રણ તો રેશમ રેશમ/પૂનમની રાતે પરમ સાથેનું તાદાત્મ્ય : પેટ્રા

From Ekatra Wiki
Revision as of 15:29, 18 October 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૨૬) પૂનમની રાતે પરમ સાથેનું તાદાત્મ્ય : પેટ્રા
Ran to Resham 31.jpg

દિવસે પેટ્રા મૂન હોટેલના રૂમની બારીમાંથી એક પુરાણાં નગરની ઝલક દેખાતી હતી. દૂરથી જોતાં તો નાકાબંધ પરિસરમાં ટેકરાળ જમીન વચ્ચે પથ્થરની શિલાઓ માત્ર દેખાતી હતી. હોટેલની બારીમાંથી કે પછી હાઈ-વે પરનાં ઊંચાણ પરથી એ પુરાતન સ્થાન પર નજર નાંખીએ ત્યારે ત્યાં કોતરો અને કંદરાઓ સિવાય બીજું કાંઈ હોઈ શકે, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય. બધું જ જાણે ગોપિત અને અજાણ્યું લાગ્યા કરે. જોર્ડનનું મુખ્ય આકર્ષણ, તે આ પેટ્રાની પુરાતન નગરી. આજે તો તેની ગણના મોખરાની વૈશ્વિક ધરોહરોમાં થાય છે. વર્લ્ડ હેરિટૅજ સાઇટ હોવા ઉપરાંત તે આધુનિક વિશ્વની અજાયબી પણ છે. સાંભળ્યું હતું કે પૂનમની રાતે એ નગરી સજીવ થઈ ઊઠે છે. ચાંદની રાતે એનું સાન્નિધ્ય એક અલભ્ય અનુભવ બની રહે છે. બસ, એ અનુભૂતિની ચાહમાં પેટ્રાની પહેલી મુલાકાત પૂર્ણિમાના ચાંદની સાખે થાય તેવું ગોઠવ્યું હતું. નાનકડા એ ગામ પર રાતનું તિમિર ઝરમરવા લાગ્યું. પૂનમનો ચંદ્ર જરાક મોડો ઊગ્યો હશે તેવું લાગ્યું. ગામને અડીને ઊભેલું એક વેરાન અમારી રાહ જોઈ રહ્યું હતું. ક્યારેય ન જોઈ હોય કે ન સાંભળી હોય તેવી કોઈ ઘટના તરફ અમે ઉતાવળાં પગલે આગળ વધી રહ્યાં હતાં. રાતનો અંધકાર ઓઢીને બેઠેલો એ રસ્તો બુકાનીધારી બહારવટિયા જેવો લાગતો હતો. એ દ્વારમાંથી અમારી સાથે અંદર પ્રવેશનાર પ્રવાસીઓનું એક ટોળું લગભગ દોડતું આગળ વધી ગયું હતું. દ્વારનો તેજલ સીમાડો ઓળંગતાં જ અમારી કેડી એક મેદાનમાં લંબાતી દેખાઈ. ચંદ્ર હવે સાવ ચોખ્ખો દેખાતો હતો. જાણે હાથ લંબાવીને આંબી લેવાય તેટલો નજીક! રૂમઝૂમ વરસતી ચાંદનીમાં રણઝણતી વાટ જાણે કોઈ અગમલોક તરફ લઈ જતી હતી. અડધો એક કિલોમીટર ચાલ્યાં હોઈશું ત્યાં તો દૂર ઝાંખી રોશનીમાં ટમટમતું ગામ અને તેને ઘેરીને ઊભેલી ટેકરીઓ જાણે કોઈ બીજી દુનિયાના મુકામ હોય તેવું લાગવા લાગ્યું. આગળ જતાં મેદાન પથરાળ બનતું જતું હતું. કેડીની બંને તરફ મોટી મોટી પથ્થરની શિલાઓને ચોરસ કે ગોળ ઘાટ આપીને અંદર ગુફાઓ બનાવી હોય તેવું જોઈ શકાતું હતું. ગુફાનાં નાનાં-નાનાં પ્રવેશદ્વારોમાં લપાઈ રહેલો અંધકાર બિહામણો લાગતો હતો. એકાદ કિલોમીટર ચાલ્યાં પછી અમે એક સાંકડી બખોલમાં પ્રવેશ્યાં. આભને આંબતી હોય તેટલી ઊંચી દીવાલ જેવી ભેખડોની વચ્ચે સાંકડી ઊંડી કરાડ હતી. એ કરાડના ઊંડાણમાં સાવ સાંકડી પથ્થરની ફર્શ જડેલી વાટ ઉપર અમારે ચાલવાનું હતું. જરાક વાર પહેલાં હાથવગો લાગતો ચંદ્ર હવે કરાડની ટોચ કૂદીને છેક દૂર છટકી ગયો હોય તેવું લાગ્યું. પેટ્રાની આ પુરાતન નગરીમાં ઇલેક્ટ્રિસિટી નથી. સીક નામે ઓળખાતી આ લાંબી, ઊંડી અને સાંકડી વાટ ઉપર વ્યાપેલો અંધકાર સ્થળને સમયાતીત અનુભૂતિ આપતો હતો. કોતરના સળંગ ઊંડાણમાં બંને તરફ અગાધ ઊંચી ભેખડો વચ્ચે સંકોચાઈને ચાલતી એ કેડીની બંને તરફ દીવડા મૂકેલા હતા. ત્રણ કિલોમીટર દૂરના એક સ્થાન પર સૌએ મળવાનું અને ત્યાં કોઈક કાર્યક્રમ હશે તેવી સૂચના અમને પ્રવેશદ્વાર પર મળી હતી. પેટ્રા બાય નાઇટની ટૂરનાં સૌ પ્રવાસીઓ કાર્યક્રમમાં કાંઈ ચુકાઈ ન જાય તેની ચિંતામાં કે પછી સારી જગ્યા રોકવાની ઉતાવળમાં આગળ નીકળી ગયાં હતાં. અમને ઉતાવળાં ચાલવાનું મન ન થયું. એ કેડી, એને રક્ષતાં પથરીલાં ઊંચાણો નીચે જામેલો અંધકાર, તેની સામે મંદમંદ સ્મિત વેરતા દીવડા અને દૂર ઊંચે કરાડની ટોચ ઉપર અલપ ઝલપ દેખાઈ જતો પૂર્ણચંદ્ર. વાતાવરણ એટલું અનોખું અને અપાર્થિવ હતું કે એની ઉપેક્ષા કરીને દોડતાં આગળ નીકળી જવું શક્ય જ નહોતું. વાતાવરણને માણતાં આશરે બે કિલોમીટર આમ જ ચાલ્યા પછી સાંકડા એ પથનો અંત દેખાયો. બંને તરફની આભઊંચી શિલાઓ અચાનક ઊભી રહીને રસ્તો કરી આપતી હશે, ત્યારે એ વાટ જરાક વંકાઈને એક નાનકડા સમતળ મેદાનમાં ખૂલતી હશે તેવું લાગ્યું. પરંતુ એ તો આપણી ધારણા. બોગદા જેવી એ કરાડનો અંત આવે ત્યાં સુધી આગળની દુનિયાનું રહસ્ય અકબંધ રહે તેવી એની રચના છે. આખરે અમે અગમ્યલોકને ઉંબરે જઈ ઊભાં. સીકની સાંકડી વાટ પૂરી થતાં જ સામે જે દૃશ્ય દેખાયું તે વાચા હરી લે તેટલું અનુપમ હતું. એક નાનકડા સમતળ મેદાનમાં થોડે થોડે અંતરે દીવડા મૂકેલા હતા, જેને કારણે મેદાન જાણે આરતીની તાસક હોય તેવું કે પછી દીવાની અલ્પના જેવું લાગતું હતું. તેની બરાબર સામે પર્વત જેવા પથ્થરમાંથી કોતરી કાઢેલું ભવ્ય મહાલય દેખાતું હતું. દીપમાલાનો ઝાંખો પ્રકાશ અને આભમાંથી ઝરમરતો પૂર્ણચંદ્રનો આલોક એની વિસ્મયકારક ભવ્યતા ઉપર ચાર ચાંદ લગાડી રહ્યો હતો. ધ ટ્રેઝરી તરીકે ઓળખાતા આ કલાત્મક, વિરાટ સ્થાપત્યનો ઇતિહાસ ગૌરવાન્વિત છે, પણ ત્યારે એ સ્થૂળ ઘટનાઓનું કોઈ મહત્ત્વ જ નહોતું. ચાંદની રાતે એની સમક્ષ ઊભા રહેતાં તો એમ જ લાગ્યું છે કે હું સમય પારની કોઈ ક્ષણમાં ઊભી છું. ઇતિહાસ અહીં કોઈ ભૂતકાળની તવારીખ નથી, એ તો વર્તમાનના ખોળિયામાં ધબકી રહેલો એક જીવંત અનુભવ છે. આખા ચોગાનને આવરી લેતી દીવડાઓની રંગોળીની ફરતે પ્રવાસીઓને બેસવા માટે શેતરંજીઓ પાથરેલી હતી. લોકો શાંતિથી બેસીને સામે દેખાતા અદ્ભુત નજારાને તથા એ સ્વપ્નિલ વાતાવરણને હૃદયમાં ઉતારી રહ્યાં હતાં. અહીં ચાંદની રાતે મૌન બેસી રહેવાનો મહિમા છે. થોડી વાર પછી એક સ્થાનિક કલાકારે કી-બોર્ડ પર શાંત-સુરીલી ધુન વગાડવા માંડી. એ સંગીતના સ્વર વાતાવરણ સાથે સુસંગત હતા. સંગીતની સુરાવલી સાથે કલાકાર બોલી રહ્યો હતો. અપાર્થિવ શાંતિમાં તમારા મનને શાંત કરી દો, પછી ઊંચે આકાશ તરફ જુઓ. ઉપર દેખાતા આભના એ નાનકડા ટુકડામાં ટમટમતા નક્ષત્રને નિહાળતાં તમારા હૃદયના તાર આખાય બ્રહ્માંડ સાથે જોડવાનો પ્રયત્ન કરો. આ સ્થાન આખાય વિશ્વ સાથે, કહો કે, સારાય બ્રહ્માંડ સાથે અનુબંધિત છે. સંગીતની સુરાવલી થંભી ગઈ. સંગીત વાગતું હતું તે દરમિયાન સૌને પીરસવામાં આવેલી મધમીઠી જોર્ડેનિયન ચા પીવાઈ ચૂકી હતી. પેટ્રાના એ મહાલય ઉપર હળવેકથી રોશની થવા લાગી. પળભર માટે તેનો આતમદીપ પ્રગટી ઊઠ્યો જાણે! મૌનની સઘન અનુભૂતિમાં હયાતીનો ભાર ઉતારી પરમતત્ત્વ સાથે એકાકાર થઈ જવાયું. પારદર્શક બની રહેલો સમય જાણે પોતાના મનમાં ગોપવી રાખેલાં સ્મરણોનો ખજાનો ખોલીને બેઠો હતો! ચંદ્ર પર્વત જેવી શિલાની પાછળ ચાલ્યો ગયો હતો. ચારે કોર ડુંગર જેવડી ઊંચી શિલાઓના ઘેરાને લીધે સાવ નાનું લાગતું આકાશ અનંતમાં ખૂલતું કોઈ દ્વાર હોય તેવું લાગ્યું. મન સહજ જ લાખો પ્રકાશવર્ષ દૂરના અવકાશ સાથે ઓતપ્રોત થઈ ગયું. ધરતીના પાતાળમાં છુપાયેલ હોય તેવા પૃથ્વીના છાના ખૂણે અસીમ શાંતિનો અને અસ્તિત્વમુક્તિનો અનુભવ થઈ રહ્યો હતો. આપણું આ વિશ્વ કેટલું સુંદર છે અને જીવન કેટલું જીવવાલાયક! તેનો અહેસાસ મનને સભરતાથી છલકાવી રહ્યો હતો.