ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/વિનાયક નંદશંકર મહેતા

From Ekatra Wiki
Revision as of 16:47, 21 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિનાયક નંદશંકર મહેતા

જીવનભરની રાજપ્રકરણી કારકીર્દીમાં પણ સાહિત્ય અને સંસ્કારપ્રેમને સદા જાગ્રત રાખનાર અને ઉત્તર ભારતમાં વિદ્વાન ગુજરાતી રાજપુરુષ તરીકે જાણીતા વિનાયકભાઇનો જન્મ, ગુજરાતી પ્રથમ ગદ્યનવલ ‘કરણઘેલા’ના કર્તા રાવબહાદુર નંદશંકર તુલજાશંકર મહેતાને ત્યાં, સુરતની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં, ઈ.સ.૧૮૮૩ના જૂનની 3જી તારીખે માંડવી (કચ્છ) મુકામે થયો હતો. એમનાં માતાનું નામ નંદગૌરી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા તેમજ સુરત બંને સ્થળે લીધા બાદ ઉચ્ચ શિક્ષણ તેમણે મુંબઈમાં અને ત્યારપછી કેમ્બ્રિજમાં તથા લંડનમાં લીધું. એમનું સમગ્ર વિદ્યાર્થીજીવન ઉજજવલ હતું. યુનિવર્સિટીનાં પરિણામોમાં તેમનું નામ હંમેશાં મોખરે રહેતું, અને જેમ્સ ટેલર પ્રાઈઝ, નારાયણ વાસુદેવ પ્રાઈઝ, ધીરજલાલ મથુરાદાસ રકૉલરશિપ, એલિસ સ્કૉલરશિપ, અને કૉબ્ડન ક્લબ મેડલ આદિ ઈનામો, શિષ્યવૃત્તિઓ ને ચન્દ્રક તેમણે મેળવ્યાં હતાં. બી.એ.ની પરીક્ષામાં પહેલા વર્ગમાં આવી તેઓ આઈ. સી. એસ. થવા ઈંગ્લંડ ગયા અને ત્યાંની પહેલી જ હરીફાઈમાં ઉત્તીર્ણ થયા. ગુજરાતી હિન્દુઓમાં તેઓ સૌથી પહેલા સિવિલિયન હતા. ઈ.સ.૧૯૦૬માં વિલાયતથી આવ્યા કે તરત સંયુક્ત પ્રાંતો (યુ.પી.)માં અલાહાબાદમાં તેમની નિમણુક થઈ અને એ સિવિલ સર્વિસમાં ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધી તેઓ અલાહાબાદ, લખનૌ, કાશી વગેરે મોટાં સ્થળોના કમિશનરના પદે પહોંચેલા. સૌથી પહેલા હિંદી ડિરેક્ટર ઑફ ઈન્ડસ્ટ્રીઝ પણ તેઓ જ થએલા, વચ્ચે કાશ્મીરમાં ૧૯૩૨ થી ૩૫ સુધી મહેસુલી પ્રધાન તરીકે અને ૧૯૩૭-૩૮માં એક વર્ષ બિકાનેરના મુખ્ય પ્રધાન તરીકે કામગીરી બજાવી તેઓ યુ. પી.માં બોર્ડ ઑફ રેવન્યુના સિનિયર મેમ્બર થયા હતા. સરકારી નોકર છતાં જ્વલંત રાષ્ટ્રપ્રેમને લીધે તેઓએ કૉંગ્રેસ સરકારના અમલ દરમ્યાન તે વખતના પ્રધાનમંડળની ખૂબ પ્રીતિ અને વિશ્વાસ સંપાદન કરેલાં. એમનું લગ્ન શ્રી. ઈરાવતી મહેતા સાથે ઈ.સ.૧૯૦૭માં સુરતમાં થએલું. એમને એક પુત્ર- કુમારિલ મહેતા બૅરિસ્ટર-એટ-લો અને ચાર પુત્રીઓ સૌ. પૂર્ણિમા, સૌ. પ્રેમલતા, સૌ. નન્દિની અને સૌ. અમરગંગા છે. વિદ્વાન પિતાના પુત્ર હોવાથી જન્મથી જ સંસ્કારપ્રચૂર વાતાવરણમાં ઊછરેલા અને સાહિત્યરસ_ગળથૂથીમાં જ પીધેલો. સંસ્કૃત સાહિત્યના તેઓ સારા અભ્યાસી હતા, અને ઉર્દૂ પણ તેઓ બહુ જ સરસ બોલી-લખી જાણતા. જર્મન ભાષા અને સાહિત્ય ઉપર પણ તેમને ખૂબ ભાવ હતો. કાશી બાજુએ તો તેમની એક પંડિત તરીકે જ ખ્યાતિ હતી. એ ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ગ્રામસુધાર અને સહાયકારી લેણદેણ જેવા એમના રાજકીય કર્તવ્યક્ષેત્રના વિષયોમાં પણ એમનો ઊંડો અભ્યાસ હતો. પોતાના પ્રવૃત્તિમય જીવનને લીધે ગુજરાતી સાહિત્યને તેઓ બહુ આપી શક્યા નહિ, પણ એમણે લખેલું એમના પિતાનું ચરિત્ર “નંદશંકર જીવનચિત્ર' આજે ગુજરાતી ચરિત્રગ્રથોમાં અનોખું સ્થાન ધરાવે છે. એ પછી ‘કો જાગરી' નામનું એક નાનું નાટક પણ એમણે લખેલું છે. આ ઉપરાંત અંગ્રેજી દૈનિક તેમજ સામયિક પત્રોમાં સાહિત્ય, પુરાતત્ત્વ, રાજકારણ, ગ્રામોદ્વાર આદિ વિવિધ વિષયો પર છૂટક લેખો તેઓ લખ્યા જ કરતા. જે અલાહાબાદમાં એમણે સરકારી નોકરીનો પ્રારંભ કર્યો ત્યાં જ ઇ.સ.૧૯૪૦ના જાન્યુઆરીની ૨૮મી તારીખે અચાનક કામ કરતાં કરતાં હૃદય બંધ પડવાથી એમનું અવસાન થયું. એમની કૃતિઓ: “નંદશંકર જીવનચિત્ર” (ઈ.સ.૧૯૨૨), “કો જાગરી” (નાટક), “ગ્રામોદ્ધાર.”

***