રણ તો રેશમ રેશમ/ભૂરા જળમાં રાતા પડછાયા : ચાર્વાક સરોવર
પર્વતીય પ્રદેશ સાવ સૂમસામ હતો. શિમગનના શિખર ઉપર પણ ગણ્યાંગાંઠ્યાં પ્રવાસીઓ હતાં. વસ્તી અહીં ઓછી હશે. શું એટલે જ અહીંનું કુદરતી સૌંદર્ય યથાવત્ જળવાયેલું રહ્યું હશે? આ પર્વતોની ખાસિયત એ છે કે, અહીં ન તો લીલાછમ્મ ઢોળાવો છે, ન તો આ પર્વતો ઉપર વૃક્ષોના શામિયાણા તણાયેલા છે. અરે, અહીં બરફની શ્વેત ગરિમા પણ નથી, છતાંય એ મનને ગમી જાય તેવા સુંદર છે. આ પર્વતોના રુક્ષત્વમાં પણ ગુલાબી રંગછાયા છે. આ પર્વતોને નાજુક લાવણ્ય નથી, એને તો નક્કર પ્રભાવશાળી રૂપ છે. નોખી ધરતીનાં નોખાં રૂપ તે આનું નામ! એક પછી એક પર્વતોને વટાવતાં અમે એક એવા સ્થળે પહોંચ્યાં, જ્યાં પર્વતોના ઘેરા વચ્ચે સ્વચ્છ, નીલ સરોવર સેલ્લારા લઈ રહ્યું હતું. અહીં મુસાફરો માટેના વિશ્રામસ્થાનમાં પ્રવાસીઓનો મેળો લાગેલો હતો. પર્વતીય વિસ્તારની નિર્જનતા અચાનક જ મેળાના ઘોંઘાટમાં પલટાઈ ગઈ હતી. વિશ્રામસ્થાનના રેસ્ટોરાંમાં ટોળાબંધ લોકો બપોરનું ભોજન લઈ રહ્યા હતા. આ સ્થાન પરના સાઈનબોર્ડને જોઈને નવાઈ લાગી. આ મકાનનું નામ હતું : ‘ચાર્વાક ઑરૉમગોહી!’ અર્થાત્ ચાર્વાક આરામગૃહ જ વળી! ફારસી શબ્દ આરામગાહના અલગ અલગ ભાષાના અપભ્રંશ શબ્દો. ઉઝબેકિસ્તાનમાં ફરતાં આવા કેટલાયે આપણા જાણીતા હોય તેવા શબ્દોનો એમની ભાષામાં પ્રયોગ થતો જોયો. વિસ્મિત થઈને હું જોતી રહી કે, ભાષાઓ તથા સંસ્કૃતિઓ એકબીજામાં કેટલી ઓતપ્રોત હોય છે! ચાર્વાક સરોવર એકદમ સુંદર છે. એના પાણી પર ઊપસેલી નિર્મળ નીલિમા કહી રહી હતી કે, તે એકદમ સ્વચ્છ છે. ભૂરા બિલ્લોરી જળમાં આસપાસના પર્વતોના રતૂમડા પડછાયા અલૌકિક વાતાવરણ રચતા હતા. સરોવર વિશાળ છે. ઉગમ, ચટકલ અને પસ્કેમ – એ ત્રણ નદીઓનું પાણી અહીં પર્વતોની હથેળીમાં એકઠું થઈ વિશાળ સરોવરનું રૂપ ધારણ કરે છે. ખરેખર તો આ કુદરતી નહીં, માનવસર્જિત સરોવર છે, છતાંય એ અત્યંત પુરાણું હોવાની લોકવાયકાઓ પણ પ્રચલિત છે. વાયકા છે કે, આદિકાળમાં આ સ્થળે ફરગાના અને કિર્ગીસ્તાન પ્રદેશને તાશ્કંદના રણદ્વીપ સાથે જોડતો માર્ગ હતો. હજ્જારો વર્ષ પહેલાં આ સરોવર છલકાયું. કિનારાની આમન્યા તોડીને ચારેકોર ફરી વળેલા એના પાણીએ એક આખી સંસ્કૃતિનો ખાતમો બોલાવી દીધો. એટલે આજે પણ આ વિસ્તારમાં આદિકાળના અવશેષો મળી આવે છે : જેવા કે, પ્રાગૈતિહાસિક માનવના અવશેષો, આદિકાળના દફનસ્થાનો, કિલ્લાઓ, વગેરે. આજે આવા પુરાતત્ત્વના નમૂનારૂપ ૧૫૦ સ્થાનો સરકારી ચોપડે નોંધાયેલાં છે. આ સ્થળે આદિમાનવ યાદ આવતો નથી. અહીં તો ‘કાબૂલીવાલા’ની આબોહવા યાદ આવે. આવી જ ભૂગોળવાળી કાબૂલ-કંદહારની પર્વતમાળાની કલ્પના મન પર છવાઈ જાય. ‘ઐ મેરે પ્યારે વતન તુઝ પે દિલ કુરબાન...’ વાળું ગીત સ્મરણમાં પડઘાવા લાગે. એ પર્વતોને સ્પર્શીને આવતી હવાઓને સલામ કરવાનું મન થઈ આવે. વિશ્રાંતિગૃહ, એને કિનારે ઉગાડેલો બાગ, ચારેકોર ઊભેલા પર્વતો, બધું જ સુંદર હતું, પરંતુ સર્વાધિક સુંદર હતો ભૂરા ભૂરા જળનો હિલ્લોળ. અમે પવન સાથે હરીફાઈ કરતાં તીરવેગે ચાલતી સ્પીડબોટમાં સરોવરમાં મનભર સહેલ કરી. સાંજ ઢળી રહી હતી. થોડે દૂર જ પેરા સેઇલિંગ, હેન્ગ ગ્લાઇડિંગ વગેરે રમતોની સગવડ હતી. મન લલચાતું પણ હતું, પણ અમારી પાસે એ માટે પૂરતો સમય ન હતો. આ પહેલાં મોરેશિયસનો સર્વાંગસુંદર સમુદ્ર અને થાયલૅન્ડમાં કોરલદ્વીપનો નટખટ દરિયો હવામાં ઊડતાં પેરાસેઇલિંગ કરતાં જોયેલો. ત્યારે વળી હવામાં તરતી છત્રીમાં લસરવાના રોમાંચ સાથે નીચેનું સૌંદર્ય માણતાં વૉશિંગ્ટન ડી. સી.માં સ્મિથસોનિયન મ્યુઝિયમમાં જોયેલી પેલી એક ત્રિપરિમાણીય ફિલ્મ યાદ આવેલી – ચંદ્રયાત્રા વખતે ઍપોલોયાનના અવકાશયાત્રીઓ આપણી વહાલી પૃથ્વીની અપ્રતિમ સુંદરતાને કચકડે મઢી, પરત ફરતાં સાથે લઈ આવેલા, તે ફિલ્મ. આજે કલ્પના કરું છું કે વિશાળ ચાર્વાક સરોવરનું ભૂરું જળ અને એને ઘેરીને ઊભેલા પર્વતોના રાતા પડછાયા કેવાં લાગતાં હશે, પંખીની આંખે ને પાંખે? ક્યારેક વાસ્તવ કલ્પનાઓ કરતાં પણ વધારે સુંદર હોય છે. શહેર તરફ પાછાં ફરવાનો સમય અંતે થઈ જ ગયો. રસ્તે છાબડીમાં ફળો સજાવીને વેચતા ભલાભોળા સ્થાનિક લોકો તરફ દોસ્તીનો હાથ ફરકાવતાં અમે પર્વતોની વિદાય લીધી.