નારીસંપદા : ટૂંકી વાર્તા/અનર્થ
મીતા ત્રિવેદી
“સૂચિ, પ્લીઝ... મારી વાત સાંભળ. તું બહુ મોટી ભૂલ કરી રહી છે. બસ એક વાર, માત્ર એક વાર મારી વાત સાંભળી લે. નહિતર મોટો અનર્થ થઈ જશે.” બરાડા પાડીને સહેજ ઘોઘરા થઈ ગયેલા અવાજે સુકેતુ કાકલૂદી કરી રહ્યો હતો. ઘૃણાથી સૂચિએ પોતાની આંસુભરી આંખો વિરુદ્ધ દિશામાં ફેરવી લીધી. “અનર્થ તો થઈ ચૂક્યો છે, સુકેતુ. હવે તો એની સજા ભોગવવાની વેળા આવી છે.” કશું જ બોલ્યા વગર એ ઝપાટાભેર ત્યાંથી ખસી ગઈ, ભાગી છૂટવું હોય તેમ, એને પોલીસ કસ્ટડીમાં ધમપછાડા કરતો છોડીને. કારનો દરવાજો ખોલીને એણે અંદર પડતું મૂક્યું ને દરવાજો ધડામ કરતો પછાડ્યો. સાથે જ અતીતનો દરવાજો જોરપૂર્વક ખૂલી ગયો. “મેમ, તમારી કારનો જમણી બાજુનો પાછલો દરવાજો ગમે ત્યારે ખૂલી જશે. પ્લીઝ ટેક કેર.” સિગ્નલ પર ગ્રીન લાઈટની પ્રતીક્ષા કરી રહેલી સૂચિની ડ્રાઇવિંગ સીટ બાજુના દરવાજાના બંધ કાચ પર ટકોરા મારતા એ બોલેલો. સૂચિ હેલ્મેટધારી એ બાઈકસવારની વાત સાંભળે, સમજે એ પહેલા સિગ્નલ ચાલુ થઈ ગયું ને પાછળથી ચાલુ થઈ ગયેલાં વાહનોના હોર્નના કર્કશ અવાજે એ ટ્રાફિકમાં આગળ ધકેલાઈ ગઈ. “અરે, આ શું?” પેલો બાઈકર એની કારનો પીછો કરી રહ્યો હોય તેમ ફરી પાછો લગોલગ આવી ગયો ને હોર્ન વગાડી સૂચિનું ધ્યાન ખેંચવાની ચેષ્ટા કરી રહ્યો. સૂચિને થોડી અકળામણ થઈ પણ ત્યાં તો પેલાએ ઇશારાથી પાછલા દરવાજા પ્રત્યે એનું ધ્યાન દોર્યું ત્યારે તો સમજી. ઋજુની ટ્રાવેલ બેગ અધખૂલા દરવાજામાંથી ગમે તે ક્ષણે બહાર સરકી પડવાની તૈયારીમાં જ હતી. “ઓહ” બબડી સૂચિએ કારની ગતિ ઘટાડીને હળવેથી સડકના કિનારે ઊભી રાખી દીધી. ગરદન ઘૂમાવી, જરા ઊંચા થઈ તેણે પાછલો દરવાજો ચુસ્ત કર્યો અને પેલાનો આભાર માનવા ફરી પણ એને સરી જતી બાઈકની આછી ઘરઘરાટી જ સંભળાઈ. સૂચિએ પોતાની બાજુની સીટ પર અછડતી નજર નાખી. સ્કૂલના ત્રણ દિવસના પ્રવાસેથી પાછી ફરેલી ઋજુ થાકની મારી ઊંઘી ગયેલી. ફરીથી કાર સ્ટાર્ટ કરતા સૂચિના હોઠો પર મમતાળું સ્મિત ફરકી ગયું. સુકેતુ સાથેની આ પ્રથમ મુલાકાત. જોકે, ઓળખાણ તો બીજી મુલાકાત દરમિયાન થઈ. એ પણ ઘણી રસપ્રદ રીતે એક મૉલમાં. એસ્કેલેટર પર બેધ્યાનપણે ડગલું માંડતા ગબડી પડવાની તૈયારીમાં જ હતી ઋજુ કે અણીના સમયે પાછળથી એણે એને પકડી લીધી. આ હતી બીજી મુલાકાત. અલબત્ત, એના ધ્યાનમાં તો એણે જ્યારે પહેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો ત્યારે આવ્યું. એ સુકેતુ હતો. પાંચ ફૂટ અગિયાર ઇંચની ઊંચાઈ, પહોળી છાતી, સુદૃઢ શરીર, તાંબા જેવો વર્ણ ને જરાક અણિયાળું નાક. પણ ખાસ વાત તો એની આંખોમાં હતી. કો’ક ગજબ ગહનતા, કો’ક ગજબ સમ્મોહન હતું એની આછી કથ્થાઈ આંખોમાં. પહેલી વાર સૂચિએ એ કેફી આંખો સામે જોયેલું ત્યારે એની ગહેરાઈઓમાં જાતને ડૂબી જતી બચાવવા નજરો ચોરી લીધી. નજરો તો બચી ગઈ પણ હૈયું હાથથી ગયું. એ જાદુઈ ક્ષણે કોઈ અદીઠ, અનામી સંબંધનો સેતુ રચાઈ ગયો સુકેતુ સાથે. શું નામ આપવું આ સંબંધને? દોસ્તીનું, ભરોસાનું કે પછી પ્રેમ જેવા અહેસાસનું? એના અને ઋજુના જડબેસલાક જીવનમાં ક્યારે ચૂપકીદીથી, હળવેથી તાજી હવાની લહેરખી સમો એ પ્રવેશી ગયો અને નવજીવનનો પમરાટ પ્રસરાવી રહ્યો એની ગંધ સુદ્ધાં સૂચિને ના આવી. આમ તો સૂચિ કરતા વયમાં કદાચ ચાર-પાંચ વર્ષ નાનો હશે. પણ ઠાવકાઈ અને અનુભવમાં જાણે એનો ગુરુ. અનિકેતના ગયા પછી પહેલી જ વાર જાણે એણે હળવાશનો શ્વાસ લીધો. જિંદગીની બોઝિલતાનો બરફ જરા જરા પીગળવા લાગ્યો. નાના-મોટા કામો માટે સુકેતુની સહાય લેતી સૂચિ ક્યારે લાગણીઓનું, સંવેદનાઓનું અવલંબન લેતી થઈ ગઈ એની એને ય સરત ના રહી. અને એ અહેસાસ જ્યારે જિંદગીમાં પ્રસરી ગયો ત્યાં સુધીમાં તો એ ‘ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ’ બની ગયેલો. દોસ્ત નામથી બોલાવતાં હતાં સુકેતુ અને ઋજુ એકબીજાને. એક બિંદુ પર સ્થિર થઈ ગયેલી જિંદગીને ફરીથી ગતિ આપી હતી એણે. ‘ચ ર... ર... ર...’ બ્રેકની તીણી ચીસે એને વર્તમાનમાં પટકી. “ડ્રાઇવ કરતી વખતે વિચારોમાં ડૂબી જવાની તમારી બૂરી આદત કોઈ દા’ડો જોખમમાં મૂકી દેશે તમને, મેડમ !” સુકેતુ મજાકમાં ટપારતો. “અને એણે જ મારી ઋજુનો જાન જોખમમાં નાંખી દીધો.” પોતે જેને પુરુષોમાં ઉત્તમ માન્યો એ તો પશુથી ય હીન નીકળ્યો. દુશ્મન પણ ના કરે એવું ઘૃણિત કાર્ય એણે દોસ્તીના મહોરા હેઠળ આચર્યું. ઋજુનો દોસ્ત બની કલાકો એની સાથે એની પ્રિય ‘પિક્શનરી’ને ‘સ્ક્રેબલ’ની રમત રમતો, એની ફરિયાદો, એની ઢંગધડા વિનાની વાતો ધ્યાનથી સાંભળતો, કોઈ વાર રૂઠી ગઈ હોય તો વહાલથી મનાવતો, એની નાની-મોટી ફરમાઈશો હોંશભેર પૂરી કરતો, એ મૂંઝવણમાં હોય ત્યારે ઉકેલ બતાવતો, સલાહ-સૂચન કરતો ક્યારે એનો અધમ ખેલ ખેલી ગયો એની કલ્પના પણ સૂચિ ના કરી શકી. જેના પર એની માસૂમ દીકરી આંખ મીંચીને ભરોસો કરતી એણે ખુદ માનવતા પરથી ભરોસો ઉઠાડી મૂક્યો. એની દરેક વાત શ્રદ્ધાપૂર્વક સાંભળતી ઋજુનો માત્ર ભરોસો જ નહીં, આખેઆખી ઋજુને જ હેવાને તોડી નાંખી હતી. એનામાં ઋજુના પિતાની છબિ નિહાળવાની ચેષ્ટા કરેલી પણ આ તો ઇન્સાનના નામ પર કલંક સાબિત થયો. માંડ નવ વાસંતી વાયરા સ્પર્શેલી ઋજુના જીવનમાં કાયમી પાનખરનો અભિશાપ છોડી ગયો. આજે એ નરાધમના પાપે નાજુક, નિર્દોષ ઋજુ હોસ્પિટલના બેરંગ બિછાને બેજાન થઈને પડી છે. શ્વાસ તો લઈ રહી છે પણ જીવન ક્યાં? એક દિવસ, એક મહિનો, એક વરસ... ક્યારે એ બેઠી થશે નિશ્ચિતતાથી કહી નથી શકતા ડૉક્ટરો. ‘ધીરજ ધરો. રાહ જુઓ. ઉપરવાળા પર ભરોસો રાખો.’ ખાલી શબ્દો. ખોખલી આશા. અર્થ ગુમાવી ચૂકેલો ભરોસો. “ના, એ રાહ જોઈ શકે તેમ નથી. હવે સુકેતુને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં, એનામાં ધીરજ નથી રહી એને સજાથી તડપતો જોવામાં. પોતે યોગ્ય જ કર્યું એના પર પોલિસ કેસ કરીને. એને આકરામાં આકરી સજા મળશે ત્યારે જ મારી ઋજુને ન્યાય મળશે. પોતાના કાળજા કેરા કટકા માટે આટલું તો કરી જ શકે છે એક મા !” પણ સુકેતુ આવું અધમ કૃત્ય કરી શકે? એનામાં રહેલી સ્ત્રી એ માનવા આનાકાની કરતી હતી. અનિકેતના ગયા પછી પોતે સ્ત્રી મટી જઈ માત્ર માતા જ બની રહેલી. સુકેતુએ ધરબાઈ ગયેલી સ્ત્રીને પુનઃજીવંત કરી. પોતે એક ધબકતી, લાગણી ધરાવતી સ્ત્રી છે એ અહેસાસ સુકેતુએ જગાડ્યો. એ સ્ત્રી હંમેશા સુકેતુનો સાથ ઝંખતી, એનો સ્નેહભર્યો સહવાસ ઇચ્છતી. સુકેતુ એની ઝંખનાનો જવાબ વાળતો, સંયમના દાયરામાં રહીને. મર્યાદાની રેખા ક્યારેય પાર ના કરી એણે. ઉંમરના પ્રભાવ હેઠળ ક્યારેક વિહ̖વળ બની જતો, પ્રેમના કેફમાં ક્યારેક ઉનમુક્ત બની બેસતો, વ્યાકુળતાથી, તીવ્રતાથી સુચિને સમગ્રપણે પામી લેવા અધીરો બની જતો પણ દરેક વખતે સુચિની આંખોની લિપિ ઉકેલી જાતને સંકોરી લેતો. સૂચિની ઝિઝક એના પર લગામ લગાવી દેતી. “તો પછી ઋજુ સાથે આવું...? એ કરે ખરો? કરી શકે? કે પછી... કે પછી એટલે જ તો કદાચ...?” એની અંદરની સ્ત્રી હજુ અવઢવમાં હતી. દ્વિધામાં હતી. પણ મા? એનામાં રહેલી મા સુકેતુને સુવાંગ ગુનેગાર માની ચૂકી હતી. અંદરની સ્ત્રીને પાછી મારી નાંખી હતી એણે. સુકેતુ ગુનેગાર હતો એ જ હકીકત હવે શેષ રહી ગઈ હતી. તે દિવસે મીટિંગના લીધે ઓફિસમાં મોડું થાય તેમ હતું. કૌશલ્યાબાઈ રજા પર હતી. ઋજુ એકલી, મોડી રાત સુધી... એના આશ્ચર્ય વચ્ચે ઘરનો ફોન સુકેતુએ ઉપાડેલો. “જરાય ચિંતા ન કરીશ. હું ઋજુને કંપની આપીશ. તું આવીશ નહીં ત્યાં સુધી એની સંભાળ રાખીશ.” એણે ધરપત આપેલી. એ આવી ત્યારે એના ભરોસાના ચીંથરેચીંથરા ઊડી ગયેલા. ઋજુ લોહી નીતરતી અવસ્થામાં બેભાન પડેલી ને સુકેતુનો ક્યાંય પત્તો નો’તો. “ના, ના. પોતે યોગ્ય જ કર્યું છે. સુકેતુને આકરી સજા થશે ત્યારે જ ઋજુને ન્યાય મળશે અને પોતાને શાંતિ.” ફ્લેટનો મુખ્ય દરવાજો ખોલવા લંબાયેલો હાથ થંભી ગયો. પડોશના ફ્લેટના અધખૂલા દરવાજે મિષ્ટી ઊભેલી. ‘કદાચ પોતાની બાળપણની સહેલીના હાલ જાણવા ઊભી હશે.’, સૂચિને લાગ્યું. ખુદને સધિયારો આપતી હોય તેમ મિષ્ટી સામે મ્લાન, ફિક્કું સ્મિત ફરકાવવાના પ્રયાસ સાથે બોલી, “ઋજુ જલ્દી ઠીક થઈ જશે, બેટા. જલ્દી તમે પહેલાની જેમ હસતાં-રમતાં થઈ જશો. અરે હા, તમારો ત્રીજો સાથી રોહન નથી દેખાતો હમણાંથી ! તબિયત તો સારી છેને એની? ઋજુને જોવા પણ નથી આવ્યો!” થોડી સંકોચાતી, દબાતા પગલે મિષ્ટી સૂચિની નજીક સરકી. જરા અચકાતા, થોડું મૂંઝાતા બોલી, “તે દિવસે હું ઋજુ સાથે રમવા આવતી હતી ને ત્યારે સુકેતુ અંકલ મને તમારા દરવાજા બહાર જ મળી ગયા. એમને ક્યાંક અરજંટલી જવું જ પડે તેમ હતું ને એટલે ‘થોડી વારમાં પાછો આવું છું., તમે બંને ત્યાં સુધી રમજો.’ કહી જતા રહેલા. પછી મને પણ મમ્મીએ જમવા બોલાવી એટલે હું ઋજુને ‘પછી આવીશ’ કહી મારા ઘરે જતી રહી. જમીને પાછી આવી તો રોહન તમારા ઘરમાંથી જલ્દી જલ્દી બહાર નીકળતો હતો. મને જોઈ કાયમની જેમ ખુશ થવાના બદલે થોડો ગભરાયેલો હોય તેમ કહેવા લાગ્યો : ‘ઋજુ તો સૂઈ ગઈ છે. તું હવે ના જતી.’ પછી જતાં જતાં કહે, ‘કોઈને કહેતી નહીં હું અહીં આવેલો.’ એણે અમારી દોસ્તીની કસમ આપેલી એટલે મેં કોઈને કાંઈ કહ્યું નહીં. એ એની માસીના ઘરે બહારગામ જતો રહ્યો છે.” તાળું ખોલવા લંબાયેલા સૂચિના હાથમાંથી ચાવી સરકીને ફર્શ પર પડી. એને ધરતી ચક્કર-ચક્કર ઘૂમતી લાગી ને બંધ બારણાંની બારસાખનો ટેકો ફંફોસતી એ પણ ધબ્બ દઈને નીચે ફસડાઈ પડી.
❖