નારીસંપદા : ટૂંકી વાર્તા/ડાઘ
પારુલ બારોટ
માખીઓનો બણબણાટ વધી પડ્યો. ઓરડી આગળ ચાઠીયામાં કૂતરાંએ ચૂંથાચૂંથ કરી મૂકી. કાગડાઓ ચાઠીયાની આજુબાજુ પડેલાં એંઠવાડમાંથી અનાજ ચાંચમાં ઘાલીને ઉડાઉડ કરી રહ્યા હતા. રૂખીને આ બધું જોઈને ઉબકો આવવા જેવું થયું. ઓરડીના પગથિયાં પર પગ ઘસીને એ અંદર જવાનું કરતી હતી ત્યાં એનાં પતિએ એનાં આઘાંપાછાં થઈ ગયેલાં ચંપલ શોધવા રાડારાડ કરી મૂકી. ‘શું છ તી ઓમ ફાળે થ્યા સો આટલાં...’ ‘ફાળે ના થઉં તો હું કરું, તારામાં જરાય વેંતા જ નહીં પછી અ...’ ‘તમી ઘણાં વેંતાવાળા સો એ તો મન બધીય ખબેર સ અ. એક મહિનામાં ઓરડીના ભાડાનો વેંત તો નહીં કરી હકતા ન પાછી હુશિયારી ચ્યમ મારો છો?’ ‘ઓવ.. તમી બધોય લોહી પીવાનું ચ્યો બાચી રાસ્યુ સઅ? ભણેલો સુ પણ નોકરી નહીં મળતી. તું જ ક, ફેક્ટરીના પગારમાં ચેવી રીત આખાય ઘરનું પૂરું કરવું?’ ‘મનેય ખબેર સ અ, પણ આજ ત્રીજી તારીખ થઈ. પેલો ભાડું લેવા આયો જ હમજો.’ ‘હા, તે હુય હુ કરું? ચારે બાજુ લાયો લાગી સ અ.’ ‘આજ હોજેકના ચ્યોકથી વેંત કરતાં આવજો ન ! બે ભાડાં ભેગાં થ્યા સી. એક આલીશું તોય મોની જહે.’ રૂખીનો પતિ જયંતિ મેટ્રિક પછી બે વર્ષ કોલેજેય કરી. પણ નોકરી ના મળી તે ના જ મળી. ફેક્ટરીમાં ગયા વિના છૂટકો ન હતો. ટૂંકા પગારમાં આખાય ઘરનું પૂરું કઈ રીતે થાય? એને પણ મકાન માલિક ભાડું લેવા આવશે તેની ચિંતા હતી. રૂખીએ શોધી આપેલા ચંપલ પહેરીને એ જવાનું કરતો હતો ત્યાં એને કશું યાદ આવતાં બોલ્યો : ‘તું ઈમ કર... મોમા પાસે જતી આય, પૈસાનો વેંત થાય તો ભાડાની માથાકૂટમાંથી છૂટીએ.’ ‘પણ મોમા આલશી?’ ‘ચમ નૈ આલ, આપણે ચ્યોં કાયમ ઈમના કૂકા (રૂપિયા) લઈ’ન બેહી રેવાનું સ અ?’ ‘હા તે હું તો જયે... પણ, તમે તમારા ભઈબંધ-દોસ્તારો પાહેથી મળ એવું કોક કરજો.’ રૂખી આગળ કશું જ બોલ્યા વગર ઘરમાં જતી રહી. જયંતિ પણ ગયો. રૂખી ઘરમાં જઈને ખૂણામાં બેઠી. એનો ત્રણેક વર્ષનો છોકરો ધીમે ધીમે એની પાસે આવીને એના ગાલ ઉપર હાથ ફેરવવા લાગ્યો. પછી એની છાતી ઉપરથી સાડલાનો છેડો આઘો કર્યો. ‘ઓવ... અવ ખબેર પડી, ચ્યમ આટલાં લાડ ઊભરાય સ અ.’ સાડીનો છેડો સરખો કરતાં સહેજ ગુસ્સામાં રૂખી બોલી : ‘હેડ.. હેડ.. અવ આઘો જા... ચ્યો હુધી બચકારા બોલાઈશ... તૈણ વરસનો ઘઈડો થ્યો.’ છોકરો ઝપાઝપી કરી રડવા લાગ્યો. ‘હારું... હારું... આવું સુ ચૂપ થા... ગોમના ભા...’ હતી એટલી મમતા રૂખીના થાનકમાં ઊભરાઈ આવી. ડાબું થાનક ખોલ્યું ના ખોલ્યું અને છોકરો બે હાથેથી સ્વર્ગનું અમૃતપાન કરવા લાગ્યો. એને સારું લાગતું હતું. મન ફરી વિચારોનાં વમળમાં ઘેરાયું. ‘ઘણાં ઓરતાં સી પણ રૂપિયા વગર કરવાનું હુ? છોરીન ભણવા મૂકવી સ અ. ઈનો ખર્ચો નઈ થાય... સરકારી નેહાળમાં ભણશે. તાણ બીજું હું થાય? ઘરમાં એક હોધીયે અન તેર તૂટ સ અ. ચેવુ ગોલુ પેઠું સ અ. બળ્યું ચાણ હખ આવશે અને હુખી થાહુ...’ એ ઊભી થઈ. નિસાસો નાખ્યો. ‘ચ્યોં હુધી ભાડાં ભરહું? એક રૂમ રહોડાવાળી ઓયડીનું ભાડું તો જુઓ !!’ રસોડામાં જઈ ઝપાટાબંધ એણે રાંધી કાઢ્યું. છોકરાનું મોઢું ધોઈને સરખો કર્યો. પછી એણે પોતે થોડાં સારા લાગે તેવા કપડાં પહેર્યાં. સામે અરીસો રાખીને એ વાળ ઓળાવવા ગઈ. ‘બળ્યુ આ રૂપેય શા ખપનું?’ એણે કાળા ભમ્મર રેશમી વાળ, અણીયાળી સપનાં ભરી આંખો, ભરાવદાર ગોરું ગોરું શરીર, ગુલાબી ગાલ, પોયણી સરખા હોઠ... ધારી ધારીને અરીસામાં જોયાં પછી અરીસો હટાવી અને ઠેકડો મારી ઊભી થઈ અને બબડી : ‘કાગડો દહીંથરું લઈ ગયો...’ પછી પાછું બે હાથ વડે મોઢું દાબી દીધું. પછી શરમાઈને સાડીના છેડાને દાંત વચ્ચે દબાવતાં જાતે ને જાતે લજવાઈ ગઈ. એ લચકમચક કરતી ચાલવા લાગી. કમરે એનો કાળો ભમ્મર ચોટલો પણ હિલ્લોળા લેતો હતો. રૂખી જાતે ને જાતે પોતાની કાયાના વળાંકો પર વારી ગઈ. ‘ગયા મહિને મકોન માલિક ભાડું લેવા આયો ત્યાર, મારી હોમે જોતાં જોતાં એ આખા શરીર પર ચ્યોં ચ્યોં ઈની ભૂખાવડી નજર નોખતો’તો. એકવાર તો મુવાએ ઓંખ મારી લીધી હતી. એ વખતે મન તો ઈન આખેઆખો રહેશી નોખવાનું મન થયું’તું. પણ, મને કમને ચૂપ રહ્યાં સિવાય છૂટકો જ ચ્યોં સ અ. બે ભાડાં ચડ્યાં સી. ઓયળીમાંથી કાઢી મૂક તો જવું ચ્યોં બાપલીયા?’ બબડતાં બબડતાં એણે હોઠ ભીડ્યા. છોકરાને કેડમાં ઘાલ્યો. ઘરને તાળું માર્યું. નિશાળેથી છોકરી બપોરે ખાવા આવશે ત્યારે ઘરનું તાળું મારેલું જોઈ નિસાસો નાખીને પાછી જશે. એણે પાડોશીના ત્યાં ચાવી આપીને કહ્યું : ‘રમલી આવ તો કેજો ક તારી મમ્મી બાર જઈ સ અ. કોઠી પર વાડકામાં શાક અને કબાટમાં રોટલી મૂકી સ અ. તે તું ખઈ લેજે.’ રૂખી આટલું બોલી છોકરાને કેડમાં ઘાલી બહાર નીકળી. બસમાં બેઠી અને એના મામાના ત્યાં ગઈ. મામા તો ઘરે ન હતા. ઘણા સમય પછી એ એના મામાના ત્યાં ગઈ હતી એટલે મામીને સારું લાગ્યું. એકબીજાની ખબર અંતર પૂછવામાં અને બીજી વાતો કરવામાં ખાસ્સો એવો સમય પસાર થઈ ગયો. પણ રૂપિયા માંગવાની વાત કરતાં રૂખીની જીભ જ ઉપડતી ન હતી. થોડીવાર ચૂપ રહી એટલે મામીએ જ પૂછી લીધું : ‘રૂખી, તું તો જમીને આવી છેને?’ રૂખીનું મગજ ચકરાવે ચડ્યું. ‘આ તે કંઈ હવાલ કરવાની રીત સ અ? ઈમ કે’વાય ક ખાવાનો ટેમ થઈ જ્યો સ અ. તે તું ખાવા બેહી જા.’ એના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. ‘મોમી મન રૂપિયા આલ એવું મન લાગતું નહીં.’ તે છતાં એ મામીની પાસે જઈ હળવેથી મન કાઠું કરી અને કહી બેઠી. ‘મોમી... હુ... હુ... હુ કઉ સુ... હોભળો સો...? કઉ સુ... માર થોડાંક રૂપિયાની જરુર સ અ.’ થોથવાતી જીભે, ના છૂટકે, મન મારી અને રૂખીએ મામી આગળ વાત મૂકી. રૂખીની વાત સાંભળતા જ મામીનું મોઢું કાળું મેશ થઈ ગયું... આંખોની ભમ્મર ઉલાળી... આજુબાજુ જોઈ... કશુંક મનમાં વિચાર્યું અને આંગળી મોં ઉપર મૂકી વિસ્મય સાથે બોલી : ‘લે... હાય... હાય... મારી બૂન... પહેલાં ના કે’વાય? આ કાલે જ તમારાં મોમાએ તું બેઠી સઅ એ સોફો લીધો તે ઈના રૂપિયા આલ્યા.’ રૂખીએ મનોમન કપાળ કૂટ્યું. ‘મામો તો પૈસાદાર છે. બે મહિનાના ભાડા જેટલાં ય રૂપિયા ના હોય? આટલા રૂપિયા તો રમતાં રમતાં એ આપી દે.’ રૂખીને મામી ખોટું બોલતાં હોય તેવું લાગ્યું. એની રગેરગમાં ખાલી ચડવા લાગી. અપમાનનો કડવો ઘૂંટડો એ પરાણે પી ગઈ. રૂખીને ત્યાંથી જલ્દી ભાગી જવું હતું. મામી એની સામે એકીટશે જોઈ રહી હતી. ‘અત્યારે રૂપિયાની શું જરૂર પડી?’ ‘ઓયડીનું બે મહિનાનું ભાડું ચડ્યું સે.’ ‘કેટલું???’ ‘છો હજાર...’ ‘અહોહોહો... એટલાં બધાં રૂપિયા ક્યાંથી લાઉં?’ થોડી દિલસોજી વ્યક્ત કરીને ઊંચા સ્વરે મામી ફરી બોલી : ‘તો તમે શું કરો છો? આ બે મહિનાનું ભાડું ચડ્યું છે ત્યાં સુધી, જયંતિ દારૂબારૂમાં રૂપિયા ઉડાડતો નથી ને?’ ‘ના... ના... મોમી !!! ઈન તો ચા પીવાનીય લત નહીં. પસી દારૂ હુકોમ પીવ?’ ‘ તું ઘરમાં રહેનારી. તને શું ખબર ક આદમીઓ બહાર શું શું કરતાં હશી.’ મામી વાતનું વતેસર બનાવી ઘા ઉપર મીઠું ભભરાવી રહ્યાં હતાં. રૂખી મામીના શાણા ચહેરાની સામે જોઈ ઊભી થઈ ગઈ. મામીને પગે લાગી માંડી માંડ બોલી : ‘આવજો મામી !!!’ હવે? બહાર નીકળીને રૂખી મૂંઝાઈ ગઈ. એ સરસપુર દિયરના ઘરે ગઈ. દિયરે તો ચોખ્ખું મોઢા ઉપર જ ફરમાવી દીધું : ‘જુઓ હું તો સો-બસો ઉછીના આપી શકું. છો હજાર આપવાનું મારું ગજું નથી.’ દિયરે હાથ ઊંચા કરી દીધા. નિસાસો નાખતી સરસપુરમાંથી બહાર નીકળી. કાલુપુર આવી. મોટા શાક માર્કેટમાં શાક સસ્તું પડે એટલે ત્યાં જઈને થોડી શાકભાજી ખરીદી. ક્યાં જવું? નક્કી ન હતું. ‘જયંતિના ભઈબંધોએ બોદા અન સાવા નકામા લુખ્ખા. એકાદને તો અજમાવી જોઉં.’ રૂખી મનોમન વિચારતી હતી અને તેને જયંતિનો એક ભઈબંધ મનુ યાદ આવ્યો. જ્યારે આવે ત્યારે મોટી મોટી વાતો કરતો અને મિલમાલિક હોય એવા ફાંકા મારતો. રૂખી સીધી પહોંચી એના ઘેર. નસીબ સંજોગે એ ઘરે જ હતો. ‘આવો... આવો... રૂખી ભાભી કેમ આમ એકલાં?’ ‘તમારા ભાઈબંધ તો ફેક્ટરીએ ગયા સે. માર તમારું કોમ હતું એટલ ઓય આઈ પો’ચી. હારું સ અ તમી ઘેર સો.’ ‘બોલો... બોલો... ભાભી, તમારાં માટે આ બંદા હાજીર હૈં...!’ એણે પોતાની લુચ્ચી નજર રૂખીના દેહ પર ફેરવવા લાગી. રૂખીના આખા શરીરે ફરતી ફરતી છાતી પર આવી અટકી ને રૂખી બોલી પડી. ‘કોમે આઈ સુ...’ રૂખીને જોવામાં ધ્યાન મગ્ન થયેલા એને પહેલાં તો કશું સંભળાયું નહીં. રૂખી ફરીથી બોલી તો એ બેબાકળો બની ઉઠ્યો : ‘હેએએએ...’ એ રૂખી સામે લુચ્ચું હસી પડ્યો. એની લુચ્ચાઈ રૂખી પામી ગઈ. એ જયંતિ પાસે આવતો ત્યારે પોતાના વખાણ કરતાં થાકતો ન હતો. એ વખતે એ નિખાલસ લાગતો હતો. એની નિખાલસતા પાછળ એની કેવી બૂરી મતિ હતી, તે આજે સમજાયું. રૂખીને એની પરીક્ષા કરવાનો ઠીક લાગ હતો. આ માણસ પોતાને ના નહીં જ પાડે એવું એને લાગ્યું. ‘કેમ ઊંધા બેઠાં છો ભાભી કાંઈક તો બોલો !’ ‘હું બોલું? ફેક્ટરીના પગારમાં ઘરનું પૂરું થતું નહીં અન ઘરનાં ભાડાં બે મહિનાના ચડ્યા સી.’ ભાઈબંધ થોડો ખચકાયો. તે દરમિયાન આડોશ પાડોશમાં ગયેલી એની પત્ની આવી ચડી ને રૂખીને જોઈ બાથમાં ઘાલી. રૂખીને મુંઝારો થયો. એને આઘી ઠેલતા રૂખીએ કહ્યું : ‘હાય...બાપ તમે તો પુરુષને શરમાવે એટલા જોરથી બાથ ભરી.’ ‘એટલે તો તમારા ભાઈ હખણા રહે છે નકર...’ ‘હેએએએ... નકર શું? બોલ બોલ...!’ ભાઈબંધ ગુસ્સામાં બોલ્યો. પત્ની ગાંજી જાય તેવી ન હતી. ‘હાસ્તો... વળી... હું તમન હારી રીતે જાણું સુ ક તમી ચેવા સો.’ ‘ઈમ... ચેવો સું?... હે... ચેવો છું...?’ ‘આ રૂખીની હામે માર કંઈ કે’વું નહીં...’ એની પત્ની છણક ભણક કરવા લાગી. લાલ આંખો કરીને પેલો ભાઈબંધ પગ પછાડતો બીજા રૂમમાં જતો રહ્યો ને રૂખીને નિસાસો પડ્યો. ભાઈબંધ પાસેથી થોડાં ઘણાં રૂપિયાનો વેંત થાત એવો હતો. પણ, એની બૈરીએ બધું બગાડ્યું. વાતો નહોતી કરવી તોય થોડીઘણી વાતો કરીને એ બહાર નીકળી ગઈ. ભાઈબંધ જે રૂમમાં ગયેલો ત્યાંથી પસાર થતાં થતાં એને વાંકી વળી શોધવા લાગી પણ, એનો કોઈ પત્તો ન હતો. એ થાકીને ઘરે આવી. મન મૂંઝાતું હતું પણ, શું કરે? કચરાં-પોતામાં સમય ગયો ખબરેય ન પડી. એમ કરતાં સાંજ સામે આવતી ગઈ. એની છોકરી નિશાળેથી ઘરે આવી. રૂખીએ એને પૂછી લીધું. ‘તું બપોરે ખાવા આયી ત્યારે કોઈ ઘરે આયેલું?’ ‘મને તો ખબર નથી પણ રમાકાકી કહેતાં હતાં કે કોઈ માણસ આવેલો, એ કહેતો ગયો કે સાંજે પાછો આવીશ.’ રૂખી સાવ શિયાવિયા થઈ ગઈ. એ મનોમન જાણે રડતી હોય એવું લાગતું હતું. એ ઘરમાં ખાલી ખાલી આઘીપાછી થવા લાગી... ‘મકાન માલિક અમણાં પાસો આયો જ હમજો. જયંતિ આવ એ પસી એ આવ તો હારું.’ પણ, ધાર્યું થયું નહીં. પેલો બે ત્રણ ગુંડા જેવા માણસો લઈને રીક્ષામાં આવી ચડ્યો. આવતા વેંત જ મોટે મોટેથી બૂમબરાડા પાડવા લાગ્યો. ‘ચલો... ચલો... ભાડું આપો. નહીં તો હાલ ને હાલ મકાન ખાલી કરી દો.’ ‘તમે તો જબરા સો. મારતા ઘોડે આયા. અન આયા એવા જ ભાડું માગવા માંડ્યા. થોડો હાહ તો ખોવ. ચા-પાણી તો પીઓ.’ ‘મારે તમારું કંઈ ખાવુંય નથી અને પીવુંય નથી બસ મને તો મારું ભાડું આપો.’ ‘પણ, જરા શાંતિ રાખો... બધું જ બરાબર થઈ જસે.’ કહીને રૂખી એના સામે હસી પડી. પણ, આ વખતે પેલો સહેજ પણ હસ્યો નહીં. એણે સહેજ પણ મચક આપી નહીં. એ તો હડી કાઢી અને ઘરમાં ઘૂસ્યો. ઘરનો બધો સામાન આમથી તેમ ફેંકવા લાગ્યો. બધું રાચરચેલું વેરવિખેર કરી નાંખ્યું. રૂખી નિઃસહાય થઈ ગઈ. એને શું કરવું તે કશું સૂઝતું જ ન હતું. એ કાછડો વાળી એકાએક ઘરમાં દોડી. ખૂણામાં પડેલો ધોકો હાથમાં લઈ ઘુમાવતાં ઘુમાવતાં બોલી : ‘મારા રોયા તુંય જો હવે’, ને એણે જોરથી ઘરનું બારણું બંધ કર્યું. ઘરમાં ધમાચકડી મચી ગઈ હતી. અંદરથી રૂખીની ચીસો અને મકાન માલિકના હાકોટા-ધુબાકા બહાર સુધી સંભળાતા હતા. આ ધમાલની સાથે બાજુમાં ચાલતું રૂ કાંતવાનું મશીન પણ દેકારો દેતું હતું. મશીનમાં ખટાખટ ખટાખટ અવાજ અને તીણી સિસકારી ઊઠી. છેલ્લે ભુંગળામાંથી સફેદ સફેદ રૂના ગુચ્છેગુચ્છા ઊડવા લાગ્યાં. ઓયડી બહાર આજુબાજુના લોકો ટોળે વળ્યાં હતાં : ‘શું થયું? શું થયું?’ સૌ એકબીજાને પૂછવા લાગ્યાં. રૂખીની છોકરી રમલી રોતી રોતી બોલી : ‘મારી માને ઘરમાં ઘાલીને પેલો ગુંડો મારે છે.’ સૌને કુતૂહલ થયું. ‘અલ્યા... દોડો પેલો મકાન માલિક કપાતર રૂખીને મારી નાખશે.’ સૌ આઘા પાછા થવા લાગ્યાં. પણ, રૂખીના ઘરની અંદર કોઈને જવાની હિંમત ન ચાલી. મકાનમાલિકના માણસો પણ આંગણામાં આગળ લાકડીઓ પકડીને અડીખમ ઊભાં હતાં. સૌ દોડી દોડીને પાછું પડતું હતું. ને રમલીએ તેડેલો એનો ભાઈ રડતો હતો. રમલી એને છાનો રાખવા મથતી હતી. પણ, એ છાનો રહેતો ન હતો. થોડીવાર થઈને બારણું ખૂલ્યું. રૂખી પેલાં માણસને મારતી મારતી બહાર નીકળી. પેલો માણસ ગડથોલું ખાઈને નીચે પડ્યો. પગ પછાડીને, હોઠ ભીડી રૂખીએ પાટું મારવાં જેવું કર્યું. પણ, પગ ભોંય પર જ પછડાયો. જાણે વાગ્યું હોય તેમ પેલાએ ખાલી ખાલી બૂમો પાડી. તેને ધોકો ઉગામતાં રૂખી બોલી : ‘મારા રોયા... જો અવ કદી ઓય આયો સ અ... તો તારો ટોટિયો ભાજી નોખીશ...’ પેલો માણસ કોઈની સામે જોયાં વગર રિક્ષા તરફ દોડ્યો. એની સાથે એના માણસો પણ રિક્ષામાં બેસી ભાગ્યા. હારબંધ ઊભેલી ઓરડીયોમાંથી લોકો બહાર નીકળવા માંડ્યા. પહેલા કરતા હોબાળો વધી ગયો. ફળિયાનાં બધાં બૈરાં રૂખીની પીઠ થાબડવા માંડ્યાં. આ ઓરડિયોમાં કેટલાંક લોકો ભાડેથી રહેતાં હતાં. એમને સારું લાગ્યું. ‘રૂખીએ જબરો મેથીપાક આલ્યો. પણ, એને જવા દીધો એ ખોટું કર્યું. પોલીસને હવાલે કરવાનો હતો...!’ ‘બૈરું માણહ થઈન આદમીન પહોંચી વળી. એ જ શાબાશી કહેવાય.’ ‘હારુ કર્યું... રોજની માથાકૂટમાંથી છુટકારો.’ જેટલાં મોંઢા એટલી વાતો. રૂખીની હિંમત માટે સૌ વખાણ કરતાં થાકતાં ન હતાં. સ્ત્રીઓ પુરુષ સામે જોઈ બોલી : ‘તમે પોચકા પડો સો. જે કામ તમાર કરવાનું હતું. એ રૂખીએ કરી બતાયું. ઈની હેમત તો જુઓ.’ આ બધાં હડમાલા વચ્ચે રૂખીનું મરક મરક થતું હાસ્ય સાવ ફિક્કું હતું. હીબકાં ભરતી રમલી પાસે જઈને એણે એની પીઠ પર હાથ ફેરવ્યો. પછી, છોકરાને તેડ્યો. ત્રણ વર્ષનો છોકરો તરસી આંખે રૂખી સામે જોઈને ખડખડાટ હસતો હતો. વિલાયેલા મોંએ રૂખીએ હળવેથી એને ચૂમી લીધો. ‘મારા ભા ના દિયોર... તન હસવું આવ સ અ... અન ઓય મારો જીવ જાય સ અ... આ હાથ પગ તો તૂટી જાયસ અ. અન કમર તો જોણે અમણાં ભાંગીને ભૂક્કો.’ મનોમન બોલીને પોતાના હાથેથી જ પોતાના હાથ પગ દબાવવા લાગી. પછી હસતાં છોકરાના કમરમાં ઠુંહો મારતાં બોલી : ‘મારા રોયા... મારા પેટ... આ બધું તમારા ઓલે, બાકી રૂખી કોઈના...’ વાક્ય અધૂરું છોડી રૂખીએ રડતાં છોકરાના માથે હાથ ફેરવી ચૂપ કર્યો. રૂખીએ છોકરાને રમલીને આપ્યો. પછી ઘરમાં જઈને વેરવિખેર પડેલા વાસણ સરખા કરવા લાગી. ત્યાં જયંતિ ફટાફટ ચંપલ કાઢીને ઘરમાં પ્રવેશ્યો. એનાં મોઢા પર ચિંતાના વાદળ ધસી આવ્યાં હતાં. એ હાંફતો હાંફતો બોલ્યો : ‘આ બધું શું સે?’ ‘પેલો ભાનો દિયોર આયો તો, ઈને મારું ઘર વેરણ છેરણ કરી મેલ્યું.’ ‘પણ મેં જોણ્યું ક તી ઈને ખૂબ માર્યો.’ ‘માર્યો એટલ... હાવ ખોડ ભૂલી જ્યો. મન નથી લાગતું ક અ... એ ભાડું લેવા આવ.’ જયંતિ રસોડામાં ગયો. એની પાછળ જતાં જતાં ભોંય પર પડેલો ડાઘ જોઈ રૂખીને હાયકારો થયો. જયંતિ ન જુવે એ રીતે એણે ડાઘ પર પગ મૂકી દીધો. તે દરમિયાન છોકરો દોડતો દોડતો એના બે પગમાં પેઠો. ડાઘ પર પગ ઘસતાં ઘસતાં લાચારી વલુરતી રૂખીએ દીકરાને આઘો ઠેલ્યો. આ વખતે રૂખીએ છોકરાને બહુ ઝીણી ચૂંટલી ખણી, પણ છોકરો રડ્યો પણ નહીં અને હસ્યો પણ નહીં. ઠાલુ ઠાલુ હસીને રૂખીએ એને તેડી લીધો. જયંતિની પાછળ રસોડામાં જતાં જતાં એણે પાછળ નજર કરી તો ડાઘનું નામોનિશાન ન હતું. એની જગ્યાએ એને મજબૂરી અને લાચારી ફેરફૂદરડી ફરતી દેખાઈ.
❖