રણ તો રેશમ રેશમ/સૌમ્ય ઉઝબેક પ્રજાની સૌહાર્દપૂર્ણ અસ્મિતા

Revision as of 05:03, 6 October 2024 by Meghdhanu (talk | contribs)
(૭) સૌમ્ય ઉઝબેક પ્રજાની સૌહાર્દપૂર્ણ અસ્મિતા
Ran to Resham 12.jpg

ઉઝબેકિસ્તાનનો પહેલો પરિચય કરાવનાર વ્યક્તિ એક યુવતી હતી. એનું આખું નામ નિકી શબનમ. પણ પ્રેમથી સૌ એને ‘નિકી’ કહીને બોલાવે. ઘૂંટણ સુધીનું લાંબું ટાઇટ સ્કર્ટ, સ્ટોકિંગ્ઝ અને લાલ ટીશર્ટમાં સજ્જ વીસ-બાવીસ વર્ષની એ મીઠડી છોકરી તાશ્કંદ એરપૉર્ટની બહાર અમારી રાહ જોઈ રહી હતી. એ આખાય પ્રવાસ દરમિયાન પોતાના દેશનો જે રીતે પરિચય કરાવ્યો તે અવિસ્મરણીય છે. આ પહેલાં એક વાર થાઇલૅન્ડના પ્રવાસ દરમિયાન ઉડોમ નામના અમારા ગાઇડે કહેલું : ‘અમને ગાઇડની ટ્રેનિંગ આપતી વખતે સમજાવવામાં આવે છે કે ગાઇડ તો પ્રત્યેક દેશનો ચહેરો હોય છે. આપણા દેશના પ્રવાસે આવનાર દરેક મહેમાન દેશ વિશે કેવી છાપ લઈને પાછો જાય છે તે મુખ્યત્વે એને મળેલા ગાઇડ પર આધારિત હોય છે.’ નિકીને મળ્યા પછી ઉડોમના એ શબ્દો વારંવાર યાદ આવતા રહ્યા. નિક્કી તો અમારા માટે ઉઝબેકિસ્તાનનો ચહેરો હોવા ઉપરાંત ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રમાં વસતી તેજસ્વિની મુસ્લિમ મહિલાઓની પ્રતિનિધિ પણ હતી. મુખ્યત્વે ઇસ્લામ ધર્મનું આધિપત્ય ધરાવતા આ દેશમાં ઇસ્લામ એના પૂર્ણતઃ આદર્શ સ્વરૂપમાં જોવા મળ્યો. સમજવા અને અનુસરવા જેવી બાબત છે કે, અહીં ઇસ્લામની ઉદાત્ત ભાવનાઓ પ્રજાના જીવન સાથે સહજ વણાઈ ગયેલી છે, છતાં કોઈ અહીં કટ્ટરવાદી નથી. દેશમાં ક્યાંય બુરખો જોવા ન મળ્યો, છતાંય પુરુષો સ્ત્રીઓની આમન્યા જાળવે છે. લોકો સંયુક્ત કુટુંબોમાં રહે છે અને વડીલોની માનમર્યાદા જાળવે છે. જિન્સમાં સજ્જ નિકી શબનમ ગર્વથી કહી શકે છે કે, ‘નો, નો, નો, નો વી ડુ નોટ વેર પર્દા, વી આર એજ્યુકેટેડ ઍન્ડ ઍડવાન્સ્ડ મુસ્લિમ્સ.’ તો વળી એ એમ પણ કહે છે કે, ‘અમને રશિયાની ઘણી વાતો નથી ગમતી, પણ એમના શાસનનો ચોખ્ખો ફાયદો એ થયો છે કે અમે જાતિઓનાં વાડામાં બંધાયેલાં નથી. પ્રજા તરીકે અમે સંગઠિત અને ભાવનાત્મક રીતે એકમેકથી જોડાયેલાં છીએ. અમે ગરીબ-અમીરના ભેદભાવમાં પણ માનતાં નથી. મધ્યમવર્ગીય મહોલ્લાઓમાં રહીએ છીએ અને આખાય મહોલ્લાને અમારું કુટુંબ માનીને એકબીજાંના સુખ-દુઃખ વહેંચી લઈએ છીએ!’ નિકી ઉત્સાહી યુવતી હતી. સદાય સૌને મદદ કરવા તત્પર એવી એ નિઃસ્વાર્થ અને નિર્દોષ છોકરી એક દિવસમાં તો સૌની લાડકી બની ગઈ. એ આધુનિક વસ્ત્રોમાં સજ્જ રહેતી એ સ્વભાવે ખૂબ મિલનસાર હતી; સંગીત વાગે તો નાચી ઊઠે એટલી જીવંત, છતાં ક્યારેય એ ઉછાંછળી કે આછકલી ન લાગી. નખશિખ આધુનિકા હોવા છતાં એની રીતભાત સુરુચિપૂર્ણ હતા. આખાય પ્રવાસ દરમિયાન નિકી વહેલી પરોઢે પણ અમને લેવા અવી હોય કે ક્યારેક મોડી રાત સુધી ઘરે પહોંચી ન શકી હોય તેવું બન્યું; સમરકંદ અને બુખારા ગયાં, ત્યારે તો એ દિવસો સુધી અમારી સાથે જ હતી. પણ એ તમામ સંજોગોમાં એના કુટુંબ કે સમાજ તરફનું કોઈ દબાણ એના પર નહોતું. વળી એના સહકર્મચારીઓ દ્વારા એની પૂરતી કાળજી લેવાતી તથા માન-મર્યાદા જળવાતી અમે જોઈ. નિકીને તો વર્તમાન સાથે પ્રેમ છે. એ કહે, ‘મારી મા માને છે કે એમનો વીતી ગયેલો સમય વધારે સારો હતો, પણ મને તો લાગે છે કે અમારો અત્યારનો સમય જ શ્રેષ્ઠ છે.’ ઉઝબેકિસ્તાનની પ્રજા સરળ, સહજ તથા ખુશમિજાજ છે. આઝાદ ઉઝબેકિસ્તાનની આજની પેઢીને ઈરાનિયનોની સૌમ્ય પ્રકૃતિ, આરબોની વિદ્વત્તા સાથે સોવિયત યુનિયનની કડક શિસ્ત, પ્રજાકીય સમાનતા અને ભાઈચારાની ભાવના વારસામાં મળી છે. સમયના વહેણમાં અનેક વળાંકો પરથી પસાર થવા છતાં કોઈ એક પ્રજા પોતાની અસ્મિતા અને સંસ્કારો કેટલી સરસ રીતે જાળવી શકે છે, તેનું સુખદ ઉદાહરણ અહીં જોવા મળ્યું. મૂળે તો આ લોકો છેક પહેલી સદીમાં બહેતર જિંદગીની શોધમાં અહીં આવીને વસેલા ઈરાનિયન વણજારાઓના વંશજો છે. ઈરાન ત્યારે આસપાસના રાષ્ટ્રો સહિત પર્શિયા તરીકે ઓળખાતું. આ ભલાંભોળાં પર્શિયનોએ કાળક્રમે સમયના અનેક ઉતારચડાવ જોયા. આરબોના આધિપત્ય હેઠળ દબાણપૂર્વકનું ધર્માંતરણ એણે વેઠ્યું, તો વળી આરબ સાહિત્યકારો, ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓની વિદ્વત્તાથી ઝળહળતો સુવર્ણકાળ પણ જોયો. ચંગીઝખાન જેવા મંગોલના આક્રમણકારને હાથે ઘમરોળાયા પછી પણ એણે સિલ્કરૂટના વ્યાપાર-વાણિજ્યની જાહોજલાલી પ્રાપ્ત કરી. બોલ્શેવિકોના બૉમ્બમારા અને બળપ્રયોગ સામે ઝૂકવું પડ્યું એ પછી રશિયામાં ભળીને સોવિયત યુનિયનનો દબદબો પણ એણે ભોગવ્યો. અને હવે છેલ્લે સ્વતંત્ર મુસ્લિમ રાષ્ટ્ર તરીકેની ઓળખાણ સ્થાપિત કર્યા પછી પણ પ્રજાએ પોતાના ઈરાનિયન મૂળનું સૌમ્ય સૌહાર્દ જાળવી રાખ્યું છે. ઇતિહાસના બદલાતાં વહેણ સાથે બદલાતાં અને ઝઝૂમતાં પણ પોતાની મૂળ પ્રતિભાને જાળવી રાખતાં પૃથ્વીનાં વિવિધ પ્રદેશોમાં વસતાં માનવનાં મનને સમજવાની તક પ્રવાસમાં મળી રહે છે, ત્યારે એની જીવનશૈલીમાં સમયાંતરે આવેલ ફેરફારોને નોંધવાનું અને સાક્ષીભાવે નીરખવાનું રસપ્રદ બની રહે છે.