિઓ માટે વિશેષ મમત્વ ધરાવે એ સ્વાભાવિક છે. અને એમના વિષે એમનું જ્ઞાન અને માહિતી પણ બહોળી છે, તેની પ્રતીતિ એમણે પાંચમી વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ, જે હમણાં પાટણમાં મળી હતી તે માટે તૈયાર કરેલા લેખ પરથી થશે. તેઓ ભાલણનાં કાવ્યોના ખાસ અભ્યાસી છે. એમણે લખેલું ભાલણચરિત્ર પ્રાચીન કવિઓના ચરિત્રગ્રંથોમાં, પ્રમાણભૂત ગણાઇ, ઉંચુ સ્થાન લે છે. વળી ભાલણુકૃત ‘બે નળાખ્યાન’નું સંશોધન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એમને રૂ. ૧૦૦)નું પારિતોષિક મળ્યું હતું. ગુ. વ. સોસાઇટી તરફથી ‘જાલંધર આખ્યાન’, ભાલણ, વિષ્ણુદાસ અને શિવદાસ એ કવિઓએ લખેલું, એડિટ કરવાનું કાર્ય, એમને સોંપાયું હતું, જે લગભગ પુરૂં થવા આવ્યું છે.

પ્રાચીન ઇતિહાસના વિષયમાં પણ એમનો અભ્યાસ પ્રશંસનીય છે. ચાવડાઓ વિષે સાતમી સાહિત્ય પરિષદ માટે લખેલો નિબંધ, તેમ ‘ધર્મારણ્યમાં ઐતિહાસિક તત્ત્વ’ એ એમના વિવેચન પદ્ધતિના સરસ નમુનાઓ છે. આ કોટિના બીજા લેખોમાં અમરચન્દ્રસૂરિ તથા કાન્હડદે પ્રબંધ, કાદંબરી, સાચૂં સ્વપ્ન એનાં વિસ્તૃત અવલોકનો પણ ગણી શકાય. તેમણે પ્રસિદ્ધ ઇતિહાસકાર જદુનાથ સરકારનું ચરિત્ર ‘વીસમી સદી’માં ૧૯૧૮માં લખ્યું હતું અને તેનું મરાઠી ભાષાંતર થયું હતું.

એમના પુસ્તકોની યાદીઃ

પાટણ સિદ્ધપુરનો પ્રવાસ સન ૧૯૧૯
ભાલણ ૧૯૧૯
બે નળાખ્યાન (ભાલણ) ૧૯૨૪