ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(રા. સા) દલપતરામ પ્રાણજીવન ખખ્ખર

From Ekatra Wiki
Revision as of 13:43, 18 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રા. સા. દલપતરામ પ્રાણજીવન ખખ્ખર

રા. સા. દલપતરામ ખખ્ખર ન્યાતે બ્રહ્મક્ષત્રિય હતા. સં.૧૮૯૨ના કારતક સુદ ૧૧ (તા.૧-૧૧-૧૮૩૫)ને દિવસે દીવ સંસ્થાનમાં તેમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ પ્રાણજીવન પૂર્ણાનંદ ખખ્ખર અને માતાનું નામ ધનકુંવર હતું. એમનાં ત્રણ લગ્ન થયાં હતાં. પ્રથમ લગ્ન સુરતમા ડાહીબાઈ સાથે, બે વર્ષમાં તેમનું અવસાન થવાથી બીજું લગ્ન મુંબઈમા ચંદ્રભાગા સાથે અને તેમનું થોડા વખતમાં અવસાન થવાથી ત્રીજું લગ્ન ભાવનગરમાં ૧૯૧૬માં દેવકોરબાઈ સાથે થયું હતું. માતાનું અવસાન તેમની બાલ્ય વયે થવાથી તે પોતાનાં માતામહી પૂતળીબાઈ પાસે ઊછરી મોટા થયા હતા. દમણની શાળામાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યો હતો, અને ફીરંગી ભાષાનું શિક્ષણ પણ લીધું હતું. બાર વર્ષની વયે મુંબઈ આવી સને ૧૮૫૧માં તેમણે એલ્ફીન્સ્ટન ઈન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ કર્યો હતો અને સ્કોલરશીપો તથા ઈનામો મેળવ્યાં હતાં. ૧૮૫૯માં એ જ ઈન્સ્ટિટયૂટમાં તે શિક્ષક નીમાયા હતા. સં.૧૯૧૬માં તેમના પિતાનું અવસાન થયું. તે અરસામાં શેરના વેપારમાં તે ઠીક કમાયા હતા, ઘર પણ ખરીદ્યું હતું. પરન્તુ પાછળથી મોટી ખોટ આવતાં ઘર વેચી નાંખવું પડ્યું હતું. સને ૧૮૬૪માં તેમણે 'શાકુંતલ' નાટક લખી પ્રસિદ્ધ કર્યું જેમાં તે થોડું કમાયા હતા. મુંબઈમાં સને ૧૮૫૧માં બુદ્ધિવર્ધક સભા સ્થપાઈ તેના પ્રારંભકાળથી તે તેમાં રસ લેતા. તેમાં તે નિબંધો વાંચતા અને ભાષણો કરતા. ૧૮૬૨માં તે એ સભાના મંત્રી અને 'બુદ્ધિવર્ધક'ના તંત્રી થયા હતા. ૧૮૬૮ સુધી તેમણે એ પત્ર ચલાવ્યું હતું. ૧૮૭૧માં તેમણે સિવિલિયનો માટે એક ટેકસ્ટ બૂક લખી હતી. ૧૮૬૦માં તે ગો. તે. સરકારી સ્કૂલના હેડમાસ્તર નીમાયા હતા. ૧૮૬૮માં તે રાજકોટના ઠાકોર બાવાજીરાજના શિક્ષક તરીકે રાજકૉટ ગયા હતા. ૧૮૭૧માં તે કચ્છના એજ્યુ. ઇન્સ. અને હાઇસ્કૂલના હેડમારતર તરીકે ભૂજ ગયા. તે વખતે કચ્છમાં માત્ર ૧૨ શાળાઓ હતી તે વધારીને તેમણે ૧૨૧ શાળાઓ ઉઘાડી, અને તે માટે શિક્ષકોને રાજકૉટ ટ્રે. કૉલેજમાં મોકલી સારા શિક્ષકો તૈયાર કર્યાં. પાછળથી તે મહારાવ સર પ્રાગમલજીના કુમાર ખેંગારજીના શિક્ષક નીમાયા હતા. કચ્છના કેળવણીખાતાની નોકરી દરમ્યાન તેમણે કચ્છની ભૂગોળવિદ્યા, નકશા વગેરે તૈયાર કર્યાં અને જૂના લેખો, પાળિયા વગેરે પ્રાચીન વસ્તુઓની ખૂબ શોધખોળ કરી. એ સંશોધન તેમને ‘કચ્છની આર્કીઓલૉજી' તૈયાર કરવામાં ખૂબ મદદગાર બન્યું. ડૉ. બર્જેસ અને સર કેમ્પબેલની સૂચનાથી તેમણે એ વિષેનું પુસ્તક માત્ર ૩૫ દિવસમાં રાત-દિવસ શ્રમ લઈને લખી મોકલી આપ્યું હતું. આ ઉત્તમ સેવા માટે સરકારે તેમનો આભાર માન્યો હતો. “લાખા ફુલાણી” વિષેનો તેમનો એક લેખ, જુના સીક્કાઓ વગેરે ડૉ. બર્જેસને ખૂબ ઉપયોગી થઈ પડ્યાં હતાં. સને ૧૮૮૬માં તે તબિયતને કારણે કચ્છની નોકરીમાંથી નિવૃત્ત થયા, અને જનતાએ તેમને જંગી સભા ભરી માનપત્ર આપ્યું. રાણી વિકટોરિયાની જ્યુબિલી પ્રસંગે તેમને સરકાર તરફથી રાવ સાહેબનો ખિતાબ મળ્યો હતો. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સાહિત્યસેવા ચાલુ રાખી ઈન્ડીઅન એન્ટીકવરી, ટાઈમ્સ, ગુજરાતી, તથા માસિક પત્રોમાં તે લેખો લખતા. શાળાઓમાં પરીક્ષા લેવાનું કામ અને ગો. તે. ચેરીટી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સને ૧૮૮૮ થી તે કામ કરતા. સરકારે તેમને એ અરસામાં જે. પી. બનાવ્યા હતા. તા.૧૪-૧૧-૧૯૦૨ના રોજ ૭૦ વર્ષની વયે તાવની બિમારીમાં તેમનું અવસાન થયું હતું. તેમના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી. મગનલાલ ખખ્ખરે રૂ. ૨૬૦૦૦ નું ફંડ સ્થાપ્યું છે જેના વ્યાજમાંથી ન્યાતના છોકરાઓને કેળવણી માટે સ્કૉલરશીપો આપવામાં આવે છે, સ્વ. દલપતરામ પોતાની પાછળ બે સંતાનો મૂકી ગયા છે : શ્રી. મગનલાલ ખખ્ખર અને શ્રી. તુલજાગૌરી. શ્રી. મગનલાલને રા. સા. તથા જે. પી.નો ઈલકાબ મળ્યો છે. તે પણ એક લેખક અને ગ્રંથકાર છે. સ્વ. દલપતરામના પુસ્તકોની યાદી નીચે મુજબ છે : 'શાકુન્તલ નાટક', 'કચ્છની આર્કીઓલૉજી’ (અંગ્રેજી), ‘કચ્છની ભૂગોળ વિદ્યા', કચ્છનો નકશો, ભૂજનો નકશો, 'શેઠ હરજીવનદાસ માધવદાસનું જીવનચરિત્ર'.

***