ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/શ્રી વિજયકેસર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્રી વિજયકેસર સૂરિ

સ્વ. આચાર્યશ્રી વિજયકેસર સૂરિ શ્વેતામ્બર મૂ. પૂ. સંપ્રદાયના સાધુવર્ય હતા. તેમનો જન્મ પાળીયાદ ગામમાં વિ.સંવત ૧૯૩૩માં થયો હતો. તેમનું સંસારનું નામ કેશવજી હતું, પિતાનું નામ માધવજી હતું અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. તે ન્યાતે વીશાશ્રીમાળી જૈન હતા. માતાપિતાના અવસાન પછી સંવત ૧૯૫૦માં કેશવજીભાઈએ વડોદરામાં આચાર્યશ્રી વિજયકમળસૂરિની પાસે સત્તર વર્ષની વયે જૈન સાધુત્વ અંગીકાર કર્યું હતું ઉત્તરોત્તર ગણી પદવી, પન્યાસ પદવી અને સં.૧૯૮૩માં આચાર્ય પદવી સુધી ચડીને શ્રી. વિજયકેસર સૂરિ સં.૧૯૮૬માં સ્વર્ગવાસી થયા હતા. અવસાનસમયે તેમનો શિષ્ય-શિષ્યાપરિવાર ૧૧૦ સાધુસાધ્વીઓનો હતો. તેમના હસ્તે કેટલીક પાઠશાળાઓ અને હુન્નરશાળાઓ સ્થપાઈ હતી. શ્રી. વિજયકેસર સૂરિએ સંસારી જીવનમાં શાળાએ બેસીને માત્ર ૬ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને પિતા વેપારી હોવાથી વેપારનો જ વ્યવસાય તેમની સામે ઊભો હતો; પરન્તુ દીક્ષા લેવાની સ્ફુરણા થઇ ત્યારથી તેમનું ચિત્ત જુદા જ અભ્યાસ તરફ વળી ગયું હતું. યોગ અને તત્ત્વજ્ઞાનમાં તેમનો રસ વધવા લાગ્યો હતો. પોતે યોગના સારા અભ્યાસી અને યોગવિશારદ પણ હતા. જૈન સાધુ તરીકે તેમણે બીજી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત જે સાહિત્યસેવા કરી હતી તે મુખ્યત્વે યોગ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોની રચનાની જ હતી. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાના તે સારા જ્ઞાતા હતા. તેમણે લખેલાં પુસ્તકોમાંથી મહત્ત્વનાં નામો નીચે મુજબ છે:

દશવૈકાલિક સૂત્રનું ભાષાંતર (સં. ૧૯૬૦)
પ્રબોધચિંતામણિ (સં. ૧૯૬૨)
મલયસુંદરી ચરિત્ર (સં. ૧૯૬૪)
યોગશાસ્ત્ર (સં. ૧૯૬૩)
સુદર્શના ચરિત્ર (સં. ૧૯૬૯)
ગૃહસ્થધર્મ (સં. ૧૯૭૦)
નીતિમય જીવન (સં. ૧૯૭૦)
ધ્યાનદીપિકા (સં. ૧૯૭૧)
શાંતિનો માર્ગ (સં. ૧૯૭૬)
આત્મજ્ઞાનપ્રવેશિકા (સં. ૧૯૭૭)
આત્મવિશુદ્ધિ (સં. ૧૯૮૧)
મહાવીર તત્ત્વપ્રકાશ (સં. ૧૯૮૨)
આનંદ અને પ્રભુ મહાવીર (સં. ૧૯૮૩)
આત્માનો વિકાસ અથવા મહામોહપરાજય (સં. ૧૯૮૫)

***