રચનાવલી/૫૦
◼
૫૦. યુગવંદના (ઝવેરચંદ મેઘાણી) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
કાકા કાલેલકરે ઝવેરચંદ મેઘાણીનો પરિચય ત્રણ ઉદ્ગારોમાં આપ્યો છે: ‘બુલંદ અવાજ, બુલંદ ભાવના, બુલંદ પ્રવૃત્તિ.' મેધાણી બુલંદ અવાજથી, મુખમુદ્રાઓ અને હાવભાવથી ચિત્તાકર્ષક શૈલીએ લોકસમુદાય પર, મોટી મેદની ૫૨ છવાઈ જતાં. એમની રચનાઓની રજૂઆતમાં એમનો બુલંદ અવાજ આગળ તરી આવતો. બીજી બાજુ એમના યુગની રાષ્ટ્રીય જાગૃતિને, રાષ્ટ્રીય ભાવનાને ગાવાનો એમનો નિરધાર બુલંદ હતો. તો ત્રીજી બાજુ ગાંધીજીના ગ્રામાભિમુખ વલણને કારણે તળપ્રજાના આકર્ષણથી સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ફરીને લોકસંસ્કૃતિના નમૂનાઓને એકઠા કરવાની, લોકગીતો અને કથાગીતોને સંપાદિત કરવાની એમની પ્રવૃત્તિ પણ એટલી જ બુલંદ હતી. નવાઈની વાત એ છે કે લોકસાહિત્યના સંપર્કને કારણે એમનો એક પગ જો ભૂતકાળમાં હતો, તો દેશને આઝાદ કરવા ઈચ્છતી રાષ્ટ્રીય ચળવળના સંપર્કને કારણે એમનો એક પગ વર્તમાનમાં હતો. અને તેથી એ બેની સમતુલા જાળવીને લોકઢાળ અને લોકલયના ભૂતકાલીન ચાલી આવેલા વારસામાં એમણે વર્તમાનના જરૂરી યુગ-સંદેશાઓને વહેતા કર્યા. આ કારણે ગુજરાતી કવિતા લોકવાહન દ્વારા લોકોના હૃદય સુધી સીધી અને ઝડપથી પહોંચી શકી. દેશદાઝથી ફાટુ ફાટુ વાતાવરણની વચ્ચે પ્રજાએ વશીભૂત થઈને એને ઝીલી પણ ખરી, મેઘાણીને બરાબર ખબર હતી કે જતું આપણને પ્રેરણા આપે, વાટ દેખાડે, પોતાનું કલેવર આપણને વાપરવા માટે આપે પણ તેમાં પ્રાણ તો નવો પૂરવો જ જોઈએ. મેઘાણીએ જૂનામાં, ઉછીનું જે કાંઈ લીધું હોય એમાં પ્રાણ પૂર્યા કર્યો. ચિરકાલને માટે નિર્માણ થતી કૃતિ એક્કેય કાલની નહિ રહે એવી શ્રદ્ધા સાથે મેઘાણી સમકાલીન પ્રજાને ન સમજાય એવું સર્જવામાં નહોતા માનતા. ફ્રેન્ચ ફિલસૂફ સાર્ત્ર કહે છે કે છાલ ઉશેટીને કેળું ખાવા જેવું સાહિત્યનું છે. તત્કાલીન આવતો સ્વાદ અને એમાંથી જન્મતો આનંદ, ભંગુર તો ભંગુર, મહત્ત્વનો છે. મેઘાણીની સર્જકતાએ તત્કાલીન બળોનાં સ્ફુરાવેલાં સમયજીવી ગીતો હોંશથી ગાયાં છે. ‘વેણીનાં ફૂલ', 'કિલ્લોલ', ‘એક તારો' ઉપરાંત એક જમાનામાં અત્યંત લોકપ્રિય એમના કાવ્યસંગ્રહ ‘યુગવંદના’ (૧૯૩૫)માં એ સંગ્રહિત છે. આજે એ જમાનો નથી રહ્યો, એ યુગબળ નથી રહ્યું. એ ભાવનાઓ અને એ જાગૃતિ નથી રહ્યાં. સાથે સાથે એને રજૂ કરનારો બુલંદ કંઠ પણ નથી રહ્યો, ત્યારે ‘યુગવંદના' કાવ્યસંગ્રહનાં પૃષ્ઠ પર છપાઈને પડેલાં ઘણાં કાવ્યો ફુલાવેલા ફુગ્ગામાંથી હવા કાઢી લીધાની સ્થિતિમાં દેખાય છે. એમાંથી યુગનો કરિશ્મા અને કવિના કંઠનો કરિશ્મા બંને ઓસરી ગયા છે. વધુ સારી રીતે કહવું હોય તો કહેવાય કે ઘણાં કાવ્યો ભવ્ય મહેલોના અવશેષ સ્મારકો જેવાં છે એમાં હવે વસી શકાતું નથી પણ કદીક કદીક મુલાકાત લઈ એમાં હરી ફરી શકાય છે. અને ગતકાલના બુલંદ પડઘાઓના, એનાં વીર, શૌર્ય અને કરુણના સાક્ષી થઈ શકાય છે. ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!/ સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!' જેવી કે ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ/ કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ' જેવી પંક્તિઓએ એના જમાનામાં કેવો તરખાટ મચાવ્યો હશે! ‘આગે કદમ, આગે કદમ, આગે કદમ! યારો ફનાના પંથ પર આગે કદમ' જેવી પંક્તિઓએ કેવો ઉત્સાહ રેડ્યો હશે! છેલ્લી સલામ' માં જાગેલા મહાકાળમાં હરિજન માટે સતને ત્રાજવડે ચડેલા ગાંધીજીના કલેજાના ઉદ્ગાર કેટલાયને હલાવી ગયો હશે! એક પ્રાણવાન પત્રકારની તત્કાલીન યુગને વેદના આપતી આવી કેટકેટલી રચનાઓ એના સરળ ઢાળ અને એની સરળ ભાષાને કારણે, લોકહૃદયને કેવી તો સ્પર્શી હશે એનો ખ્યાલ આપે છે. મેઘાણીએ ‘યુગવંદના’માં યુગપ્રસંગોની સાથોસાથ ‘પીડિત દર્શન’ કર્યું છે. રોજિંદા જીવનમાંથી આવતા દૂધવાળાની કે બીડી વાળનારીઓની કે સાંતાલની નારીની નિસ્બતને પોતાની ગણી છે. આ ઉપરાંત એમાં એમણે કથાગીતો આપ્યાં છે. આત્મસંવેદનો આપ્યાં છે અને પ્રેમલહરીઓએ વહાવી છે. ‘યુગવંદના' હાથ ચડે તો આજે પણ એમાં કેટલીક મોહ પમાડે એવી રચનાઓ મોજૂદ છે; એને કા૨ણે જ એનું ગૌરવ છે. ‘લાગ્યો કસુંબીનો રંગ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ' માં મેઘાણીનું પૂરેપુરું સોરઠી વ્યક્તિત્વ ઊતરી આવ્યું છે. એક એક ઘટનામાં કસુંબીના રંગ દ્વારા મેઘાણીએ જીવનનો મહિમા ગાયો છે. તો, ‘સૂના સમદરની પાળે' જેવું કથાગીત શરૂથી અંત સુધી કાવ્યાત્મક રહ્યું છે. ફુલડાં ગૂંથી ગૂંથી લાવતાં અને ધરતીને હૈયે પહેરાવતા સાગરરાણાનું ચિત્ર આપતું ‘સાગરરાણો’ લોક કલ્પનાની સુંદર નીપજ હોય તેવું ગીત છે. ‘કોઈના લાડકવાયો’ કોઈ વિદેશી કવિના કાવ્યનો અનુવાદ છે એમ કહે તો માની શકાય તેમ નથી એટલું બધુ એ ગુજરાતી ભાષાનું બની ચૂક્યું છે. મેઘાણીના કાવ્યગજગતમાં ગાંધીભાવનું વાતાવરણ અને ટાગોરના વિષયવસ્તુનું લોકઢાળનાં સ્વરૂપો સાથે એવું તો મિશ્રણ થયું છે કે ‘યુગવંદના’નાં ઉત્તમ કાવ્યો જાણે કે લોકસાહિત્યની મૂડી હોય એવું લાગ્ય વગર રહે નહિ, લોકસાહિત્યની નજીક સરતી કવિતાને કારણે મેઘાણીમાં અતિશયોક્તિ અને ઘેરા રંગો પ્રવેશે છે. પણ એ ભેગા જટિલ ભાષાડંબરને અને એકસૂરિલાપણાને પણ તોડે છે. મેઘાણીની કવિતાની એક જ નિષ્ઠા છે અને તે લોકનિષ્ઠા. મેઘાણીની આત્મસંતૃપ્તિ પણ એમાં જ છે. આથી જ લોકોને લાડ કરતા આ લોકલાડીલા કવિના અવસાન વખતે કવિ દુલા કાગે મરસિયો દુહો લખેલોઃ ‘છંદા ગીતો સોરઠા, સોરઠ સરવાણી/ એટલાં રોયાં રાતે આંસુડે, આજ મરતા મેઘાણી’ ૧૭-૮-૧૮૯૭ને દિવસે કવિને જન્મ્યે આજે એક સૈકો વીતી ગયો. આ એમનું જન્મશતાબ્દીનું વર્ષ છે.