ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/મોરલાની માયા — લોકગીત
Bold text
લોકગીત
(ઊભા ઊભા ગાવાનો એક તાળીનો રાસડો)
સોનલા ઈંઢોણી રાજ, રૂપલાનું બેડું રાજ,
રાજાની રાણી પાણી સાંચર્યાં.
હાથડિયા ન ધોયા રાજ, પગડિયા ન ધોયા રાજ;
આવડી વારું રે શીદ, લાગીઉં?
આવ્યાં તે આવ્યાં રાજ, નગરીનાં ધેનુ રાજ,
આછેરાં કરું ને નીર ડોળી નાખે.
ઘેલુડાં શીદ બોલો રાજ, ઘેલુડાં શીદ બોલો રાજ!
વનના મોરલા સાથે જળે રમતાં.
ઊઠોને રાજાની રાણી! કાઠુડા ઘઉં દળો રાજ!
મારે જાવું રે મોરલાને મારવા.
સોનલા કામઠડી ને રૂપલાનાં તીર રાજ;
રાજાજી હાલ્યા રે મોરલાને મારવા.
મારજો મારજો રે રાજા, હરણ ને હરિયાળાં રાજ,
એક મ મારજો વનનો મોરલો.
નહિ રે મારું હું તો, હરણ ને હરિયાળાં રાજ,
દીઠો નહિ મેલું વનનો મોરલો.
વનના મોરલિયા ત્યાંથી, ઊડી ઊડી જાજે રાજ!
જઈને બેસજે રે પારસ પીપળે
પેલે તે ઘાએ મોરનાં, પીંછડાં ખેર્યાં રાજ;
બીજે તે ઘાએ મોરલાને મારિયો.
સોનલાની કાવડયું ને રૂપલા કરંડ રાજ;
કાવડ્યુંમાં નાખી મોરલાને લાવિયા.
ઊઠોને રાજાની રાણી બારણિયાં ઉઘાડો રાજ;
તમને ભાવતાં રે શીઆક લાવિયા.
હસતાં રમતાં રાણીએ, બારણિયાં ઉઘાડિયાં રાજ;
મોરલાને દેખી મોઢડે મશ ઢળી.
ઊઠોને રાજાની રાણી, મોરલિયાને મોળો રાજ!
તેલમાં સમકાવો વનનો મોરલો.
રોતાં ને રસકતાં રાણીએ, મોરલિયાને મોળ્યો રાજ;
આંસુડે સમકાવ્યો વનનો મોરલો.
ઊઠોને રાજાના કુંવર, જમવાને બેસો રાજ!
તમને ભાવતાં શીઆક રાંધિયાં.
હાલોને રાજાની રાણી, ભેળાં બેસી જમીએ રાજ!
તમારે સારુ શીઆક આણિયાં.
તમે રે જમો તમારાં, છોરુડાં જમે રાજ;
અમારે વરત છે એકાદશી.
ઊઠોને રાજાનાં રાણી, સાળુડા રંગાવું રાજ!
પાલવડે મેલાવું વનના મોરલા
ઘેલુડા રાજાના કુંવર, ઘેલુડાં શીદ બોલો રાજ!
છાપેલા મોરલા તે કેમ કરી બોલશે.
- ટૂંકાવીને
એક મ મારજો મનનો મોરલો
પાણી સીંચવાને રૂમકઝૂમક ચાલ્યાં રાણી, જેનું બેડલું રૂપાનું હોય અને ઈંઢોણી સોનાની, એ પોતે કેવાંક હશે? ‘જળ ભરતાં આવડી તે વાર?' રાજાએ પૂછ્યું. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા રાણીએ કહી દીધું, ‘નગરની ધેનુ આવી, તેમાં નીર ડોળાઈ ગયાં.' રાણીનું અંતર ડોળાયેલું છે. અભિસારિકાને અકળાવે તેવા સવાલો પૂછવાનો લહાવો સૌ કોઈ લે. દયારામ હોય તો પૂછે :
સાંભળ રે તું સજની મારી, રજની ક્યાં રમી આવી જી?
પરસેવો તને ક્યાં વળ્યો? તારી ભમ્મર ક્યાં ભીંજાણી ?
રાજા કળી ગયો છે કે કોઈ મોરલો કળા કરી ગયો છે. જાણે લાડ લડાવતાં હોય એમ કહે છે, ઊઠોને રાજાનાં રાણી, કાઠા (ઉત્તમ પ્રકારના) ઘઉં દળો, મારે જાવું રે મોરલાને મારવા આ સાંભળીને રાણીને કેવું થયું હશે? ઘંટીનાં બે પડ વચ્ચે શું દળાયું હશે? સોનલા, રૂપલા, હાથડિયા, પગડિયા, ઘેલુડા, મોરલા, કાઠુડા, કામઠડી, છોરુડાં, પીંછડા, બારણિયાં, સાળુડા, પાલવડા.. લઘુતાવાચક અને લાલિત્યવાચક શબ્દરૂપો આ ગીતને વધુ મીઠું, ભૂલ્યો, મીઠડું કરે છે. રાજા નીકળ્યા શિકારે. રાણીએ કાકલૂદી કરી, ‘એક મ મારજો વનનો મોરલો.' આપણા કાન ત્રણ ‘મ’ કારમાં ચોથાનું ઉમેરણ કરીને સાંભળે, ‘એક મ મારજો મનનો મોરલો. રાજા અર્ધપંક્તિ ફેર કરીને સનન સામે છોડે છે, ‘દીઠો નહીં મેલું વનનો મોરલો'. ‘ન મારજો' કરતાં ‘મ મારજો’માં વધુ આર્જવ વરતાય છે. ‘વનના મોરલિયા ત્યાંથી ઊડી ઊડી જાજે રાજ.' મોર નહીં, મોરલો નહીં, પણ મોરલિયો. શામ નહીં, શામળો નહીં પણ શામળિયો. ક્યાંથી ઊડવું? ‘ત્યાંથી’, આપણી પેલી ગુપ્ત જગ્યાએથી. ઊડવું નહીં, ઊડી જાવું નહીં, ઊડી ઊડી જાવું. ઝટ કર, સમય નથી. મોરલો ઘા ખાઈ ગયો. પંખી ગયું ને પીછાં રહ્યાં. મોરમાં કળા ખરી, પણ કૌવત નહીં.
મોર જ્યારે જ્યારે પણ કરતો કળા
એટલું બસ પૂછવાનું થાય મન :
આ બધું તો ઠીક છે, પણ ઉડ્ડયન?
કાવડના કરંડિયામાં ઝુલાવીને લવાય શાકને કાં શિકારને. સોનારૂપાની જોડ ગીતમાં સુવાંગ આવે છે: સોનલા ઈંઢોણી — રૂપલા બેડું, સોનલા કામઠડી—રૂપલા તીર, સોનલા કાવડ- રૂપલા કરંડ. દરેક બંધમાં ‘રાજ’ આવતું હોય ત્યારે સોનુંરૂપું તો હોવાનું. શૃંગારરસ હવે કરુણમાં પર્યવસાન પામે છે. ‘ઊઠોને રાજાનાં રાણી', રાજા દાઢમાં બોલે છે, ‘તમને ભાવતાં શાક આવ્યાં. તમારા મોરલાને મોળો (સમારો) અને સમકાવો (વઘારો.) રાણી મોરલાને આંસુડે સમકાવે છે. ‘હાલોને રાજાનાં રાણી, ભેળાં બેસી જમીએ રાજ.' આવું કહેનાર કવિએ હૈયા પર પથરો મૂક્યો હશે? આવો કરુણ (બીભત્સ) રસ ચેલૈયાના લોકગીતમાં પણ જોવા મળે છે. અતિથિને પ્રસન્ન કરવા શગાળશા શેઠ અને ચંગાવતી શેઠાણી પોતાના કુમળા પુત્રનું માંસ પીરસે છે અને ગાય છે :
તારા હાલરડે પડી હડતાલ, કુંવર ચેલૈયા,
મેં તો માર્યો કળાયલ મોર, કુંવર ચેલૈયા.
પછી તો શંખચક્રગદાપદ્મધારી વિષ્ણુ કુંવર ચેલૈયાને જીવતો કરે છે. પણ રાણીના રુદિયાના મોરને કોણ ટહુકતો કરે? રાજા હવે રાજાપાઠમાં આવી જાય છે. રાણી, તારા સાળુડા રંગાવું. રાજા, મારી રગરગ કેમ કરી રંગશો? કંઠસ્થ ગવાતાં ગીતો (‘ફોકસોંગ') માટે ‘લોકગીત' નામાભિધાન રણજિતરામ વાવાભાઈએ ૧૯૦૫માં પહેલવહેલું કર્યું હતું. લોકગીત સાંભળવાનાં હોય, વાંચવાનાં નહીં. આ રાસડો અહીં મુદ્રિત ભલે કર્યો, પણ છાપેલા મોરલા તે કેમ કરી બોલશે?
***