ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જેહાંગીર બહેરામજી મરઝબાન

From Ekatra Wiki
Revision as of 13:38, 18 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જેહાંગીર બહેરામજી મરઝબાન

“જામે જમશેદ” નામના જાણીતા પારસી દૈનિક પત્રને નામચીન બનાવીને તે દ્વારા એ કોમની સેવા કરનાર અને પારસી પત્રકારત્વમાં નામના મેળવનાર સ્વ. જેહાંગીરજી મરઝબાન મૂળ સુરતના વતની ગરીબ પારસી માબાપના ફરજંદ હતા. તા.૨-૯-૧૮૪૮ને રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ બહેરામજી ફરદુનજી મરઝબાન હતું. ઇ.સ.૧૮૬૭માં મુંબઈમાં મેટ્રિક થઈને તેમણે એલ્ફીન્સ્ટન કૉલેજમાં થોડો અભ્યાસ કરેલો. પછી તે પત્રકારત્વના વ્યવસાયમાં પડ્યા હતા જેમાં “બોમ્બે ગેઝેટ”વાળા મી. ગીઅરીએ એમના જીવન ઉપર પ્રબળ અસર કરી હતી. ગરીબીમાંથી આપબળે આગળ વધીને તે મહાન થયા હતા અને પારસી કોમની ગરીબીના નિવારણ માટે પોતાના પત્ર દ્વારા તથા જાતમહેનતથી તેમણે લાખો રૂપિયા એકઠા કરીને તે કાર્ય પાછળ ખર્ચ્યા હતા. સરકારે તેમને સી. આઈ. ઇ.નો ખીતાબ આપ્યો હતો. તેમની કલમમાં જેવી સરલતા હતી તેવાં રમૂજ અને કટાક્ષ પણ હતાં. તેમનાં ઘણાં પુસ્તકોમાં તેમની કલમની એ વિશેષતા જેવા મળે છે. તેમણે આખા હિંદનો અને યુરોપ-અમેરિકાનો પ્રવાસ કર્યો હતો અને પ્રવાસોનાં પુસ્તકો પણ લખી પ્રસિદ્ધ કર્યાં હતાં. તે એક સારા નવલકથાકાર પણ હતા, જેમાં તેમની પારસી ભાષા મુખ્યત્વે એ કોમના વાચકોને સારી પેઠે રસ ઉપજાવતી, કારણકે તેમની ઘણી ખરી નવલકથાઓમાં મુખ્યત્વે પારસી સંસારનું આલેખન થયું છે. તેમનું અવસાન તા.૫-૧૨-૨૮ના રોજ મુંબઈમાં થયું હતું. તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે: "તારાબાઈ” (મેડોઝ ટેલરની ‘તારા’નો તરજૂમો) ૧૮૮૬, “મુબઈથી કેશ્મીર” ૧૮૮૬, "ભુલ ભુલામરી" (હેનરીવુડની “વિધિન ધી મેઇઝ”નો તરજૂમો) ૧૮૯૦, “અકલના સમુદર” (ડિકન્સ 'પિકવિક પેપર્સ') ૧૮૯૦, “ટોચકા સંગ્રહ” ૧૮૯૦, “શીરીન મડમ” ૧૮૯૦, "વેલાતી વેહજાં” (વેલાતનું ગળ્યું દાસ્તાન) ૧૯૧૫, “ચોર્યા માર” ૧૯૨૦, “મુશ્કેલ આસાન” ૧૯૧૭, “તલેસમ” (દ્યુમાની ‘કાઉન્ટ ઓફ મોંટીક્રીસ્ટો’ બે ભાગમાં), “કૌતક સંગ્રહ" ૧૮૮૪, “ચંડાળ ચોકડી” (‘પિકવિક પેપર્સ') ૧૮૮૮, “કર ને જો”, “ખુશ દર્પણ”, "શીયાની શીરીન”, “આદાંની સુંઠ”, “ઓ મારી બહેન” (બે ભાગ), “રમુજી ફકરા સંગ્રહ”, “જીલુ ગોરાણી”, “નીમકહરામ”, “ઘેરના ઘેલા અને બાહેરના ડાહ્યા”, “ભલો કે ભુંડો”, “ધણી કે ઢોર અને જાફરનો બાપ" "પંચ કથા" "માકી ચવીત્રી", "પારકી આશ સદા નિરાશ”, “સુના માય વઢકણી” (ચાંદન ચલકતી), “કમબખ્ત કોણ?”, “તોફાની બારકસ”, “મોદીખાનેથી મારસેલ્સ”, “ગોરું વિલાયત”. મર્હુમનાં પુત્રી જરબાઈ “મટલાંની મેહરા' એ તખલ્લુસથી વર્તમાન પત્રોમાં કટાક્ષમય લેખો લખતાં. તેમના મોટા પુત્ર પીરોજશા બહેરામજી મરઝબાન “પીજામ” પણ એક સારા લેખક હતા. નાના પુત્ર જાલ મરઝબાન ૧૯૨૬ના મે માસમાં મીસીસ કરાકાને જુહુના દરિયામાં ડૂબતાં બચાવવા જતાં પોતે ડૂબી મરણ પામ્યા હતા.

***