ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/બારી બહાર — પ્રહ્લાદ પારેખ

Revision as of 01:37, 5 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બારી બહાર

પ્રહ્લાદ પારેખ

ગુજરાતી કાવ્યસાહિત્યમાં અનુગાંધીયુગની શરૂઆત પ્રહ્લાદ પારેખે કરી.૧૯૪૦માં પ્રકટ થયેલા સંગ્રહ 'બારી બહાર'માં તેમણે પ્રકૃતિસૌંદર્ય અને માનવીય સંબંધોનાં ગાન ગાયાં. તે જ નામના તેમના 'બારી બહાર' દીર્ઘકાવ્યમાંથી આજે પસાર થઈએ.

વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો, ‘આવ’, ‘આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો

કાવ્યનાયક વર્ષોથી વિશ્વમાં રહે છે,પણ વિશ્વને જોતા નથી. 'વર્ષોની બંધ બારીને' ઉઘાડતાંવેંત તેમને થયેલા દર્શનનું આ કાવ્ય છે.સૌ પ્રકૃતિતત્ત્વો તેમને આવકારો આપે છે. પહેલાં ફૂંકાય છે વાયરો, જેમાં સાગરનાં મોજાંની ભીનાશ,વગડાઉ ફૂલોની ગંધ,પંખીના ગાનસૂર અને દૂરનાં દ્રશ્યો છે.સ્પર્શ,ઘ્રાણ, શ્રવણ અને દર્શન એમ ચાર કર્મેંદ્રિયોને કવિએ અહીં સામેલ કરી છે. ત્યાર પછી આકાશેથી ઊતરીને કિરણ કાવ્યનાયકને ખાનગી વાતો કહે છે- જલ ઉપર અમે કેવાં નાચ્યાં,પુષ્પોની પંખુડીઓ કેમ ઉઘાડી, પંખીના નીડમાં કેમ કરી પેઠાં અને ઘાસમાંથી ઝાકળ કેમ વીણ્યું.ઝાકળમાં કિરણ પરોવાતું દેખાય એટલે કવિકલ્પના સાર્થક છે. શિશુસહજ વિસ્મયથી કવિ કુદરતને નિહાળી રહ્યા છે.

ધીરે ધીરે કુદરતનાં સૌ તત્ત્વો સાથે કાવ્યનાયકનું સાયુજ્ય રચાતું જાય છે. પંખીનો કલરવ સાંભળીને ન જાણે કેમ તેમના અંતરમાં હર્ષના ધોધ છૂટે છે. માર્ગમાં પુષ્પો પાથરીને વૃક્ષો આવકાર દે છે.ઝરણું તેમને ખાનગી વાતો જણાવે છે- હું અસલ તો વાદળીમાં રહેતું હતું,પછી ગિરિવરની ગુફામાં લપાયું હતું,ત્યાંથી સમુદ્રનો પોકાર સાંભળીને નીકળી પડ્યું! પથ ઉપરની ધૂળ કાવ્યનાયકને પથિકોના અનુભવો કહે છે.ખેતરનાં ડૂંડાં તેમની સંગાથે ઊભવાનું ઇજન આપે છે.પસાર થતી વાદળી વીજ અને મેઘધનુની બાતમી આપતી જાય છે.બાળકના દોડવાથી ઘાસમાં હર્ષકંપ જાગે છે.

અંગાંગે છે પરમ ભરતી મસ્ત સિંધુ સમી, ને
લજ્જા કેરી નયન પર છે એક મર્યાદરેખ;
હર્ષે થાતી પુલકિત ધરા, પાયના સ્પર્શથી જે,
જાયે કોઈ યુવતી નયનો ધન્ય મારાં કરીને

ભરતી હોવા છતાં સમુદ્ર મર્યાદારેખા જાળવે, તેમ યુવતીનું જોબન લજ્જારેખા જાળવે છે.

ઉચ્ચરીને ‘અહાલેક !’ કોઈ સાધુ જતો વહી,
સંદેશો સર્વ સંતોનો બારણે બારણે દઈ

અધ્યાત્મગ્રંથો મોટે ભાગે અનુષ્ટુપમાં લખાયા હોઈ, સાધુના દર્શનનો શ્લોક કવિએ તે જ છંદમાં રચ્યો છે.

જાયે લક્ષ્મીપ્રણયી પથમાં,જ્ઞાનના કો પિપાસુ
કોઈ જાતા શ્રમિત જન, કો દીન, કોઈ દરિદ્ર

માર્ગ પરથી જાતજાતનાં લોકો પસાર થાય. વેપારી માટે 'લક્ષ્મીપ્રણયી' જેવો કાવ્યોચિત શબ્દ કવિ ઉપજાવે છે.બંધ બારીએ વિશ્વની વિવિધતા કદી ન દેખાત. કાવ્યનાયકે માત્ર ઘરની નહિ પરંતુ અંતરની બારી પણ ઉઘાડી છે.છ ફૂટની કેદમાંથી બહાર નીકળી શકેલા મનુષ્યને પૃથ્વી નાની પડે.

સૂર્યાસ્ત થતાં ઘરેઘર લઘુ દીવડીઓ ઝગે છે.

સુધાભરી તારક-પ્યાલીઓને
આકાશથાળે લઈ રાત આવે;
પંખી, વનો, નિર્ઝર, માનવીને
પાઈ દઈ એ સઘળું ભુલાવે

રજનીના કરથી અમૃતપ્યાલી પીને કાવ્યનાયકની આંખડી ઘેરાય છે. 'આવ, આવ'નો સાદ તેમને સર્વત્ર સંભળાય છે, અને તેઓ જાણે ઘર મૂકીને નીકળી પડે છે.

***