ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/સૌ. શારદા સુમંત મહેતા

From Ekatra Wiki
Revision as of 02:00, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૌ. શારદા સુમન્ત મહેતા

એઓ જ્ઞાતિએ વડનગરા નાગર છે. એમનો જન્મ તા. ૨૬ જુન સન ૧૮૮૨ના રોજ અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ ગોપીલાલ મણિલાલ ધ્રુવ, જેઓ દિવાની કોર્ટમાં લાંબો સમય સુધી નાઝર હતા અને માતાનું નામ બાળાબ્હેન, જેઓ સરદાર ભોળાનાથ સારાભાઈનાં પુત્રી હતાં.

એમણે પ્રાથમિક કેળવણી બહુધા રા. બા. મગનભાઈ કન્યાશાળામાં અને ઇંગ્રેજી માધ્યમિક કેળવણી મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ ફોર વિમેનના અંગેની સરકારી ગર્લસ હાઈસ્કુલમાં લીધેલી. ન્હાનપણમાં પિતાની ઉમરેઠ બદલી થઈ બહારગામ રહેવાનું થતાં, પોતાના પર કેવા સંસ્કાર પડેલા, તેમજ તે સમયે ઇંગ્રેજી કેળવણી લેનાર સ્ત્રીવર્ગ પ્રતિ હિન્દુસમાજ તરફથી કેવા અઘટિત આક્ષેપો મૂકાઈ, તેમના માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરવામાં આવતી હતી, એ બધી હકીકત “શારદા” માસિકમાં એમનું આત્મવૃત્તાંત આપે છે, તેમાં એમણે રોષ દાખવ્યા વિના રમુજભરી રીતે વર્ણવી છે; અને તે સાથે સ્ત્રીકેળવણી વિષે લોકભાવના અને વિચારમાં કેવું પરિવર્ત્તન થવા પામ્યું છે, તેનો તેમાંથી અચ્છો ચિતાર મળે છે.

ઈ. સ. ૧૮૯૭માં એઓ મેટ્રીકમાં પાસ થયલા; અને ઈ.સ. ૧૮૯૮થી ૧૯૦૧ સુધી અમદાવાદમાં ગુજરાત કોલેજના અભ્યાસમાં એટલી વિશેષ અનુકૂળતા હતી કે એમના મ્હોટા બ્હેન લેડી વિદ્યાગવરી એમની સાથે હતાં; અને એ બંને બ્હેનોએ સન ૧૯૦૧માં બી. એ.ની પરીક્ષા લૉજીક અને મૉરલ ફીલોસોફી ઐચ્છિક વિષય લઈને પાસ કરેલી, જે ગુજરાતમાં સ્ત્રીકેળવણીના ઇતિહાસમાં એક અવનવો અને અપૂર્વ બનાવ હતો અને જે સદા સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.

એમનું લગ્ન સન ૧૮૯૯માં સુરતના જાણીતા સુધારક ડૉ. બટુકરામના જ્યેષ્ઠ પુત્ર શ્રીયુત સુમન્તભાઈ સાથે થયું હતું. એમના પતિના વિલાયતના વસવાટ દરમિયાન તેમજ વડોદરામાં આવી વસ્યા પછી, પતિ પત્ની વચ્ચેનો સંબંધ અને પ્રેમ કેવી રીતે વિકાસ પામતો જતો હતો અને એ જોડું વડોદરામાં સંસ્કારી જીવન ખીલવવા કેવા પ્રયત્નો કરતું તેમ સ્વદેશી માટે એમને કેવો રંગ શરૂઆતથી લાગેલો, એનું રસિક વૃત્તાંત ઉપર ઉલ્લેખ કરેલા એમના આત્મવૃત્તાંતમાં મળી આવે છે.

જાહેર અને સામાજિક હિલચાલમાં તેઓ શરૂઆતથી રસપૂર્વક ભાગ લેતા અને સ્ત્રીકેળવણી તેમજ સ્ત્રીજીવન વિકાસ માટે સતત પ્રયત્ન કરતા; ડૉ. સુમન્તભાઈએ છેલ્લાં દશ વર્ષથી દેશસેવા ખાતર વડોદરા રાજ્યની મોટી અને માનભરી નોકરી છોડી દીધી, ત્યારથી એઓ બંને પોતાનો બધો સમય જનહિતના કાર્યમાં ગાળે છે; અને બારડોલી સત્યાગ્રહની લડત વખતે તેમ અત્યારે મહાત્માજીએ શરૂ કરેલા સબરસના સંગ્રામમાં તેઓ કેટલો કિમતી ફાળો આપી રહેલા છે, એ બધી હકીકત જનતાને સુવિદિત છે.

એમનું કુટુંબ મોટું તેમ સંસ્કારી અને સુશિક્ષિત છે. ગૃહજીવન કેટલોક સમય માગી લે જ; અને જાહેર હિલચાલમાં પણ ઘણો સમય વ્યતિત થાય. તેમ છતાં નિયમિત વાચન અને અભ્યાસ તો ખરોજ. એ અભ્યાસવૃત્તિના પરિણામે, જે કાંઈ અવકાશ મળે તેમાં તેઓ કેટલુંક લેખન કાર્ય કરવા શક્તિમાન થયા છે; અને એમની પુસ્તકપ્રવૃત્તિ પણ એમના અન્ય કાર્યોની પેઠે યશસ્વી નિવડી છે.

એમના ગ્રંથોની યાદી:

પુરાણોની બાલબોધક વાર્તાઓ અને બાળકોનું ગૃહશિક્ષણ સન ૧૯૦૫
સુધાહાસિની (લેડી વિદ્યાબહેન સાથે) સન ૧૯૦૭
[શ્રી. રમેશચંદ્ર દત્તના The Lake of Palms નું ભાષાંતર]
ફલોરેન્સ નાઇટીંગેલનું જીવનચરિત્ર સન ૧૯૦૭
હિંદુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન (લેડી વિદ્યાબ્હેન સાથે) ૧૯૧૧
[‘The Position of women in India’નો તરજુમો]