ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રૉફ

From Ekatra Wiki
Revision as of 17:07, 21 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફ

પૂર્વ તેમજ પશ્ચિમની ફિલ્સૂફીઓના ઊંડા અભ્યાસી, સમર્થ પંડિત અને વેદાન્તવિદ્ એવા આ વિદ્વાન ગુજરાતીનો જન્મ પેટલાદમાં, વીશા લાડ વણિક કોમમાં, ઈ.સ.૧૮૬૭માં થયો હતો. એમના પિતાનું નામ તો નરોત્તમદાસ હતું, પણ ફોઈને ત્યાં દત્તક થવાથી એમના પિતાના નામને બદલે એમના ફુવાનું નામ વ્રજભૂખણદાસ લખાતું. એમનાં માતાનું નામ ગંગાબાઇ. પ્રાથમિક શિક્ષણ પેટલાદમાં લઈ તે વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા અને ત્યાં એલિ-સ્ટન હાઈસ્કુલમાંથી મેટ્રિક અને એલિફન્સ્ટન કૉલેજમાંથી બી.એ થયા. ત્યારબાદ એમ. એ.નો અભ્યાસ કર્યો, પણ એમ. એ.ની પરીક્ષામા બેઠા ત્યારે તત્ત્વજ્ઞાનના સંસ્કૃતના પરીક્ષક સાથે એક પ્રશ્નપત્રમાં કોઈ સિદ્ધાન્તની બાબતમાં પરીક્ષાના હૉલમાં જ તકરાર થવાથી એ પરીક્ષા આપ્યા વિના જ હૉલ છોડીને ચાલી નીકળ્યા. ડિગ્રી માટે એમને મોહ ન હતો, અને પોતે ગર્ભશ્રીમંત કુટુંબના હોઈ કમાવાની ચિંતા નહોતી; વિદ્યાનો શૉખ એટલો બધો હતો કે બી. એ. પાસ થયા પછી અગિયાર વર્ષ સુધી રોજ તેઓ પ્રિન્સિપાલની અનુમતિ લઈને એફિન્સ્ટન તેમજ ડેક્કન કૉલેજમાં બી. એ. તથા એમ. એ.ના વર્ગમાં ફીલસૂફી અને ઇતિહાસનાં વ્યાખ્યાનો સાંભળવા જતા. પ્રિ. કૉવર્ન્ટન અને પ્રિ. શાર્પના એ પ્રિય વિદ્યાર્થી હતા. શાંકર વેદાંત એમનો અભ્યાસનો મુખ્ય અને પ્રિય વિષય હતો, અને તેનો અભ્યાસ એમનો એટલો ઊંડો હતો કે પ્રિ. શાર્પને પણ ઘણી વાર એ વિષયમાં ગૂંચ પડતી ત્યારે એમનો મત પૂછતા. આખું શાંકર ભાષ્ય એમને કંઠે હતું. એ ઉપરાંત પંચદશી, અદ્વૈતસિદ્ધિ, ચિત્સુખી આદિ વેદાન્તના આકર ગ્રંથોનો એમણે સારો અભ્યાસ કર્યો હતો. અંગ્રેજી તેમજ સંસ્કૃત તત્ત્વજ્ઞાનના એ સમર્થ પંડિત હતા તેમજ રસાલંકાર આદિ સાહિત્યશાસ્ત્રનું પણ એમનું જ્ઞાન તલસ્પર્શી હતું. આ બધું જ્ઞાન એમણે એકલા વાચનથી નહિ, પણ તે સાથે પ્રાચીન શૈલી મુજબ વિદ્વાન સંન્યાસીઓ અને પંડિતો પાસે લગભગ દસ વર્ષ સુધી બેસી ગુરુમુખ અભ્યાસ કરીને મેળવ્યુ હતું. ભારતમા પં. ગટુલાલજી ઉપર એમને ખૂબ પ્રેમ હતો અને એમના નામસ્મરણમાં પોતે કાઢેલા ‘પં. ગટુલાલ હરિહર પુસ્તકાલય'માં દસેક હજાર રૂપિયાની કિંમતનાં બહુમૂલ્ય ગ્રંથો એકઠા કર્યા હતા, જે આખું પુસ્તકાલય એમણે પોતાના વતન પેટલાદની સાર્વજનિક લાયબ્રેરીને બક્ષિશ કરી દીધું છે. નોકરી ન કરવાની એમની પ્રતિજ્ઞા હતી, પણ થોડો વખત મુંબઈમાં સખારામ મંછારામવાળા શેઠ ચુનીલાલને ત્યાં સેક્રેટરી તરીકે એમણે કામ કર્યું હતું. ત્યારબાદ વડોદરામાં સયાજી હાઈસ્કૂલ નીકળી ત્યારે ૧૯૦૮માં તેના પ્રિન્સિપાલ તરીકે પોતાના પેટલાદના મિત્રોના અત્યાગ્રહથી આવ્યા અને અવસાનપર્યંત તે સ્થળે રહ્યા. વચ્ચે ૧૯૧૭-૧૮ના અમદાવાદ અને નવસારીમાં હેડમાસ્તર તરીકે જઈ આવ્યા હતા. તેઓ નિપુણ શિક્ષક અને અદ્ભુત વક્તા હતા. ઈ.સ.૧૮૯૨માં પેટલાદમાં માણેકબહેન સાથે એમનું લગ્ન થએલું. એમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ થયાં છે એ સૌમાંથી હાલ એક પુત્ર કાંતિલાલ ૩૦ વર્ષની વયના છે અને ગાયકવાડ રેલવેમાં નોકરી કરે છે. ઈ.સ.૧૯૩૦ના મે માસની ૩૦મી તારીખે પેટલાદમાં એમનું અવસાન થયું. ત્યારપછી 'પ્રસ્થાન' માસિકમાં, ‘ગુજરાતી' સાપ્તાહિકમાં, તેમજ 'મુંબઈ સમાચાર' દૈનિકમાં એમના જીવનવિષયક ત્રણેક વિસ્તૃત લેખો છપાયા છે. એમના સ્મરણમાં ઈ.સ.૧૯૭૫માં એમના શિષ્ય શ્રી નાનાલાલ શાહ એમ. એ.એ વડોદરામાં ‘એચ. વી. શ્રોફ મેમોરિયલ હાઈસ્કૂલ' કાઢી છે. સદ્ગતે પોતાના ઘરમાં પોતાના વાચન અને અભ્યાસ માટે સંઘરેલાં અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતનાં લગભગ બેત્રણ હજારની કિંમતનાં પુસ્તકોનો જે સંગ્રહ કરેલો તે તેમના પુત્રોએ મજકૂર હાઈસ્કૂલને ભેટ કર્યો છે. Wildon Carrના "Problem of Truth" ઉપરથી ‘સત્યાર્થ મીમાંસા' નામે એમણે સ્વતંત્ર અનુવાદ કરેલો છે એ એમનો એક માત્ર ગ્રન્થ છે. પરન્તુ એમણે વેદાન્ત, ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપર છૂટક લેખો સંખ્યાબંધ લખ્યા છે. 'ગુજરાતી' પત્રના પ્રત્યેક દીવાળી અંકમાં તેમનો એક અભ્યાસપૂર્ણ લેખ નિયમિત આવતો. આ ઉપરાંત ‘નવલગ્રન્થાવલિ,' 'ગીતગોવિંદ, ’સંસ્કૃત સાહિત્યકથાઓ-૧'વગેરે પુસ્તકોની પ્રસ્તાવનાઓ એમણે લખેલી છે.

***