ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગણપતરામ અનુપરામ ત્રવાડી
સ્વ. ગણપતરામ અનુપરામ ત્રવાડીનો જન્મ તેમના વતન આમોદમાં સં.૧૯૦૫ના કાર્તિક વદ ૬ (તા.૧૬-૧૧-૪૮)ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ અનુપરામ હરિરામ ત્રવાડી અને માતાનું નામ ગલાલબા હતું. તેઓ ન્યાતે અમદાવાદી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેમના પિતામહ હરિરામ ત્રવાડી આમોદના ઠાકોરના કારભારી હતા અને પિતા પણ ઠાકોર ગુલાબસિંહજીના કારભારી હતા. પાછળથી તેમણે સુરતમાં વસવાટ કરેલો. ગણપતરામ ત્રવાડીનાં પ્રથમ પત્ની ઋક્મિણી મીંયાગામ નજીક આવેલા એક ગામડાનાં હતાં. પહેલું લગ્ન સં.૧૯૨૫માં અને બીજું લગ્ન સં.૧૯૪૬માં થએલું. તેમને કાંઈ સંતાનો નહોતાં. તેમણે પ્રાથમિક કેળવણી આમોદમા તથા સુરતમાં અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. સને૧૮૬૫માં તેમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી. તેમનો અભ્યાસ તેજસ્વી હતો. કૉલેજમાં જઈને ઉંચી કેળવણી લેવાનો એમને અત્યંત ઉમગ હતો; તે માટે તેમણે કેટલોક તરફડાટ પણ કરેલો, પરન્તુ અનુકૂળ સંયોગોને અભાવે તે કૉલેજમાં જઈ શક્યા નહિ. મેટ્રિક પાસ કરીને તે સુરતની મિશન હાઈસ્કૂલમાં નોકરીમાં જોડાયા. ત્યાં ૬ માસ નોકરી કરીને સુરતની ગોપીપુરાની બ્રાંચ સ્કૂલમાં, પછી જે. જે એંગ્લોવર્નાક્યુલર સ્કૂલમાં અને પછી સોરાબજી હાઈસ્કૂલમાં પણ તેમણે શિક્ષકની નોકરી કરી હતી. પછી રાંદેરમાં અને કતારગામમાં તે અંગ્રેજી સ્કૂલમાં હેડમાસ્તર થયા હતા. એ વખતે તેમણે કૉલેજમાં અભ્યાસ માટે જવા રાજીનામું પણ આપેલું પણ શ્રી નંદશંકર તુલજાશંકરની સલાહથી રાજીનામું પાછું ખેંચી લીધું અને અંકલેશ્વરની અંગ્રેજી શાળાના હેડમાસ્તર તરીકે થએલી બદલી સ્વીકારી લીધી. ત્યારપછી તે ખેડાની અને બીજી બેત્રણ શાળાઓમાં બદલાયા હતા અને ૧૮૭૩-૭૪માં સુરતની સર જે. જે. બેરોનેટ પારસી પંચાયત સ્કૂલના હેડમાસ્તર થયા હતા. ત્યારપછી સને ૧૮૭૬ થી ૧૮૮૩ સુધી તે કાઠિયાવાડના હાલાર પ્રાંતના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે ગયા હતા અને ૧૮૮૩ થી ૧૮૯૦ સુધી સોરઠ પ્રાંતના ડે. એજ્યુ. ઇન્સ. તરીકે તેમણે કામ કર્યું હતું. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી ભાવનગરના તે વખતના યુવરાજ શ્રી ભાવસિંહજીના ટ્યુટર તરીકે સંતોષકારક કામ કર્યું હતું અને ૧૮૯૩ થી ૧૮૯૬ સુધી તે પાછા સોરઠના ડે. એજ્યુ. ઇન્સ. તરીકે ગયા હતા. ૧૮૮૬ થી ૧૮૮૯ સુધી તે રાજકોટની મેલ ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સીપાલ તરીકે નીમાયા હતા જ્યાં પણ તેમની કામગીરીની ઉપરી અધિકારીઓએ પ્રશંસા કરી હતી. ૧૮૯૯માં તે જૂનાગઢ રાજ્યના કેળવણી ખાતાના ઉપરી અધિકારી તરીકે રૂ|. ૨૫૦ના પગારથી ગયા હતા અને ત્યાં બે વર્ષ નોકરી કર્યા બાદ ૧૯૦૧માં ૫૩ વર્ષની વયે એકંદર ૩૬ વર્ષની નોકરી કરીને નિવૃત્ત થઈ સુરત આવ્યા હતા. બે વર્ષની ચડતા પગારની રજા બાદ ૧૯૦૩ થી તે પેનશન પર ઊતર્યા હતા. બીલખાવાળા શ્રી નથુરામ શર્માને તેમણે ગુરુપદે સ્થાપ્યા હતા અને તેમના ઉપદેશ તથા ગ્રન્થોની શ્રી. ગણપતરામ ઉપર વિશિષ્ટ અસર હતી. આદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ પ્રતિ તેમનો ખૂબ સેવાભાવ હતો. સં. ૧૯૬૯માં તેમણે ભા. ઔ. બ્રહ્મસમાજનું દશમું સંમેલન સુરતમાં પોતાને ખર્ચે નોતર્યું હતું તેમણે આશરે ૫૦ હજારની સખાવતો કરી હતી, જેમાંનો એક સારો ભાગ જ્ઞાતિસેવા નિમિત્તે હતો. સુરતની સંસ્કૃત પાઠશાળાને, ઔદીચ્ય બ્રહ્મસમાજને, જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાને, ન્યાતના ઓચ્છવ માટે, એમ નાની મોટી રકમો તેમણે જ્ઞાતિસેવા માટે આપી હતી. તે ઉપરાંત સુરતની મ્યુ. કન્યાશાળા માટે મકાન, ફ્રી લાયબ્રેરી માટેનું મકાન તથા નિભાવની રકમ, સુરત કૉલેજનો લેક્ચર હોલ, અને જાહેર વ્યાખ્યાન તથા જ્ઞાતિની વાડી માટે ઉપયોગમાં આવે એવું મકાન, એવી રીતે તેમણે અકંદરે રૂ. ૩૫૦૦૦નું દાન કર્યું હતું. સંવત ૧૯૭૫ના જેઠ સુદી ૧૪ ને રોજ (તા.૧૨-૬-૧૯૧૯)૭૦ વર્ષની વયે સુરતમાં તેમનું અવસાન થયું હતું. ગુજરાતી સાહિત્યમાં તેમનાં ૪ અનુવાદિત પુસ્તકોનો ફાળો છે જે સુંદર છે. તેમનો પહેલો ગ્રંથ ‘મીઠીમીઠી વાતો’ જે મિસ એજવર્થના ‘પેરન્ટ્સ એસિસ્ટંટ’ના અનુવાદરૂપ છે તે ૧૮૮૫માં બહાર પડ્યો હતો. સ્માઈલ્સના 'સેલ્ફ હેલ્પ'નું ભાષાંતર 'જાતમહેનત' નામથી ૧૮૮૯માં અને ‘કેરેક્ટર’નું ભાષાંતર ‘સદ્ધર્તન’ નામથી ૧૮૯૬માં ગુ. વ. સોસાયટી તરફથી બહાર પડ્યું હતું. ‘દરિયાપારના દેશોની વાતો' અથવા 'યૂરૂપ ખંડનું વર્ણન’ (Across the sea or Europe described)એ પુસ્તક ૧૮૯૨માં બહાર પડ્યું હતું.
***